માણસ સૌથી વધારે જો કોઈ સાથે રહેતો હોય તો એ તેના વિચારો છે

21 June, 2023 04:04 PM IST  |  Mumbai | Rashmin Shah

દારીયસ ફોરુની ‘થિન્ક સ્ટ્રેટ’માં આ જ નહીં, આવી અનેક અગત્યની વાતો કહેવામાં આવી છે અને સાથોસાથ કહેવામાં આવ્યું છે કે તમારા વિચારોમાં જેવી ગુણવત્તા હશે એવી જ ગુણવત્તાવાળું જીવન તમે જીવતા હશો

દારીયસ ફોરુ

‘જો વિચારો સાથે સૌથી વધારે રહેવાનું હોય તો પછી માણસ શું કામ પોતાની કંપનીને સારી, બહેતર કે પછી બેસ્ટ બનાવવાની કોશિશ ન કરે. તેણે એ પ્રયાસ કરવો જ રહ્યો, કારણ કે વિચારોનો સીધો હિસાબ છે. વિચારોની ગુણવત્તા જેટલી ઉત્તમ એટલી જ લાઇફ વધારે સારી.’ 
નેધરલૅન્ડ્સના રાઇટર દારીયસ ફોરુની વાત સહેજ પણ ખોટી કે ગેરવાજબી નથી. દારીયસ આ વાત પોતાની પહેલી બુક ‘થિન્ક સ્ટ્રેટ’માં કરવાની સાથે જ તે એટલો પૉપ્યુલર થયો કે તેણે માત્ર મોટિવેશનલ સ્પીકર બની રહેવાને બદલે પોતાના માટે બીજાં પણ અનેક સેક્ટર ખોલ્યાં, જેને લીધે આજે તે દુનિયાના ટૉપ ટેન પૉડકાસ્ટરમાં પણ સામેલ થાય છે તો સાથોસાથ દુનિયાના ટૉપ ટેન કૉર્પોરેટ-ટીચરમાં પણ તેનું નામ મૂકવામાં આવે છે. અત્યાર સુધીમાં બસોથી વધારે કંપનીના સ્ટાફને ટ્રેઇનિંગ આપી ચૂકેલા ડારિસે પોતાની બુક ‘થિન્ક સ્ટ્રેટ’ને જ એ ટ્રેઇનિંગનું માધ્યમ રાખી છે અને આ જ બુક સાથે તેણે ઑનલાઇન કોર્સ પણ ડેવલપ કર્યો છે, જે વ્યક્તિને સીધું વિચારવાની સરળ વ્યાખ્યા સમજાવવાનું અને સીધી રીતે વિચારવાની ક્ષમતા ડેવલપ કરવાનું શીખવે છે. અફકોર્સ, દારીયસ પોતાના ઑનલાઇન કોર્સની શરૂઆતમાં જ એક વાતની ચોખવટ કરતાં કહે છે કે દુનિયાનો એક પણ માણસ એવો નથી જેને વિચાર આવતા ન હોય. વિચાર અટકાવવાના તમે પ્રયાસ કરો તો પણ વિચાર આવ્યા વિના રહે નહીં. જો એ આવ્યા વિના રહેવાના ન હોય 
તો પછી એને ચૅનલાઇઝ્ડ કરવાની રીત શીખવી સૌકોઈ માટે અનિવાર્ય બની જાય છે.
‘થિન્ક સ્ટ્રેટ’ આ જ વાત સમજાવે પણ છે અને શીખવે પણ છે. ‘થિન્ક સ્ટ્રેટ’ દ્વારા કહેવામાં આવેલી વાતનો અમલ કરવાથી પ્રોડક્ટિવિટીમાં કેટલો મોટો ફરક પડે છે એ આ જ નામની ડૉક્યુમેન્ટ્રીમાં પણ કહેવામાં આવ્યું છે અને મજાની વાત એ છે કે આ ડૉક્યુમેન્ટ્રી પણ દારીયસ ફોરુએ નહીં, નેધરલૅન્ડ્સ ગવર્નમેન્ટે બનાવી છે, કારણ કે ડારિસે નેધરલૅન્ડ્સ ગવર્નમેન્ટની મિનિસ્ટ્રીને પણ સીધી વિચારવાની આ આખી પ્રક્રિયા શીખવી છે!

સીધા વિચારો છે લાભદાયી

આ આખી વાતને સહજ અને સરળ રીતે સમજાવતાં દારીયસ ફોરુએ બુકમાં જ કહ્યું છે કે મનને જો તમે એક ખેતરની સાથે સરખાવીને જોશો તો તમને સહજ રીતે આ વાત સમજાશે. જેમ ખેતરમાં જે જરૂરી પાક છે એ પાક સિવાયનાં ઝાડીઝાંખરાં ઊગી જાય તો એ તમારા પાકને નુકસાન કરવાની સાથોસાથ એ પ્રોડક્શન ઘટાડવાનું કામ પણ કરે અને સાથોસાથ પાકની ગુણવત્તાને પણ નુકસાન કરે એવું જ મન અને વિચારોનું છે. મન ખેતર છે અને એમાં આવતા વિચારો એનો પાક છે. જો તમે ગેરવાજબી કે પછી ખોટાં કે અર્થહીન વિચારોમાં રત રહો તો પણ તમારા મૂળભૂત અને જરૂરી વિચારોની ક્વૉલિટીથી માંડીને એના પ્રોડક્શનમાં અસર પહોંચે અને ધારો કે વાજબી અને જરૂરી વિચારોને પણ વગર કારણે ખેંચ્યા કરો તો પણ એના પોટેન્શિયલ પર અસર પડે. મતલબ સીધો છે કે જેને જેટલું મહત્ત્વ મળવું જોઈએ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ અને જેને મહત્ત્વ ન મળવું જોઈએ એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ.
વાત ખોટી પણ નથી. ખેડૂત ખેતરમાં ક્યારેય નિંદામણ રહેવા નથી દેતો. જો ખેડૂત પણ આ વાત સમજતો હોય તો આપણે તો વેલ-એજ્યુકેટેડ કૅટેગરીમાં આવીએ છીએ, આપણાથી આવી ભૂલ શાની થાય?

દારીયસ, એક ફ્લૉપ બિઝનેસમૅન

નેધરલૅન્ડ્સમાં રહેતો દારીયસ ફોરુએ કરીઅરની શરૂઆત એક બિઝનેસમૅન તરીકે કરી હતી પણ તે ફ્લૉપ રહ્યો અને એ પણ એક નહીં, પાંચ-પાંચ બિઝનેસમાં. બધા બિઝનેસમાં મોટી નુકસાની લેનારા ડારિસે એક દિવસ નક્કી કર્યું કે પહેલાં પોતાના આ બધા ફ્લૉપ શો વિશે તે જાતે ઇન્ટ્રોસ્પેક્શન કરશે અને એ પછી તે આગળ વધશે. જાતનું મૂલ્યાંકન કરતાં દારીયસનું ધ્યાન એક કૉમન વાત પર ગયું કે તેના વિચારો અગત્યની કહેવાય એના બદલે ફાલતુ અને ગેરવાજબી દિશામાં બહુ જતા હતા. ડારિસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘જો હું મારા માટે પણ મારા વિચારોને એક દિશામાં લાવી ન શકતો હોઉં તો પછી મારા બિઝનેસ માટે પણ હું એને ચૅનલાઇઝ્ડ કેવી રીતે કરીને ચાલતો હોઉં?’
આ એક વિચારે દારીયસ ફોરુના જીવનની દિશા બદલી નાખી અને તેણે સીધું વિચારવા માટે અને હેતુલક્ષી વિચારો કરવા માટે શું કરવું જોઈએ એ વિશે લખવાનું શરૂ કર્યું, જેમાંથી ‘થિન્ક સ્ટ્રેટ’ બુકનો જન્મ થયો.
‘થિન્ક સ્ટ્રેટ’ અત્યાર સુધીમાં જગતની ૩૨ ભાષામાં રૂપાંતરિત થઈ છે અને એની પંદર લાખથી વધારે કૉપીનું સેલ થયું છે.

સ્ટોરી શૉર્ટકટ

લેખક દારીયસ ફોરુની બુક ‘થિન્ક સ્ટ્રેટ’ની એકેક વાત, એનું એકેક વાક્ય અને એની એકેક સલાહનો જો માણસ અમલ કરતો થઈ જાય તો એટલું નક્કી છે કે એની પ્રોડક્ટિવિટી જબરદસ્ત વધી જાય. ‘થિન્ક સ્ટ્રેટ’નો હેતુ પણ એ જ છે કે સીધું વિચારો અને અર્જુનની જેમ લક્ષવેધી બનો.કિસ્સાઓ સાથે ‘થિન્ક સ્ટ્રેટ’માં અમુક એવાં ઉદાહરણો પણ છે જે વાંચીને સમજાય કે વિચારોની માયાજાળમાંથી બહાર આવીને વ્યક્તિએ કઈ રીતે સફળતા હાંસલ કરી હોય. ‘થિન્ક સ્ટ્રેટ’ના કોર્સમાં પણ એ જ વાત કરવામાં આવી હોય છે. દારીયસ ફોરુ સ્પષ્ટતા સાથે કહે છે કે ઘટનાનું પોસ્ટમૉર્ટમ કરીને વિચારોને એમાં વ્યસ્ત રાખવાને બદલે પરિસ્થિતિને જેટલી સહજ અને સરળ રીતે લેવાનું રાખશો એટલું જ કામ આસાન થશે અને કામની ક્વૉલિટી પણ અવ્વલ દરજ્જાની ઊભી થશે.

Rashmin Shah columnists