ભારતીય ક્રિકેટનું મક્કા ગણાતા સ્ટેડિયમની હાફ સેન્ચુરી

11 January, 2025 05:06 PM IST  |  Mumbai | Rashmin Shah

ભલે મુંબઈનું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ બ્રેબર્ન સ્ટેડિયમ કહેવાય, પણ ક્રિકેટરો અને ક્રિકેટપ્રેમીઓમાં વધુ લોકચાહના વાનખેડે સ્ટેડિયમે મેળવી છે.

શેષરાવ કૃષ્ણરાવ વાનખેડે

ભલે મુંબઈનું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ બ્રેબર્ન સ્ટેડિયમ કહેવાય, પણ ક્રિકેટરો અને ક્રિકેટપ્રેમીઓમાં વધુ લોકચાહના વાનખેડે સ્ટેડિયમે મેળવી છે. ૧૯૭૫માં પહેલી ઇન્ટરનૅશનલ ટેસ્ટમૅચથી ઓપન થયેલા આ ઐતિહાસિક સ્ટેડિયમમાં સુનીલ ગાવસકરથી લઈને સચિન તેન્ડુલકર સુધીના ખેલાડીઓના અનેક રેકૉર્ડ બન્યા છે. ભારતે બીજો વિશ્વકપ આ જ સ્ટેડિયમમાં જીતતાં પ્રત્યેક ભારતીય ક્રિકેટફૅનના દિલમાં આ સ્ટેડિયમે અનોખું સ્થાન બનાવ્યું છે. આ સ્ટેડિયમનાં ૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે એક ઊડતી લટાર મારીએ આ આઇકૉનિક સ્ટેડિયમમાં

ઇન્ડિયન ક્રિકેટમાં મુંબઈ હંમેશાં પાવરફુલ ભૂમિકામાં રહ્યું હતું અને એનું કારણ છે બ્રિટિશર્સ. ૧૮૦૦ની સાલથી મુંબઈમાં, સૉરી એ વખતના બૉમ્બેમાં ક્રિકેટ રમાતું આવ્યું હતું. આઝાદ મેદાન, ઓવલ મેદાન અને ક્રૉસ મેદાનમાં એ વખતે અંગ્રેજ ક્રિકેટપ્રેમીઓ પડ્યાપાથર્યા રહેતા. ઇન્ડિયન લોકોમાં ક્રિકેટ એક ગેમ તરીકે પિકઅપ થવાની શરૂઆત થઈ ૧૮૪૮માં. પારસી કમ્યુનિટીએ ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ સ્થાપી, પણ એ ક્લબ ઝાઝી ટકી નહીં. એ પછી ઘણી નાની-મોટી ક્રિકેટ ક્લબ્સ બની, પણ એય પરપોટાની જેમ ફૂટી ગઈ. બૉમ્બે પ્રેસિડન્સી ગવર્નર ૧૮૯૦-’૯૫ના સમયમાં જ્યારે કોલોનલ જ્યૉર્જ રૉબર્ટ કૅનિંગ હૅરિસ આવ્યા એ પછીથી મુંબઈમાં ક્રિકેટનો અલગ જ દોર શરૂ થયો. લૉર્ડ હૅરિસ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર રહી ચૂકેલા એટલે તેમણે ઇન્ડિયામાં ક્રિકેટનું કલ્ચર વિકસાવવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમણે જ મુંબઈના દરિયાકિનારાની સામે જિમખાનાં અને મેદાનો બનાવવા માટેની જગ્યા ફાળવવાનું શરૂ કરેલું. આ જિમખાનાંઓમાં રમીને જ કેટલાક પ્લેયર્સ ઊભા થયા જેઓ ભારત માટે રમ્યા. ૧૮૭૫માં સ્થપાયેલા બૉમ્બે જિમખાનામાં ‘ભારતીયો અને ડૉગ્સ’ને પ્રવેશ નહોતો. જોકે આ સિનારિયો ૧૯૩૩-’૩૪માં બદલાયો. એ જ બૉમ્બે જિમખાનાએ સૌપ્રથમ ટેસ્ટમૅચ ઇન્ડિયામાં હોસ્ટ કરી અને એમાં ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચો રમાઈ. હંગામી ધોરણે સ્ટૅન્ડ્સ ગોઠવવામાં આવ્યાં જેમાં ૫૦,૦૦૦ લોકો બેસી શકે એવી વ્યવસ્થા હતી. આ જ જગ્યાએ રમાયેલી મૅચમાં લાલા અમરનાથે ૧૧૮ રન કરીને ભારતીય ક્રિકેટરની સૌપ્રથમ સેન્ચુરી નોંધાવેલી. જોકે એ પછી બીજા વિશ્વયુદ્ધને કારણે ભારતે એકેય ટેસ્ટમૅચ હોસ્ટ નહોતી કરી. ૧૯૪૮થી ૧૯૭૩ સુધી મુંબઈમાં તમામ ટેસ્ટમૅચ માટે બ્રેબર્ન સ્ટેડિયમ બન્યું હતું. ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાની માલિકીનું આ સ્ટેડિયમ એક પ્રાઇવેટ કંપનીએ ૧૯૩૩માં બનાવેલું.  લૉર્ડ બ્રેબર્ને આ સ્ટેડિયમનું ભૂમિપૂજન કર્યું હોવાથી એનું નામ બ્રેબર્ન સ્ટેડિયમ પડ્યું. દરિયામાંથી રીક્લેમ કરેલી જગ્યા પર મરીનલાઇન્સ પાસે ૯૦,૦૦૦ સ્ક્વેર યાર્ડમાં આ સ્ટેડિયમ બનેલું, જેની કૅપેસિટી એ વખતે ૩૫,૦૦૦ દર્શકોની હતી.

દરેક નવી શરૂઆત પાછળ કોઈક કડવા અનુભવો હોય છે. યસ, વાનખેડે સ્ટેડિયમના જન્મ પાછળ પણ આવું જ કંઈક હતું.

આઝાદી પછી મુંબઈમાં બ્રેબર્ન સ્ટેડિયમ હતું, જેમાં ક્રિકેટમૅચ રમાતી, પણ આ સ્ટેડિયમ સાથે બૉમ્બે ક્રિકેટ અસોસિએશન (હાલના મુંબઈ ક્રિકેટ અસોસિએશન)ને સ્નાનસૂતકનોય સંબંધ નહીં. બ્રેબર્ન સ્ટેડિયમની માલિકી ધ ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા એટલે કે CCIની માલિકીની હતી, જે એક પ્રાઇવેટ કંપની હતી. ૧૯૩૭માં તૈયાર થયેલા આ સ્ટેડિયમમાં ૧૯૭૩ સુધીમાં કુલ ૧૭ ટેસ્ટમૅચ રમાઈ હતી અને એ દરમ્યાન એક વિવાદ સતત ઊભો રહ્યો જે હતો ટિકિટનો વિવાદ. એ સમયે મૅચ રમાડવાનો હક મુંબઈ ક્રિકેટ અસોસિએશનનો હતો પણ એની પાસે મેદાન નહોતું એટલે એમણે બ્રેબર્ન સ્ટેડિયમ ભાડે લેવું પડતું, પણ બન્ને વચ્ચે કરાર હતા કે બ્રેબર્ન સ્ટેડિયમ અમુક પર્સન્ટેજ મુજબ જ ટિકિટો મુંબઈ ક્રિકેટ અસોસિએશનને આપશે. એ સિવાયની વધારાની ટિકિટ માટે એ સમયના અસોસિએશનના પ્રેસિડન્ટ શેષરાવ ક્રિષ્નરાવ વાનખેડે વારંવાર બ્રેબર્નને રિક્વેસ્ટ કરતા, પણ બ્રેબર્ન સ્ટેડિયમના વહીવટદારો એ રિક્વેસ્ટને લેશમાત્ર ગણકારતા નહીં.

૧૯૭૩-’૭૪માં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર અને બૉમ્બે ક્રિકેટ અસોસિએશનના એ વખતના પ્રેસિડન્ટ શેષરાવ કૃષ્ણરાવ વાનખેડેએ બ્રેબર્ન સ્ટેડિયમમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ વિધાનસભ્યોને આર્થિક સહાય મળે એવા હેતુથી ચૅરિટી મૅચ રમાડવાની દરખાસ્ત મૂકી, જેને CCIના પ્રેસિડન્ટ અને ભૂતપૂર્વ ક્રિકેટર વિજય મર્ચન્ટે નકારી કાઢી અને વાત વણસી ગઈ. વાનખેડેએ વિજય મર્ચન્ટને કહ્યું કે જો તમે આવું જ ચાલુ રાખશો તો અમે અમારું સ્ટેડિયમ બનાવવા વિશે વિચારીશું. મર્ચન્ટનો જવાબ કંઈક આવો હતો, ‘મરાઠીઓને ક્રિકેટમાં ખબર નથી પડતી, તેઓ શું સ્ટેડિયમ બનાવવાના?’

આ વિખવાદ લગભગ દરેક મૅચ વખતે થતો, પણ અધૂરામાં પૂરું, એમાં નિર્ણાયક હથોડો માર્યો ૧૯૭૩માં રમાયેલી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમૅચમાં અને ફરી ટિકિટનો વિવાદ થયો.

બસ, ‘આતા માઝા સટકલી’ અને મરાઠી માણૂસે મનોમન નક્કી કરી લીધું કે મુંબઈ ક્રિકેટ અસોસિએશન હવે ભાડાનું ઘર છોડીને પોતાની માલિકીનું સ્ટેડિયમ બનાવશે. એસ. કે. વાનખેડેએ આખી પ્રપોઝલ તૈયાર કરી, જે એ સમયના મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર વસંતરાવ નાઈકની સામે મૂકી, પણ આર્થિક સંકડામણને કારણે પ્રોજેક્ટ રિજેક્ટ કર્યો એટલે વાનખેડેએ વિનંતી કરી કે ‘અમને કોઈ ફન્ડ નથી જોઈતું, તમે અમને પરમિશન આપો.’ વાનખેડે સ્ટેડિયમ માટે પરમિશન આપતાં મહારાષ્ટ્ર સરકારે ચર્ચગેટ સ્ટેશન પાસે આવેલી અને રમતગમતના હેતુથી રિઝર્વ રાખેલી ૧૩ એકર જગ્યા મુંબઈ ક્રિકેટ અસોસિએશનને આપી, જે બ્રેબર્ન સ્ટેડિયમથી એક કિલોમીટર પણ દૂર નહોતી.

માત્ર ૧૧ મહિના ૨૩ દિવસ

આ જગ્યા ઑલરેડી મુંબઈ ક્રિકેટ અસોસિએશન પાસે જ હતી એટલે તરત કામ શરૂ થયું. શશી પ્રભુ ઍન્ડ અસોસિએટ્સ દ્વારા આ સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી અને ૧૧ મહિના અને માત્ર ૨૩ દિવસમાં ૪પ,૦૦૦ લોકોની બેઠક-વ્યવસ્થા ધરાવતું સ્ટેડિયમ ઊભું થઈ ગયું. એ વખતે સ્ટેડિયમ બનાવવાનો ખર્ચ માત્ર ૧.૮૭ કરોડ રૂપિયા થયો હતો. સામાન્ય રીતે ક્રિકેટ સ્ટેડિયમ માટે ૨૦ એકરની જગ્યાની જરૂર પડતી હોય છે, કેમ કે મેદાન અને સ્ટૅન્ડ્સ ઉપરાંત પાર્કિંગની પણ વ્યવસ્થા જોવાની હોય છે. જોકે બૉમ્બે ક્રિકેટ અસોસિએશન પાસે માત્ર ૧૩ એકર જ જગ્યા હતી. અત્યારે જે ઍક્ચ્યુઅલ ગ્રાઉન્ડ અને સ્ટૅન્ડ્સ છે એનો વિસ્તાર માત્ર સવાસાત એકરનો છે.

ઝટપટ સ્ટેડિયમ બની ગયા પછી વાનખેડેમાં સૌપ્રથમ ઇન્ટરનૅશનલ ટેસ્ટમૅચ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ હતી. ભલે, ભારત એ મૅચ ૨૦૧ રને હાર્યું, પણ એ પછી ભારતીય ક્રિકેટરોએ આ સ્ટેડિયમમાં જે-જે વિક્રમ સરજ્યા એને કારણે વાનખેડેએ સૌનું દિલ જીતી લીધું. 

૧૯૭૫માં  રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચ વખતે વાનખેડે સ્ટેડિયમ.

૨૦૦૯માં નવું કલેવર

૨૦૧૧માં ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરવાની તૈયારીરૂપે વાનખેડેનાં રંગરૂપને નવો ઓપ આપવાનું કામ ૨૦૦૯માં થયું હતું. એ વખતે અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે એવું અંદાજિત બજેટ હતું. આ રિનોવેશન પણ શશી પ્રભુ ઍન્ડ અસોસિએટ્સ દ્વારા જ થયું. જોકે સ્ટ્રક્ચરને વર્લ્ડ-ક્લાસ સ્ટાન્ડર્ડનું બનાવવા જતાં બજેટ વધીને અઢી ગણું થઈ ગયું. રિનોવેશનનું કામ ૧૪ મહિના ચાલ્યું અને એમાં ૭૨ લક્ઝરી પ્રાઇવેટ બૉક્સ ઉમેરવામાં આવ્યાં જેને કારણે દર્શકોની ક્ષમતા લગભગ ૩૩,૧૦૦ની જ રહી. VIP, VVIP, પ્રેસ અને કૉમેન્ટેટર બૉક્સ, અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અને અન્ડરગ્રાઉન્ડ સ્પ્રિન્કલર સિસ્ટમ બનાવવામાં આવી. રિનોવેશન દરમ્યાન ચાર સ્ટૅન્ડ્સમાંથી નૉર્થ અને સાઉથ સ્ટૅન્ડને સંપૂર્ણપણે તોડીને નવેસરથી બિલ્ડ કરવામાં આવ્યાં હતાં. રૂફ સિસ્ટમને અપગ્રેડ કરીને વચ્ચેની કૉલમ્સ દૂર કરવામાં આવી જેથી અવરોધ વિના દરેક જગ્યાએથી દર્શકો મૅચ જોઈ શકે. રેસ્ટરૂમ્સની સંખ્યામાં વધારો અને અત્યાધુનિક ફ્લડલાઇટ સિસ્ટમ ફિટ થઈ. જોકે આ બધાનો ખર્ચ લગભગ ૨૫૫ કરોડ રૂપિયાને આંબી ગયો. ૨૦૧૧માં આ જ મેદાનમાં ભારતે બીજો વર્લ્ડ કપ જીતતાં ભારતીય ક્રિકેટજગતના ઇતિહાસમાં વાનખેડેનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું.

ફર્સ્ટ ઇન્ટરનૅશનલ મૅચો 
સૌપ્રથમ ટેસ્ટ-મૅચ : ૨૩થી ૨૭ જાન્યુઆરી, ૧૯૭૫માં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે.
સૌપ્રથમ વન-ડે મૅચ : ૧૭ જાન્યુઆરી, ૧૯૮૭માં ભારત અને શ્રીલંકા વચ્ચે.
સૌપ્રથમ T20 મૅચ : ૨૨ ડિસેમ્બર, ૨૦૧૨માં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે.

આવા તો અનેક રેકૉર્ડ બન્યા છે વાનખેડેમાં
વાનખેડેમાં ટેસ્ટમાં પ્રથમ ડબલ સેન્ચુરી ફટકારવાનું માન ભારતીય બૅટર્સમાં સુનીલ ગાવસકરને મળ્યું હતું. ગાવસકર ૧૯૭૮માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૫ રનની અફલાતૂન ઇનિંગ્સ રમ્યા હતા.
સચિન તેન્ડુલકર તેની કરીઅરની છેલ્લી અને ૨૦૦મી ટેસ્ટમૅચ વાનખેડેમાં રમ્યો હતો. 

રવિ શાસ્ત્રીએ વાનખેડેમાં રમાયેલી બરોડા સામેની રણજી ટ્રૉફીની એક મૅચમાં તિલક રાજ નામના બોલર સામે ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારી હતી. જોકે ૨૦૦૭માં T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે સાઉથ આફ્રિકામાં ઇંગ્લૅન્ડ સામે એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી ત્યારે કૉમેન્ટરી રવિ શાસ્ત્રી આપી રહ્યા હતા.

આવતી કાલથી શરૂ થશે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી

સ્ટેડિયમને ૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એની ઉજવણી આવતી કાલથી શરૂ થઈને ૧૯ જાન્યુઆરી સુધી ચાલશે.

૧૨ જાન્યુઆરી : આ દિવસે બે મૅચ રમાશે. પહેલી મૅચ MCA ઍપેક્સ કમિટી અને પ્રેસ જર્નલિસ્ટ વચ્ચે રમાશે. બીજી મૅચ આઇએએસ ઑફિસર્સ અને કૉન્સ્યુલેટ જર્નલ્સ વચ્ચે રમાશે.

૧૫ જાન્યુઆરી : કોઈ પણ સ્ટેડિયમના રખરખાવ માટે માળી અને ગ્રાઉન્ડ્સમેનનો બહુ મોટો ફાળો હોય છે એટલે ૧૫ જાન્યુઆરીએ સવારે આખા મુંબઈના માળીઓ માટે મેડિકલ કૅમ્પ યોજવામાં આવ્યો છે અને સાંજે તમામ ગ્રાઉન્ડ્સમેનનું સન્માન અજિંક્ય રહાણેના હસ્તે કરવામાં આવશે. 

૧૯ જાન્યુઆરી : ગ્રૅન્ડ ઈવનિંગ સેલિબ્રેશન થશે જેમાં સંગીતકાર બેલડી અજય-અતુલ, અવધૂત ગુપ્તે પર્ફોર્મ કરશે. વાનખેડેની સ્ટૅમ્પ અને કૉફી ટેબલ બુક રિલીઝ કરવામાં આવશે. સાથે જ મુંબઈના ભૂતપૂર્વ અને હાલના કૅપ્ટન્સ સચિન તેન્ડુલકર, સુનીલ ગાવસકર, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, સૂર્યકુમાર યાદવ પણ આ સેલિબ્રેશનમાં ભાગ લેશે. આ સ્ટેડિયમમાં પહેલી મૅચ ૧૯૭૫માં રમાયેલી એ વખતની ઇન્ડિયન ટીમના પાંચ પ્લેયર્સ પણ હાજર રહેશે.

આ ટિકિટ શો છે જેની ટિકિટ ૩૦૦થી ૭૫૦૦ રૂપિયામાં Insider.in પરથી મળશે.

વાનખેડે સ્ટેડિયમ મારી આત્મકથાનું ઇમ્પોર્ટન્ટ ચૅપ્ટર છે

વાનખેડે સ્ટેડિયમ જ્યારે પચાસ વર્ષનું સેલિબ્રેશન કરે છે ત્યારે ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ ટેસ્ટ પ્લેયર કરસન ઘાવરી વાનખેડે સ્ટેડિયમ સાથેની પોતાની મેમરી શૅર કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘મારી કરીઅરની મોટા ભાગની ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સમાં વાનખેડે સ્ટેડિયમ સાક્ષી છે અને એટલે જ કહું છું, વાનખેડે સ્ટેડિયમ મારી આત્મકથાનું એક બહુ ઇમ્પોર્ટન્ટ ચૅપ્ટર છે’

‘આઇ ઍમ સ્પીચલેસ... વાનખેડે સ્ટેડિયમ માટે તો હું એટએટલું બોલી શકું કે તમે ધાર્યું પણ ન હોય. એ મારું હોમ ગ્રાઉન્ડ છે એ તો બધાને ખબર છે, પણ બહુ ઓછા લોકોને એ ખબર હશે કે વાનખેડે સ્ટેડિયમ ઑલમોસ્ટ ત્રણ વર્ષ મારું ઘર પણ હતું.’

ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર કરસન ઘાવરી વાત કરતાં કહે છે. ટીમ ઇન્ડિયા વતી ૩૯ ટેસ્ટ-મૅચ અને બે વર્લ્ડકપ સહિત ૧૯ વન-ડે મૅચ રમી ચૂકેલા ૭૩ વર્ષના કરસન ઘાવરીએ કરીઅરની શરૂઆત સૌરાષ્ટ્રની રણજી ટીમથી કરી હતી, પણ પછી તેમણે મુંબઈ વતી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. પોતાની વાત આગળ વધારતાં કરસન ઘાવરી ‘મિડ-ડે’ને કહે છે, ‘એ દિવસોમાં હું થાણે રહું ને રોજ પ્રૅક્ટિસ માટે મારે વાનખેડે સ્ટેડિયમ આવવાનું. એક દિવસ મને મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રેસિડન્ટ વાનખેડેસાહેબે એમ જ વાત કરતાં પૂછ્યું કે તું ક્યાં રહે છે? મેં કહ્યું રેમન્ડ કૉલોની, થાણે... વાનખેડેસાહેબ મને કહે કે તો પછી રોજ અહીં પ્રૅક્ટિસ માટે કેવી રીતે આવે છે? મેં જવાબ આપ્યો કે થાણે સ્ટેશનથી લોકલ ટ્રેનમાં વીટી અને ત્યાંથી ચાલીને સ્ટેડિયમ... ખબર નહીં વાનખેડેસાહેબને શું મનમાં આવ્યું, તેમણે ત્યાં જ ઊભેલા અસોસિએશનના સેક્રેટરી કદમસાહેબને કહ્યું કે કદમ, છોકરાને એક રૂમ ખાલી કરી આપ અને યુ વોન્ટ બિલીવ, હું એક વર્ષથી વધારે સમય વાનખેડેમાં રહ્યો. એ પછી મને ગરવારે ક્લબમાં રૂમ આપવાનું કામ પણ વાનખેડેસાહેબે કર્યું, ત્યાં હું બીજાં બે વર્ષ રહ્યો ને મારી પાસે આ ત્રણ વર્ષ દરમ્યાન એક પૈસો પણ કોઈએ લીધો નહીં. હું તો રાજકોટથી, નાની ફૅમિલીમાંથી આવતો હતો. મુંબઈ ત્યારે પણ મોંઘું હતું ને એટલે જ છેક થાણે રહેતો હતો. જો એ સમયે વાનખેડે સ્ટેડિયમ ન હોત તો કદાચ મારો કરીઅર-ગ્રાફ એ લેવલ પર ન પહોંચ્યો હોત જે પછી પહોંચ્યો.’

અનોખા બોલિંગ અંદાજમાં કરસન ઘાવરી.

વાનખેડે સ્ટેડિયમને પચાસ વર્ષ પૂરાં થાય છે એવા સમયે અનેક ક્રિકેટર એવા છે જેમને પોતાની સ્ટેડિયમ સાથેની એ મેમરી યાદ આવે છે જેણે તેમના જીવનમાં એક નવો રંગ ભરવાનું કામ કર્યું. જોકે એ બધામાં કરસન ઘાવરી થોડાક અદકેરા છે એવું કહેવું ખોટું નહીં કહેવાય. કરસન ઘાવરી કહે છે, ‘મારું જ નહીં, મારા સિવાયના પણ ઘણા એવા પ્લેયર્સ હતા જેમને મન એ હોમ ગ્રાઉન્ડ રહ્યું, જેના પર તેમણે રેકૉર્ડ બનાવ્યા અને તેમની નામના બની. સૈયદ કિરમાણીના તો ઘરમાં વાનખેડે સ્ટેડિયમનું મસ્ત મોટું પેઇન્ટિંગ છે. આ સ્ટેડિયમમાં સૈયદે પહેલી ટેસ્ટ સેન્ચુરી કરી ને મેં પણ મારી લાઇફનો હાઇએસ્ટ સ્કોર વાનખેડે પર બનાવ્યો.’

વાત છે વર્ષ ૧૯૭પ-’૭૬ની. એ સમયે કિમ હ્યુઝની ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ઇન્ડિયા રમવા આવી હતી. પહેલી જ ટેસ્ટ મૅચ વાનખેડેમાં હતી અને એ ઇલેવનમાં કરસન ઘાવરીનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો. કરસન ઘાવરી કહે છે, ‘એ સમયે રાતે જ કહી દેવામાં આવતું કે આ ઇલેવન છે અને આ પ્લેયર ટ્વેલ્થ મૅન છે. હું બારમો પ્લેયર હતો. સુનીલ વૉઝ કૅપ્ટન. મને પાકું યાદ છે પોલી ઉમરીગર ત્યારે ગ્રાઉન્ડના ઇન્ચાર્જ હતા. અમે તેમને પોલીકાકા કહીએ. સવારે વિકેટ જોવા માટે પોલીકાકા ગ્રાઉન્ડ પર ગયા. તેમની સાથે ગાવસકર પણ હતા. વિકેટ બરાબર જોઈ લીધા પછી પોલીકાકાએ સુનીલને પૂછ્યું કે ઇલેવનમાં કોણ-કોણ છે? સુનીલ ગાવસકરે આખી ટીમ કહી દીધી એટલે પોલીકાકાએ સુનીલને કહ્યું કે તું આ ઇલેવનમાં ચેન્જ કર અને કરસનને રમાડ. સુનીલ શૉક થઈ ગયો કે આટલી બૅલૅન્સ્ડ ટીમ છે ત્યારે કેમ એને ડિસ્ટર્બ કરવી. સુનીલે આર્ગ્યુમેન્ટ કરીને કહ્યું કે આમાંથી જો કોઈને બેસાડવો હોય તો હું મને બેસાડી શકું, બાકી તો બૅલૅન્સ્ડ ટીમ છે, એને ડિસ્ટર્બ ન કરી શકાય. પણ પોલીકાકાએ વાત પકડી રાખી અને ત્યાં સુધી કહી દીધું કે એવું લાગે તો તું રેસ્ટ કર, પણ કરસનને રમાડ; કરસનનું બૅટિંગ મેં જોયું છે, કરસન ટીમ માટે યુઝફુલ રહેશે. સવારે આઠ વાગ્યાની વાત છે. હું ટ્વેલ્થ મૅન હતો એટલે એ દિવસે મેં મૅક્સિમમ પ્રૅક્ટિસ કરાવી હતી, બૅટિંગની બહુ પ્રૅક્ટિસ મેં કરી નહોતી.’

પોલીકાકા અને સુનીલ ગાવસકર બન્ને પાછા ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને ટીમ ઑથોરિટી સાથે પર્સનલ મીટિંગ કરીને થોડી વાર પછી ગાવસકર બહાર આવ્યા અને આવીને નવી ઇલેવન અનાઉન્સ કરી, જેમાં કરસન ઘાવરી સામેલ હતા. કરસન ઘાવરી કહે છે, ‘એ મૅચમાં મેં અને સૈયદ કિરમાણીએ આઠમી વિકેટ માટે ૧૨૭ રનની પાર્ટનરશિપ કરી અને મેં મારી કરીઅરના હાઇએસ્ટ ૮૬ રન કર્યા. સૈયદે પણ લાઇફની પહેલી સેન્ચુરી એ જ મૅચમાં કરી. આ મૅચમાં મેં ચાર વિકેટ લીધી, પણ મારી બોલિંગ પ્રેશર આપવામાં બહુ ઇફેક્ટિવ રહી. આ મૅચ અમે જીત્યા. મૅચ જીત્યા પછી સુનીલ ગાવસકર મને લઈને પોલીકાકા પાસે ગયા ત્યારે મને આખી વાતની ખબર પડી. સુનીલ ગાવસકરે એ દિવસે પોતાનું હાફ-સ્લીવ ટી-શર્ટ મને ગિફ્ટ આપ્યું, જે મને ટૂંકું થતું હતું એટલે પહેર્યા વિના એને મેં વર્ષો સુધી સાચવ્યું. આ મારી વાનખેડેની યાદ છે.’

કરસન ઘાવરી

આ જ મૅચ અને વાનખેડે સ્ટેડિયમની બીજી પણ એક મહત્ત્વની યાદ શૅર કરતાં કરસન ઘાવરી કહે છે, ‘એ સમયે તો સ્ટેડિયમમાં મૅચ જોવા સિવાય બીજો કોઈ ઑપ્શન નહોતો. કાં સ્ટેડિયમમાં જઈને મૅચ જુઓ અને કાં રેડિયો પર કૉમેન્ટરી સાંભળો. આ મૅચમાં મારું બૅટિંગ વન-ડે જેવું ફાસ્ટ હતું. મેં ૯૯ બૉલમાં ૮૬ રન કર્યા, જેમાં ૧૨ બાઉન્ડરીઝ અને ત્રણ સિક્સ હતી. બૅટિંગ જોઈને લોકો એવા ખુશ થયા કે મૅચનો દિવસ પૂરો થયો કે તરત દોડતાં ઑટોગ્રાફ માટે મારી પાસે આવ્યા. હા, મેં પહેલો ઑટોગ્રાફ વાનખેડે સ્ટેડિયમ પર આપ્યો. વીસેક મિનિટ સુધી ઑટોગ્રાફ્સનું કામ ચાલ્યું ને પછી ગાવસકરે કોઈને મોકલીને મને ફૅન્સના એ ટોળામાંથી બહાર કાઢ્યો હતો.’

૩૯ ટેસ્ટમાં ૧૦૯ વિકેટ અને ૯૧૩ રન કરનારા કરસન ઘાવરી વાનખેડે પર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની પણ અનેક મૅચો રમ્યા છે. ઘાવરી કહે છે, ‘એ સમયે તો વાનખેડેની વિકેટ ક્યારે ટર્ન લેશે અને વિકેટ પર ક્યાં સૌથી પહેલાં ક્રૅક પડવાની શરૂ થશે એ મને મોઢે હતું. વાનખેડે બીજા પ્લેયર્સ માટે હોમ ગ્રાઉન્ડ હશે, પણ મારા માટે તો એ મારું હોમ છે. આજે પણ હું મહિનામાં એકાદ વાર તો વાનખેડે પર જાઉં. ત્યાં હોઉં ત્યારે મને એવું લાગે જાણે હું મારા પેરન્ટ્સ પાસે આવ્યો છું. વાનખેડે સ્ટેડિયમ સાથે મારા બીજા પણ અનેક અનુભવો છે. જો એ બધા કહેવા બેસું તો અત્યારે જ મારી બાયોગ્રાફી શરૂ થઈ જાય.’

mumbai wankhede sunil gavaskar azad maidan test cricket cricket news sports news sports columnists Rashmin Shah gujarati mid-day