‘આવું તે કાંઈ હોય?’

14 January, 2023 02:18 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

મોંઘવારી સામે આક્રોશ વ્યક્ત કરતી વખતે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે જે જમાનામાં આપણે સો-બસો કે ત્રણસો રૂપિયાના તોલાના ભાવે સોનું ખરીદતા ત્યારે આપણો પગાર કે આપણી માસિક આવક કેટલી ઓછી હતી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

 મોંઘવારી સામે આક્રોશ વ્યક્ત કરતી વખતે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે જે જમાનામાં આપણે સો-બસો કે ત્રણસો રૂપિયાના તોલાના ભાવે સોનું ખરીદતા ત્યારે આપણો પગાર કે આપણી માસિક આવક કેટલી ઓછી હતી.

‘આવું તે કાંઈ હોય?’ 
છાપાં વાંચતાં-વાંચતાં એક વડીલે નારાજ થઈને ટીપોય ઉપર છાપાનો ઘા કરતાં આવું કહ્યું. વડીલની ઉંમર એંસી અવશ્ય વળોટી ગઈ હતી. શરીર હજી કડેધડે હતું. બૌદ્ધિક ક્ષમતા અકબંધ હતી. રોજ સવારે ચાના કપ સાથે અખબાર ન મળે તો વડીલને કંઈક ઊણું લાગતું અને પછી નારાજી વ્યક્ત કરતાં કહેતા, ‘આવું તે કંઈ હોય?’
આ ‘આવું તે કંઈ હોય?’ શબ્દો આપણે કદાચ રોજ સાંભળીએ છીએ. કોઈ ને કોઈ સંદર્ભમાં કોઈ ને કોઈ માણસ જાણે-અજાણે બોલી ઊઠે છે, આવું તે કંઈ હોય?
શું હોય? શું ન હોય? 
છાપુ વાંચતાં-વાંચતાં વડીલ કહે છે, ‘આ તે કંઈ દુનિયા છે? રોજ છાપું ભરાઈ જાય એટલી હત્યાઓ, બળાત્કારો, દસ-દસ બાર-બાર વરસનાં બાળકો જેમના હોઠ ઉપરથી માનું દૂધ પણ સુકાયું નથી તેઓ બંદૂક ચલાવે છે. સાથે ભણતી છોકરીઓ સાથે ગંદાં કામો કરે છે. આ એમને કોણે શીખવાડ્યું?’ આટલું કહ્યા પછી વડીલ પોતે જ એનો જવાબ આપે છે, ‘તમારાં આ અખબારો અને દરેકની મુઠ્ઠીમાં રહેલા મોબાઇલો તેમને આ વાત શીખવે છે.’
વડીલની વાત સાવ ખોટી નથી, સાવ સાચી છે એમ સ્વીકારવામાં વિજ્ઞાનનો દોષ કાઢવા જેવું છે. અખબારો અને મોબાઇલ વિના હવે આપણને ચાલે એમ નથી. આ બન્ને આપણા જીવનનો એક ભાગ બની ગયાં છે. હિન્દુ પતિ-પત્ની જિંદગીભર આમને-સામને ફરિયાદ કરે, પણ છૂટાં ન પડી શકે! અખબારો અને મોબાઇલ સાથે પણ આપણું કંઈક આવું જ થયું છે.
‘આ મોંઘવારી તો જુઓ, શાકભાજીથી માંડીને દરેક ચીજવસ્તુના ભાવ કેટલા વધી ગયા છે. અમારા વખતમાં શાળાની ફી બેચાર રૂપિયા હતી, આજે ત્રણ-ચાર વરસના ધાવણા બાળક માટે પ્રી- પ્રાઇમરીના નામે બે લાખ રૂપિયા ફી ભરવી પડે છે.’ 
આ તથ્ય છે, પણ સત્ય છે ખરું? 
આવી ફરિયાદોની એક લાંબી યાદી કરી શકાય એમ છે. પરિવાર જીવનમાં પણ પરસ્પરના સંબંધોએ જાણે કે યુ ટર્ન લીધો છે. સાસુમા પોતાના જૂના દિવસો યાદ કરીને ફરિયાદ કરે છે, ‘હવે તો વહુમાને તો રસોડું સંભાળવું જ ગમતું નથી. હોટેલનો ચસકો એવો હોય છે કે રસોઈ ઘરે કરે એનાથી વધારે ટંક હોટેલના પાર્સલથી પેટ ભરે છે.’ 
આટલું કહેતી વખતે સાસુમાને એ સાંભરતું નથી કે વહુમા સવારે ૯ વાગ્યે શાક-રોટલીનું ટિફિન બૉક્સ ભરીને ગયાં છે, સાંજે ઑફિસથી પાછા વળતી વખતે કંઈ ને કંઈ ઘરરખ્ખુ ખરીદી કરવાની હોય છે.
 ‘અમારા વખતમાં તો એવું હતું...’ આમ કહીને ફરિયાદ કરતાં આખા દિવસમાં તમે કોઈને ન સાંભળ્યા હોય એવું ભાગ્યે જ બને છે. આ અમારો વખત એટલે પચીસ-પચાસ વર્ષ પહેલાંનો સમયખંડ. ત્યારે આમ હતું અને આજે આમ છે. આ કોઈ નવી વાત નથી. કોણ જાણે કેમ ભૂતકાળ ગમે છે. ભૂતકાળ હંમેશાં સુખદ જ હોય છે એવું નથી હોતું. એ સમય સુખદ હોય એટલે આપણને મમળાવવો ગમે અને જો દુઃખદ હોય તો પણ થોડાક અહંકાર સાથે આપણે સીનો ટટ્ટાર કરીને કહેવાના, ‘આવી પરિસ્થિતિમાંથી અમે પસાર થયા છીએ. દુનિયાદારીની તમને શું ખબર પડે? તમે તો તૈયાર ભાણે બેસી ગયા છો.’ જ્યારે આવું વાક્ય તમારા કાને પડે ત્યારે બોલનારના ચહેરા સામે ધ્યાનપૂર્વક જોજો, એના ચહેરા પર એક જાતનો સંતોષ દેખાશે.
એક નજર આ તરફ  
મોંઘવારીની, સમાજજીવનની, કુટુંબજીવનની તથા અન્ય બદલાયેલા વલણ સામે જ્યારે ફરિયાદ કરીએ છીએ ત્યારે મોટા ભાગે આપણે પરાજિતોના પક્ષે મુકાઈ ગયા હોઈએ છીએ. જે થાય છે એ આપણને ગમતું નથી, પણ એમાં આપણે કશો જ ફેરફાર કરી શકીએ એમ નથી. આવી લાચાર મનોદશા આવી ફરિયાદોની પાછળ છુપાયેલી હોય છે. મોંઘવારી સામે આક્રોશ વ્યક્ત કરતી વખતે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે જે જમાનામાં આપણે સો-બસો કે ત્રણસો રૂપિયાના તોલાના ભાવે સોનું ખરીદતા ત્યારે આપણો પગાર કે આપણી માસિક આવક કેટલી ઓછી હતી. એક જોડી પગરખાંથી આપણે રાજી હતા. આજે દરેક ઘરમાં દરેક વ્યક્તિ પાસે ચાર-પાંચ જોડી હોય છે અને છતાં અમુક રંગની એક જોડી ઓછી છે એવો અસંતોષ પણ હોય છે. માણસનાં નૈતિક મૂલ્યો બદલાયાં છે અને એ માટે મોબાઇલ કે અખબારને દોષ દેતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે પરિવારમાં સુધ્ધાં આપણે આવાં મૂલ્યોનું રક્ષણ કરવાનું બાળકોને શીખવ્યું છે? આપણા દૈનિક જીવનમાં રોજના વ્યવહારિક વર્તનમાં આવાં મૂલ્યોની દેખભાળ આપણે રાખી છે? બધા આવું જ કરે છે એટલે આપણે પણ આવું જ કરવું જોઈએ. આ તર્ક વાસ્તવમાં એક છેતરપિંડી છે. આવું ઘણુંબધું બને છે એ જોઈને આપણે કંઈ કરતા નથી અને માત્ર બોલીએ છીએ કે આવું તે કંઈ હોય?

columnists dinkar joshi