‘દાવાનળ’…લાઇવ! આગ સાથેનો અણધાર્યો ખેલ (પ્રકરણ ૪)

04 July, 2024 11:00 AM IST  |  Mumbai | Lalit Lad

કલકત્તામાં જેટલા પણ દેવવ્રત ગુહા છે એમાંથી કોઈની પત્ની આ રીતે બળી મરી નથી!

ઇલસ્ટ્રેશન

ઘણી વાર એવું બને છે કે ચાલાક ગુનેગાર કોઈ છેડા છોડતો નથી જેને કારણે પોલીસ ગૂંચવાયા જ કરે. ઘણી વાર એવું પણ બને છે કે ગુનો એક ઠેકાણે બન્યો હોય, પણ એનો છેડો ત્યાંથી હજારો કિલોમીટર દૂર પડ્યો હોય અને ઘણી વાર એવું પણ બને છે કે તેં ગુનાના છેડા વર્ષો સુધી મળતા જ નથી.

પરંતુ અહીં એક એવો કેસ હતો જેના છેડા સાવ વેરવિખેર હતા એટલું જ નહીં, એ છેડા ખેંચી જોતાં ખબર પડે છે કે આખી વાત જ બોગસ છે!

કલકત્તામાં બેઠેલા ઇન્સ્પેક્ટર બાસુ આગળ આવો જ એક વિચિત્ર કેસ આવીને પડ્યો હતો. એક રણજિત ચૌધરીનો ફોન આવે છે. તે કહે છે, ‘મને કોઈએ પાર્સલમાં બૉમ્બ મોકલ્યો છે.’ પોલીસની ટીમ ત્યાં જઈને તપાસ કરે છે તો પાર્સલમાં બૉમ્બને બદલે એક DVD છે!

એ DVDમાં એક યુવાન સ્ત્રી કોઈ બળાત્કારીથી બચવા માટે જાતે જ સળગી જાય છે એવું દૃશ્ય છે! ઉપરથી રણજિત ચૌધરીને કોઈ અજાણી વ્યક્તિ ધમકી આપે છે કે તેં દેવવ્રત ગુહાની પત્નીનો બળાત્કાર કરવાની કોશિશ કરી હતી એનો આ વિડિયો છે!

સૌથી વિચિત્ર વાત એ હતી કે કલકત્તામાં જેટલા દેવવ્રત ગુહા છે એમાંથી કોઈની પત્ની આ રીતે બળી મરી નથી! તો, ‘એઈ શાલા, ઈ ચોક્કોર કી હાય?’ ઇન્સ્પેક્ટર મૂંઝાયા છે ત્યાં જ તેમનો હવાલદાર ભુકન કહે છે,

‘અરે શાબ! ઈ તો માલિની આચ્છે! માલિની દાસગુપ્તા!’

‘આહા!’ હવે ઇન્સ્પેક્ટર બાસુને યાદ આવે છે કે ચારેક વર્ષ પહેલાં કલકત્તાના અબજપતિ બિઝનેસમૅન મન્મથરાય દાસગુપ્તા પર એવો આરોપ મુકાયો હતો કે તેમણે તેમની પત્નીને જીવતી સળગાવી દીધી છે!

હવે ઇન્સ્પેક્ટર બાસુની હથેળીમાં લાખો રૂપિયાની ખંજવાળ આવી રહી હતી.

તેમણે મન્મથરાયને ફોન લગાડ્યો, ‘નોમોસ્તે મિસ્ટર દાસગુપ્તાજી! આમિ ઇન્સ્પેક્ટર બાસુ. આપસે થોડા પર્સનલ બાત કરના હૈ, ક્યુંકિ... યે આપ કા ફાયદા કી બાત હૈ...’

lll

થોડા કલાકો બાદ ઇન્સ્પેક્ટર બાસુ એક મોંઘી રેસ્ટોરાંમાં મન્મથરાય દાસગુપ્તાની સામે બેઠા હતા.

મન્મથરાય ઇન્સ્પેક્ટરના લૅપટૉપમાં પેલી DVD જોઈ રહ્યા હતા. સાડાત્રણ મિનિટનું એ દૃશ્ય ૬-૭ વાર જોયા પછી તેમણે DVD અટકાવી.

‘આનો શું મતલબ છે?’ તેમનાં જાડાં ચશ્માંની પાછળની ઝીણી આંખોમાં શંકા ડોકાઈ રહી હતી.

‘આ જે સળગી રહી છે તેનો ચહેરો, બાંધો, મોંઘી સાડી... એ બધું જોતાં શું એમ નથી લાગતું કે એ માલિની દાસગુપ્તા, એટલે કે તમારી પત્ની જ હોય?’

‘હા...’ મન્મથરાય જરા થોથવાયા... છતાં ગળું સાફ કરીને બોલ્યા, ‘પણ એમાં જે પુરુષ છે તેનો બાંધો, ચહેરો અને કપડાં મને મળતાં નથી આવતાં.’

‘એક્ઝૅક્ટલી!’ ઇન્સ્પેક્ટર બાસુના ચહેરા પર ખંધું સ્મિત આવ્યું, ‘એનો મતલબ એમ પણ થઈ શકે કે માલિની દાસગુપ્તાને તમે સળગાવી જ નહોતી.’

‘અરે સાહેબ, વર્ષોથી હું એ જ તો કહી રહ્યો છું! કોર્ટમાં ૪ વર્ષથી કેસ ચાલે છે. કોઈ માનવા જ તૈયાર નથી કે હું નિર્દોષ છું. ઉપરથી આ મીડિયા...’

‘મીડિયા જ તમને બચાવશે!’ બાસુ ફરી હસ્યા, ‘જો તમે થોડા પ્રૅક્ટિકલ થાઓ તો...’

મન્મથરાય દાસગુપ્તા ‘પ્રૅક્ટિકલ’ થવાનો મતલબ બહુ સારી રીતે જાણતા હતા. તેમણે અવાજ ધીમો કરતાં કહ્યું, ‘એ તો વ્યવસ્થા થઈ જશે, પણ...’

‘પણ શું?’

‘આ વિડિયો ક્યાંથી આવ્યો? કોણે રેકૉર્ડ કર્યો? છેક અત્યારે શી રીતે હાથમાં આવ્યો? કોર્ટમાં આવા સવાલના જવાબ શી રીતે આપવાના?’

બાસુ હવે ખંધું હસ્યા, ‘સર, એ જ તો પોલીસ-ઇન્વેસ્ટિગેશનનું કામ છે! એ બધું તમે મારા પર છોડો. બસ તમે જરા પ્રૅક્ટિકલ થઈ જાઓ.’

‘કેટલા?’ દાસગુપ્તાએ ઇશારાથી પૂછ્યું.

બાસુએ ટેબલ પરથી એક ટિશ્યુપેપર લીધું. પેન વડે એમાં એક આંકડો લખ્યો અને પેપર દાસગુપ્તા તરફ સરકાવ્યું.

દાસગુપ્તાએ માત્ર એક ક્ષણ માટે આંકડો જોયો અને પેન વડે એમાં લખ્યું, ‘ઓકે.’

બાસુએ એ ટિશ્યુપેપરની ગડી કરીને પોતાના ખિસ્સામાં મૂકતાં કહ્યું, ‘કુછ ખાના-પીના ઑર્ડર કરેં?’

lll

૪ વર્ષ પહેલાં માલિની હત્યાકાંડનો કિસ્સો ખૂબ ચગ્યો હતો. છાપાંઓમાં, ટીવીમાં અને યુટ્યુબની પ્રાઇવેટ ક્રાઇમ ચૅનલોમાં આની જ ચર્ચા હતી ઃ

આધેડ વયના મન્મથરાય દાસગુપ્તાની બીજી પત્ની માલિની સુંદર હતી અને તેમનાથી ૧૫ વર્ષ નાની હતી. ધામધૂમથી લગ્ન થયાં ત્યારે જ સૌ કહેતા હતા કે ‘કાગડો દહીંથરું લઈ ગયો.’ લોકોમાં એવી પણ ચર્ચા હતી કે માલિનીએ મન્મથરાય સાથે માત્ર અને માત્ર પૈસા ખાતર લગ્ન કર્યાં હતાં. જોકે માલિની કલકત્તાની હાઈ સોસાયટીમાં ‘પાર્ટી ગર્લ’  તરીકે વધારે મશહૂર હતી. સોશ્યલ મીડિયામાં તેના લાખો ફૉલોઅર્સ હતા. તેની ગ્લૅમરસ તસવીરો જોઈને હજારો યુવાનો લાળ ટપકાવતા હતા અને શહેરના કમસે કમ બે ડઝન નબીરાઓ સાથે માલિનીનાં ચક્કર ચાલી ચૂક્યાં હોવાની વાતો કાનોકાન ફરતી રહેતી હતી.

એવામાં જ્યારે માલિનીએ મન્મથરાય દાસગુપ્તા સાથે લગ્ન કરી લીધાં ત્યારે સૌને નવાઈ લાગી હતી. જોકે ત્રણ જ વર્ષમાં આ લગ્નનો કરુણ અંજામ આવ્યો હતો.

મીડિયાના અહેવાલો મુજબ મન્મથરાયને શંકા હતી કે માલિની હજી તેના કોઈ જૂના પ્રેમી સાથે સંબંધ રાખે છે. આ બાબતે તેમની વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા હતા છતાં માલિની તેના પતિની ધરાર અવગણના કરીને મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓમાં જઈને, નશામાં ધૂત થઈને અન્ય યુવાનો સાથે જલસા કરતી હતી.

આવી જ એક પાર્ટી પછી જ્યારે નવો ઝઘડો થયો ત્યારે માલિની બંગલે જવાને બદલે મન્મથરાયના ફાર્મહાઉસ પર એકલી જતી રહી. મન્મથરાયે તેનો પીછો કર્યો હતો અને એ જ ફાર્મહાઉસમાં તેને જીવતી સળગાવી દીધી હતી.

મન્મથરાયની ધરપકડ થઈ હતી, પરંતુ સજ્જડ પુરાવાઓના અભાવે અને કોઈ નજરે જોનાર સાક્ષીઓ ન હોવાથી મન્મથરાયને જામીન મળી ગયા હતા, છતાં કેસ પેન્ડિંગ હતો.

પરંતુ હવે હાવડાથી ટ્રાન્સફર થઈને નવા આવેલા ઇન્સ્પેક્ટર બાસુ પાસે પેલી DVDનો સજ્જડ પુરાવો હાથ લાગી ગયો હતો!

lll

પોલીસ દ્વારા યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં જબરદસ્ત ઉત્તેજના હતી. સૌને કહેવામાં આવ્યું હતું કે માલિની હત્યાકેસમાં નવા ચોંકાવનારા પુરાવા મળ્યા છે!

પ્રેસ-કૉન્ફરન્સ શરૂ થઈ. સૌથી પહેલાં તો મોટા પડદે પેલી DVDનાં દૃશ્યો જ બતાવવામાં આવ્યાં! સૌની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ હતી, પરંતુ એ પછી સવાલોની ઝડી વરસી હતી : ‘આ DVD ક્યાંથી આવી? અત્યાર સુધી કેમ નહોતી મળી? આમાં દેખાય છે એ બળાત્કારી પુરુષ કોણ છે?’

સૌનો જવાબ આપવા માટે ઇન્સ્પેક્ટર બાસુ માઇક પાસે આવ્યા. તેમણે બહુ પર્ફેક્ટ રીતે આખી ઘટના શી રીતે બની એ રીકન્સ્ટ્રક્ટ કરી આપી ઃ

‘જુઓ, એ રાતે માલિની દાસગુપ્તા હોટેલની પાર્ટી છોડીને ફાર્મહાઉસ પર પોતાની કારમાં ગયાં હતાં એના મોબાઇલ ટ્રૅક-રેકૉર્ડ અમારી પાસે છે. એ જ રાતે મિસ્ટર દાસગુપ્તા પણ પોતાની કારમાં લગભગ અડધા કલાક પછી ફાર્મહાઉસ પહોંચ્યા હતા અને તેમનો મોબાઇલ ટ્રૅક-રેકૉર્ડ પણ અમારી પાસે છે.’

‘એ તો જૂની વાતો થઈ સાહેબ, સવાલ એ છે કે આ વિડિયો રેકૉર્ડ શી રીતે થયો?’

‘એ જ કહું છું...’ બાસુએ શરૂ કર્યું, ‘જુઓ વાત એમ બની હતી કે મિસ્ટર દાસગુપ્તાને શંકા હતી કે તેમની પત્ની ફાર્મહાઉસ પર જઈને તેના કોઈ પ્રેમીને મળે છે એથી તેમણે એક એજન્સીને ફાર્મહાઉસમાં ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ગોઠવવાનો ઑર્ડર આપ્યો હતો...’ સહેજ અટકીને ઇન્સ્પેક્ટર બાસુએ આગળ વાત ચલાવી.

‘આ વાતની ખબર પડતાં માલિની દાસગુપ્તાએ મન્મથરાય સાથે બહુ મોટો ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે તાત્કાલિક તમે એ કૅમેરા કઢાવી

નાખો, નહીંતર હું આત્મહત્યા કરી નાખીશ! આ વાતથી ડરેલા મન્મથરાયે તરત જ ફોન કરીને  CCTV કૅમેરા અન-ઇન્સ્ટૉલ કરવાનો ઑર્ડર આપી દીધો હતો, પરંતુ...’

હવે સૌ એકકાન થઈને સાંભળી રહ્યા હતા.

‘પરંતુ, એ રાતે... જ્યારે આ ઘટના બની ત્યારે એ કૅમેરા ત્યાં જ હતા! પરંતુ એવી છૂપી રીતે ગોઠવાયેલા હતા કે ખુદ પોલીસનું પણ ધ્યાન પડ્યું નહોતું!’

‘તો પછી હવે આ DVD ક્યાંથી આવી?’

‘એ જ કહું છું...!’ ઇન્સ્પેક્ટર બાસુએ કહ્યું, ‘જે કારીગરે આ કૅમેરા ખૂણેખાંચરે ઇન્સ્ટૉલ કર્યા હતા એ જ કારીગર અહીં બધું શાંત પડી ગયા પછી ફાર્મહાઉસમાં પહોંચ્યો હતો અને બધું અન-ઇન્સ્ટૉલ કરી ગયો હતો. આ આખું રેકૉર્ડિંગ તેની પાસે જ હતું, જેની તેના માલિકને પણ ખબર નહોતી.’

‘પણ તેણે ૪ વર્ષ સુધી રાહ શા

માટે જોઈ?’

‘બ્લૅકમેઇલ!’ બાસુએ કહ્યું, ‘એ માણસ પેલા બળાત્કારી પુરુષની શોધમાં હતો, પરંતુ તમે જોઈ શકો છો કે એ પુરુષની મોટે ભાગે પીઠ જ દેખાય છે. ચહેરો ખાસ દેખાતો નથી એટલે આ કારીગર સતત એ તલાશમાં હતો કે આ બળાત્કારી પુરુષ છે કોણ?’

‘પરંતુ જ્યારે તેણે રણજિત ચૌધરી નામના બિઝનેસમૅનનો એક ફોટો એક મૅગેઝિનમાં જોયો ત્યારે તેને લાગ્યું કે આ જ માણસે બળાત્કાર કર્યો હશે. હકીકતમાં એ મોટી ભૂલ હતી, કેમ કે રણજિત ચૌધરીનો એ ફોટો તેમની યુવાની વખતનો હતો! મતલબ કે આજથી પંદરેક વર્ષ પહેલાંનો! છતાં તેણે ક્યાંકથી સરનામું મેળવીને, એક પાર્સલમાં બૉમ્બ છે એવી ધમકી આપીને રણજિત ચૌધરીને અંદરખાનેથી બિવડાવવાની કોશિશ કરી, પરંતુ રણજિત ચૌધરી તો એ રાતે છેક અમેરિકામાં એક બિઝનેસ-મીટિંગમાં હતા! તેમના પાસપોર્ટની એન્ટ્રીઓથી આ સાબિત થાય છે.’

‘એ બ્લૅકમેઇલર અત્યારે ક્યાં છે?’

‘તેની ધરપકડ થઈ ચૂકી છે!’ ઇન્સ્પેક્ટર બાસુએ વટ કે સાથ ધડાકો કરી નાખ્યો!

પ્રેસ-કૉન્ફરન્સમાં હલચલ મચી ગઈ! અવાજ થોડા શાંત થયા પછી ઇન્સ્પેક્ટર બાસુએ ઉમેર્યું,

‘પાકી પૂછપરછ પછી તેને પણ રજૂ કરવામાં આવશે. યાદ રાખો, કલકત્તા પોલીસ ઇઝ ધ બેસ્ટ!’

તાળીઓના અવાજ સાથે પ્રેસ-કૉન્ફરન્સ પૂરી થઈ ગઈ.

અત્યાર સુધી ચૂપચાપ અને ટેન્શનમાં બેઠેલા મન્મથરાય દાસગુપ્તાના ચહેરા પર હવે રાહતની આછી છાંયડી લહેરાઈ રહી હતી. ઇન્સ્પેક્ટર બાસુએ પોતાનાં કાગળિયાં સમેટ્યા પછી દાસગુપ્તા સામે ભ્રમરનો ઉલાળો કરીને પૂછી લીધું, ‘બધું બરોબર હતુંને!’

lll

પણ બધું બરોબર નહોતું.

બીજા દિવસે સવારે કલકત્તાની એક થ્રીસ્ટાર હોટેલના રિસેપ્શન પર પડેલા બંગાળી છાપાના પહેલા પાને છપાયેલી ચાર કૉલમની મોટી તસવીર જોતાંની સાથે જ પુણેથી આવેલી સ્વાતિ નામની ઍક્ટ્રેસે તેની ટીમના મેમ્બરોને નજીક બોલાવતાં બૂમ પાડી ઃ

‘અરે જુઓ, આપણા નાટકનો ફોટો છપાયો છે!’

હા, આ એ જ ફોટો હતો, પેલા સુપરહિટ નાટક ‘દાવાનળ’નો!

(ક્રમશઃ)

columnists