16 November, 2024 02:37 PM IST | Mumbai | Sejal Patel
એસ.વી.રોડ અને માર્વે રોડના જંક્શન પર આવેલી કે.પી. ચાલ. બહારથી.
આ કંઈ દાયકાઓ જૂની વાત નથી, મલાડના એસ. વી. રોડ અને માર્વે રોડ તરફ જતા જંક્શન પર આવેલી કાશીનાથ પાટીલ ચાલના લોકો માટે તો આજેય આ પરિસ્થિતિ છે. પશ્ચિમનાં પરાંઓને જોડતા સૌથી મોટા માર્ગ પર આવેલી આ ચાલની આસપાસ તમે જે માગો એ મળી રહે છે, પણ જીવનજરૂરિયાતની બેઝિક હાઇજીનની સુવિધા માટે આજેય લોકો ટળવળે છે. મંગળવારે વિશ્વ ટૉઇલેટ દિવસ છે અને છેલ્લાં ૧૦ વર્ષથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘરે-ઘરે ટૉઇલેટ બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે બાકી તમામ સુખ-સુવિધાઓથી સજ્જ આ વિસ્તારની એક ચાલમાં ટૉઇલેટ ન હોવાને કારણે દાયકાઓથી લોકો ન કહી શકાય ન સહી શકાય એવી સ્થિતિ જીરવી રહ્યા છે એ જાણીએ
તમારા ઘરે કોઈ સગાંસંબંધી કે મિત્રો કદી રાત રોકાવા નથી આવતાં.
તમારો દીકરો એન્જિનિયરિંગ કરી રહ્યો છે અને ભણવામાં અવ્વલ છે, પણ તમને ચિંતા છે કે તેને દીકરી કોણ આપશે.
જુવાનજોધ દીકરી અને વહુને જુલાબ થઈ ગયા છે, પણ દિવસ માથે ચડી ગયો હોવાથી હવે ટૉઇલેટ કઈ રીતે જવું એનું સ્ટ્રેસ છે.
તમે સમજી જ ગયા હશો કે આ બધાનું કારણ એ છે કે ઘરમાં ટૉઇલેટની વ્યવસ્થા નથી. જ્યારે ઘરમાં જાજરૂની વ્યવસ્થા ન હોય ત્યારે કેવી પરિસ્થિતિ થાય એનો કદાચ અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે. કહેવાય છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહીં, પરંતુ મલાડની કે. પી. ચાલમાં રહેતા લોકોની મનઃસ્થિતિ કંઈક એવું કહે છે કે અહીં પેટિયું મળી જાય, પણ પેટ ખાલી કરવાની સુવિધા નહીં. અનેક વર્ષો સુધી ચાલનું પોતાનું ટૉઇલેટ બનાવવા માટે લડત આપ્યા પછી નિરાશ થઈને મોટા ભાગના લોકો ધીમે-ધીમે ત્યાંથી નીકળી રહ્યા છે છતાં હજી જે દુકાનો અને રડ્યાંખડ્યાં ઘરો છે તેમને માટે આજેય ટૉઇલેટ એ યક્ષપ્રશ્ન છે. છેલ્લા એક દાયકામાં સવા કરોડ ટૉઇલેટ બાંધવાનો ટાર્ગેટ સરકારે પૂરો કર્યો છે ત્યારે ઘરમાં ટૉઇલેટ નથી એ આજના સમયમાં તેમને માટે એટલી ક્ષોભની વાત છે કે લોકો હવે તેમની પીડા બાબતે ખૂલીને વાત કરવામાં પણ ખચકાટ અનુભવે છે.
આમ તો જૂના સમયની મુંબઈની ચાલોમાં કૉમન ટૉઇલેટ-બાથરૂમ તો રહેતાં જ. આજેય કદાચ ઘણી ચાલમાં કૉમન સુવિધાઓ વપરાતી હશે. કેટલાય સ્લમ વિસ્તારમાં હજી ઘરે-ઘરે ટૉઇલેટ નથી બન્યાં, પણ તેમને માટે નજીકમાં જ પબ્લિક ટૉઇલેટ્સની સુવિધા થઈ રહી છે. જોકે આપણે જે જગ્યાની વાત કરી રહ્યા છીએ એ કે. પી. ચાલમાં તો દાયકાઓથી કૉમન ટૉઇલેટની સુવિધા પણ નથી. લગભગ સેન્ચુરીથીયે પહેલાં બનેલી ૩૨ ટેનન્ટ્સની આ ચાલમાં બે કૉમન ટૉઇલેટની સુવિધા હતી. આ ટૉઇલેટ પણ ચાલના બિલ્ડિંગથી લગભગ ૨૦૦ મીટર દૂર ગોપાલ ભુવન ચાલની પાસે. જોકે આ સમસ્યા તો કંઈ જ નહોતી. લગભગ બે-અઢી દાયકા પહેલાં આ બે બિલ્ડિંગના માલિકો વચ્ચે જગ્યાની વહેંચણી બાબતે કોર્ટમાં કેસ ચાલતો હતો. એ વખતે આ ચાલમાં એક દુકાન અને એક ઘર ધરાવતા હરેશ સરવૈયા કહે છે, ‘ઘણા સમય સુધી એ ખટલો કોર્ટમાં ચાલ્યો. ત્યાં સુધી ભલે કૉમન ટૉઇલેટ દૂર અને ઓછાં હતાં, પણ કામ ચાલી જતું હતું. લગભગ વીસ વર્ષ પહેલાં ગોપાલ ભુવનવાળા કેસ જીતી ગયા એટલે તેમણે બે ચાલ વચ્ચે દીવાલ ચણી નાખી. જે બે ટૉઇલેટ હતાં એ તેમના ભાગે જતાં રહ્યાં. એ પછી જે તકલીફ શરૂ થઈ એ ખૂબ વસમી હતી. આને કારણે ઘરે કોઈ મહેમાન આવે તો ટેન્શન થાય. કોઈ સાજુંમાંદું થાય તોય મુશ્કેલી પડે.’
લગભગ ૭૫ વર્ષથી આ ચાલમાં રહેતા એક કાકા નામ ન આપવાની શરતે કહે છે, ‘એ પછી અમારે પાછળની તરફ ખાસ્સા દૂર આવેલા દારૂવાલા કમ્પાઉન્ડમાં આવેલા કૉમન ટૉઇલેટમાં જવું પડતું. એનો કોઈ ડાયરેક્ટ રસ્તો નહોતો. બહાર નીકળીને એસ. વી. રોડ પર નીકળીને ફરીને દારૂવાલા કમ્પાઉન્ડમાં જવું પડે. એ વખતે તો એસ. વી. રોડ પણ સાંકડો હતો અને ફુટપાથ પણ નહોતી એટલે મોટી ઉંમરના લોકોએ લાકડીના ટેકે હાથમાં પાણીનું ડબલું લઈને કુદરતી હાજતે જવું પડે. સવારનો સમય હોય તો ચાલી જાય, પણ ભરદિવસે નીકળવાનું હોય ત્યારે બહુ શરમ જેવું લાગે.’
ચાલનું પોતાનું ટૉઇલેટ બને એ માટે ઘણી મહેનત થઈ, પણ એકેય સફળ ન થઈ એવું ૬૫ વર્ષથી આ ચાલમાં રહેતા મૂળે એન્જિનિયર અને જુગાડુ માઇન્ડ ધરાવતા ભરતભાઈ અહલપરા કહે છે. તેમને લોકો ગલ્લાકાકાના હુલામણા નામે બોલાવે છે. તેઓ કહે છે, ‘જ્યારે સ્વચ્છ ભારત મિશન હેઠળ ટૉઇલેટ બનાવવાનું અભિયાન શરૂ થયેલું ત્યારે હું અનેક વાર મ્યુનિસિપાલિટીમાં જઈને લેટર આપી આવ્યો છું. અહીંના નગરસેવકો, વિધાનસભ્યો અને જે વગ ધરાવતા દેખાય એ તમામને મળવા અને રજૂઆત કરવા અમે ચાલવાસીઓએ ખૂબ ચંપલ ઘસ્યાં છે, પણ અહીં કોઈ સાંભળતું નથી. મેં પાંચ વાર અરજી કરી હતી અહીં ચાલનું કૉમન ટૉઇલેટ બનાવવાની, પણ પાંદડુંયે હલ્યું નથી. હવે થાકી ગયો છું. એકલો જ છું, લગ્ન નથી કર્યાં એટલે મારે એકલાએ જ અહીં ભોગવવાનું છે. પહેલાં ભાઈ-ભાભી અહીં સાથે હતાં, પણ તેમને અમદાવાદ મોકલી દીધાં છે. ત્યાં પોતાનું ઘર છે તો આવી તકલીફમાં શું કામ રહેવાનું?’
તનમનથી હેલ્ધી દેખાતા ગલ્લાકાકાને અમે પૂછી લીધું કે તમે એકલા છો અને ક્યારેક ઇમર્જન્સી જેવું લાગે તો શું કરો? ત્યારે કાકાએ જે જવાબ આપ્યો એ ધ્રુજારી પ્રસરાવે એવો હતો. કાકા કહે છે, ‘દારૂવાલા કમ્પાઉન્ડમાં પાછળની તરફ નાની જગ્યા છે ત્યાંથી એ કમ્પાઉન્ડના કૉમન ટૉઇલેટમાં જવું પડે છે. જોકે ક્યારેક ઇમર્જન્સી હોય તો કપડાંમાં જ કરી લઉં અને પછી કપડાં ધોઈ નાખું.’
કુણાલ તિવારી
૨૦૧૪ની બીજી ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લામાં હાજતે જવું પડે એવી પરિસ્થિતિ ભારતભરમાંથી નાબૂદ કરવા માટે સ્વચ્છ ભારત મિશન લૉન્ચ કરેલું. કદાચ એ વખતે એવું લાગતું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લામાં હાજતે જવાની માનસિકતા બદલવાનો એ મોટો પડકાર હશે. કદાચ અંતરિયાળ ગામોમાં હશેય ખરો, પરંતુ આ જ ચાલમાં રહેતા લોકોના ઘરે-ઘરે ફરીને જ્યારે તેમના દર્દને સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે લાગ્યું કે મુંબઈ જેવા શહેરમાં સ્લમના રહેવાસીઓ જ્યારે વહેલી સવારે અંધારાની આડશે ડબલું લઈને કુદરતી હાજતે જવા નીકળતા હોય ત્યારે એમાં સુવિધાનો અભાવ મુખ્ય છે.
૨૦૨૪ની શરૂઆતમાં જ્યારે એસ. વી. રોડને પહોળો કરવામાં આવ્યો ત્યારે કે. પી. ચાલનો આગળનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો એને કારણે રોડને ટચ જે ઘરો હતાં તેમને બીજે રીહૅબિલિટેટ કરવામાં આવ્યા અને જે દુકાનો કપાઈ ગઈ એને કમ્પન્સેશન પણ મળ્યું, પરંતુ પાછળના ભાગમાં જે ઘરો હતાં એની સ્થિતિ એવી જ છે. આજેય ત્યાં રહેતા ગલ્લાકાકા કહે છે, ‘જે લોકોનું ઘર કપાયું તેમને બીએમસીએ બીજે ઘર આપી દીધું. મને લાગેલું કાશ, મારુંય ઘર તોડી નાખો તો હુંય આ મુશ્કેલ સ્થિતિમાંથી ઊગરી જાઉં, પણ એવું થયું નહીં.’
મુંબઈ જેવા શહેરમાં એસ. વી. રોડ પર જેને પ્રાઇમ લોકેશન કહેવાય એવા માર્વે રોડના જંક્શન પર આવેલું ઘર લોકો એટલા માટે છોડી રહ્યા છે કેમ કે અહીં જીવનની બેઝિક સુવિધાનો અભાવ છે. માન્યામાં આવે ખરું?
લગભગ પચીસ વર્ષથી પોતાના કમ્પાઉન્ડમાં નજીકમાં ટૉઇલેટની સુવિધા ન હોવાથી હવે આ ચાલ ભેંકાર થવા માંડી છે. સાત-આઠ ઘરોમાં જ લોકો રહે છે, બાકી કેટલાક લોકોએ ઑફિસ બનાવી દીધી છે તો બાકીના લોકો આ ઘરને તાળું મારીને બીજે ભાડે રહેવા જતા રહ્યા છે. આની પાછળનું કારણ શું? આ કમ્પાઉન્ડમાં કેબલની ઑફિસ અને બીજી એક દુકાન ધરાવતા કુણાલ તિવારી કહે છે, ‘હું જન્મ્યો જ આ ચાલમાં છું. જોકે અહીં અમારી બે રૂમ હતી જે પપ્પાના નાના તરફથી મળી હતી. લગભગ ૧૯૦૬ની સાલમાં મારા પપ્પા અહીં આવેલા. અમે બે ભાઈઓ અને બે બહેનો. બીજા રોજિંદા પ્રૅક્ટિકલ પ્રૉબ્લેમ્સ ઉપરાંત સૌથી મોટી સમસ્યા એ હતી કે ઘરમાં ટૉઇલેટ ન હોય તો એવાં દીકરા-દીકરીનાં લગ્ન કેવી રીતે થાય? જોકે મારી બન્ને બહેનો ખૂબ ભણેલી હોવાથી તેમનું ગોઠવાઈ ગયું. અમે આ જગ્યાએ ઘરને બદલે ઑફિસ બનાવીને ગોરાઈ પાસે રહેવા જતા રહ્યા. અત્યારે મારી ઑફિસની પાછળ ખાડો ખોદાવીને એક નાનું ટૉઇલેટ બનાવી લીધું છે. પત્ની અને બાળકો ક્યારેક ઑફિસ આવે તો તેમને માટે જોઈએ તો ખરું. પહેલાં અમે લોકોએ કૉમન ટૉઇલેટ બને એ માટે બહુ પ્રયત્ન કર્યા, પણ હવે લાગે છે કંઈ નહીં થાય. જેમને પરવડતું હતું એ બધાએ ધીમે-ધીમે પોતાનો રસ્તો કરી લીધો. બાકી આ જગ્યાના માલિકને આ સુવિધા આપવામાં રસ નથી અને મ્યુનિસિપાલિટીવાળા કહે છે કે આ
પ્રાઇવેટ જગ્યા છે એટલે અમે એમાં કંઈ ન કરી શકીએ.’
હચમચાવી નાખનારા કિસ્સા
કેટલાક રહેવાસીઓએ નામ ન આપવાની શરતે જે કિસ્સા શૅર કર્યા એ સાંભળીને માન્યામાં ન આવે કે શું આપણે ૨૦૨૪ના મુંબઈની વાત સાંભળી રહ્યા છીએ.
માંડ લાકડીથી ચાલી શકતા ૯૫ વર્ષના દાદા રોજ હાથમાં ડબલું લઈને ૨૦૦ મીટર દૂરના બીજી ચાલના ટૉઇલેટમાં જાય છે. એક ક્રિશ્ચિયન પરિવારમાં નવી વહુ આવે છે અને તેને કૉમન ટૉઇલેટ વાપરવા જવું પડશે એની ખબર પડતાં તેના પગ તળેથી ધરતી સરકી જાય છે. જોકે તેનો પતિ એટલો સમજુ છે કે પત્ની ઘરમાં જ કાગળમાં પેટ સાફ કરી લે એટલે પ્લાસ્ટિકમાં ભરીને એ થેલી ઊંચકીને ઉકરડામાં નાખવા જાય છે, દરરોજ. આ સિલસિલો દસ વર્ષ ચાલ્યો ને પછી આખરે પરિવાર બીજે ભાડે રહેવા જવા જતો રહ્યો.
આ બિલ્ડિંગમાં રહેતા પરિવારમાંથી કોઈ લૉયર છે, કોઈ ગવર્નમેન્ટ ઑફિસર કે કોઈ બિઝનેસમૅન; પણ તેમના ઘરે જો કોઈ આવે અને રેસ્ટરૂમ ક્યાં છે એવું પૂછે તો કપાળે પસીનો વળી જાય છે.