જાણો છો કિટી પાર્ટીઓનાં મૂળ પંજાબ અને ઉત્તર પ્રદેશમાં છે?

22 October, 2024 04:52 PM IST  |  India | Gujarati Mid-day Correspondent

૧૯૪૭માં દેશના ભાગલા પછી સ્થળાંતર, એકલતા અને આર્થિક તંગીનો સામનો કરતી ગામની સ્ત્રીઓ એકમેકને સધિયારો આપવા ભેગી થતી અને જરૂર પડ્યે એકમેકને મદદ પણ કરતી. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં મુખ્યત્વે શરૂ થયેલી

પ્રતીકાત્મક તસવીર

૧૯૪૭માં દેશના ભાગલા પછી સ્થળાંતર, એકલતા અને આર્થિક તંગીનો સામનો કરતી ગામની સ્ત્રીઓ એકમેકને સધિયારો આપવા ભેગી થતી અને જરૂર પડ્યે એકમેકને મદદ પણ કરતી. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં મુખ્યત્વે શરૂ થયેલી આ મીટિંગોનું બીજું કારણ એ હતું કે એ સ્ત્રીઓને નોકરી કરવાની મનાઈ, ગામની બહાર જવાની મનાઈ. સમદુખિયાઓનું અંતિમ સ્થાન એટલે મંદિરનો ઓટલો. મંદિરને ઓટલે ભેગી થતી સ્ત્રીઓની આ મીટિંગને પ્રથમ કિટી પાર્ટી કહી શકાય. અલબત્ત, પાર્ટીની મોજમજાની કલ્પના એમાં નહોતી જ. એકબીજાને સધિયારો આપવાના ઉદ્દેશથી શરૂ થયેલી આ નિર્દોષ પ્રવૃત્તિ દેશનાં બીજાં રાજ્યોમાં પણ સહજ ફેલાઈ ગઈ. આર્થિક, સામાજિક સહકાર અને આદાનપ્રદાનની પ્રવૃત્તિ કેવી સહજ અને સરળ રીતે શરૂ થઈ એનો શૈક્ષણિક અભ્યાસ કરવા જેવો છે. સમાજવિજ્ઞાનના સંશોધકો માટે આ ઉત્તમ વિષય છે.

ગામડાંની સ્ત્રીઓની આ છાનીછપની મીટિંગોની મિરર-ઇમેજ એટલે પછી શરૂ થયેલી પુરુષોની ‘વીશી.’ વીશીનો મૂળ ઉદ્દેશ પણ એકસાથે મોટી રકમથી આર્થિક આધાર આપવો એ જ. આવકની અસ્થિરતા અને અચાનક આવી પડતા મોટા ખર્ચા વખતે વીશીના સભ્યો, પંજાબની સ્ત્રીઓની જેમ જ એકબીજાને મિત્રભાવે મદદ કરે છે અને પ્રસંગ હેમખેમ પાર પાડી આપે છે. આમાં મોટી વાત એ છે કે કોઈના પર ઉપકારની ભાવના હોતી નથી, કારણ આ વખતે વીશી ઉપાડનાર અત્યાર
સુધી બીજા માટે આપતો જ હતોને? એથી ન લેનારને છોછ કે ન આપનારનો ઉપકાર. હા, પણ ક્યારેક ગજા બહારની રકમની વીશીમાં જો હોંશે-હોંશે જોડાયા હો તો પછી હોશ ઊડી જાય એવા દિવસો આવે. વળી જો દેખાદેખીમાં બે કે ત્રણ વીશીમાં જોડાયા તો પછી એના ચક્રવ્યૂહમાંથી નીકળવું અતિમુશ્કેલ અને અંતે હાલ અભિમન્યુ જેવા જ.

 ત્રીજું ઑફશૂટ એ ખાધેપીધે સુખી ઘરની સ્ત્રીઓની કિટી પાર્ટીઓ. આ પાર્ટીઓ શું નવું ખરીદ્યું અને કેટલું મોંઘું ખરીદી શકે છે એ બતાવવા માટેની જ હોય છે. એમાં ચડસાચડસી કેન્દ્રસ્થાને હોય છે.

 ચોથું ઑફશૂટ એ ફૅમિલી કિટી પાર્ટીઓ. આ ધીમે-ધીમે વિકસી રહેલો નવો ટ્રેન્ડ છે. દિવાળીમાં થતા દેશી મેળાવડાઓનું આ અપગ્રેડેડ વર્ઝન જ કહેવાય. દેશી મેળાવડામાં એકબીજાને મળીને, ખબરઅંતર પૂછીને લગ્નલાયક કન્યા કે મુરતિયાને ખાસ બધાને મેળવવામાં આવતાં. એનું જ ન્યુ લેટેસ્ટ ઇનોવેશન એટલે કિટી પાર્ટીમાં ડિક્લેર કરવામાં આવતી ‘ઑફિશ્યલ એન્ટ્રી ઑફ સન ઑર ડૉટર’ અને એ દિવસે કોણે આ સવા રૂપિયાને ઝડપી લીધો કે લીધી એની ગૉસિપ માટે તો પાછી છે જને નેક્સ્ટ કિટી પાર્ટી.

punjab uttar pradesh national news news columnists india