વહેંચવાથી વધશે

29 October, 2024 02:44 PM IST  |  Mumbai | Kajal Rampariya

ખુશી શૅર કરવાથી વધે છે. ભેગું કરીને રાખવાની માનસિકતા ધરાવતો માણસ કદી સુખી અને સ્વસ્થ નથી રહી શકતો. આ જ કારણોસર અનેક સંપ્રદાયો જ નહીં, હેલ્થ-ગુરુઓ પણ પોતાની આવકમાંથી ચોક્કસ ભાગ દાનમાં આપવાની હિમાયત કરતા આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

ખુશી શૅર કરવાથી વધે છે. ભેગું કરીને રાખવાની માનસિકતા ધરાવતો માણસ કદી સુખી અને સ્વસ્થ નથી રહી શકતો. આ જ કારણોસર અનેક સંપ્રદાયો જ નહીં, હેલ્થ-ગુરુઓ પણ પોતાની આવકમાંથી ચોક્કસ ભાગ દાનમાં આપવાની હિમાયત કરતા આવ્યા છે. દિવાળીના તહેવારમાં ખુશીઓ મલ્ટિપ્લાય કરવી હોય, સારું સ્વાસ્થ્ય મેળવવું હોય તો યથાયોગ્ય વહેંચવાની વૃત્તિ વિકસાવવાનું કેમ મહત્ત્વનું છે એ જાણીએ

દિવાળી આવે એટલે ઘર માટે ખરીદી કરવાનું ચાલુ થઈ જાય. નવાં કપડાં, નવી ઇલેક્ટ્રૉનિક આઇટમ્સ, નવાં વાહન, નવાં ઘર અને સોનાની પુરજોશમાં ખરીદી થતી હોય છે. દિવાળી દરમિયાન પોતાના અને ભવિષ્ય માટે ધન ભેગું કરવાની વૃત્તિ કેટલી હદે યોગ્ય છે એનો વિચાર કર્યો છે? એ તમને આંતરિક સુખ અને માનસિક શાંતિ આપે છે? જો જવાબ ના છે તો આ આર્ટિકલ તમારા માટે જ છે.

સ્થૂળ ધનને ભેગું કરવું પણ પીડા સમાન છે

આજના લોકો ધનતેરસનો ખરો અર્થ જ નથી સમજતા. તેઓ ધનતેરસ એટલે સ્થૂળ ધન સમજે છે એમ જણાવતાં રાજયોગી બ્રહ્મકુમાર નિકુંજજી આ વિશે કહે છે, ‘લોકો ધનની પૂજા કરે છે અને સોનું ખરીદે છે, પણ જે આપણાં શાસ્ત્રોમાં વર્ણિત છે એ જ્ઞાનધન. દુકાનોમાં દિવાળી પૂજન માટે મળતી ફ્રેમમાં પણ લક્ષ્મીમાતાની સાથે સરસ્વતી દેખાય છે. એટલે સરસ્વતી જ્યાં હોય છે ત્યાં લક્ષ્મી આવે આવે અને આવે જ છે. સમયાંતરે ફાઇનૅન્શિયલ સ્ટેટસને વધુ મહત્ત્વ મળવા લાગ્યું અને લોકો એ ધારણાને અનુસરી રહ્યા છે. આપણે જો દુકાનમાંથી સોનું ખરીદીએ તો શું ખરેખર આંતરિક સુખ મળે છે? નથી મળતું. પૈસા ભેગા કરવાની વૃત્તિ​થી માનસિક શાંતિ મળે છે? નથી મળતી. સ્થૂળ ધનનો મૂળ સ્વભાવ સુખ આપવાનો છે જ નહીં. કોઈ ખોટા માર્ગે ચાલી રહેલી વ્યક્તિને જો જ્ઞાનધનનું દાન આપો અને જો તેના જીવનની ગાડી પાટે ચડી જાય તો એ વ્યક્તિ આજીવન તમને દુઆ આપશે. કોઈ પણ પ્રકારના ધનને ભેગું જ કર્યા રાખો તો એમાં સડો થવાની શક્યતા વધુ થતી જાય છે. સ્થૂળ ધનની વાત કરીએ તો લોકોને લેવામાં બહુ મજા આવે છે, પણ દેવાની વાત આવે તો ખૂબ જ પીડા થાય છે. તેમને એવું લાગે છે કે મારું કંઈ જઈ રહ્યું છે. મારી દીક્ષાનાં ૩૫ વર્ષ થયાં અને આ દરમિયાન હું ઘણા લોકોને મળ્યો છું ત્યારે મેં એક વાત નોંધી છે. તેઓ કહે છે કે જે પણ મળ્યું છે ભગવાનની દેણ છે, પણ જો તમારું છે જ નહીં તો એ સંપત્તિ અને એ ધન પર હક શેનો? તેને આપવામાં શા માટે કચાશ અને કચવાટ થાય છે? તમે કોઈ પણ સંપત્તિના ઓરિજિનલ ઓનર નથી. કોઈ પાસેથી તમને મળ્યું છે અને તમારે એને આગળ આપવાનું છે. એમાં કોઈનો અધિકાર નથી. આ ચક્ર જો વ્યવસ્થિત ચાલશે તો અડધાથી વધુ સમસ્યાનો અંત આવશે. જ્યારે કોઈ પણ વ્યક્તિમાં હુંપણું આવી જાય. કોઈ એમ કહે કે આ મારું છે, મેં સંઘર્ષ કરીને મેળવ્યું છે ત્યારે તેને આપવામાં કે ધર્માદો કરવામાં પીડા થાય છે.’

ગુપ્ત દાન શ્રેષ્ઠ દાન

વાતના દોરને આગળ વધારતાં આપવાની વૃત્તિ કેવી રીતે કેળવવી એ વિશે રાજયોગી બ્રહ્મકુમાર નિકુંજજી કહે છે, ‘સમાજમાં એવા વિરલાઓ છે જેમને આપવામાં આત્મસંતોષ મળે છે. તેમના થકી માનવતા હજી પણ જીવંત છે. આપણાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જેટલું આપશો એનાથી બમણું તમને મળશે, પણ આપવામાં પણ વૃત્તિ જોઈએ. ડાબા હાથે દાન કરો તો જમણા હાથને ખબર પણ ન પડવી જોઈએ એ રીતે દાન કરવું જોઈએ. આજકાલ તો અલગ સિનારિયો જોવા મળે છે. લોકો દાન એટલા માટે આપે છે કે તેમનું નામ દાતાઓની યાદીમાં દેખાય. ગુપ્તદાન મહાપુણ્ય માનવામાં આવે છે. દાન આપતી વખતે તમને પોતાને પણ એવો વિચાર ન આવવો જોઈએ કે મેં આપ્યું છે. જે તમારું છે જ નહીં એને આપ્યાની ફીલિંગ પણ આવવી ન જોઈએ. આજની તારીખમાં સંબંધોમાં પણ ગિવિંગ ઍટિટ્યુડ રહ્યો નથી. જો તું મારા માટે આ કરીશ તો જ હું તારું કામ કરીશ. સંબંધોમાં આ ભાવ વધુ જોવા મળી રહ્યો છે. ટીનેજર્સ અને યુવકો તો આજે તેમનાં માતા-પિતા સામે અજીબોગરીબ ડિમાન્ડ રાખે છે. હું તમારું કામ ત્યારે જ કરીશ જ્યારે તમે મને આઇફોન કે પ્લે સ્ટેશન લઈ આપશો. ફક્ત આપવાનો ભાવ રાખવો જોઈએ, પણ હવે ગિવ ઍન્ડ ટેકનો નવો સિલસિલો શરૂ થયો છે. આ માર્ગ ખોટો છે એ સમજવાની જરૂર છે.’

શું કરવું જોઈએ?

ગિવિંગ ઍટિટ્યુડને અપનાવવા વ્યક્તિએ શું કરવું જોઈએ એ વિશે વાત કરતાં રાજયોગી બ્રહ્મકુમાર નિકુંજજી જણાવે છે, ‘જ્યાં સુધી આપણી અંદર કૃતજ્ઞતાનો ભાવ નહીં આવે કે આપણને જે મળી રહ્યું છે એ પણ ક્યાંકથી મળી રહ્યું છે, જ્યાં સુધી મનુષ્ય પોતાનું આધિપત્ય છોડશે નહીં કે આ મારું છે અને મેં બનાવ્યું છે ત્યાં સુધી ગિવિંગ ઍટિટ્યુડ આવશે જ નહીં. કોઈ પણ ચીજ તમે કોઈ પાસેથી લ્યો છો તો તેને આપવું એ તમારી અનિવાર્ય જવાબદારી છે. એ ચુકાશે તો જે મળે છે એમાં પણ કચાશ આવવાની શરૂઆત થઈ જશે. તમે જે પણ ધન કમાઓ છો એમાં ચાર ભાગ કરો. એક ભાગ ઘર પરિવાર માટે, બીજો ભાગ ભવિષ્યમાં આવતી આપદા અને પ્લાનિંગ માટે, ત્રીજો ભાગ બાળકો માટે અને ચોથો ભાગ સમાજને પાછું આપવા માટે રાખો. આ ચાર ભાગનું મૅનેજમેન્ટ કરશો તો જીવનમાં સુખ-સમૃદ્ધિ સામે ચાલીને આવશે એ પાક્કું. આવું કરવું એ મનુષ્યનું પરમ કર્તવ્ય છે. તમે કેટલું આપો છો એ મહત્ત્વનું નથી, પણ કેવા ભાવથી આપો છો એ જરૂરી છે. લાખો કમાઈને ટૅક્સ બચાવવા એટલે કે સ્વાર્થી મનથી દાન કરે એ દાન દાન કહેવાય જ નહીં, પણ કોઈ ગરીબ વ્યક્તિ ભલે ઓછું કમાય પણ ૧૦ રૂપિયાનું પણ દાન કરે અને તેનો ભાવ સારો હોય તો એને ૧૦ લાખ પણ તોલી શકે નહીં. ગિવિંગ ઍટિટ્યુડ રાખતાં મા કરતાં વિશેષ કોઈ શીખવાડી શકે નહીં. જન્મ આપીને તે તેના બાળકને દેતી જ રહે છે. તે ક્યારેય અપેક્ષા નથી રાખતી. અપેક્ષા વગર નિઃસ્વાર્થ ભાવે જ્યારે કોઈને કંઈ આપો છો એ તમારા શરીરમાં હૅપી હૉર્મોન્સને જનરેટ કરે છે અને માનસિક અને શારીરિક સુખ અને શાંતિ આપે છે, આવું મેડિકલ સાયન્સમાં પ્રૂવ થયું છે. આપવાથી જે આંતરિક ખુશી મળે છે એની અસર તમારા શરીર પર અને તમારા જીવન પર થાય જ છે. કોઈ શાહુકાર જ ગરીબને આપે એ જરૂરી નથી. આપવાનો ભાવ અને છોડવાની વૃત્તિ મહત્ત્વની છે. તમે ભણીગણીને મોટા થાઓ, નામ કમાઓ પણ માતા-પિતા અને ઘરના વડીલો સાથેનો ગિવિંગ ઍટિટ્યુડ અકબંધ રહેવો જોઈએ. હજારો રૂપિયાના ફટાકડા અને મોંઘાં કપડાંની ખરીદી કરવા કરતાં એ રકમનો ઉપયોગ આપણે કોઈ ગરીબ બાળકના ભણતર માટે આપીએ તો તેમના જીવનમાં જ્ઞાનનો દીવો પ્રજ્વલિત કરી શકાશે. આપણી પાસે સુવિધાઓ હોય તો આપણે અન્ડરપ્રિવિલેજ્ડ લોકોની મદદ કરવી જોઈએ. જો આ આપવાનો ભાવ આવશે તો સમાજમાં સકારાત્મક ચેન્જ આવશે.’

સાઇકોલૉજિકલ ફાયદા

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસમાંથી સાઇકોલૉજીની ડિગ્રી મેળવી ચૂકેલી સાઇકોલૉજિસ્ટ આશના ગડા ગિવિંગ ઍટિટ્યુડને લીધે થતા ફાયદાઓ વિશે જણાવે છે, ‘કમાણીનો અમુક ટકા હિસ્સો દાન કરવાથી વ્યક્તિની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી રહે છે એ વાત મેડિકલ સાયન્સ અને આ મુદ્દે કરવામાં આવેલા અભ્યાસો સિદ્ધ કરે છે. લાઇફ સૅટિસ્ટફૅક્શન મુદ્દે દુનિયાભરમાં થયેલા સ્ટડીઝમાં જાણવા મળ્યું છે કે નિયમિત ડોનેશન આપતા લોકો પોતાના પર વધુ સ્પેન્ડ કરતા લોકોની સરખામણીમાં વધુ સુખી અને સંતોષી જીવન જીવે છે. આવા લોકો ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન જેવા મેન્ટલ ડિસઑર્ડર થવાના ચાન્સિસ ઓછા થઈ જાય છે અને હૃદય સંબંધિત બીમારીઓ પણ ઓછી થાય છે. ઘણા લોકો છોડવાની વૃત્તિ કેળવી નથી શકતા. આ મારું છે તો હું બીજાને શા માટે આપું? આવા વિચારની પાછળનાં કારણોને આપણે જાતે આઇડેન્ટિફાય કરવાં જોઈએ કે હું કેમ આપવાની વૃત્તિ કે જતું કરવાની વૃત્તિને કેળવી શકતો નથી? પોતાની જ સ્ટ્રગલફુલ લાઇફમાં ગૂંચવાયેલા લોકો બીજાના સંઘર્ષને જોઈ નથી શકતા.’

છોડી શકવાની વૃત્તિ સંબંધો પર પણ માઠી અસર કરે

ગિવિંગ ઍટિટ્યુડ ન રાખી શકતા લોકોના જીવન વિશે વાત કરતાં આશના જણાવે છે, ‘જે લોકો દાન કરવામાં બિલિવ નથી કરતાં અથવા છોડી દેવાની કે જતુ કરવાની વૃત્તિ નથી હોતી તેમના રિલેશનશિપમાં અફેક્ટ થાય છે, તે પછી મિત્રો સાથે હોય, માતા-પિતા સાથે હોય કે પાર્ટનર સાથે હોય. જ્યારે તમે કોઈ મદદ લો છો તો તેને બમણું આપવાની સમજ હોવી જોઈએ નહીં તો મનને શાંતિ નહીં થાય અને મન શાંત​ નહીં હોય તો માનસિક સમસ્યાઓ ઉદ્ભવે છે અને ત્યાંથી શરીર પણ બીમારીઓનું ઘર બને છે.’

આવકમાંથી પાંચ ટકા દાન કરીને જુઓ કેવું ફીલ થાય છે

માટુંગાના અનુભવી કાઉન્સેલિંગ સાઇકોલૉજિસ્ટ આશના જણાવે છે, ‘ઘણા લોકોને ડોનેટ કરવાની ઇચ્છા પણ હોય તો તેમને હજારો સવાલો ઉદ્ભવે છે. જેમ કે ક્યાં આપવું જોઈએ, મારા પૈસાનો ઉપયોગ ખોટી જગ્યાએ નહીં થાય એ કેવી રીતે જાણી શકાય? આ બધાં પરિબળો ઘણી વાર ગિવિંગ ઍટિટ્યુડને ડેવલપ થવા નથી દેતા. જરૂરી નથી કે કમાણીનો અમુક હિસ્સો બિનસરકારી સંસ્થાઓને જ દેવો. તમે તમારા ઘરમાં ઘરકામ કરવા આવતી સ્ત્રી, ડ્રાઇવર અને બિલ્ડિંગના સફાઈ કર્મચારીઓને પણ તમારાથી બનતી મદદ કરી શકો છો. આપણે જરૂરિયાતમંદ લોકો માટે આપણી ફીઝને ઓછી અથવા માફ કરી શકાય. ચૅરિટી ઍક્ટિવિટી મગજના રિવૉર્ડ સેન્ટરને ઍક્ટિવેટ કરે છે. એટલે એ હૅપી હૉર્મોન્સને પ્રોડ્યુસ કરે છે. તે એન્ડૉર્ફિન્સ અને ડોપામીન જેવાં હૉર્મોન્સને રિલીઝ કરે છે જેને લીધે આપણને સારી ફીલિંગ આવે છે. એને લીધે તનાવ પણ ઓછો થાય છે અને જીવનની આયુ પણ વધે છે. કોરોનાકાળ દરમિયાન અને કુદરતી આપત્તિ વખતે અઢળક દાતાઓ લોકોની વહારે આવ્યા હતા અને હજી પણ ઘણા લોકો દાન કરી રહ્યા છે. તમે પણ તમારી આવકમાંથી વધુ નહીં પણ પાંચ ટકા પણ દાન કરીને જુઓ અને એ કર્યા પછી કેવું ફીલ થાય છે એ જોજો. જરૂરી નથી કે રેગ્યુલર અને ફિક્સ અમાઉન્ટનું દાન કરવું જ જોઈએ. કેટલાક લોકો એવા હોય કે તેમની આસપાસ કૅન્સરના દરદીઓને જોયા હોય તેથી તેમની મદદ કરવાની ઇચ્છા હોય, કેટલાક લોકોને અનાથ આશ્રમનાં કે ગરીબ બાળકોને ભણાવવાની અને તેમની જરૂરિયાતોને પૂરી કરવાની ઇચ્છા હોય. તમારો વિશ્વાસ જ્યાં હોય ત્યાં આપવું જોઈએ.’

diwali festival health tips mental health columnists matunga mumbai