04 November, 2020 01:16 PM IST | Mumbai | Rashmin Shah
દીપક ઘીવાલા
અઢળક ગુજરાતી નાટક, ગુજરાતી ફિલ્મો અને હવે હિન્દી સિરિયલના સ્ટાર દીપક ઘીવાલાનું ચાલે તો એ માત્ર સૅલડ પર મહિનાઓ કાઢી શકે અને સૂપ પર વર્ષો પસાર કરી નાખે. વર્ષો પહેલાં ફૉરેનની ટૂરમાં તે એવું કરી પણ ચૂક્યા છે. નવી ગુજરાતી રંગભૂમિના પહેલા સુપરસ્ટાર એવા દીપક ઘીવાલા મિડ-ડેના રશ્મિન શાહને પોતાના ખાનપાનના શોખ અને આદત વિશે મન ખોલીને વાત કરે છે
બહુ ઓછા લોકોને હવે તો યાદ હશે પણ હું મૂળ સુરતનો અને સુરતી લાલા ખાવાની બાબતમાં કેવા હોય એ તો સૌકોઈ જાણે છે, પણ મારી સાથે આ વાત લાગુ નથી પડતી. કેવી રીતે એ લાગુ નથી પડતી એની વાત તમને ત્યાં જ સમજાઈ જશે કે મારા ફૂડમાં કોઈ જાતનો ચટાકો નથી હોતો. ના, બિલકુલ નહીં. આ માટેનો જશ મારાં મમ્મી કુસુમબહેનને જાય છે. નાનપણથી તેમના હાથનું ફૂડ ખાતો એટલે તેમના હાથની રસોઈની એવી તે આદત પડી કે આજ સુધી એ જ આદત અકબંધ રહી છે. થૅન્ક્સ ટુ વાઇફ રાગિણી કે તેણે પણ મારી એ આદતને માન આપીને બહુ સરસ રીતે મારા ટેસ્ટને જાળવી રાખ્યો.
મારું ફૂડ માઇલ્ડ હોય. કારણ વિનાની તીખાશ નહીં અને કારણ વિનાની ખટાશ નહીં. વાજબી રીતે હોય એના કરતાં પણ આ બન્નેનું પ્રમાણ ઓછું હોય એમ કહું તો ચાલે. મમ્મીના લીધે જ મને ક્યારેય બહારના ફૂડની આદત પણ પડી નહીં. આમ તો હું જ્યારે નાનો હતો ત્યારે તો રેસ્ટોરન્ટ કલ્ચર આટલું વિસ્તર્યું નહોતું અને નાસ્તાઓ પણ બહાર ભાગ્યે જ વેચાતા તમને જોવા મળતા. બધું ઘરમાં જ બને અને ફાસ્ટ ફૂડ તો તમને જોવા પણ ન મળે. ચકરી, સક્કરપારા, ગાંઠિયા, ચોળાફળી, ચવાણું, સેવ જેવું બધું ઘરે જ બને અને એ ઘરના ડબ્બામાં હોય જ હોય. આજે જે વરાઇટી લોકો બહારથી ખરીદી લાવે છે એવી વરાઇટી પણ અમારા ઘરમાં જ બનતી. ખાંડવી, ખમણ, ઊંધિયું, સમોસાં બધું ઘરમાં બને અને એ પણ માઇલ્ડ ટેસ્ટનાં. કોઈ નવી વરાઇટી ખાવાનું મન થયું હોય તો એ પણ ઘરમાં કહેવાનું એટલે બેચાર દિવસમાં મમ્મી બનાવીને તૈયાર કરી નાખે. મને અત્યારે પણ યાદ છે કે અમારા ઘરે ઇડલી અને ઢોસા બનતાં એ અમારા પડોશી જોવા આવતા. ઢોસા ઘરે બને એ વાતની જ તેમને નવાઈ લાગતી. મને ઘણી વાર ઘણા લોકો પૂછે કે તમે બહારનું ખાઓ છો કે નહીં તો મારો જવાબ સાવ જુદો હોય. બહારનું ખાઉં ખરો પણ જો એ ઘરમાં બન્યું હોય તો. અને આ જવાબ સાચો છે. પીત્ઝાથી માંડીને પાણીપૂરી પણ હું ખાઈ લઉં પણ જો એનો ટેસ્ટ માઇલ્ડ હોય અને એ ઘરમાં બનેલાં હોય.
તેલનું શાક નહીં...
આજે ટીવી પર કામ ખૂબ વધ્યું છે પણ પહેલાં તો નાટકો અને ગુજરાતી ફિલ્મો જ કરતો. નાટકના શોની ટૂર હોય કે ફિલ્મનું શૂટિંગ હોય તો પહેલેથી મારી જરૂરિયાત મુજબના ફૂડનું મેં કહી દીધું હોય. હું સ્પષ્ટતા સાથે કહી દઉં કે મને શાકભાજીનું શાક ખાવું છે, તેલનું નહીં. આ સાચું છે, આપણે તેલનું શાક બનાવવાનું હોય અને એમાં વઘારમાં શાકભાજી નાખવાનાં હોય એવું વર્તતા હોઈએ છીએ. મુંબઈમાં તો શૂટિંગ હોય તો મારા ફૂડની ના જ હોય. ઘરેથી જ ટિફિન આવે અને એ જ જમવાનું. ધારો કે ટિફિન ન આવવાનું હોય તો હું ફ્રૂટ્સ પર ચલાવી લઉં કે પછી સૅલડ ખાઈને પણ દિવસ સરસ રીતે પસાર કરી લઉં.
પહેલાંના સમયમાં જ્યારે નાટકની ફૉરેન ટૂર થતી ત્યારે ફૉરેનમાં વેજિટેરિયન ફૂડના બહુ વાંધા પડતા. આજે હવે મોટા ભાગના દેશોમાં ગુજરાતી કે ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા થઈ છે પણ પહેલાં એવું નહોતું. ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં ઇન્ડિયન ફૂડ આટલું પૉપ્યુલર નહોતું. એ સમયે તો જે મળે એ ખાવું પડતું અને કાં તો પછી ઑર્ગેનાઇઝર જે વ્યવસ્થા કરે એનાથી ચલાવી લેવું પડતું. બધાને બહુ તકલીફ પડતી, મારા સિવાય. હું તો મસ્ત રીતે બહાર નીકળી ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ લઈ આવું, હોટેલ કે મોટેલ કે પછી જ્યાં ઉતારો હોય બેસીને એને મસ્ત રીતે સમારી, એનું સૅલડ બનાવવું અને મોજથી ખાઈ લઉં. મારી સાથે જેણે ફૉરેનમાં નાટકની ટૂર કરી હશે એ બધાને એ દિવસો યાદ હશે. એવું બનતું કે પહેલું વીક તો બધાનું પસાર થઈ જાય પણ પછી બધા કંટાળવા માંડે અને આવે મારી પાસે. આવીને કહે કે આજે તમારી સાથે મારું પણ સૅલડ બનાવજોને. ટૂર પૂરી થતાં સુધીમાં તો એવી પરિસ્થિતિ થઈ જાય કે બધેબધા સૅલડ પર આવી ગયા હોય અને એ સૅલડ તૈયાર કરવાની જવાબદારી મારી. આજે સબવેમાં જે સૅલડ મળે છે એ સૅલડ જે-તે સમયે હું ટૂરમાં બનાવતો અને એ પણ આત્મસૂઝથી. બધાં વેજિટેબલ્સ લેવાનાં, એને સમારીને એમાં મસાલો છાંટી જાતજાતના સૉસ નાખવાના. અમેરિકા, કૅનેડામાં તો એ સમયે પણ અલગ-અલગ અનેક વરાઇટીના સૉસ મળતા અને ત્યાંની મોટેલમાં એ અવેલેબલ પણ હોય. અમારું ગાડું ચાલે અને સાચું કહું તો પેલા બ્રેડના ઢગલાં પેટમાં ચણવા કરતાં તો આ બેસ્ટ જ છે. આજે પણ હું આ જ સિસ્ટમ રાખું છું. જો કંઈ ન હોય અને કંઈ બનાવવાનું મન પણ ન હોય તો વેજિટેબલ્સ અને હાજર હોય એ ફ્રૂટ્સ મિક્સ કરીને સૅલડ બનાવું. એમાં જુદા-જુદા સૉસ નાખવાનું હું અંગત રીતે પસંદ નથી કરતો પણ સિંધાણું અને સહેજ મરી પાઉડર અને બેથી ત્રણ ડ્રૉપ્સ લીંબુનો રસ. મોટો બાઉલ ભરીને બેસી જવાનું. હેલ્થ માટે બેસ્ટ, કોઈ સાઇડ ઇફેક્ટ નહીં અને કોઈ જાતનો બનાવવાની પળોજણ પણ નહીં.
ચા વ્યસન નહીં, સ્વભાવ...
હા, સાંભળવામાં જરા વિચત્ર લાગે પણ આ જ હકીકત છે. ચા મારી આદત કે વ્યસન નથી પણ મારો સ્વભાવ છે. સવારના મને ચા જોઈએ. જો ન આપો તો કોઈ પ્રૉબ્લેમ ન થાય અને કોઈ યાદ ન કરાવે તો યાદ પણ ન આવે, પણ એકલો પડું તો યાદ આવી જાય. એવું જ નાટક અને શૂટિંગ દરમ્યાન બને. કોઈ ચા પીતું દેખાય તો મન થાય પણ ધારો કે કોઈ ન પીતું હોય તો મને યાદ પણ ન આવે. આ જ કારણે હું માનું છું કે ચાનું મને વ્યસન નથી, પણ ચા મારા સ્વભાવમાં ભળી ગઈ છે. જોઉં તો મન થાય, બાકી એની ગેરહાજરીથી કોઈ ફરક ન પડે.
ચા હું નાનપણથી પીતો આવ્યો છું. ઘરમાં તો નિયમ કે ચા દિવસમાં એક જ વાર બને, પણ બહાર જવાનું શરૂ કર્યું અને કૉલેજના દિવસો આવ્યા પછી એની સંખ્યા વધવાની શરૂ થઈ.
સૂપ એક, વરાઇટી અનેક...
જો ફૂડ મેકિંગની વાત આવે તો મારે કહેવું જોઈએ કે મને એ બાબતમાં મારા મધરનો અને મારી વાઇફનો સાથ મળ્યો અને એટલે હું એ શીખી શક્યો. હું માનું જ છું કે દરેક પુરુષને ઍટ લીસ્ટ કામચલાઉ તો ફૂડ મેકિંગ આવડવું જ જોઈએ. આપણે ત્યાં ટિપિકલ મેન્ટાલિટીના ઘણા પુરુષો એવું માને છે કે રસોઈ બનાવવી એ તો સ્ત્રીઓનું કામ છે પણ ના, એવું નથી. રસોઈ બનાવવી એ દરેકેદરેક વ્યક્તિનું કામ છે અને આ એક એવું શાસ્ત્ર છે જે દરેકે શીખવું જરૂરી છે. ધારો કે કોઈ વખત તમને ફૂડ ન મળ્યું તો?
નાનો હતો ત્યારે મારાં મધરનો આગ્રહ હતો કે મને જરૂરિયાત મુજબ ફૂડ બનાવતા આવડી જવું જોઈએ. એ સમયે તેમની પાસેથી કામચલાઉ જે કંઈ શીખવા મળ્યું એ શીખ્યો તો મૅરેજ પછી વાઇફ રાગિણી પાસેથી પણ ખપ પૂરતી કહેવાય એટલી આઇટમ બનાવતાં શીખ્યો. પણ હા, એ સાચું કે શીખાયું એ જ જેની મને જરૂરિયાત હતી કે પછી મને જેમાં ઇન્ટરેસ્ટ હતો. હું ક્યારેય આપણી ગુજરાતી થાળી બનાવતાં શીખ્યો નથી અને એ શીખવાનો પણ નથી. પણ હા, મને સૂપ બનાવતાં ખૂબ સરસ આવડે છે. ટમૅટો સૂપમાં હું અનેક વરાઇટીના સૂપ બનાવી શકું તો વેજિટેબલ સૂપમાં પણ હું અલગ-અલગ કૉમ્બિનેશન સાથે સૂપ બનાવી શકું. સૂપની બાબતમાં મારું એવું છે કે જો હું એકલો હોઉં તો એકાદ નવું સૂપ બનાવવાનો એક્સપરિમેન્ટ કરું જ કરું. શાક સુધારવાનું અને એનો સામાન્ય વઘાર કરવાનું પણ મને આવડે. મેં અત્યાર સુધીમાં એક જ શાક વારંવાર બનાવ્યું છે, બટાટાનું. બહુ સરળ હોય છે એ શાક બનાવવાનું એટલે એ મને ફાવી ગયું છે અને જરૂર પડે ત્યારે હું એનાથી જ મારું કામ ચલાવી લઉં છું. સાચું કહું તો મને શાક બનાવવાની પણ જરૂરિયાત લાગે નહીં. જો એકલો હોઉં તો હું ભલો અને મારાં વેજિટેબલ્સ ભલાં. સુધારીને, મસ્ત રીતે ડેકોરેટિવ સ્ટાઇલથી ગોઠવીને ઉપર સહેજ અમસ્તું, કહો કે નામ પૂરતું સિંધાણું નાખીને પેટ ભરી લઉં. વેજિટેબલ્સમાં મને માત્ર કાકડી અને ટમેટાં ન ચાલે. હું એક્ઝૉટિક વેજિટેબલ્સ પણ એમાં ભભરાવું અને કૅપ્સિકમ-બીટથી લઈને જાતજાતની ભાજીનાં આખાં પાન પણ ઉમેરું. મારી ચા પણ બહુ સરસ બને છે. હું આપણી ટ્રેડિશનલ મસાલા ચા યુરોપિયન સ્ટાઇલથી બનાવું પણ એમાં ક્યાંય પેલાં ડિપ-ટીનાં પડીકાં નહીં વાપરવાનાં, વાપરવાની તો આપણી જ ચા પત્તી. ચા પત્તીને પાણીમાં ઉકાળી એમાં ખાંડ ઉમેરી અને દૂધમાં નાખી દેવાનું. દૂધ ગરમ ન હોય એટલે દૂધની જે ફ્લેવર છે એ પણ સ્વાદમાં આવે અને ચાની પત્તી ઉકાળેલા પાણીમાંથી પણ એની સોડમ આવે. વેજિટેબલ સૅન્ડવિચ પણ મારી સરસ બને અને મારા હાથની મસાલા છાશ પણ બહુ મસ્ત બને. મસાલા છાશ હું વઘારીને બનાવું, જેમાં રાઈ-જીરુંનો આછો વઘાર હોય અને સાથે સિંધાણું, મરી, આદું અને કોથમીર પણ હોય.
મને ઘણી વાર ઘણા લોકો પૂછે કે તમે બહારનું ખાઓ છો કે નહીં તો મારો જવાબ સાવ જુદો હોય. બહારનું ખાઉં ખરો પણ જો એ ઘરમાં બન્યું હોય તો. અને આ જવાબ સાચો છે. પીત્ઝાથી માંડીને પાણીપૂરી પણ હું ખાઈ લઉં પણ જો એનો ટેસ્ટ માઇલ્ડ હોય અને એ ઘરમાં બનેલાં હોય.