ઇસ દિવાલી ઝરા હટકે રંગોલી

10 November, 2023 03:35 PM IST  |  Mumbai | Heena Patel

શુભ પ્રસંગે અથવા તહેવારોમાં રંગોળી કાઢવાની પરંપરા આમ તો વર્ષોથી ચાલતી આવે છે, પણ સમય સાથે રંગોળીનાં રૂપ બદલાયાં છે. આજના સમયમાં કેવા-કેવા પ્રકાર અને ડિઝાઇનની રંગોળી ચાલે છે એ બહેનો પાસેથી જાણીએ

ઇસ દિવાલી ઝરા હટકે રંગોલી

દિવાળી આવે એટલે ઘરની બહાર બહેનો રંગોળી ન બનાવે એવું બને? કોઈ પણ તહેવાર કે શુભ કાર્ય હોય ત્યારે ઘરની બહાર રંગોળી કાઢવામાં આવે છે. કહેવાય છે કે મા લક્ષ્મીના ઘરમાં આગમન માટે બહાર રંગોળી કાઢવાનું શુભ માનવામાં આવે છે. લોકમાન્યતા મુજબ ભગવાન રામ ૧૪ વર્ષના વનવાસ બાદ પરત ફર્યા ત્યારે તેમના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ ઘરની બહાર રંગોળી કાઢી હતી. પ્રાચીન સમયમાં અનાજ અને ફૂલોથી રંગોળી બનાવવામાં આવતી હતી. બદલાતા સમય સાથે રંગોથી રંગોળી બનાવવાનું શરૂ થયું. હવે રંગોની સાથે લીંપણ આર્ટ, ક્રાફ્ટ પેપર, મંડલા આર્ટ, ફ્લોટિંગ રંગોળીઓ બનવા લાગી છે. 

અમારા ફ્લોર પર દર વર્ષે હું થીમ બેઝ્ડ રંગોળી બનાવું: હર્ષા મહેતા 
મુલુંડમાં રહેતાં ૪૫ વર્ષનાં હર્ષા મહેતાની ખાસિયત થીમ બેઝ્ડ રંગોળી છે અને એમાં પણ ‘બી ધ લાઇટ અને સ્પ્રેડ લાઇટ’ આ જ થીમ હોય છે, જેમાં તેઓ દર વર્ષે નવાં-નવાં વેરિએશન કરે છે. આ વિશે હર્ષાબહેન કહે છે, ‘હું પ્રોફેશનલ મેંદી આર્ટિસ્ટ હોવાથી ફિગર વર્કમાં એક્સપર્ટ છું. એટલે મારી રંગોળીમાં હું હંમેશાં સ્ત્રી બનાવું છું. બીજું એ કે દિવાળી એટલે ફેસ્ટિવલ ઑફ લાઇટ્સ. એટલે દીવાની ડિઝાઇન પણ એમાં ઍડ કરું છું. દીવો જેમ જાતે બળીને આજુબાજુ પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે એમ મહિલાઓ પણ પોતાની જાતને ઘસીને પરિવારનું જીવન ઊજળું કરે છે. આ મેસેજ હું મારી રંગોળીના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરુ છું. હું મારા ફ્લોર પર જગ્યા છે ત્યાં જ મોટી રંગોળી બનાવું છું. રંગોળી બનાવ્યા પછી સ્ત્રીના દાગીના બનાવવા કે પછી દીવાની ડિઝાઇન કરવા હું સ્ટોનનો ઉપયોગ કરું છું. આખી રંગોળી હું એકલા હાથે બનાવું છું એટલે મને ત્રણ કલાક લાગી જાય. હું બાળપણથી જ રંગોળી બનાવું છું. પહેલાં અમે ચૉલમાં રહેતાં ત્યારે હળીમળીને સાથે બેસીને રંગોળી કરતા. અમારાથી મોટી છોકરીઓ રંગોળી બનાવતી ત્યારે તેમને જોઈ-જોઈને અમે બનાવતા. એમ કરતાં-કરતાં રંગોળી બનાવતાં શીખી ગઈ. બપોરે ગેરુ કરીને રાખી દેતા. એ સુકાઈ જાય પછી સાંજે રંગોળી બનાવતા. એ સમયે ડૉટવાળી રંગોળી બનાવતા. ફ્રી સ્ટાઇલ રંગોળીનું એટલું ચલણ નહોતું. 

ક્રાફ્ટ પેપર યુઝ કરીને બનાવું છું રંગોળી:  મમતા શર્મા
એક ઇન્ટરનૅશનલ ઍબ્સ્ટ્રૅક્ટ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ અને મુલુંડની ગુજરાતી માધ્યમની શાળા નવભારત નૂતન વિદ્યાલયમાં ડ્રૉઇંગ ટીચર તરીકે કામ કરતાં મમતા શર્મા ક્રાફ્ટ પેપર યુઝ કરીને રંગોળી બનાવે છે. આ વિશે મમતા કહે છે, ‘દિવાળીના તહેવારમાં રંગ ભરવાનું કામ રંગોળી કરે છે. જોકે લૉકડાઉનમાં જ્યારે બહારથી કંઈ પણ લાવવાનું શક્ય નહોતું ત્યારે ક્રાફ્ટ પેપરથી રંગોળી બનાવવાનો વિચાર આવ્યો. હું એક આર્ટિસ્ટ છું એટલે મારા ઘરે ક્રાફ્ટ પેપર હોય જ. ક્રાફ્ટ પેપરની મદદથી તમે જોઈએ એટલી મોટી રંગોળી ફક્ત અડધો કલાકમાં બનાવી શકો છો. બીજું એ કે ક્રાફ્ટ પેપરથી બનાવવામાં આવેલી રંગોળી લાંબા સમય સુધી ટકે છે. તમે એને કાઢીને સાચવીને મૂકી શકો અને જરૂર હોય ત્યારે રીયુઝ કરી શકો. આ એવી રંગોળી જે નાનાથી લઈને મોટા બધા જ બનાવી શકે. એટલે ત્યારથી અમે દિવાળીમાં પેપરની રંગોળી જ બનાવીએ છીએ.’

આ વખતે લીંપણ રંગોળી બનાવી છે: અલ્પા સરવૈયા
બોરીવલીમાં રહેતાં ૩૭ વર્ષનાં અલ્પા સરવૈયાએ કચ્છી લીંપણ આર્ટનો ઉપયોગ કરીને રંગોળી તૈયારી કરી છે. આ વિશે અલ્પા કહે છે, ‘લીંપણ આર્ટમાં મડ અને મિરરનો ઉપયોગ કરીને રંગોળી તૈયાર કરવામાં આવે છે. આજકાલ માર્કેટમાં પણ આવી રંગોળી ખૂબ ટ્રેન્ડમાં છે. મેં લીંપણ આર્ટનો એક મહિનાનો કોર્સ કરેલો છે. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ જોઈ ત્યારથી મારા હસબન્ડ ફેનિલ મને લીંપણ આર્ટ શીખવા માટે ફોર્સ કરી રહ્યા હતા. એટલે ફાઇનલી મેં એ શીખી લીધું. મને લીંપણ રંગોળી બનાવતાં એક અઠવાડિયાનો સમય લાગ્યો છે. દરરોજ હું બપોરે ત્રણ કલાક એના પર કામ કરતી હતી. આમાં જે ડિઝાઇન હોય એ ક્લેથી બનાવવાની હોય છે. એ પછી એના પર ઍક્રિલિક પેઇન્ટ અને મિરર વર્ક કરવાનું હોય છે. મેં રંગોળીની સાથે ગણપતિનો ફોટો અને શુભ-લાભ બનાવ્યાં છે. આમ તો હું બ્યુટિશ્યન છું, પણ મારી આર્ટ ખૂબ સારી છે. સ્કૂલમાં ભણતી ત્યારે પણ ડ્રૉઇંગમાં મારો હંમેશાં ફર્સ્ટ રૅન્ક આવતો. મારી આર્ટ સારી છે એટલે જ મારા હસબન્ડ ઇચ્છતા હતા કે હું લીંપણ આર્ટ શીખું.’  

અમે દેરાણી-જેઠાણી મળી ફ્લોટિંગ રંગોળી અને મંડલા આર્ટ રંગોળી કરીએ:  સરયૂ માલદે
થાણેમાં રહેતાં સરયૂ માલદે ફ્લોટિંગ રંગોળી અને મંડલા આર્ટ રંગોળી બનાવે છે. ફ્લોટિંગ રંગોળી વિશે સરયૂ કહે છે, ‘પાણીને એક બાઉલમાં સ્થિર કરી દેવાનું. એ પછી એના પર જાળીથી ​જે ડિઝાઇન જોઈતી હોય એ રંગોળીના કલરથી કાઢીને ફટાકથી જાળી ઉઠાવી લેવાની. એ પછી આજુબાજુમાં જે કલરની ડિઝાઇન જોઇતી હોય એ કાઢવાની. સાંજના ટાઇમે બાઉલમાં પાણી ભરીને મૂકી દઉં એ પછી ઘરનું થોડું ઘણું જે કામ હોય એ પતાવીને પાણી સ્થિર થઈ જાય એટલે એના પર રંગોળી બનાવું. મારી જેઠાણી દક્ષા જાળી પકડી રાખે અને હું ડિઝાઇન પાડું. આ રંગોળી દેખાવમાં યુનિક પણ લાગે અને ૧૫ મિનિટમાં ઝટપટ બની પણ જાય. હું મંડલા આર્ટ પણ કરું છું. એટલે એક મોટા પેપર પર ડિઝાઇન ડ્રૉ કરીને એને કટ કરી થાળીમાં મૂકી એની આજુબાજુ ફૂલ, આસોપાલવનાં પાનની રંગોળી કરું છું. મંડલા આર્ટ ડ્રૉ કરવામાં સામાન્ય રીતે ત્રણથી ચાર કલાક લાગે, કારણ કે એમાં ખૂબ ઝીણી-ઝીણી ડિઝાઇન કરવાની હોય છે. એટલે હું જ્યારે ફ્રી થાઉં ત્યારે મંડલા આર્ટ લઈને બેસી જાઉં. મોટા ભાગે રાત્રે જ હું કરું. મંડલા આર્ટ કરવાની મજા જ અલગ છે. તમારું કૉન્સન્ટ્રેશન લેવલ વધી જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય. મને આર્ટ્સને લગતી બધી જ પ્રવૃત્તિ શીખવાનો ખૂબ શોખ છે. દક્ષાને પણ ફૂલોની રંગોળી બનાવવાનું ખૂબ ગમે. એટલે મારી મંડલા આર્ટની આજુબાજુમાં ફૂલોની રંગોળી એ જ કરે છે. અમારી વચ્ચે બૉન્ડિંગ એટલું સારું છે કે લોકોને એમ જ લાગે કે અમે દેરાણી-જેઠાણી નહીં, પણ સગી બહેનો છીએ.’

 

diwali columnists festivals