મારા પર ત્રણ માતાજીની કૃપા છે તો મારું જીવન તેમને અને સમાજને કેમ અર્પણ ન કરું?

30 November, 2024 03:01 PM IST  |  Mumbai | Shailesh Nayak

લવ જેહાદ સામે દેશભરમાં ફરીને બિન્દાસ બોલતાં કાજલ હિન્દુસ્થાની કહે છે કે મારી સાથે શિવશક્તિના આશીર્વાદ છે, હું કોઈથી ડરતી નથી- કાજલ હિન્દુસ્થાની વર્ષમાં નાની-મોટી ૬૦૦થી વધુ સભાઓ સંબોધીને મહિલાઓને કરી રહ્યાં છે જાગ્રત

કાજલ હિન્દુસ્થાની

કાજલ હિન્દુસ્થાની.’

આ નામ હવે લગભગ અજાણ્યું નથી. આ નામ સાંભળતાં જ ઘણા બધાના મનમાં જાણ્યે-અજાણ્યે લવ જેહાદ શબ્દ આવી જ જાય. એક મહિલા થઈને લવ જેહાદ જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દા પર જાહેરમાં બેધડક બોલીને અનેક પડકારનો સામનો કરતી આ મહિલા હ‌િંમતથી આગળ વધી રહી છે. વર્ષ દરમ્યાન નાની-મોટી ૬૦૦-૭૦૦ જેટલી સભાઓ સંબોધી મહિલાઓને જાગ્રત કરનાર ગુજરાતની આ બિઝનેસ-વુમને કેમ આ અભિયાન છેડવું પડ્યું? પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓની દીકરીઓની વાત સાંભળીને કેમ તેમણે આ અભિયાન ચલાવ્યું? અભિયાન શરૂ કર્યા બાદ જીવનમાં કેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે એની વાત કાજલ હિન્દુસ્થાનીએ ‘મિડ-ડે’ સમક્ષ કરી છે.

ગુજરાત અને રાજસ્થાનની બૉર્ડર પર આવેલા રાજસ્થાનના સિરોહીમાં મારવાડી પરિવારમાં જન્મેલાં કાજલ શિંગાળાના જીવનમાં એવું તે શું બન્યું કે તેઓ કાજલ હિન્દુસ્થાની બની ગયાં એ મુદ્દે વાત કરતાં કાજલ શિંગાળા ઉર્ફે કાજલ હિન્દુસ્થાની કહે છે, ‘૨૦૦૭માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી. એ પહેલાં અલગ-અલગ જાતિના કેટલાક નેતાઓ જાતિવાદ કરતા હતા. ત્યારે મને થયું કે જાત‌િવાદનો ભેદભાવ આપણે નથી કરતા, પણ પોતાના પૉલિટિકલ ફાયદા માટે આવા કેટલાક નેતાઓ કરાવે છે એટલે જાતિવાદનો ભેદભાવ ભુલાવવાનો એક તરીકો છે કે આપણી પાછળ જાતિ હશે તો જાતિવાદ કરાવશેને? એટલે મેં મારી સરનેમ ત્યારે ત્યાગીને પોતાને હિન્દુસ્થાની બનાવી. હિન્દુઓનું સ્થાન છે હિન્દુસ્થાન. અહીં રહેતી પ્રત્યેક વ્યક્તિ હિન્દુસ્થાની છે. અહીં કોઈ જ્ઞાતિ-જાતિનો ભેદભાવ નથી. આપણે બધા એક થઈને આપણા ધર્મની રક્ષા કરીએ અને આવા પ્રપંચોમાં ન પડીએ. પ્રભુ શ્રી રામજીએ જ્યારે નિશાદરાજને અપનાવ્યા, શબરીમાતાને અપનાવ્યાં, કેવટને અપનાવ્યા, વાનરોને અપનાવ્યા, રીંછને બધાંને સાથે લઈને ચાલ્યા, આપણે તેમનાં જ સંતોનો છીએ... તો આપણે એવો ભેદભાવ ન રખાય. આ મેસેજ સાથે મેં કાર્ય શરૂ કર્યું હતું.’  

ભારતમાં લવ જેહાદનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે ત્યારે એ અભિયાન ઉપાડીને સભાઓની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે વાત કરતાં કાજલ હિન્દુસ્થાની કહે છે, ‘પાકિસ્તાનથી હિન્દુ શરણાર્થીઓને ગુજરાતમાં સેટલ કર્યા હતા. એ શરણાર્થીઓએ પોતાની વેદના વ્યક્ત કરી હતી કે ત્યાં હિન્દુ દીકરીઓ સાથે કેવું-કેવું થાય છે. એ બધી ઘટનાઓ મને સંભળાવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે એવું બધું ભારતમાં પણ થાય છે. હવે જાગ્રત નહીં થાઓ તો હિન્દુ શરણાર્થીઓને તો ભારતમાં શરણ મળી ગયું, આપણને ક્યાં મળશે? જે-તે વખતે એ  દીકરીઓ સાથે વાત કરી ત્યારે મને થયું કે કોઈ પણ હિન્દુ દીકરીઓ સાથે આવું ન થવું જોઈએ. એટલે આપણે ચેતી જવાનો સમય આવી ગયો છે. પછી લવ જેહાદમાં કામ આગળ વધાર્યું. લવ જેહાદને લઈને ૨૦૧૭-’૧૮માં સભાઓ શરૂ કરી હતી.’

દેશનાં કેટલાંક રાજ્યોને છોડીને મોટા ભાગના ભારતમાં પ્રવાસ કરીને સભાઓ કરતાં કાજલ હિન્દુસ્થાની કેટલો સમય પ્રવાસમાં હોય છે અને કેટલી સભાઓ કરતાં હોય છે એ મુદ્દે તેઓ કહે છે, ‘મહિનામાં લગભગ પચીસેક દિવસ પ્રવાસ કરું છું. કેરલા, તામિલનાડુ અને પંજાબ સહિત ભારતનાં ચાર-પાંચ રાજ્ય છોડીને બધાં રાજ્યોમાં મેં પ્રવાસ કર્યો છે. વર્ષમાં નાની-મોટી મળીને ૬૦૦થી ૭૦૦ સભાઓ થતી હશે. અમે‌રિકા પણ હું ગઈ છું અને ત્યાં પણ સભા કરી છે.’

જો તમે કાજલ હિન્દુસ્થાનીની સભામાં તેમને સાંભળ્યાં હશે તો તેમની વાણીનો પ્રભાવ તમે જોયો હશે કે તેઓ કેવી રીતે બિન્દાસ બોલે છે. આપણને સ્વાભાવિક રીત એમ થાય કે આ મહિલા આમ જાહેરમાં બેધડક રીતે બોલે છે તો તેમને ડર નહીં લાગતો હોય? તેમની સામે ફરિયાદો પણ થઈ હશેને? એ મુદ્દે કાજલ હિન્દુસ્થાની કહે છે, ‘ડર તો હવે શું છે કે આપણે મહાદેવનાં સંતાનો કહેવાઈએ. તેમણે જન્મ આપ્યો છે. આત્મા પાછો પોતાની પાસે બોલાવશે તો એના બનાવેલા મનુષ્યથી શેનો ડર? હું હિન્દુ હ્યુમન રાઇટની વાત કરું છું. હવે એ કોઈકને તો હેટ સ્પીચ લાગેને. કેમ કે તેમનો એજન્ડા જ પૂરો થઈ જશે. એક પ્રૉપગૅન્ડા ઊભો થયો, કેમ કે તેમને ખબર છે કે એક લૉબી છે આપણા દેશમાં. તેમને ખબર છે કે કાજલબહેન બોલે ત્યારે મહિલા સમાજ બહુ પ્રભાવિત થાય છે અને એનો પ્રતિસાદ દેખાવા માંડ્યો છે. લવ જેહાદ થાય છે એ વિષયમાં હું કામ કરું છું. આ વિષયે હું પબ્લિક સામે જનજાગરણની વાત કરું છું તો એમાં અમુક લોકોને પેટમાં દુખે છે કે અમારા લવ જેહાદ, લૅન્ડ જેહાદ અને ધર્માંતરણના એજન્ડામાં વચ્ચે આવે છે એટલે આનું હવે આપણે કંઈક કરવું પડશે. તેના પર કેસ કરો, તેને ધમકાવો, તેના પરરિવારજનોને ધમકાવો એવું બધું કરીને મને રોકવાની કોશિશ કરે છે; પણ હું કહું છું કે હું કોઈથી ડરતી જ નથી, કેમ કે મારી સાથે શિવશક્તિના હાજરાહજૂર આશીર્વાદ છે અને એ મારી જોડે જ છે. મારી વિરુદ્ધ લગભગ અડધો ડઝન ફરિયાદ નોંધાઈ હશે. મારા કયા શબ્દથી પ્રૉબ્લેમ છે એ તો કહો? હું કાંઈ ISIના આતંકવાદીઓ સાથે જોડાયેલી છું? હું કોઈ તાલિબાની સંગઠનથી જોડાયેલી છું? નહીંને? હું નાની સામાજિક કાર્યકર છું.’

પોતાના ભાષણથી જાણીતાં થયેલાં કાજલ હિન્દુસ્થાની પર સ્વાભાવિક રીતે ખતરો રહેતો હોય ત્યારે તેમણે પણ સિક્યૉરિટી રાખવી પડતી હશે એ મુદ્દે વાત કરતાં તેઓ કહે છે, ‘હું જ્યાં પણ કાર્યક્રમમાં જાઉં ત્યાં બે ગન-ગાર્ડ હોય છે. ૩૦થી ૪૦ કાર્યકરો હોય છે. લોકલ પોલીસ રહે છે. હું ગન-ગાર્ડ વગર કે સિક્યૉરિટી વગર ક્યાંય નીકળી શકતી નથી. મને યાદ નથી કે છેલ્લે હું મારા પરિવાર સાથે પબ્લિક પ્લેસમાં ક્યારે ગઈ હતી. બાળકોની કોઈ ફિલ્મ આવી હોય એ બતાવવા માટે હું મારા દીકરાને લઈ ગઈ હોઉં એ યાદ નથી. હું જેકાંઈ કરું છું એ નિઃસ્વાર્થ ભાવે કરું છું. મેં આજ સુધી એક રૂપિયાનું દાન નથી સ્વીકાર્યું એટલે હું બિન્દાસ બોલું છું.’

એક મહિલા તરીકે જોખમ ખેડીને કામ કરનાર કાજલ હિન્દુસ્થાની શક્તિની વાત કરતાં કહે છે, ‘હું મહાદેવના ભરોસે નીકળી પડું છું. તે બચાવે છે, મારી માતાજી મને બચાવે છે. મોત તો બધાને આવવાનું છે. અજરામર થઈને કોઈ નથી આવ્યું, પણ આપણે ડિસાઇડ કરવું પડશે કે આપણે જન્મ લીધો છે અને મરી જઈશું કે પછી આપણે સમાજને કંઈક અર્પણ કરીશું? હું માનું છું કે ભગવાને આપણને જન્મ આપ્યો છે તો એ સાર્થક કરવો છે. ઉપર જઈને મારે માતાજીને જવાબ આપવો પડશે. માતાજી મને કહેશે કે મેં તને શક્તિ આપી તો તેં કેમ મહિષાસુરોનો નાશ નથી કર્યો? સરસ્વતીમાતા કહેશે કે મેં તને બુદ્ધિ આપી છે તો એનો ઉપયોગ કેમ ન કર્યો? અને લક્ષ્મીમાતા કહેશે કે મેં તને સારા પરિવારમાં જન્મ આપ્યો, તને કોઈ દિવસ કમી ન રહે તો તું કેમ સમાજને કામ ન આવી? મારા પર ત્રણ માતાજીની કૃપા છે તો મારું જીવન તેમને અને સમાજને કેમ અર્પણ ન કરું?’

મોટા ભાગે પ્રવાસમાં રહેતાં કાજલ હિન્દુસ્થાની પોતાની જાતને, પોતાના મનને કેવી રીતે શાંત  રાખે છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘હું ટ્રાવેલ કરું છું, પરંતુ થાક નથી લાગતો એનું કારણ એ છે કે હું રોજ મેડિટેશન અને સાધના કરું છું અને એનાથી મને સ્ટ્રેંગ્થ મળે છે. દરેક વ્યક્તિએ દિવસમાં થોડો સમય કાઢીને સાધના કરવી જોઈએ, યોગ કરવા જોઈએ. મેડિટેશન જ મારી શક્તિ છે.’

કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દા પર સજાગ કરતાં કાજલ હિન્દુસ્થાની તેમને સંદેશો આપતાં કહે છે, ‘અધર્મ જ્યારે વધ્યો છે ત્યારે ધર્મની સ્થાપનાની નિમિત્ત નારીશક્તિ રહી છે. મહિલા કમજોર નથી. મહિલામાં બહુ શક્તિ છે એટલે એની પાછળ શક્તિ શબ્દ લાગે છે. ભારતની હિન્દુ મહિલાઓ જાગ્રત થઈ જશે અને ભારતની એક કરોડ હિન્દુ મહિલાઓ જે દિવસે એકસાથે એકઅવાજે સડક પર ઊતરશે ત્યારે ૨૪ કલાકમાં ‘લવ જેહાદ મુક્ત ભારત’ મળશે. આ ભૂમિ જ શક્તિઓની છે. જે ભૂમિ પર બાવન શક્તિપીઠ હોય એ ભૂમિ પર મહિલાઓને કેમ કોઈ હેરાન કરી જાય. આપણી મહિલાઓ જ્યાં સુધી ધર્મને પ્રૉપર રીતે નહીં સમજે, આપણો ધાર્મિક ઇતિહાસ નહીં સમજે, આપણા વેદ-પુરાણને નહીં સમજે, માતાજીને અને શિવજીને નહીં સમજે ત્યાં સુધી કમજોર રહેશે. જે દિવસે મહિલાઓ આ બધું સમજી જશે એ દિવસે મહિલા પોતાની તો શું આખા દેશની સુરક્ષા કરી શકશે.’

બિઝનેસ-વુમન કાજલ હિન્દુસ્થાની   
ગુજરાતના જામનગરમાં રહેતાં કાજલ હિન્દુસ્થાની કહે છે, ‘મારો ફાઇનૅન્શિયલ સર્વિસિસનો બિઝનેસ છે. મારા પતિ પણ બિઝનેસમૅન છે. અમને બે દીકરા અને એક દીકરી છે. અમે મૂળ રાજસ્થાનનાં છીએ. મારા પિયરપક્ષનાં રાજસ્થાની છે અને મારાં લગ્ન ગુજરાતી સાથે થયાં છે. અમારાં અરેન્જ‍્ડ મૅરેજ છે. અમારું ગામ સિરોહી ગુજરાત અને રાજસ્થાનની બૉર્ડર પર છે અને મારા પિયરપક્ષમાં પહેલેથી જ ગુજરાતી રહેણીકરણી અને કલ્ચર હતાં.’

columnists jain community rajasthan national news india