22 October, 2023 12:55 PM IST | Mumbai | Sunil Mankad
કચ્છનું સફેદ રણ
મરુ, મેરુ અને મેરામણની ભૂમિ છે કચ્છ. ૪૫,૬૫૨ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા કચ્છની અત્યાર સુધી છાપ હતી દૂરથી દેખાતા ચંદ્ર જેવી. ખાડા-ટેકરા અને ડાઘ જ જેમ ચંદ્ર પર દેખાય છે એમ કચ્છને દુનિયાના લોકો એક વિષમ વાતાવરણવાળા ઉજ્જડ પ્રદેશ તરીકે જ ઓળખતા, પણ હવે સ્થિતિ બદલાઈ છે. ભૂકંપે કચ્છને ધમરોળી નાખ્યા પછી સહાનુભૂતિના ઢગલામાંથી એક એવો અર્ક નીકળ્યો કે જેણે સમુદ્રમંથનમાંથી નીકળેલા અમૃત જેવી અસર કરી. એ અમૃતનું ધરાઈ-ધરાઈને કચ્છવાસીઓ પાન કરી રહ્યા છે. જેને વિશ્વ આખું રણોત્સવ તરીકે ઓળખે છે. સહરાનું રણ હોય કે દુબઈની રેતીના ટૂવાઓથી ઊભરાતું રણ. કચ્છનું સફેદ રણ એ બન્ને કરતાં જુદી જ રીતે પ્રખ્યાત બન્યું છે. ભૂકંપ પછી તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છની વધી ગયેલી મુલાકાત દરમ્યાન તેમની દૃષ્ટિએ અફાટ રણ ચડ્યું હતું જ્યાં રેતી નહીં, પણ દરિયાનાં ફરી વળેલાં પાણી હોય છે.
કચ્છને કુદરતે શ્વેત રણની અદ્ભુત ભેટ આપી છે. ધોરડોમાં દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલી રહેલા કચ્છના પ્રવાસનની પારાશીશી સમાન રણોત્સવનો પ્રારંભ વર્ષ ૨૦૦૫માં થયો હતો. આ ઉત્સવનું શરૂઆતમાં નામ અપાયું હતું શરદોત્સવ, પણ ૨૦૦૭થી એ રણોત્સવ તરીકે ઊજવાય છે. આમ તો કચ્છમાં પ્રવાસીઓને આકર્ષી શકે એવાં અનેક સ્થળો છે, પણ કચ્છનું સફેદ રણ એ વિશ્વમાં અજોડ કહી શકાય. અહીં આવતા પ્રવાસીઓ માટે એ સેલિબ્રેશન ઑફ લાઇફ બની જાય છે.
હવે જ્યારે નવેમ્બર મહિનો આવી રહ્યો છે અને કચ્છ રણોત્સવમાં દેશી-વિદેશી પ્રવાસીઓને આકર્ષવા અને આવકારવા તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે જ કચ્છના ધોરડો અને કચ્છના પ્રવાસન સ્થળની ફરી વિશ્વ કક્ષાએ નોંધ લેવાઈ છે. વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન દ્વારા કચ્છના ધોરડોને પ્રવાસન સ્થળમાં પસંદ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૫માં ગુજરાતનાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમ્યાન કચ્છના વેરાન સફેદ રણને પ્રવાસન ક્ષેત્રમાં મૂકીને બન્ની પચ્છમ સાથે જિલ્લાને પર્યટન સ્થળ બનાવવા નવી દિશા મળી છે. જ્યારે તાજેતરમાં ઐતિહાસિક ધરોહર ધોળાવીરાને વૈશ્વિક ધરોહરની માન્યતા સાથે રાજાશાહી વખતની કલાત્મક ઇમારતો ધરાવતા કચ્છની પ્રવાસન સ્થળ તરીકે વિશેષ પ્રગતિ નોંધાઈ છે ત્યારે વર્ષ ૨૦૦૫થી ભુજના ધોરડો નજીકના સફેદ રણ ખાતે યોજાતા રણોત્સવને લઈ ધ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશને જ્યાં રણોત્સવ યોજ્યો છે એ ધોરડો વિલેજને વિશ્વના ૭૪ શ્રેષ્ઠ ફરવાલાયક સ્થળમાં પસંદગી કરી છે.
ધોરડો વિલેજની વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસ-સ્થળમાં પસંદગી થતાં કરછનું નામ વધુ એક વખત વિશ્વ ફલક પર રોશન થયું છે. આ પહેલાં ખડીર વિસ્તારમાં આવેલા હડપ્પીય સંસ્કૃતિના સાક્ષી ધોળાવીરા વિલેજને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત તરીકે જાહેર કરવામાં આવી ચૂક્યું છે. અલબત્ત પાકિસ્તાન સરહદ નજીકના રણ પ્રદેશમાં આવેલું ધોરડો ગામ નજીકના સફેદ રણને લઈને દેશ-વિદેશના પર્યટકોમાં જાણીતું છે. શિયાળા દરમ્યાન ત્રણ માસ સુધી ચાલતો રણોત્સવ એનું મુખ્ય કારણ છે.
ભુજથી આશરે ૭૦ કિલોમીટરના અંતરે ખાવડા માર્ગે આવેલું ધોરડો ગામ આમ તો કિલોમીટર સુધી પથરાયેલી નિર્જન બંજર ભૂમિ જ છે, પરંતુ કુદરતનો કરિશ્મા એવો છે કે વર્ષોથી આ રણમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. મૂળે આ જમીન પર જે દરિયો હતો એ હવે દૂર ચાલ્યો ગયો હોવા છતાં એ ખારા પાટમાં ભરાયેલાં પાણી જ્યારે સુકાઈ જાય ત્યારે મીઠાના થરની એક સુંદર ચાદર પથરાય છે. કિલોમીટરો સુધી, જ્યાં નજર પહોંચે ત્યાં સુધી સફેદ નિર્જન ભૂમિની સુંદરતા છવાઈ જાય છે. સાવ નાનકડા ધોરડોને વૈશ્વિક ફલક પર મૂકી દેનારા આ રણનું એક આકર્ષણ એ પણ છે કે એની બીજી તરફ પાકિસ્તાનનું સિંધ આવેલું છે. રણોત્સવ કચ્છના પ્રવાસનની પારાશીશી સમાન છે. એટલે જ એને શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે હવે ઘોષિત કરાયું છે.
વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ ધોરડો ગામની વસ્તી ૬૦૦ હતી જે હવે આજે પણ ૧૦૦૦ સુધી માંડ પહોંચી હશે. ધોરડો ગામ પહેલેથી ઉપેક્ષિત હતું, પરંતુ રણોત્સવ પછી એનું મહત્ત્વ વધી ગયું છે. ગામમાં મુખ્યત્વે મુસ્લિમ વસ્તી છે જે કચ્છી હસ્તકલાઓમાં માહિર છે. પહેલાં અહીંના લોકો અને કલાઓ બહુ પ્રચલિત નહોતી, પરંતુ હવે અહીંના
લોકો અને તેમની કલાઓને બજાર સાંપડ્યું છે. અહીં લોકો જે ભૂંગામાં રહેતા એમાં હવે પર્યટકો ઊંચાં ભાડાં આપી રહેવા માટે પડાપડી કરે છે. બૉલીવુડની અનેક ફિલ્મો અને ટીવી સિરિયલોનાં અહીં શૂટિંગ થવા લાગ્યાં છે અને એટલં જ અહીંના લોકોનું જીવનધોરણ પણ ઊંચું થવા લાગ્યું છે.
અફાટ સફેદ રણમાં સૂર્યાસ્ત જોયા પછી પ્રવાસીઓ હસ્તકલાની હાટમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને વિધ-વિધ કચ્છી કસબીઓએ તૈયાર કરેલા હસ્તકલાના નમૂના જોઈ આંગળાં નાખી જાય છે. સ્વચ્છ એવી આ બજારમાં અલભ્ય અને હવે ધીરે-ધીરે લુપ્ત થઈ રહેલી કલા જોવા મળે છે. એટલું જ નહીં, એ સ્થળે બેસીને જ બાટિક, કાષ્ટકામથી માંડીને પોતાની કામગીરી-કલાકારોને જોવાનીય અનેરી મજા છે. રાતે ખુલ્લા રણમાં ઠંડીમાં ઠૂંઠવાતાં કચ્છની સંસ્કૃતિનાં દર્શનસમો કાર્યક્રમ પણ નિહાળવા મળે. આવા લોભામણા રણોત્સવમાં ફરવાનું કોને ન ગમે? સૌથી નજીકનું ગામ ધોરડો છે અને ધોરડોના લોકો હવે તો બારેમાસ આ રીતે પ્રવૃત્ત થઈ ગયા છે.
ધોરડો ગામને બીજો એક ફાયદો એ પણ છે કે અહીં ઉત્સવ વખતે પશુમેળો પણ યોજાય છે, જેમાં દૂધાળાં અને પાળેલાં પશુઓની લે-વેચ થાય, એનો લાભ કચ્છના પશુપાલકોને મળે છે. આ ઉપરાંત બળદગાડાંની રેસ, અશ્વદોડ, રેંકડા દોડ, મલ્લકુસ્તીના દાવ જેવાં અનેક આકર્ષણોમાં ધોરડો ગામના લોકો સહભાગી થાય છે. એટલું જ નહીં, ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા ભૂંગાઓ ઊભાં કરી એમાં પ્રવાસીઓને હંગામી ધોરણે ભાડે અપાય છે.
ધોરડો ગામના સરપંચ છે મિયાહુસેન મુતવા. ૫૫ વર્ષના મિયાહુસેન ગુલબેગ મુતવા જ્યાં સુધી તેમનું ગામ ચર્ચામાં નહોતું આવ્યું ત્યાં સુધી ભેંસો પાળતા હતા.
સરપંચ મુતવા કહે છે કે રણ-ઉત્સવનો ખૂબ આભાર. આજે અમારા ગામમાં તમામ ૧૦૦ લોકોનાં ઘરોમાં પીવાનું પાણી, કૉન્ક્રીટના રસ્તા, બૅન્ક ઑફ બરોડાની શાખા, એટીએમ, માધ્યમિક શાળા, બે વર્ષ માટે પૂરતું પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતું તળાવ અને ઘણુંબધું છે.
તેઓ કહે છે કે ધોરડો ગામને જે માન મળ્યું એ મને ગમે છે, કારણ કે એનો અર્થ ગામડાની પ્રગતિ છે. આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને વીવીઆઈપીઓનું આયોજન કરનારું ધોરડો એ સરહદ પરનું છેલ્લું ગામ હોઈ શકે છે, પરંતુ એ ચોક્કસપણે હવે સૌથી દૂરનું ગામ નથી.
મુતવા લોકો એશિયાનાં સૌથી મોટાં ઘાસનાં મેદાનોમાંના એક બન્નીમાં સ્થાયી થયેલા મુસ્લિમ માલધારીઓ (પરંપરાગત પશુપાલકો) છે. મિયાહુસેનના પિતા ગુલબેગ ૧૯૬૦ના દાયકાથી ૧૯૯૯માં તેમના મૃત્યુ સુધી મુતવા સમુદાયના નેતા તરીકે ગામના વડા હતા. જૂથ ગ્રામ-પંચાયત; જેમાં પાટગર, ઉડો અને સિનિયાડો ગામનો પણ સમાવેશ થાય છે.
અહીં હવે રિસૉર્ટ ડીજીપીવીટી દ્વારા ચલાવવામાં આવે છે, જે જિલ્લા પ્રવાસન સમિતિના નેજા હેઠળ કાર્ય કરે છે. ડીજીપીવીટીએ ૨૦૧૭-’૧૮ માટે કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયનો રાષ્ટ્રીય પ્રવાસન પુરસ્કાર જીત્યો. એમાંથી થતી આવકને કારણે ગામમાં દવાખાનું ચલાવવા અને બે ડઝનથી વધુ લોકોને રોજગારી આપવા ગામ સક્ષમ બન્યું છે.
ધોરડો ગામના લોકો અસલમાં માલધારી છે. અહીંના સરપંચ અને તેમનાં પત્ની હજી થોડા વર્ષ પહેલાં સુધી બન્ની જાતિની પચીસ જેટલી ભેંસોનું દૂધ દોહતાં હતાં. હવે તેમની પાસે ઢોરની જાળવણી માટે એક વ્યક્તિ છે. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રવાસનને પ્રવેગ મળ્યા પછી ધોરડો આજે વિશ્વ-નકશામાં છવાઈ ગયું છે.