02 June, 2020 04:37 PM IST | Kutch | Mavji Maheshwari
ભારત પૃથ્વીની આંતરિક ખસતી પ્લૅટ્સ પર વસેલું છે એટલે ભૂકંપો અગાઉ પણ આવ્યા છે અને ભવિષ્યમાં પણ આવી શકે છે. કુદરતના બધા જ રૌદ્ર સ્વરૂપ ભારતભૂમિ જોઈ ચૂકી છે. ભારતમાં હાલમાં કોઈ સક્રિય જ્વાળામુખી નથી. નિષ્ક્રિય જ્વાળામુખી સક્રિય જ ન થાય એવું પણ નથી. ધીણોધર ડુંગર એક નિષ્ક્રિય જ્વાળામુખી છે. એ સક્રિય નહીં જ થાય એવું ચોક્કસપણે ભૂસ્તર શાસ્ત્રીઓ કહી શકે એમ નથી, કારણ કે કચ્છ અતિ સંવેદનશીલ પાંચમા સીસ્મો ઝોનમાં આવેલું છે.
‘હેમારે વટ પુગો નિરંજન, ધીણોધર સંભરન’ કચ્છી કવિ નિરંજન જ્યારે હિમાલય પહોંચ્યા ત્યારે તેમને પોતાના પ્રદેશનો સૌંદર્યથી મઢેલો ધીણોધર ડુંગર યાદ આવ્યો હતો. ખરે જ કચ્છમાં જેટલા ડુંગર છે એમાં ધીણોધર ડુંગર એના આકાર, વનશ્રી અને પ્રાકૃતિક સૌંદર્ય થકી અલગ પડે છે. વાસ્તવમાં આ રમણીય ડુંગર ધીણોધર સમુદ્ર સપાટીથી ૩૮૬ મીટર ઊંચાઈ ધરાવતો એક નિષ્ક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખી શબ્દ જરા ડરામણો છે. હજી સુધી કચ્છની પ્રજાએ આ ડુંગરની કલ્પના જ્વાળામુખી તરીકે કરી જ નથી. વિનાશક ભૂકંપ જોઈ ચૂકેલી કચ્છની પ્રજાએ ન તો જ્વાળામુખી જોયો છે કે ન તો તેને કલ્પના છે. નખત્રાણાથી ૧૫ કિલોમીટર દૂર આવેલો ધીણોધર ડુંગર સામાન્ય રીતે કચ્છમાં પર્યટન અને ધાર્મિક સ્થળ તરીકે ઓળખાય છે. ભૂસ્તર શાસ્ત્ર એટલું અટપટું અને અઘરું છે કે એ માટે પૃથ્વીની ઉત્પતિથી માંડીને એના તમામ ખંડોની ભૂસ્તર રચનાને સમજવી પડે. સામાન્ય માણસને એમાં રસ ન પડે એ સ્વાભાવિક છે. કચ્છની વર્તમાન ભૂ-સપાટી અનેક કુદરતી ઊથલપાથલો થકી રચાઈ છે. જગતના મોટા ભૂકંપોમાં જેની ગણતરી થાય છે એવો મોટો ભૂકંપ આવી ગયાને હજુ ૨૦ જ વર્ષ થયાં છે ત્યારે ધીણોધર ડુંગરને નવા ઍન્ગલથી જોવો અભ્યાસુ માટે જરૂરી છે. ભૂસ્તર શાસ્ત્રીઓનાં સંશોધનો મુજબ ધીણોધર ડુંગર એક નિષ્ક્રિય જ્વાળામુખી છે, પરંતુ એ કદી પણ સક્રિય નહીં જ થાય એની શક્યતાઓ વિશે પ્રશ્નાર્થ છે. એનો અર્થ એ થયો કે ધીણોધર ક્યારેય પણ સક્રિય થઈ શકે છે.
નિષ્ક્રિય જ્વાળામુખીઓ છે એમાંનો એક એટલે કચ્છનો ધીણોધર ડુંગર. હજી સુધી ભૂસ્તર વૈજ્ઞાનિકોએ ધીણોધર જ્વાળામુખીને નષ્ટ થયેલો જાહેર કર્યો નથી. એનું કારણ એ છે કે કચ્છની ધરતીની નીચે સતત હલચલ થતી રહે છે. ધીણોધર જ્વાળામુખી ભૂ-વૈજ્ઞાનિકો માટે રસનો વિષય પણ બની રહે છે. એના બીજાં અનેક કારણો છે. ધીણોધરની રચના સાથે ડાયનાસૉર યુગને સંબંધ હોવાનું વૈજ્ઞાનિકોનો મત છે. વૈજ્ઞાનિકો માને છે કે આ ડુંગરની રચના, એના લાવાના ખડકો સાથે ડાયનાસૉર યુગની સમાપ્તિ સાથે પણ સંબંધ છે. ડાયનાસૉર યુગના અસ્તના સમયને ભૂ-ઇતિહાસકારો ‘ક્રટેસસ પિરિયડ’ કહે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ડાયનાસૉરના સમૂહ મૃત્યુને આ જ્વાળામુખીના વિસ્ફોટ સાથે સંબંધ છે. કચ્છમાંથી ડાયનાસૉરના અશ્મિઓ મળ્યા છે જે આ હકીકતની પુષ્ટી કરે છે. આ ઘટના સાત કરોડ નેવુ લાખ વર્ષો પહેલાં બની હોવાનો વૈજ્ઞાનિકોનો મત છે.
ભારતની ભૂરચનામાં ડેક્કન ટ્રેપ તરીકે ઓળખાતો લાવાનો થર મધ્ય ભારતથી છેક કચ્છ સુધી લંબાય છે. દુનિયાના મોટા જ્વાળામુખીના અવશેષો આ ડેક્કન ટ્રેપમાં મળે છે. કચ્છના ધીણોધરનો સમાવેશ પણ ડેક્કન ટ્રેપમાં જ થાય છે. જેમણે પણ ધીણોધર ચડતી વખતે કે એનો અભ્યાસ કરતી વખતે એ હકીકત નોંધી હોય કે ધીણોધર જાણે પથ્થરનું એક ગાઢ જંગલ છે. વળી એની રચના પણ એવી છે જાણે અણઘડ પથ્થરમાંથી કોઈ કુશળ કારીગર ખેતરની વંડી કરતો હોય. એકમેક પર કાપીને ગોઠવ્યા હોય એવી પથ્થરની રચના ધીણોધર ડુંગરમાં જોવા મળે છે. યુરોપના કેટલાક દેશોના પર્વતોમાં આવી રચના જોવા મળે છે. ત્યાંની સરકારોએ એ ડુંગરોની જાળવણી કરી પ્રવાસીઓ અને સંશોધકોને અભ્યાસ હેતુ વ્યવસ્થા કરી છે. ભારતમાં મોટા ભાગના પર્વતોની ટોચ પર કોઈ ને કોઈ મંદિર કે મંદિરોનું જંગલ રચાઈ જાય છે. પરિણામે ત્યાં ધાર્મિક વાતાવરણ રચાય છે. કેટલીક કથાઓ પણ રચાય છે. લોકો પેઢી દર પેઢી એ કથાને સાચી માની શ્રધ્ધાપૂર્વક પર્વત સુધી જાય છે ખરા. ધીણોધર ડુંગર ગુજરાતના પ્રવાસન નિગમના નકશામાં સત્તાવાર રીતે છે ખરો, પણ પ્રવાસન વિભાગે આ ડુંગરની રચના અને એના ભૌગોલિક સત્યો વિશેની જાણકારી સહજતાથી મળે એની કોઈ વ્યવસ્થા કરી નથી. એટલું જ નહીં, અહીં પાણી, રાત્રિ રોકાણની સુવિધા પૂરતી નથી. ધાર્મિક સ્થળ હોવાથી શ્રધ્ધાળુઓ અને દાતાઓની મદદથી વિજળી અને પાણીની વ્યવસ્થા ગોઠવી શકાઈ છે.
ધીણોધર ડુંગરના ભૌગોલિક પાસાઓને ઘડીભર ભૂલી જઈએ તો અહીં નાથ સંપ્રદાય સાથે સીધો સંબંધ ધરાવતું આ સ્થળ છે. કનફટા સાધુઓની આ મૂળ જગ્યા છે. અહીં દક્ષિણે થાન જાગીર છે. એનો રસપ્રદ ઇતિહાસ છે. જેમણે કચ્છ પર બીબીસીએ બનાવેલી ડોક્યુમેન્ટરી જોઈ હશે તેમને યાદ હશે કે એ ફિલ્મની શરૂઆત જ ઊંધા માથે તપ કરતા સાધુ આંખ ખોલે છે અને સામેનો દરિયો સૂક્કા રણમાં ફેરવાઈ જાય છે એ દૃશ્યથી થાય છે. એ ઊંધે માથે તપ કરતા સાધુ એટલે મહાત્મા ધોરમનાથ. જેમનો અહીં મઠ છે. આ મઠમાં ઉત્તમ ચિત્રકારીનો કલાવારસો ધરાવતાં ચિત્રો છે. એ ચિત્રકારીની કલા હવે કચ્છમાંથી લુપ્ત થઈ ગઈ છે. ટ્રૅકિંગ માટે કચ્છમાં ઉત્તમ સ્થળ હોય તો એ ધીણોધર છે. જો પ્રવાસન વિભાગ રસ લે તો ધીણોધરને ટ્રૅકિંગ સાઇટ તરીકે વિકસાવી શકાય એમ છે. અગાઉ આ બાબત ચર્ચાઈ હતી, પરંતુ એ દિશામાં નક્કર આયોજન થયું નથી. જોકે ડિસેમ્બર-જાન્યુઆરીમાં અહીં પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન થાય છે. આ ડુંગરની ખરી શોભા ચોમાસામાં નીખરી ઊઠે છે. ચોમાસામાં એ કોઈ હિલ સ્ટેશન જેવો દેખાય છે. ચોમાસામાં વાદળો ઘેરાય છે અને વરસાદ પડે છે ત્યારે ડુંગરની ટોચે આવેલા ધોરમનાથના મંદિરને અડીને વાદળાં પસાર થાય છે. એ દશ્યો અત્યંત આહલાદક હોય છે. ધીણોધર કચ્છમાં અલભ્ય ઔષધીઓનો ખજાનો છે. વન ઔષધીઓમાં રસ લેનારાઓએ આ ડુંગરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. સરકાર કે કોઈ સ્વૈચ્છિક સંસ્થા આ ડુંગરની આસપાસ કુદરતી ઔષધી સંશોધન કેન્દ્ર શરૂ કરે તો ધીણોધર ઘણું બધું આપી શકે એમ છે. આ ડુંગરમાં રમણીય ખીણો છે, પણ ઉનાળામાં જ્યારે ખેર, બાવળ, ખીજડા જેવાં વૃક્ષો પાન ખેરવી નાખે છે ત્યારે આ ખીણો નિષ્પાણ અને બોડી લાગે છે. કચ્છના વન વિભાગે આ ડુંગરમાં સદાપર્ણ વૃક્ષો વાવવાની પણ જરૂર છે જેથી પશુ-પંખીઓને આશરો મળી રહે અને ચોમાસામાં ધોવાણ અટકે. ધીણોધર ડુંગર ભૂસ્તર શાસ્ત્રની દૃષ્ટિએ ભલે જ્વાળામુખી હોય, પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની દૃષ્ટિએ આ ડુંગર એકદમ રમણીય છે. આ ડુંગરની ટોચે પહોંચ્યા પછી પ્રકૃતિના બે સમાના છેડાનાં દૃશ્યો દેખાય છે. ઉત્તર દિશામાં મીઠાનું રણ અને દક્ષિણ દિશામાં વાડીઓની હરિયાળી. દૂર-દૂરનાં જળાશયોનાં મનોહર દૃશ્યો પણ આ ડુંગર પરથી જોઈ શકાય છે.