07 December, 2024 04:49 PM IST | Mumbai | Jigisha Jain
દત્તાત્રેય ભગવાનનું મંદિર
ચોપાટી પાસે આવેલા ભારતીય વિદ્યા ભવનની નજીક આવેલું આ પ્રાચીન દત્ત મંદિર વર્ષમાં એક જ વાર દત્ત જયંતી નિમિત્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે છે. દાભોળકર પરિવારનું આ પ્રાઇવેટ મંદિર છે; પરંતુ એની માન્યતા એટલી છે કે દત્ત જયંતી નિમિત્તે મુંબઈ જ નહીં, મુંબઈની બહારથી પણ હજારો લોકો આ મંદિરે દર્શન માટે આવે છે. આવતા શનિવારે દત્ત જયંતી છે તો અચૂક જવા જેવું છે
તમે મુંબઈમાં ચોપાટી તો કેટલીયે વાર ફરવા ગયા હશો અને ત્યાં ભારતીય વિદ્યા ભવન પાસે જૂના કોતરણીકામવાળું સ્ટ્રક્ચર પણ જોયું હશે. ઘણી વાર તમને પ્રશ્ન પણ થયો હશે કે આટલા સુંદર સ્થાને કોણ રહેતું હશે? હકીકતે એ દત્તાત્રેય ભગવાનનું મંદિર છે જે મુંબઈના દાભોળકર પરિવારનું છે. આ મંદિર ૧૨૬ વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે. એ મંદિરની બાજુમાં જ આ પરિવારનું નિવાસસ્થાન પણ છે. દરેક મંદિરની કોઈ ને કોઈ વિશેષતા જરૂર હોય છે. એમ આ મંદિરની વિશેષતા એ છે કે વર્ષમાં એક જ દિવસ એ જાહેર જનતા માટે ખૂલે છે. એ દિવસ છે દત્ત જયંતી એટલેકે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ, જે દર વર્ષે માગશર મહિનાની પૂનમે આવે છે. બાકીના દિવસો આ મંદિર ફક્ત પરિવારના સભ્યો સુધી સીમિત રહે છે.
આ મંદિરની વર્ષોથી આ જ પરંપરા ચાલી આવી છે. ઘણા ભક્તોને આ પરંપરાનો ખ્યાલ છે અને એટલે જ મુંબઈથી જ નહીં, મુંબઈની બહારથી પણ ભક્તો ભગવાન દત્તાત્રેયનાં દર્શન કરવા આવે છે. દર વર્ષે દત્ત જયંતીના દિવસે આ એરિયાની રંગત જુદી હોય છે. ઘણા શ્રદ્ધાળુઓ સવારથી આ મંદિરમાં આવવાના શરૂ થઈ જાય છે. એક જ દિવસમાં હજારો શ્રદ્ધાળુઓ આવતા હોવાને કારણે મંદિરમાં દર્શન માટેની લાઇન પણ ખાસ્સી લાંબી હોય છે. આ દિવસે છેક ભારતીય વિદ્યા ભવન સુધી લાંબી લાઇન જોવા મળે છે. ઘણી વાર ભીડ એટલી હોય છે કે જેમનું મંદિર છે તેમણે પણ દર્શન માટે ખાસ્સી રાહ જોવી પડે છે. કેટલાક શ્રદ્ધાળુઓ એવા છે જે ૫૦-૬૦ વર્ષથી સતત દર વર્ષે અહીં દર્શન માટે આવે છે.
નિર્માણ થયું ૧૮૯૮માં
સ્વ. શાંતારામ નારાયણ દાભોળકર જે મુંબઈના એ સમયના અતિ ધનાઢ્ય વેપારી સ્વ. નારાયણ દાભોળકરના નાના દીકરા હતા તેમણે ૧૮૯૮માં પોતાના પરિવાર માટે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. આ એ સમયની વાત છે જ્યારે સધ્ધર પરિવારો પોતાના દેવતાના મંદિર બંધાવતા હતા. પોતાના પરિવાર માટે ઘર બાંધનારા ઘણા હતા પણ જે ખરેખર સમૃદ્ધ હતા ફક્ત ધનથી જ નહીં, સંસ્કારોથી પણ તે પોતાના દેવ માટે પણ આલય એટલે કે દેવાલય બનાવતા હતા. આજે પણ લોકો પોતાના કમાયેલા ધનનો વપરાશ ધર્મનાંના કામોમાં કરતા હોય છે પરંતુ પોતાના પરિવારનું મંદિર બંધાવનારા પરિવારો જૂજ બચ્યા છે.
પોરબંદરથી આવ્યો હતો પથ્થર
મંદિરના બહારનો ભાગ પોરબંદરથી લાવેલા પથ્થરોથી બનાવવામાં આવ્યો છે જેને અત્યારે વાઇટવૉશથી ઢાંકી દેવામાં આવ્યો છે. એક ગુજરાતી તરીકે ગર્વની વાત એ હોઈ શકે કે એ સમયે આ મંદિરનો પથ્થર પોરબંદર નજીક આવેલા આદિત્યાણા ગામેથી મગાવવામાં આવ્યો હતો જેને પોરબંદરના પથ્થર તરીકે જ ઓળખાય છે. જોકે ગુજરાતીઓ એને માખણિયો પથ્થર કહે છે. એ એટલો સૉફ્ટ હોય છે કે એના પર નકશી કરવી સરળ બને છે. મંદિરની અંદર ઇટાલિયન માર્બલ ફલોરિંગ છે. બર્માથી લાવેલા ટીકના લાકડાનાં બારી અને દરવાજા બનેલાં છે. મંદિરની અંદર કાળા પથ્થરોની દેરી છે જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં મુખવાળા દત્તાત્રેય ભગવાનની મૂર્તિ છે. આ દેરી ૯ ફીટ લાંબી છે જેને એ સમયે ઇટલીથી મગાવવામાં આવી હતી. એ દેરીની ડિઝાઇન શાંતારામ દાભોળકરે ખુદ બનાવી છે જે ડિઝાઇનને ઇટલી મોકલવામાં આવી અને એ પરથી આ દેરી ૯ અલગ-અલગ ભાગોમાં અહીં આવી. એને જોડીને આ દેરી અહીં બનાવવામાં આવી છે. આ મંદિરનો ૧૯૯૮માં એટલે કે સો વર્ષ પછી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો જે એટલો સુંદર થયો હતો કે એને ધાર્મિક સ્થળોની કૅટેગરીમાં અર્બન હેરિટેજ સોસાયટી, મુંબઈ તરફથી અવૉર્ડ પણ મળ્યો હતો.
પરિવારનો ઇતિહાસ
દાભોળકર પરિવારના વડીલ સ્વ. નારાયણ દાભોળકરની રંકમાંથી રાજા બનવાની કથા કંઈક આવી છે. આ નૅપિયન સી રોડ જ્યાં મુંબઈના સૌથી ધનાઢ્ય અને પાવરફુલ લોકો રહે છે ત્યાંના એક રોડનું નામ જેના નામ પર છે તેવા સ્વ. નારાયણ દાભોળકર વેન્ગુર્લાથી મુંબઈ તેમનાં માતા-પિતા સાથે આવ્યા હતા. એ સમયે જી. ટી. હૉસ્પિટલ સામે આવેલા સરદાર ગૃહમાં તેઓ રહેતા. આ એ જ જગ્યા હતી જ્યાં લોકમાન્ય તિલક એક સમયે રહેતા હતા. એ સમયે કોઈ ખાસ મૂડી નહોતી તેમની પાસે. એમાં પ્લેગ જેવી ભયંકર બીમારીને કારણે પિતાનું મૃત્યુ થયું એટલે નારાયણ દાભોળકર પર પરિવારની જવાબદારી આવી ગઈ.
તેમને ઘોડાનો ખૂબ શોખ હતો એટલે લોકોને ઘોડેસવારી શીખવવાનું કામ તેમણે શરૂ કર્યું. એ સમયે તેમને મદદ કરી એક બ્રિટિશ સ્ત્રીએ, જેમને તેમણે ઘોડેસવારી શીખવી હતી. એ સ્ત્રીના પતિ બ્રિટિશ આર્મીમાં કૅપ્ટન હતા. તેમણે નારાયણ દાભોળકરને એક શિપિંગ કંપનીમાં કામ દેવડાવ્યું જેમાં મહેનતથી તેઓ ખૂબ આગળ વધ્યા, શિપિંગ કંપનીમાં મટીરિયલ સપ્લાય કરીને તેઓ સારું કમાયા. ભારતીય વિદ્યા ભવન અત્યારે જ્યાં ઊભું છે એ જગ્યાની માલિકી એક સમયે તેમની હતી. આ સિવાય ભુલેશ્વરમાં તેમનો એક બંગલો હતો. નૅપિયન સી રોડ એરિયામાં જે રોડનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે એ જ રોડ પરનો એક બંગલો જે કદાચ તેમણે એ સમયે ૬૦ હજાર રૂપિયામાં ખરીદેલો હતો. માટુંગામાં તેમની ખૂબ બધી જમીનો હતી. કહેવાય છે કે નારાયણ દાભોળકરને એ વાતની અંદરથી ખબર હતી કે તેઓ ૪૧ વર્ષે મૃત્યુ પામશે એટલે આટલી નાની ઉંમરમાં તેમણે વસિયતનામું બનાવી રાખેલું. પોતાના નૅપિયન સી રોડવાળા ઘરનું સમારકામ ચાલતું હતું ત્યારે તેમના પર એ તૂટી પડ્યું અને તેમનું મૃત્યુ થયું હતું.
આજની પેઢી
પિતાની ધનદોલત જ નહીં, સંસ્કારોનો વારસો લઈને ચાલતા શાંતારામ દાભોળકરને દત્તાત્રેય ભગવાન પર અતુટ શ્રદ્ધા હતી એટલે તેમણે આ મંદિર બનાવડાવ્યું. સ્વ. શાંતારામ દાભોળકરે દત્તાત્રેય ભગવાનના નામે ૧૦૦થી પણ વધુ અભંગની રચના કરી છે જે મુંબઈ જ નહીં, ગોવાના દત્તાત્રેય મંદિરમાં પણ ગવાય છે. દાભોળકર પરિવારની આજની પેઢી સચિત દાભોળકર, જેઓ વર્ષોથી આ મંદિરની દેખરેખ કરે છે તેઓ ખુદ હાલમાં ૯૫ વર્ષની ઉંમરના છે અને તેમના નાના ભાઈ, જે ભરત દાભોળકર છે જેમનું થિયેટર અને ઍડ્વર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં ઘણું જાણીતું નામ છે તે હાલમાં ૯૦ વર્ષના ધરાવે છે. સચિત દાભોળકરનાં દીકરી સુજાતા દાભોળકર હાલમાં મંદિરનો કાર્યભાર સંભાળે છે. આમ પણ જે જગ્યાએ વર્ષમાં એક જ વાર જવાની પરવાનગી હોય એવી જગ્યાએ જવાની ઇચ્છા તો કોઈ પણને થઈ આવે. મુંબઈના આ મંદિરનાં દ્વાર દત્ત જયંતીના દિવસે ૨૦૨૪ની ૧૪ ડિસેમ્બરે સવારે ૭ વાગ્યે ખૂલશે. ઇચ્છા થઈ આવે તો ચોક્કસ એક મુલાકાત લેવી ખપે.