જીવન પાસેથી જે માગ્યું’તું એ બધું તમને મળી ગયું?

10 November, 2024 02:28 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

આ પૃથ્વી પર રહેલા કરોડો-અબજો જીવમાંથી કોઈ એકને આપણી જરૂર છે, બસ એટલી જ અનુભૂતિ આ ભવસાગર ઓળંગવા માટે પર્યાપ્ત છે

પ્રતીકાત્મક તસવીર

મારી પહેલી ગર્લફ્રેન્ડે અનાટમીના પાઠ્યપુસ્તક પર લખીને મોકલાવેલો સંદેશો મને આજે પણ યાદ છે. પાઠ્યપુસ્તકના પહેલા પાના પર સુંદર અને મરોડદાર અક્ષરોમાં તેણે લખેલું, ‘The best thing in this world is to be needed.’ આ વિશાળ અને અપરિચિત જગતમાં કોઈને આપણી જરૂર છે એ અનુભૂતિ જ શ્રેષ્ઠ છે. ગમતી વ્યક્તિ પાસેથી મળેલું આ વાક્ય, હૃદય પર કોતરાઈ ગયું. પાઠ્યપુસ્તકનું એ પાનું મેં ફાઇનલ MBBS સુધી સાચવીને રાખ્યું પછી અમે છૂટાં પડી ગયાં, પણ આજે વીસ વર્ષ પછી પણ એ ફિલોસૉફી મારો પીછો નથી છોડતી.

આ વાત મને એટલે યાદ આવી કારણ કે જીવનની આવી જ કંઈક ફિલોસૉફી રજૂ કરતી એક કવિતા મને અચાનક ગઈ કાલે રસ્તામાં મળી. અમેરિકન કવિ અને ટૂંકી વાર્તાઓના લેખક રેમન્ડ કાવર દ્વારા લખાયેલી આ કવિતા ‘લેટ ફ્રૅગ્મેન્ટ’ તરીકે ઓળખાય છે. આ કવિતા સાથે તીવ્ર ભાવનાત્મક લગાવ થઈ જવાનું સૌથી મોટું કારણ એ છે કે રેમન્ડ કાવરના અંતિમ પુસ્તકની આ અંતિમ કવિતા છે. કૅન્સરના નિદાન પછી જ્યારે તેઓ મૃત્યુની નજીક સરકી રહ્યા હતા એ સમયે તેમણે આ પુસ્તક લખેલું, જેનું નામ છે ‘અ ન્યુ પાથ ટુ ધ વૉટરફૉલ’. ફક્ત એ પુસ્તક જ નહીં, રેમન્ડના સમગ્ર જીવતરનો સારાંશ એટલે તેમની આ ‘છેલ્લી કવિતા’. ફક્ત ચાર લીટીમાં લખાયેલી જીવનની આ ફિલોસૉફી મને એટલા માટે વધારે સ્પર્શી ગઈ, કારણ કે એ પંક્તિઓ રેમન્ડની કબર પર આજે પણ કોતરાયેલી છે. એક વિશ્વસાહિત્યકાર જાણે મૃત્યુ પછી પણ જીવનનો સંદેશો આપતા હોય, એમ કબર પર લખાયેલી આ કવિતાની નીચે રેમન્ડ કાવરના હસ્તાક્ષર છે. આ કવિતા સંવાદના સ્વરૂપમાં છે. રેમન્ડ પોતાની જાતને પ્રશ્ન પૂછે છે અને જાતે જ એનો જવાબ આપે છે. એનો ભાવાનુવાદ કંઈક આવો છે.

‘...છેવટે જીવન પાસેથી જે માગ્યું તું. એ બધું તમને મળી ગયું?

હા, મને મળી ગયું.

ને શું માગ્યું... તું તમે?

આ પૃથ્વી પર ‘સ્વ’ને પ્રિય કહેવાની અને અન્ય કોઈના પ્રિય હોવાની અનુભૂતિ.’

બસ, આ જ જીવનનો સાર છે. રેમન્ડની અંતિમ કવિતા અને જીવનની અંતિમ ફલોસૉફી, બન્નેની સેન્ટ્રલ થીમ એક જ છે, ‘પ્રિય હોવાની અનુભૂતિ’. ડિઝાયર ટુ બી લવ્ડ. ફક્ત જાતને પ્રેમ કરવાની જ નહીં, અન્યના પણ પ્રિયજન બનવાની ઝંખના જીવનમાં પ્રેમના મુખ્ય બે સ્રોત છે. એક આપણી પોતાની જાત અને બીજી કોઈ એવી ખાસ વ્યક્તિ, જે આપણી જ જાતનું અન્ય સ્વરૂપમાં થયેલું વિસ્તરણ હોય. એટલે કે એક સેલ્ફ અને એક આપણી એક્સ્ટેન્ડેડ સેલ્ફ. જો આ બન્ને પાસેથી આપણને બિનશરતી પ્રેમ મળવા લાગે તો જીવનમાં પામવા જેવું બીજું કશું જ બાકી નથી રહેતું.

કૅન્સરના રોગથી મૃત્યુ પામી રહેલા એક ચિંતકના આ અંતિમ શબ્દો આપણી મુસાફરીમાં છેક સુધી કામ લાગે એવા છે. કબર સુધીની સામૂહિક સફરમાં નીકળ્યા હોઈએ ત્યારે સામાનમાં આવી કેટલીક ફિલોસૉફી હાથવગી રાખવી. એનો સૌથી મોટો ફાયદો એ છે કે પૂરપાટ ઝડપે દોડતી જિંદગીની નૉન-સ્ટૉપ બસમાંથી બારીની બહારનું દૃશ્ય વધારે સ્પષ્ટ જોઈ શકાય છે. જીવનમાં શું મહત્ત્વનું છે અને શું નહીં એનો એક રફ સ્કેચ દોરવામાં આવા શબ્દો મદદરૂપ થાય છે.

ધારો કે રેમન્ડની જગ્યાએ આપણે આપણી ચિતા પાસે બેઠા છીએ. એ સમયે આપણને વંદન કરવા આવનાર પ્રિયજનો અને આપણી ભૂતકાળની જાતને આપણે કયો સંદેશો આપીશું? શું માગ્યું... તું જીવન પાસેથી અને શું લઈને જઈ રહ્યા છીએ? આ સુંદર પૃથ્વી પર સાવ અલ્પ સમય માટે અવતરણ પામીને આપણે શું મેળવ્યું ને શું આપ્યું? જો એ દરેક સવાલનો જવાબ ‘પ્રેમ’ હોય તો સમજવું કે અગ્નિની જ્વાળાઓ ખોલે એ પહેલાં જ આપણી આંખો ખૂલી ગઈ છે.

પ્રેમ છોડીને પદાર્થ, પદવી કે પ્રસિદ્ધિને પામવાની રઝળપાટ, આગળ વધવાની ધક્કામુક્કી કે પછી ચૈતન્ય સિવાય બીજા કશાયને ચાહવાની ઝંખના સ્મશાનના દરવાજા સુધી પહોંચતાં હાંફી, હારી અને થાકીને કેવી બેહાલ થઈ જાય છે એ જ આ વાર્તાનો સાર છે. જો જીવતરને ફક્ત ચાર જ અક્ષરોમાં સમેટી લેવાનું હોય તો એનું નામ હું પ્રિયજન રાખું.

આખા જગતના નહીં, બસ કોઈ એકના પ્રિયજન અને પોતાની જાતના તો ખરા જ! સાવ જ અનાયાસે માંડેલી આ જીવનની રમત એ બીજું કશું જ નથી પણ પ્રેમના આદાનપ્રદાનની પ્રક્રિયા છે. આ પૃથ્વી પર રહેલા કરોડો-અબજો જીવમાંથી કોઈ એકને આપણી જરૂર છે બસ, એટલી જ અનુભૂતિ આ ભવસાગર ઓળંગવા માટે પર્યાપ્ત છે. આપણે કોઈની ઇમોશનલ જરૂરિયાત છીએ એ હકીકત જ આપણને જીવવા માટેનું બળ પૂરું પાડે છે. આપણા અસ્તિત્વને ટેકો આપે છે. ‘કૉઝ ઑફ ડેથ’માં ભરવા માટેનાં કારણો તો તબીબો શોધી લેશે, એ અસંખ્ય છે પણ ‘કૉઝ ઑફ લાઇફ’ તો આપણે જ શોધવું પડશે. અને એ માટે પ્રિયજન જેવું એકાદ કારણ પૂરતું છે.    -ડૉ. નિમિત્ત ઓઝા

life and style columnists mumbai gujarati mid-day cancer health tips