25 January, 2023 03:18 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
નાના હોઈએ ત્યારે દર વર્ષે શરીરની ઊંચાઈ વધે. એ ઊંચાઈ એક સમયે આવીને રોકાઈ જતી હોય છે. એટલે કે જેટલી ઊંચાઈ વધવાની હતી એ એક ઉંમર સુધી વધે છે અને પછી ત્યાં ગ્રોથ અટકી જાય છે. પછી ગમે એટલી કોશિશ કરો તોય એ વધતી નથી. ત્યારે એવું કહેવામાં આવે છે કે જીવનભર આટલી જ હાઇટ રહેશે. શું ખરેખર એટલી જ હાઇટ રહે છે ખરી? શરીરની ઊંચાઈ આમ તો જિનેટિક બાબતો પર જ આધાર રાખે છે અને એ મુજબ જ એ વધે છે, પરંતુ ઘણા લોકો માને છે કે ઉંમરની સાથે એ ઘટે પણ છે. તમે ઘણા લોકોને એ કહેતા સાંભળ્યા હશે કે પાછલી ઉંમરે જેમ-જેમ ઉંમર વધે એમ હાઇટ થોડી ઘટે છે. ઘણાં દાદા-દાદીઓને જોઈને એ સમજાય છે કે યુવાવસ્થામાં તેઓ જેવાં ટટ્ટાર અને લાંબાં લાગતાં હતાં એ હવે લાગતાં નથી. શું ખરેખર વૃદ્ધાવસ્થામાં હાઇટ ઘટે છે?
ઘટતી હાઇટ
આ પ્રશ્નનો જવાબ આપતાં એસઆરવી હૉસ્પિટલ, ગોરેગામના ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. સચિન ભટ કહે છે, ‘હા, એ વાત સાચી છે કે ઉંમરને કારણે હાઇટ ઓછી થાય છે, પરંતુ આ સત્ય દરેક વ્યક્તિ માટે નથી. લગભગ ૩૦-૪૦ ટકા લોકોમાં એવું જોવા મળે છે કે ઉંમરને કારણે તેમની હાઇટ થોડી ઘટી હોય. વળી આ ફેરફાર એટલો ઓછો હોય છે કે લોકોને ખાસ સમજમાં નથી આવતો. ખૂબ ધ્યાનથી જોઈએ તો જ ખબર પડે છે. વળી મોટી ઉંમરે થોડી હાઇટ ઓછી થવાથી કોઈ તકલીફ પણ પડતી નથી, કારણ કે આ એક ધીમી પ્રોસેસ છે. શરીર આ બદલાવને સરળતાથી સ્વીકારી લે છે.’
હાઇટ ઘટવી એ કોઈ વડીલ માટે ચિંતાનું કારણ નથી હોતું, પરંતુ જો એ ઘટી રહી હોય તો સજાગ થવું જરૂરી છે કેમ કે એ હાડકાં ઘસાઈ રહ્યાં હોવાની નિશાની છે. જો એનો ઇલાજ કરાવી લેવામાં આવે તો ગંભીર તકલીફો રોકી શકાય છે : ડૉ. સચિન ભટ, ઑર્થોપેડિક
બીજાં કારણો
ઉંમરને કારણે એવા શું ફેરફાર થાય છે જેને લીધે હાઇટ ઘટે છે? આનો જવાબ આપતાં ડૉ. સચિન ભટ કહે છે, ‘ઉંમર સાથે મસલ માસ ઘટતું જાય છે અને એની સાથે ફૅટ પણ ઓછી થતી જાય છે. આ બન્ને પરિબળોને કારણે પણ હાઇટ ઓછી થાય છે. વર્ષો વીતતાં જાય એમ તમારી કરોડરજ્જુના મણકા વચ્ચે રહેલી ડિસ્ક સપાટ થતી જાય છે. મસલ માસ ઓછું થાય અને એને કારણે સાંધાઓ વચ્ચેની જગ્યા ઘટે છે. આ ઘટનાને કારણે વ્યક્તિની હાઇટ ઘટે છે.’
આ સિવાયના બીજા કારણો વિશે જણાવતાં મુલુંડના સ્પેશ્યલિસ્ટ ની-સર્જ્યન ડૉ. મિતેન શેઠ કહે છે, ‘જો વ્યક્તિને ઉંમરને કારણે આર્થ્રાઇટિસ હોય એમાં પણ ઘૂંટણનું આર્થ્રાઇટિસ હોય તો પણ હાઇટ ઘટે છે, કારણ કે એને કારણે પગ બો-શેપ એટલે કે બાણ જેવા આકારના ગોળ બની જાય છે. એ સિવાય ઉંમરને કારણે પગના તળિયાની જે ગોળાઈ છે એ પણ સપાટ બનતી જાય છે, જેને લીધે થોડો ફેરફાર થઈ શકે છે.’
ઑસ્ટિઓપોરોસિસ
જે મોટા ભાગના વડીલોમાં જોવા મળે છે એ છે ઉંમરને કારણે આવતું ઑસ્ટિઓપોરોસિસ. હાઇટ ઓછી થવાનાં પ્રમુખ કારણોમાં આ રોગ મુખ્ય છે. એ વિશે વાત કરતાં ડૉ. મિતેન શેઠ કહે છે, ‘ઑસ્ટિઓ એટલે કે હાડકાં અને પોરોસિસ એટલે કાણાં. સામાન્ય રીતે હાડકામાં કાણાં પડવાની અવસ્થાને ઑસ્ટિઓપોરોસિસ કહે છે. ઉંમરની સાથે જ્યારે હાડકાં નબળાં પડતાં જાય ત્યારે આ તકલીફ આવે છે. મોટા ભાગે આ રોગ સ્ત્રીઓમાં ૫૦ વર્ષ પછી એટલે કે મેનોપૉઝ પછી આવે છે, જ્યારે પુરુષોમાં આ રોગ એનાં ૧૦-૨૦ વર્ષ પછી એટલે કે ૬૦-૭૦ વર્ષે આવે છે. આ કન્ડિશનમાં હાડકાંને ઘસારો લાગે છે જેને કારણે હાડકાં નબળાં પડે, બરડ બને છે અને એ નબળાઈને કારણે હાઇટ થોડી ઘટી જાય છે.’
વાંકા વળી જવું
જેમ હાઇટ વધે એમ દરરોજ ધીમે-ધીમે વધતી હોવાથી અહેસાસ થતો નથી એમ હાઇટ ઘટવાનું પણ બહુ નાના પાયે થતું હોવાથી એનો અહેસાસ થતો નથી. જે વ્યક્તિ તમને ઘણાં વર્ષે જુએ તો લાગે કે આમની હાઇટ ઘટી ગઈ છે. હાઇટ ઘટવાનાં જે કારણો છે એ ગંભીર બને ત્યારે વ્યક્તિને ખૂંધ નીકળે છે કે એ વાંકો વળી જાય છે. ઉંમરની સાથે આગળ તરફ વાંકા વળી ગયેલા વૃદ્ધોની તકલીફ ગંભીર રહે છે. તકલીફ ત્યાં સુધી પહોંચે નહીં એ માટે ડૉક્ટરનો સંપર્ક અનિવાર્ય છે. આ તકલીફને ૧૦૦ ટકા રોકી શકાય છે. આ આગળ તરફ ઝૂકી જવું એ સહજ નથી. ઉંમરને કારણે આવું તો થાય જ એમ માનીને બેસી ન રહેવું.
આ પણ વાંચો : ગયા વર્ષે સ્ત્રીઓ કરતાં પુરુષોએ બમણી બચત કરી છે
ઇલાજ શું?
હાઇટ ઘટે એની તકલીફ ન હોય વ્યક્તિને, પરંતુ એ હાઇટનો ઘટાડો એ પણ સૂચવે છે કે તમારાં હાડકાં નબળાં પડી રહ્યાં છે. ખૂબ સરળતાથી આ નબળાં હાડકાંઓમાં ફ્રૅક્ચર થઈ જાય છે. એ વિશે વાત કરતાં ડૉ. સચિન ભટ કહે છે, ‘હાઇટ ઘટવી એ કોઈ વડીલ માટે ચિંતાનું કારણ નથી હોતું, પરંતુ જો એ ઘટી રહી છે એનો અર્થ એમ કે તમને ઑસ્ટિઓપોરોસિસ હોઈ શકે છે. તમારાં હાડકાં ઘસાઈ રહ્યાં હોય તો ઇલાજની જરૂર રહે છે. ઑસ્ટિઓપોરોસિસનો આજની તારીખે ઘણો સારો ઇલાજ ઉપલબ્ધ છે. ઉંમરને કારણે પણ જો હાડકાં ઘસાતાં હોય તો એને પણ રોકી શકાય છે. આમ હાઇટ ઘટે એનાથી ફરક ન પડે તો કાંઈ નહીં, પરંતુ હાડકાં ઘસાવાથી તો ફરક પડે જ છે.’
બચાવ માટે શું કરવું જોઈએ?
જો મેનોપૉઝ પછી સ્ત્રીઓ પોતાનું કૅલ્શિયમ અને વિટામિન-ડી લેવલ જાળવી રાખે અને એક્સરસાઇઝ ચાલુ રાખે અને સાથે તેમનું વજન કન્ટ્રોલમાં હોય તો ઑસ્ટિઓપોરોસિસને પાછો ઠેલી શકાય છે. પુરુષોમાં પણ આ નિયમ લાગુ પડે છે.
હાડકાં નબળાં પડતાં જાય એનાં કોઈ ખાસ લક્ષણ હોતાં નથી અને એ જાતે સમજાતું પણ નથી. ફક્ત એક ટેસ્ટ છે જેના દ્વારા ખબર પડી શકે છે કે હાડકાં ઘસાઈ રહ્યાં છે. બોન ડેન્સિટી ટેસ્ટ જે આદર્શ રીતે દરેક સ્ત્રીએ મેનોપૉઝ પછી અને પુરુષોએ ૭૦ વર્ષ પછી કરાવવી જ જોઈએ. એ કરાવ્યા પછી એ ટેસ્ટ મુજબ એનો ઇલાજ કરવો કે નહીં એ નક્કી થઈ શકે છે. જેમનો આ રિપોર્ટ નૉર્મલ આવે તેમણે પણ દર ત્રણ વર્ષે આ રિપોર્ટ ફરીથી કરાવતા રહેવું જોઈએ.
ક્યારે ચિંતાજનક કહેવાય?
ઉંમરને કારણે હાઇટ ઘટે તો કેટલી ઘટતી હશે? મેડિકલ સાયન્સ મુજબ આમ તો ઉંમરને કારણે અડધોથી પોણો ઇંચ હાઇટ ઘટે એ નૉર્મલ છે. એ બાબતે ચિંતાની જરૂર નથી, પરંતુ જો એનાથી વધુ હાઇટ ઘટે તો એ બાબતે ગંભીર થવું જરૂરી છે. ઘણા કેસમાં બે-ત્રણ કે ચાર ઇંચ જેટલી હાઇટ ઘટી જાય છે જે સૂચવે છે કે વ્યક્તિને ગંભીર સમસ્યા છે. એ ઉંમરને કારણે નહીં, પરંતુ કોઈ રોગને કારણે છે.