‘દાવાનળ’... લાઇવ! આગ સાથેનો અણધાર્યો ખેલ (પ્રકરણ 1)

01 July, 2024 07:38 AM IST  |  Mumbai | Lalit Lad

આખી વાર્તા વાંચો અહીં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સ્વાતિની આ સીનમાં માસ્ટરી હતી.
જેટલી વખત નાટકનું આ દૃશ્ય ભજવાતું એટલી વખત પ્રેક્ષકોનાં રૂંવાડાં ખડાં થઈ જતાં હતાં. ‘દાવાનળ’ નાટકનો આજે પુણેમાં સળંગ દસમો શો હતો અને એ પણ હાઉસફુલ.
બીજા અંકનો પડદો પડે એ પહેલાંનું આ છેલ્લું દૃશ્ય. સ્વાતિ ચિત્કારો કરતી સ્ટેજ પર દાખલ થાય છે. તેની પાછળ-પાછળ રણ​જિત ધસી આવે છે. રણજિતની કામવાસના ભડકી ઊઠી છે. તે સ્વાતિને પોતાનો શિકાર બનાવવા માટે ચિત્તાની જેમ ત્રાટકે છે. સ્વાતિ ચીસો પાડતી પ્રતિકાર કરે છે. રણ​જિત તેને પકડીને નીચે ગબડાવી દે છે. છતાં સ્વાતિ જોર કરીને તેને હડસેલી મૂકે છે. સ્વાતિ નાસે છે, રણજિત તેની પાછળ પડે છે. ફર્નિચરોની ગબડાગબડી, ટેબલ-લૅમ્પનું પડવું, બલ્બનું ફૂટવું, ઇલેક્ટ્રિકના કરન્ટથી ઝબકારા થવા માંડવા... સ્વાતિ અને રણજિતની ઝપાઝપી... સ્વાતિ રણ​જિતને ફરી વાર હડસેલી મૂકે છે અને અચાનક...

અચાનક સ્વાતિના હાથમાં વિદેશી શરાબની બૉટલ આવી જાય છે. તે વીજળીના ચમકારાની ઝડપે નિર્ણય લઈ લે છે. તે ચીસ પાડે છે, ‘તને તાબે થવાને બદલે હું મારી જાતને સળગાવી દઈશ! જો! જોઈ લે!’ સ્વાતિ શરાબની બૉટલ પોતાના શરીર પર ઊંધી વાળી દે છે અને પછી તરત જ ટેબલ પર પડેલા લાઇટર વડે પોતાની સાડી સળગાવી દે છે!
પ્રેક્ષકોમાં હાહાકાર મચી જાય છે. ભડભડ બળતી સાડીના છેડા સાથે દોડતી સ્વાતિ, તેની પાછળ દોડી રહેલો રણ​જિત... અને એક ક્ષણે પેલો ભડકો મોટી જ્વાળા બની જતાં સ્તબ્ધ થઈને રણ​જિત થંભી જાય છે. સ્વાતિની એક ભયાનક ચીસ સંભળાય છે... જોરદાર લાઇટિંગની ઇફેક્ટ અને ધમધમાટ મ્યુઝિક સાથે સડસડાટ પડદો પડે છે!
પ્રેક્ષકો બે ક્ષણ માટે સ્તબ્ધ થઈ જાય છે. શું થયું? પડદો બંધ થવાની દસ સેકન્ડ પછી માઇકમાંથી અનાઉન્સમેન્ટ થાય છે, ‘નાટકનો બીજો અંક અહીં સમાપ્ત થાય છે. માત્ર દસ મિનિટનો વિરામ. થૅન્ક યુ!’

રોમાંચિત થઈ ઊઠેલા પ્રેક્ષકો દર વખતે તાળીઓનો ગડગડાટ કરીને આખો હૉલ ગજવી મૂકતા!
પણ પડદા પાછળ શું બની ગયું એ પ્રેક્ષકો માટે કલ્પના બહારની વાત હતી, કારણ કે આ જ તો હતો સ્વાતિની ઍક્ટિંગનો કસબ!
દોડાદોડી અને ચીસાચીસ વચ્ચે શરાબની બૉટલમાંનું પ્રવાહી એ રીતે રેડાવું જોઈએ કે તેની સાડીના છેડા પર વધારે ઢોળાય અને શરીર પર ઓછું. લાઇટર વડે સળગાવતાંની સાથે જ સાડીનો છેડો ભડભડ બળવા લાગે ત્યારે એ શરીરને ન અડી જાય અને છતાં દોડાદોડી કરતી વખતે છેડાને એ રીતે ફંગોળતા રહેવાનું કે પ્રેક્ષકોને તેમના ઍન્ગલથી લાગે કે તે ભડબડ બળી રહી છે! પરંતુ તેમને શંકા પણ ન જાય કે સ્વાતિ હકીકતમાં શરીરથી સાડીના છેડાને દૂર રાખી રહી છે. છેલ્લી ઘડીએ જ્યારે પડદો પડે અને તખતો પૂરેપૂરો ઢંકાઈ જાય એ પછી સેકન્ડનો દસમો ભાગ પણ ન લાગે એટલી ઝડપે સાડી શરીર પરથી ઉતારી નાખવાની. બીજી જ ક્ષણે સ્ટેજની પાછળથી ધસી આવેલો એક અસિસ્ટન્ટ કાતર વડે સાડીનો સળગતો ભાગ કાપી નાખે, બીજો અસિસ્ટન્ટ ફાયર એક્સ્ટિંગ્વિશર વડે આગ બુઝાવી દે અને ત્રીજો અસિસ્ટન્ટ ભીનો કરેલો ઊનનો ધાબળો સ્વાતિના શરીરે લપેટી દે!

યસ, સ્ટેજની પાછળથી ધસી આવતા અસિસ્ટન્ટોની ચપળતા તો ખરી જ, પણ એ પહેલાંની પૂરેપૂરી સાડાત્રણ મિનિટનું જોખમ સ્વાતિએ એકલીએ જ ખેડવાનું રહેતું. એટલે જ તો પુણેમાં આ દૃશ્યની વાહ-વાહ આગની જેમ ફેલાઈ ચૂકી હતી. નાટકના પહેલા જ શો પછી સળંગ ૩૦ શોની ટિકિટો ઍડ્વાન્સ બુકિંગમાં વેચાઈ ગઈ હતી.
આજે દસમા શોમાં પણ વાદળોના ગડગડાટ જેવી તાળીઓથી હૉલ ગૂંજી ઊઠ્યો. સ્વાતિ ઝડપી પગલે ભીનો ધાબળો લપેટતી પોતાના મેકઅપ રૂમમાં પહોંચી ગઈ. અરીસાની સામે ગોઠવેલી ખુરશી પર બેસતાં પહેલાં તેણે ધાબળો ફંગોળીને બીજું વસ્ત્ર ઓઢી લીધું હતું, પણ શ્વાસ હજી એટલા જ જોરથી ચાલી રહ્યા હતા.
સ્વાતિની કડક સૂચના હતી કે જ્યાં સુધી મારો શ્વાસ હેઠો ન બેસે ત્યાં સુધી પ્લીઝ, કોઈએ મારા મેકઅપ-રૂમમાં આવવું નહીં. નૉર્મલ થઈ જાઉં પછી જ મને અભિનંદન આપવાં હોય તો આપવાં.
નાટકના બીજા કલાકારો આ નિયમ બહુ જ શિસ્તથી પાળતા. આજે તો આગલા નવ શો કરતાં પણ સ્વાતિએ દિલધડક પર્ફોર્મન્સ કર્યો હતો એટલે લગભગ બધા જ કલાકારો દરવાજા પાસે રાહ જોઈને ઊભા હતા કે ક્યારે સ્વાતિ બહાર આવે અને અભિનંદન આપીએ.

પણ પાંચ મિનિટ થવા છતાંય જ્યારે સ્વાતિ બહાર ન આવી ત્યારે તેની કો-ઍક્ટ્રેસ કૌશલ્યાએ દરવાજા પર ટકોરા મારીને અંદર ડોકિયું કર્યું. સ્વાતિ હજી એમ જ બેઠી હતી. તેની નજરો ફૂલોના એક બુકે પર મંડાયેલી હતી.
કૌશલ્યા સામે એક નજર કરીને તેણે પૂછ્યું, ‘આજે પણ આવ્યો છે તે?’
‘હા.’ કૌશલ્યાએ કહ્યું, ‘આજે તો તેણે પોતાનો સીટ-નંબર પણ લખ્યો છે.’
સ્વાતિએ હવે બુકે પર ચોંટાડેલા કૉન્ગ્રેચ્યુલેશન્સ કાર્ડને ધ્યાનથી જોયું. એની નીચે સ્કેચ પેનથી લખ્યું હતું, ‘યુ આર ગ્રેટ. H-15.’
‘કોણ છે આ હલકટ માણસ?’ સ્વાતિએ પૂછ્યું.
કૌશલ્યાએ શાંતિથી તેના ખભા પર હાથ મૂક્યો. ‘પ્રેક્ષક છે અને પ્રેક્ષક આપણાં માઈ-બાપ છે.’
‘પણ આ રીતે રોજ બુકે મોકલ્યા કરવાનો શો મતલબ છે?’
‘મતલબ પણ ખૂલશે. આજે તેણે સીટ-નંબર લખ્યો છેને? કાલે ફરી આવશે ત્યારે તેનું નામ લખશે અને ૫૨મ દિવસે જ્યારે શો છૂટશે ત્યારે તને મળવા પણ આવશે. ડોન્ટ વરી.’
કૌશલ્યાની વાત સ્વાતિને સાચી લાગી. અમુક પ્રેક્ષકો ઘેલા હોય છે. તેમની ઘેલછા ક્યારેક પાગલપનની હદ પણ વટાવી જતી હોય છે. આવા ઘેલસઘરાઓને બહુ ભાવ પણ ન અપાય. તેમને બહુ છંછેડવા પણ સારા નહીં.
ત્રીજા અંકનો પહેલો બેલ વાગ્યો એટલે બીજા કલાકારો ઝડપથી આવીને સ્વાતિને અભિનંદન આપીને પોતપોતાના કામમાં ગૂંથાઈ જવા લાગ્યા.
પણ સ્વાતિ હવે ફ્રી હતી, કારણ કે તેની પંદર મિનિટ સુધી એન્ટ્રી નહોતી. તેણે હવે સ્ટેજ પર નવા મેકઅપ સાથે એન્ટ્રી લેવાની હતી. રિમૂવર વડે તે ચહેરા પરનો મેકઅપ સાફ કરવા માંડી.
કપડાં બદલી લીધા પછી તેને ફરી ચટપટી થઈ. કોણ હશે તે? તેણે હૉલમાં બેઠેલા પ્રેક્ષકો પર વિન્ગમાંથી નજર દોડાવી. H-15 નંબરની સીટ પર બેઠેલા પ્રેક્ષક પર તેની નજર સ્થિર થઈ. સફારી સૂટ પહેરેલો આધેડ વયનો એક માણસ હતો. પહેલી નજરે તો ગાંડાઘેલો સાઇકિક કેસ હોય એવો નહોતો લાગતો.
‘જે હોય તે...’ સ્વાતિએ વિચાર્યું, ‘કૌશલ્યા કહે છે એમ એક દિવસે શો છૂટ્યા પછી આવશે જને? ત્યારે વાત...’

તે બરાબ૨ પચીસમા શો પછી આવ્યો.
તે રોજ બુકે મોકલતો હતો. બુકેના કાર્ડ પર લખેલો સીટ-નંબર પણ એ જ હતો, પણ હજી સુધી તેણે તેનું નામ કાર્ડ પર લખ્યું નહોતું.
શો પૂરો થયો, હૉલ ખાલી થઈ ગયો અને સ્ટેજ પર પાડેલો પડદો હટાવી લેવામાં આવ્યો પછી તે બૅકસ્ટેજમાં આવ્યો. તેની નજરોએ સ્વાતિને દૂરથી જ શોધી લીધી હતી અને તે બિલકુલ બાજ પક્ષીની જેમ સડસડાટ સ્વાતિ પાસે આવીને ઊભો રહ્યો.
સ્વાતિએ તેને જોયો, પણ કોઈ રિસ્પૉન્સ ન આપ્યો.
‘H-15.’ તે બોલ્યો.
‘H-15?’ સ્વાતિએ અજાણ્યા થવાનો ડોળ કર્યો.
‘રોજ એ જ સીટ પર બેસીને છેલ્લા ૨૫ શોથી તમારો અદ્ભુત પર્ફોર્મન્સ જોઈ રહ્યો છું.’
‘બધા જુએ છે. આખો હૉલ ફુલ હોય છે.’ સ્વાતિએ હળવું સ્મિત કર્યું. ‘તમારા જેવા પણ ઘણા હોય છે, એક જ સીટ પર બેસીને અનેક શો જોનારા.’
‘હશે.’ તેના ચહેરાના ભાવ જરાય ન બદલાયા. ‘પણ હું ક્યારેય કોઈ નાટક નથી જોતો. તમારું આ નાટક સળંગ ૨૫ નાઇટ જોયું. આઇ ઍમ ઇમ્પ્રેસ્ડ.’
‘થૅન્ક્સ.’

થોડી ક્ષણો સુધી તે કંઈ ન બોલ્યો. સ્વાતિની નજરો તેને માપી રહી હતી. તે કંઈક કહેવા માગતો હતો અને એ કહેવા માટેની માનસિક તૈયારી કરી રહ્યો હતો. ખોંખારો ખાઈને તે કંઈક બોલવા ગયો કે સ્વાતિએ બીજી દિશામાં જોઈને બૂમ પાડી, ‘ચાલો ભાઈ, કેટલી વાર? મને તો ક્યારની ઊંઘ આવે છે.’
સ્વાતિ ઍક્ટ્રેસ હતી એટલે સામા માણસની બૉડી-લૅન્ગ્વેજ વાંચવામાં પાવરધી હતી. પેલો માણસ ફરી ખોંખારો ખાશે, પોતાના કૉલર સરખા કરશે, બન્ને હાથ ભેગા કરી મસળશે, થોડી રાહ જોશે અને સ્વાતિ ‘ચાલો બાય હોં?’ એમ કહીને છટકી ન જાય એ માટે એકદમ સજાગ થઈને સ્પષ્ટ અવાજે બોલશે : ‘એક્સક્યુઝ મી, પણ...’
આટલે સુધી બધું જ સ્વાતિની ધારણા પ્રમાણે થયું, પણ આગળના શબ્દો અલગ જ નીકળ્યા. તે સ્પષ્ટ અવાજે પણ ઝડપથી બોલ્યો : ‘એક્સક્યુઝ મી, પણ આ કોઈની જિંદગી અને મોતનો સવાલ છે. તમને મોંમાગી ૨કમ આપી શકું છું.’
સ્વાતિ થંભી ગઈ, ‘શું કહ્યું તમે?’
‘જી, મેં કહ્યું કે તમને મોંમાગી રકમ આપી શકું છું.’
‘ના, એ પહેલાં શું કહ્યું?’
‘કે આ કોઈની જિંદગી અને મોતનો સવાલ છે.’
‘કોની જિંદગી અને મોતનો?’
‘મારી એક મા છે. તમે જ તેને બચાવી શકો એમ છો.’
સ્વાતિએ પહેલી વાર તે માણસનો ચહેરો ધ્યાનથી જોયો. પહોળાં જડબાંવાળો ચોરસ ચહેરો, પાતળા હોઠ, ખરબચડા ગાલ, મોટું કપાળ અને એ કપાળ પર થોડી ચિંતાની કરચલીઓ હતી. તેનાં જાડા કાચનાં ચશ્માં પાછળની આંખો ભીની હતી. તે હોઠ ભીડીને પોતાની લાગણીઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
‘તમે મારી માને...’ પેલા માણસે શબ્દો ગોઠવીને બહુ ધીમા અવાજે જવાબ આપ્યો. ‘તમે મારી માને... તેની આગળ સળગી જવાનું આબેહૂબ નાટક કરીને બચાવી શકો છો!`
સ્વાતિ સ્તબ્ધ હતી. તે બોલ્યો : ‘હું તમને શાંતિથી મળીને બધું જ સમજાવવા માગું છું. આ મારું કાર્ડ છે. તમે મને કાલે ફોન કરી શકો?’
કાર્ડ આપીને તે એક ક્ષણ પણ રોકાયા વિના જતો રહ્યો. સ્વાતિએ કાર્ડ જોયું : બિહારીલાલ પાંડે. એમાં કોઈ સરનામું નહોતું. માત્ર એક મોબાઇલ-નંબર હતો.
(ક્રમશઃ)

columnists gujarati mid-day