‘દાવાનળ’…લાઇવ! આગ સાથેનો અણધાર્યો ખેલ (પ્રકરણ ૨)

02 July, 2024 07:30 AM IST  |  Mumbai | Lalit Lad

સ્વાતિનું ગળું અચાનક સુકાઈ ગયું, તે ચીસ પાડવા માગતી હતી છતાં ચીસ પાડી ન શકી

ઇલસ્ટ્રેશન

‘દાવાનળ’…લાઇવ! આગ સાથેનો અણધાર્યો ખેલ (પ્રકરણ ૨)

દરરોજ H15 નંબરની સીટ પર બેસીને નાટક જોનારો પ્રેક્ષક કાર્ડ આપીને એક ક્ષણ પણ રોકાયા વિના જતો રહ્યો. સ્વાતિએ કાર્ડ જોયું : બિહારીલાલ પાંડે. એમાં કોઈ સરનામું નહોતું. માત્ર એક મોબાઇલ નંબર હતો.

બીજા દિવસે સ્વાતિએ એ નંબર પર ફોન કર્યો.

બિહારીલાલ પાંડે સાથે પુણેની

એક શાનદાર રેસ્ટોરાંમાં સ્વાદિષ્ટ

લંચ લીધા પછી બિહારીલાલે વાત શરૂ કરી. તેણે એક તસવીર ટેબલ પર મૂકતાં કહ્યું, ‘જુઓ સ્વાતિજી, આ મારી માનો ફોટો છે.’

સ્વાતિએ ફોટો જોયો. સાવ સુકલકડી કાયા ધરાવતી એક વૃદ્ધ સ્ત્રી વ્હીલચૅર પર બેઠી હતી. તેની આંખો પહોળી થઈ ગયેલી હતી અને તેના હોઠ ત્રાંસા થઈ ગયા હતા.

‘મારી મા હજી જીવે છે, પણ આ જ સ્થિતિમાં છે. તેને પૅરૅલિસિસ થઈ ગયો છે. અડધું શરીર સાવ લાકડા જેવું થઈ ગયું છે. મોઢું ત્રાંસું થઈ ગયું છે. આંખો આ રીતે પહોળી જ રહે છે અને તે એક અક્ષર પણ બોલી શકતી નથી.’

બિહારીલાલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘પણ બે વર્ષ પહેલાં તે નૉર્મલ હતી. એકદમ નૉર્મલ.’

‘તો આવી હાલત શી રીતે

થઈ ગઈ?’

‘એ જ કહું છું...’ બિહારીલાલ બોલતો ગયો...

‘દિલ્હીમાં મારું એક મોટું ફાર્મહાઉસ છે. મારો બિઝનેસ આખા ઇન્ડિયામાં હોવાથી મારે સતત બહાર ફરતા રહેવાનું થાય છે. બે વર્ષ પહેલાંની એક રાતે મારી મા અને મારી જુવાન પત્ની શીલા મારા ફાર્મહાઉસ પર એકલાં હતાં. જમ્યા પછી શીલા ટીવી જોતી હતી અને મારી મા ઉપરના બેડરૂમમાં જઈને ઊંઘી ગઈ હતી. એવા સમયે એક વાસનાભૂખ્યો માણસ મારા ફાર્મહાઉસમાં દાખલ થયો. બારીમાંથી તેણે શીલાને એકલી જોઈ અને તેની હવસ ભડકી ઊઠી. તે અંદર ઘૂસ્યો અને મારી પત્ની પર તૂટી પડ્યો.’

બિહારીલાલ જાણે એ દૃશ્ય પોતાની આંખ સામે ભજવાઈ રહ્યું હોય એમ બોલી રહ્યા હતા, ‘બિલકુલ તમારા નાટકમાં થાય છે એમ જ પેલો માણસ ભૂખ્યા વરુની જેમ શીલાને પીંખી નાખવા માગતો હતો, પરંતુ શીલા તેની પકડ છોડાવીને ભાગી. પેલો તેની પાછળ દોડ્યો. શીલા ચીસાચીસ કરતી રહી, પણ પેલો બહુ જોરાવર હતો. આખરે શીલા રસોડામાં ઘૂસી ગઈ અને કેરોસીનનો શીશો પોતાના શરીર પર રેડીને પોતાની જાતને સળગાવી દીધી. તેની ચીસ સંભળાતાં મારી મા હાંફળીફાંફળી દોડતી નીચે આવી, પણ ત્યાં સુધીમાં તો મારી પત્નીના આખા શરીરે જ્વાળાઓનો ભરડો લેવાઈ ચૂક્યો હતો.

‘આ દૃશ્ય જોતાં જ મારી મા ભયંકર ચીસ પાડીને બેહોશ થઈ ગઈ. હકીકતમાં એ જ ક્ષણે આ આઘાતને કારણે તેના પર પૅરૅલિસિસનો હુમલો થયો હતો. ભાનમાં આવ્યા પછી ન તો તે કંઈ બોલી શકે છે કે ન તો ચાલી શકે છે. ડૉક્ટરોએ બહુ દવા કરી જોઈ, પણ મારી માની હાલતમાં જરાય સુધારો થયો નથી. એટલે હવે હું ઇચ્છું છું કે...’

‘કે શું?’

‘કે મારી મા આગળ જો એ દૃશ્ય ફરી વાર ઊભું કરવામાં આવે તો કદાચ તે ફરી વાર ચીસ પાડીને બોલતી થઈ જાય!’

‘તમે કેવી વાતો કરી રહ્યા છો?’ સ્વાતિ ડઘાઈ ગઈ હતી.

‘હું જાણું છું કે આ બહુ મોટું રિસ્ક છે અને ડૉક્ટરો તો મને ક્યારેય આવું જોખમ લેવા દેવાના નથી. તમારું નાટક જોયા પછી પણ કોણ જાણે કેમ, એક અજબ જાતની આશા મારા મનમાં જાગી છે. મને ઊંડે-ઊંડે ખાતરી છે કે જો તમે મારી માતા આગળ આ રીતે સળગી જવાનું દૃશ્ય આબેહૂબ ઊભું કરો તો તે ચોક્કસ ફરી બોલતી થઈ જશે.’

સ્વાતિને સમજ નહોતી પડતી કે આને જવાબ શું આપવો?

‘જુઓ...’ બિહારીલાલે કહ્યું, ‘તમે પૈસાની જરાય ચિંતા ન કરતાં. મેં મારી માના ઇલાજ પાછળ છેલ્લાં બે વર્ષમાં પાંચ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. હું બીજા પાંચ લાખ ખર્ચવા તૈયાર છું. બસ, તમે હા પાડો.’

‘પણ પાંચ લાખ માટે... ’

‘સાત લાખ, બસ?’ બિહારીલાલે કહ્યું, ‘આ ઉપરાંત બીજા ત્રણ લાખ રૂપિયા હું તમારા અસિસ્ટન્ટોને આપીશ, પણ આખું દૃશ્ય એવું જબરદસ્ત રીતે ભજવાવું જોઈએ કે...’

‘એક મિનિટ,’ સ્વાતિએ તેને અટકાવ્યો, ‘શું તમે જાણો છો કે આ કેટલું જોખમી છે?’

‘ખૂબ જ જોખમી છે.’ બિહારીલાલે કબૂલ કર્યું, ‘અહીં પડદો નથી, લાઇટિંગ નથી, અને તમારે એટલી હદે સળગી જવું પડશે કે મારી મા એ જોઈને ખરેખર ચીસ પાડી ઊઠે. આ બધું કરવા માટે તમે સ્ટેજ ૫૨ ભજવો છો એનાથી વધારે સમય સુધી તમારે સળગતી જ્વાળાઓમાં રહેવું પડે.’

સ્વાતિ આ માણસને જોતી જ રહી ગઈ. ચહેરા પરથી તો એટલો ગાંડો નહોતો લાગતો... છતાં...

તેણે સ્પષ્ટ શબ્દોમાં બિહારીલાલને કહ્યું, ‘જુઓ, હું દિલ્હી નહીં આવું. આ દૃશ્ય પુણેના જ કોઈ ફાર્મહાઉસમાં ભજવવું પડશે. મારી સાથે મારા ત્રણ અસિસ્ટન્ટો ઉપરાંત એક ડૉક્ટર અને એક નર્સ પણ હાજર રહેશે. તમારે એક ઍમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવી પડશે. અમે એક ખાસ પ્રકારનું કેમિકલ વાપરીએ છીએ જેનાથી જ્વાળાઓ તો મોટી નીકળે પરંતુ એ બહુ દાઝતી નથી. જોકે આટઆટલી કાળજી લેવા છતાં આખું દૃશ્ય કોઈ પણ સંજોગોમાં સાડાત્રણ મિનિટથી વધારે સમય ભજવી શકાશે નહીં! ત્રણ મિનિટ અને ત્રીસમી સેકન્ડે તમારી મા ચીસ પાડે કે ન પાડે, મારા અસિસ્ટન્ટો ધસી આવશે અને આગને ઓલવી નાખશે... અને હા, તમામ પૈસા ઍડ્વાન્સ આપી દેવાના રહેશે. બોલો, મંજૂર છે?’

‘મંજૂર...’ બિહારીલાલે એક

પણ સેકન્ડની રાહ જોયા વિના હા પાડી દીધી.

lll

નાટકનો માત્ર સાડાત્રણ મિનિટનો એક સીન ભજવવાના ૭ લાખ રૂપિયા મળે એ સ્વાતિ માટે નવાઈની વાત હતી.

એથી પણ નવાઈની વાત એ હતી કે કોઈ માણસ પોતાની માને પૅરૅલિસિસની કન્ડિશનમાંથી ફરી નૉર્મલ બનાવવા માટે આવી વિચિત્ર ટાઇપની જોખમી બાજી ખેલવા માટે તૈયાર થઈ રહ્યો હતો.

સ્વાતિને ત્રીજી પણ એક વાતની નવાઈ લાગી રહી હતી કે આ માણસમાં કેટલી ગજબની ધીરજ હતી? તે સળંગ ૨૫ શો સુધી પુણેમાં, પોતાનો દિલ્હીનો કામધંધો છોડીને શા માટે રોકાઈ રહ્યો હતો? શું માત્ર તેને પૅરૅલાઇઝ્ડ થયેલી માને પાછી નૉર્મલ બનાવવામાં રસ હતો કે એની પાછળ કોઈ મોટું પ્રૉપર્ટીનું ચક્કર હતું?

જે હોય એ, સ્વાતિએ પોતાના અસિસ્ટન્ટો સાથે ચર્ચા કરીને ફાઇનલ ડિસિઝન લઈ જ લીધું કે તે આ સીન ‘લાઇવ’ ભજવશે. સ્વાતિ જાણતી હતી કે તેણે આમાં બહુ મોટું રિસ્ક લીધું છે.

પણ હકીકતમાં એનાથીયે મોટું રિસ્ક પેલા બિહારીલાલ પાંડેએ લીધું હતું, કેમ કે તેણે સ્વાતિના અસિસ્ટન્ટોને વીસ-વીસ હજાર વધારે ચૂકવ્યા હતા. વધુ એક મિનિટ રાહ જોવા માટે!

lll

પુણેથી ખાસ્સે દૂર આવેલા આ ફાર્મહાઉસની બહારથી કોઈએ જોયું હોય તો એમ જ લાગે કે અંદર કોઈ યુવતી ભડભડ બળી રહી છે.

પરંતુ આ એક નાટક હતું. અત્યંત જોખમી નાટક. ફરક માત્ર એટલો જ હતો કે અહીં કોઈ સ્ટેજ નહોતું. કોઈ લાઇટ-ઇફેક્ટ્સ નહોતી અને ખીચોખીચ ભરેલા પ્રેક્ષકો નહોતા.

હા, જૂજ પ્રેક્ષકો હતા; એક ઍમ્બ્યુલન્સ વૅનનો ડ્રાઇવર હતો, એક ડૉક્ટર હતા, બે નર્સ હતી, નાટકના તખ્તા પાછળ કામ કરતા ત્રણ અસિસ્ટન્ટ હતા, બિહારીલાલ પાંડે હતા અને એક વ્હીલચૅર પર બેઠેલી પૅરૅલિસિસની પેશન્ટ વૃદ્ધ મહિલા હતી.

હકીકતમાં આ નાટક માત્ર એ બુઢ્ઢી ઔરત માટે જ ભજવાઈ રહ્યું હતું! સ્વાતિ નામની મરાઠી સ્ટેજની ખ્યાતનામ અભિનેત્રીએ સ્ટેજ પર સળગી જવાનો અભિનય વારંવાર કર્યો હતો, પણ આ એક લાઇવ શો હતો.

સ્વાતિ આ ફાર્મહાઉસના બંગલામાં એકલી છે. અચાનક એક હલકટ લાગતો માણસ બારી વાટે બંગલામાં આવે છે. તે સ્વાતિની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરે છે. વધારે પડતા જોશમાં પેલા ઍક્ટરે ખરેખર સ્વાતિનું બ્લાઉઝ ફાડી નાખ્યું, છતાં સ્વાતિએ શો ચાલુ રાખ્યો. પેલી વ્હીલચૅરમાં બેઠેલી સ્ત્રી આ બધું જોઈ રહી હતી. સ્વાતિએ બળાત્કારી પુરુષને હડસેલ્યો. તે કિચનમાં દોડી. અંદરથી બહાર આવતા સુધીમાં તેણે પોતાની સાડી પર કેરોસીનના બાટલામાં ભરેલું પ્રવાહી છાંટી દીધું હતું અને પછી દીવાસળી ચાંપી દીધી!

સાડી ભડભડ બળવા લાગી. સ્વાતિ ચીસાચીસ કરવા માંડી અને વ્હીલચૅર પર બેઠેલી બુઢ્ઢીના હોઠ ધ્રૂજવા લાગ્યા. કીકીઓ ચકળવકળ થવા લાગી. હાથપગમાં જોરદાર સળવળાટ શરૂ થયો. બિહારીલાલની આંખો ઉત્સાહથી ચમકવા માંડી! કારણ કે એ વૃદ્ધા તેની મા હતી. તેને લાગ્યું કે મા હમણાં ચીસ પાડી ઊઠશે, હમણાં વ્હીલચૅરમાંથી ઊભી થઈ જશે.

મિનિટો પસાર થઈ રહી હતી. એક મિનિટ, બે મિનિટ, ત્રણ મિનિટ અને સાડાત્રણમી મિનિટે સ્વાતિએ ખરેખર એક જોરદાર ચીસ પાડી, ‘બચાઆઆઆઆવો!’

પણ તેના ત્રણેય અસિસ્ટન્ટોમાંથી કોઈ આગળ ન આવ્યું. સ્વાતિએ ફરી ચીસ પાડી. હવે તે ઍક્ટિંગ નહોતી કરી રહી. તે ખરેખર ગભરાઈ ગઈ હતી!

સ્વાતિની ભડભડ બળતી સાડીની જ્વાળાઓ આગળ વધી ચૂકી હતી. ઉતાવળમાં પેલું પ્રવાહી શરીર ઉપર પણ થોડું છંટાઈ ગયું હતું અને જ્વાળાઓ ત્યાં સુધી પહોંચી ગઈ હતી! સ્વાતિની ચામડી પર ચોપડેલું ‘ફાયર-રેઝિસ્ટન્ટ’ કેમિકલ પણ હવે પીગળી રહ્યું હતું! તેની ચામડી હવે રીતસર દાઝી રહી હતી... સ્વાતિએ બીજી વાર જોરથી ચીસ પાડી!

‘બચાઆઆઆવો!’

આ વખતની ચીસ રિયલ હતી! અગાઉની જેમ નાટકીય નહોતી! હવે પછીની એક-એક સેકન્ડ સ્વાતિ માટે જોખમી હતી. સ્વાતિ બહાવરી બની ગઈ હતી. પોતાની સાડીની જ્વાળાઓ તેની આંખો સામે નાગણના ફૂંફાડા સાથે જાણે ભરડો લઈ રહી હતી. સ્વાતિની આંખે અંધારાં છવાઈ રહ્યાં હતાં... ‘આ શું થઈ રહ્યું છે? કોઈ કેમ હલતું નથી?’

સ્વાતિનું ગળું અચાનક સુકાઈ ગયું. તે ચીસ પાડવા માગતી હતી છતાં ચીસ પાડી ન શકી.

આખરે પચ્ચીસમી, છવ્વીસમી, સત્યાવીસમી અને અઠ્ઠયાવીસમી સેકન્ડે સ્વાતિ બેહોશ થવાની અણી પર પહોંચી ગઈ.

...અને પેલી તરફ બિહારીલાલ આંખોમાં કંઈક વિચિત્ર ચમક સાથે પોતાની મા તરફ જોઈ રહ્યો હતો!

સેકન્ડો સરકી રહી હતી...

(ક્રમશઃ)

columnists