ઐસી દિવાલી દેખી નહીં કહીં

11 November, 2023 07:05 PM IST  |  Mumbai | Rajul Bhanushali

દિવાળીનો દબદબો હવે દેખાડાનો અને શૉર્ટકટમાં કામ પતાવવા પૂરતો મર્યાદિત થતો જાય છે ત્યારે કેટલીક વડીલ બહેનો પરંપરાગત દિવાળીની ઉજવણીઓ કઈ રીતે કરતાં અને કેવા-કેવા રિવાજો હતા એની ચર્ચા કરે છે

ઐસી દિવાલી દેખી નહીં કહીં

આજે ઘણા લોકોએ મૂકી દીધી છે. મારે બે દીકરીઓ છે. ગોત્રજ કરવી એટલે માતાજીને ઘરે તેડાવવાં અને જો દીકરો ન હોય તો માતાજીને ઘરે ન બોલાવી શકાય? હું આજની તારીખે પણ ગોત્રજ કરું છું. - ઉષાબહેન શાહ

દરેક પર્વ સાથે ખાસ પરંપરાઓ સંકળાયેલી છે, જોકે હવે જૂની પરંપરાઓ ભુલાઈ રહી છે ત્યારે આ વડીલો હજીયે એને જાળવવા મથી રહ્યા છે.

‘૧૪૭ જણને દિવાળી વિશ કરી. એક મોટું કામ પત્યું.’

‘તારી પાસે કોઈ દિવાળીનો સરસ મેસેજ આવ્યો છે? હોય તો ફૉર્વર્ડ કરને. મારે બધાને વિશ કરવું છે.’

‘રાતના બાર વાગે કે મેસેજ સેન્ડ કરી જ દેવાના. કાકાના મોબાઇલમાં સૌથી પહેલો મેસેજ તો મારો જ પહોંચવો જોઈએ.’

lll

આવા સંવાદો આજકાલ દરેક ઘરમાં સાંભળવા મળી જાય. ઇન્ટરનેટના જમાનામાં હવે મોટે ભાગે દિવાળી આવી રીતે જ ઊજવાય છે. સો-સવાસો જણને હૅપી દિવાલી અને પ્રોસ્પેરસ ન્યુ યરનો મેસેજ ફૉર્વર્ડ કરીને આજની જનરેશન કેટલા બધા લોકોને વિશ કર્યું એ વિચારીને દિવાળી ઊજવી લીધી હોવાના ભ્રમમાં રાચે છે, પરંતુ તહેવારની ઉજવણી આને નથી કહેવાતી. અમુક દાયકા પહેલાં દિવાળી આવી નહોતી. પોતાના જીવનની એ પરંપરાગત દિવાળી જેનું રિચ્યુઅલ સાવ અલગ હતું અને આજે એ રિચ્યુઅલ સાવ ભુલાઈ ગયું છે એવી વાત કરે છે મુંબઈના કેટલાક ગુજરાતીઓ. આવો તેમને મળીએ.

૧૫ કિલો મઠરી બનતી
કાંદિવલીમાં રહેતાં ૮૬ વર્ષનાં કુંદનબહેન કાંતિલાલ ઠકરાર પોતે ઊજવેલી પરંપરાગત દિવાળીઓ યાદ કરે છે. તેઓ કહે છે, ‘અમારા સમયમાં અગાઉ અમે પાંચ-સવાપાંચ વાગ્યે હજી ઊઠીને તૈયાર થઈએ એ પહેલાં તો દેરદેરાણી, નણંદનાં દીકરી-જમાઈ, દીકરા-વહુ બધાં જ પગે લાગવા આવી પહોંચતાં. ને વળી એ સીધાં અમારા ઘરે ન આવ્યાં હોય, મહાલક્ષ્મી મંદિરથી દર્શન કરતાં આવ્યાં હોય. એ જમાનામાં હું ૧૫ કિલોની મઠરી બનાવીને રાખતી. મકાઈનો ચેવડો અને બીજાં બધાં ફરસાણ તો વળી જુદાં. બેસતા વર્ષના દિવસે ઘરે ૧૦૦થી વધુ સમોસા બનતા તોય પૂરા ન થતા. રાતના દસેક વાગ્યા સુધી જો મહેમાન આવે તો તેમને પૂરી અને રસાવાળું ટમેટા-બટેટાનું શાક જમાડીને જ મોકલવા એવો નિયમ હતો. ઘરે આવેલું કોઈ ભૂખ્યું પાછું ન જાય. ત્યારે ઉંમર નાની હતી. દીકરીઓ સાથ આપતી, કામ કરાવતી. આજે તો કોઈને કશું જ કરવું નથી. લોકો હૅપી દિવાલીના મેસેજ મોબાઇલમાં મોકલીને દિવાળી ઊજવી લે છે. મોબાઇલે દાટ વાળ્યો છે.’
નાનાં હતાં ત્યારે કુંદનબહેન ભુલેશ્વરની ગોપાલવાડીમાં રહેતાં. એ જમાનામાં ફેરિયા રેંકડી પર દિવાળી કાર્ડ વેચવા આવતા. કુંદનબહેન કહે છે, ‘અમે એ રેંકડીવાળા પાસેથી દિવાળીનાં કાર્ડ ખરીદતા અને દૂર રહેતાં સગાંસંબંધીઓને આઠ-દસ દિવસ પહેલાંથી જ રવાના કરી દેતા. બેસતા વર્ષે અમારા ઘરે ઊંધિયું અને પૂરણપોળી બનતાં. દિવાળીના દિવસે મગદાળનો શીરો અને દહીંવડાં અને ભાઈબીજના દિવસે પીળી ખીચડી અને પીળી કઢી બનાવવાનો રિવાજ હતો. આજે હવે બધું જ બદલાઈ ગયું છે. અગાઉ અમે રહેતાં એની બાજુમાં મારવાડીની પેઢી હતી. એક વખત એ મારવાડી ભાઈએ મને હૅપી દિવાલી વિશ કર્યું. જમવાનો સમય હતો. મેં આમંત્રણ આપ્યું. તેઓ અંદર આવ્યા અને પાછા દોડીને બહાર ગયા. તેમણે પોતાના બે ભાઈઓને બૂમ પાડી કે આવો અહીં શીરો અને દહીંવડાં છે. એ બે ભાઈઓ પણ આવ્યા અને અમારી સાથે જમ્યા. ત્યાર બાદ જ્યાં સુધી અમે ત્યાં રહ્યાં ત્યાં સુધી  દિવાળીના દિવસે આ ત્રણેય મારવાડી ભાઈઓ અમારા ઘરે જમ્યા. અગાઉ પાડોશીઓ વચ્ચે પણ આવો પ્રેમ હતો. હવે તો મોબાઇલના જમાનામાં પાડોશીઓ વચ્ચે તો ઠીક, ઘરના સભ્યો વચ્ચે પણ આવો પ્રેમ રહ્યો નથી. અમે રંગોળી પણ બહુ જ ઉત્સાહથી બનાવતાં. હવે તો નીચે બેસી શકતી નથી. બેસતા વર્ષે લારી પર શુકન સ્વરૂપે મીઠું વેચવા આવતા. એ ખરીદતા. એક પડીકીના બે રૂપિયા દેવા પડે. શેરીમાં ‘સબરસ લઈ લો’ની બૂમ પડતી. સાચું પૂછો તો ટીવી આવ્યું એ ભેગું પરિવર્તન શરૂ થઈ ગયું હતું. લોકો ટીવી સામે ખોડાઈને બેસી રહેવા લાગ્યા અને હળવામળવાનું ઓછું થતું ગયું અને મોબાઇલે સાવ બંધ કરાવી દીધું. હવે તહેવારોમાં રોનક નામની કોઈ ચીજ જ નથી રહી. અગાઉ એકબીજાના ઘરે જતા ત્યારે ઘરે બનેલી વસ્તુઓ લઈને જતાં. પછી ડ્રાયફ્રૂટનાં પૅકેટ આવ્યાં ને હવે તો ચૉકલેટ અને કુકીઝ આવે છે. કાળીચૌદશના દિવસે ઘરમાં ઝાડુ કાઢીને સંજવારી ફેંકવા ચાર રસ્તે જવાનું રહેતું. મા કાયમ મને મોકલતી. સાંજે વડાં બનતાં, જે ચાર દિશામાં ફેંકવાની પ્રથા હતી. સાથે કળશિયામાં પાણી લઈ જવાનું અને ત્યાં ઢોળી નાખવાનું. હવે સ્મૃતિ ઝાંખી થવા લાગી છે છતાં ક્યારેક આ બધું યાદ આવતું રહે છે.’

ઘરે ગલકાનાં ભજિયાં
આવી જ વાત કાંદિવલીમાં રહેતાં ૮૨ વર્ષનાં રમા કિશોર જાની કરે છે. તેઓ કહે છે, ‘એ જમાનાની વાત અલગ હતી. સાધનો ટાંચાં હતાં. ભૌતિક સુખસગવડમાં કશું ન હોય તોય આનંદ હતો. બાપુજી તાકો લઈ આવતા. બધા માટે એ તાકામાંથી કપડાં બનતાં. વહેલી સવારે નાહીધોઈ મંદિરે દર્શન કરી વડીલોના આશીર્વાદ લેવામાં આવતા. આશીર્વાદ સાથે આઠ આના કે રૂપિયો મળતો. અમે સગડી પર નાસ્તા બનાવતાં. વાસણો પિત્તળનાં રહેતાં. ઘરની બધી જ સ્ત્રીઓ હળીમળીને કામ કરે ત્યારે મજા પણ આવતી. ઘૂઘરા બનતા ત્યારે એક લોટ બાંધે, બીજી વણે, ત્રીજી પૂરણ ભરે અને ચોથી તળે. કોઈનો ઉત્સાહ મંદ પડતો નહીં. ધનતેરસે પૂજા થઈ ગયા પછી ભોગ લગાવાતો. શ્રીસૂક્તના પાઠ થતા અને ત્યાર બાદ ઘરમાં બનનાર નાસ્તા સૌ ખાતા. મારે સાસરામાં બેસતા વર્ષના દિવસે સમોસા બનાવવાનો રિવાજ હતો. એ બટેટા બાફીને નહીં પણ તળીને બનાવવાના. પિયરિયાના ઘરે ગલકાનાં ભજિયાં બનાવવાનો રિવાજ હતો. કાળીચૌદશના વળી વડાં બનતાં, દિવાળીના લાપસી. વડાં અને તેલ હનુમાનને ચડાવવાનાં, પછી પ્રસાદ ખાવાનો. બેસતા વર્ષના દિવસે પૂરણપોળી અચૂક બનતી. હવે તો આ બધું ભુલાતું ચાલ્યું છે.’

શકનનું સબરસ
૭૮ વર્ષનાં જ્યોતિ નીતિન ભટ્ટને રંગોળી બનાવવી ખૂબ જ ગમે છે. તેઓ કહે છે, ‘અગિયારસથી રંગોળી, તોરણ, દીવા થતાં. અગિયારસના દિવસે અમે ગાય બનાવતાં, બારસના વાઘ, ધનતેરસના  લક્ષ્મીની રંગોળી બનાવતા.  હવે તો  બજારમાંથી તૈયાર સ્ટ‌િકર લાવીને ચોંટાડી દેવાય છે. બૅટરીનાં કોડિયાં આવી ગયાં છે. પહેલાં અમે ગ્લાસમાં કલરવાળું પાણી ભરીને દીવા કરતાં. ઢગલાબંધ નાસ્તા બનતા, પરંતુ લક્ષ્મીપૂજનમાં થાળ ધરાવાતો પછી ખવાતા. કાળીચૌદશે સુગંધી તેલથી માલિશ કરાવવાનો રિવાજ હતો. અમે ૪ વાગ્યે ઊઠી જતાં પછી સુગંધી તેલથી માલિશ કરતાં, માથું ધોતાં. અડદની દાળનાં વડાં બનાવતાં અને ચોકઠા પર મૂકી આવતાં. હનુમાનજીનાં દર્શને જતા. બેસતા વર્ષના દિવસે સવારથી જ કરિયાણાવાળા શકનનો સામાન પહોંચાડવા દોડાદોડી કરતા. એમાં નારિયેળ, કંકુ, મગ, ચોખા અને મીઠું રહેતાં. લોકો શકનનું સબરસ ખરીદતા. હવે બધું જ લિમિટ પણ થઈ ગયું છે. અમારે સસરાના વખતનો લક્ષ્મીપૂજનના જૂના સિક્કાનો આખો ડબ્બો ભરેલો છે. દર વર્ષે નવો સિક્કો ઉમેરીને પૂજા કરવાની. અગિયારસથી લાભ પાંચમ સુધીના દિવસો મોટા કહેવાય. એ દિવસોમાં ખીચડી બનવા પર પ્રતિબંધ લાગી જતો. નવું માટલું અને નવું ઝાડુ લવાતું. હવે એવું કશું નથી. હશે, પરિવર્તન જગતનો નિયમ છે અને એને સ્વીકાર કરે છૂટકો.’

માતાજીની ગોત્રજ
પાર્લામાં રહેતાં ૭૬ વર્ષનાં ઉષા શાહના વિચારો તદ્દન જુદા છે. તેમનું કહેવું છે કે બધું ભુલાતું જાય છે એવી ફરિયાદ કર્યે રાખવાથી કશું વળવાનું નથી. પોતાની વાતને ક્લિયર કરતાં તેઓ કહે છે, ‘આ પરંપરાઓ આપણે આગલી પેઢીઓને આપવાની છે અને તેઓ પોતાની આગલી પેઢીને આપશે. હું બહુ સરસ રંગોળી બનાવતી. જોકે હવે નીચે બેસી શકાતું નથી એટલે કાગળ પર બનાવું. ખાસ કરીને કલકત્તાની અલ્પનાની રંગોળી. કોઈ દિવસ પેઇન્ટ કરેલી રંગોળી બનાવું અને છોકરીઓને ફોટો મોકલું અને કહું કે તમારી રંગોળીનો ફોટો મોકલજો. એટલે એ લોકો બનાવે કે મમ્મીને ફોટો મોકલવાનો છે. એ જ રીતે નાસ્તાનું પણ. હજી તંદુરસ્ત છું. છોકરીઓને કીધે રાખું કે ઘરના નાસ્તા બનાવો તો મોકલજો. આવા આઇડિયાથી કામ લેવું પડે છે. એ લોકો બનાવશે તો એમના એ છોકરાઓ ખાશે અને પછી છોકરાઓ પણ આગળ જઈને બનાવશે. અમે માતાજીની ગોત્રજ કરીએ. આજે ઘણા લોકોએ મૂકી દીધી છે. મારે બે દીકરીઓ છે. મારાં સાસુએ મને કહ્યું હતું કે હવે તું છોડી દઈશ તો ચાલશે. દેરાણીને કહ્યું કે તારે કરવું પડશે, કારણ કે તારે દીકરો છે. પણ મેં નથી મૂક્યું. ગોત્રજ કરવી એટલે માતાજીને ઘરે તેડાવવાં અને જો દીકરો ન હોય તો માતાજીને ઘરે ન બોલાવી શકાય? હું આજની તારીખે પણ ગોત્રજ કરું છું. એ મારી મા છે એટલે તેને બોલાવું છું. અગાઉ બેસતા વર્ષના દિવસે ત્રણ વાગ્યે ઊઠીને નાહ્યાધોયા પછી સાસુ મને આળસ કાઢવાનું કહેતાં. બિલ્ડિંગની આજુબાજુ થાળી વગાડતાં જવાનું અને ‘આળસ જાય, લક્ષ્મી આવે’ એવું બોલતાં જવાનું. પિયરમાં આવો કશો રિવાજ નહીં, શરૂઆતમાં શરમ આવતી, પણ સાસુ કહે એટલે કરવું જ પડે અને હું કરતી. હવે જોકે બિલ્ડિંગની આજુબાજુ નથી કરતી, પરંતુ આખા ઘરનાં બધાં જ બારીબારણાં ખુલ્લાં મૂકીને પછી થાળી વગાડું અને કહું, આળસ જાય, લક્ષ્મી આવે.’

diwali festivals columnists