કોરોના કેર : જો બેદરકાર રહ્યા તો લખી રાખજો કે હેરાન થવાના દિવસો આવશે જ આવશે

08 January, 2023 07:07 AM IST  |  Mumbai | Manoj Joshi

ઇન્ડિયન મેડિકલ અસોસિએશન કહે છે કે આપણે હર્ડ ઇમ્યુનિટીમાં હવે જબરદસ્ત આગળ નીકળી ગયા છીએ

પ્રતીકાત્મક તસવીર

બે દિવસ પહેલાં જ સમાચાર આવ્યા, ઑફિશ્યલી એવું અનાઉન્સ થયું કે વાયુવેગે સ્પ્રેડ થતા કોરોના વાઇરસના નવા વેરિઅન્ટના કેસ દેશમાં અઢળક મોઢે દેખાવાનું શરૂ થઈ ગયું છે. આ વાત જરા પણ બેદરકારીથી લેવાની જરૂર નથી, કારણ કે આપણી આજની બેદરકારી આવતી કાલની ચિંતા અને પરમ દિવસની મહામારી બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે. જો આપણે ધ્યાન નહીં રાખીએ, જો આપણે આજે દરકાર નહીં કરીએ અને જો આપણે આજે સાવચેત નહીં રહીએ તો લખી રાખજો મારા શબ્દો, જાન્યુઆરીના અંત ભાગ સુધી દેશઆખો હેરાનગતિના રસ્તે હશે.

કબૂલ, ઇન્ડિયન મેડિકલ અસોસિએશન કહે છે કે આપણે હર્ડ ઇમ્યુનિટીમાં હવે જબરદસ્ત આગળ નીકળી ગયા છીએ. એ પણ કબૂલ કે આપણે પૂરેપૂરી રીતે અત્યારે મેડિકલ સેક્ટરમાં સક્ષમ થઈ ગયા છીએ, પણ ધારો કે મહામારીએ પોતાના બન્ને હાથ ફેલાવ્યા તો શું કરવાનું? કોરોનાનું જનક એવું ચાઇના અત્યારે જે રીતે હેરાન થાય છે એની કલ્પના સુધ્ધાં નથી થઈ શકતી. ચાઇના જ નહીં, દુનિયાના અન્ય દેશો પણ ફરી એક વાર કોરોનાની હડફેટે ચડવા માંડ્યા છે. ‘દિન દુગના, રાત ચૌગુના’ની ઝડપે કોરોનાના કેસ ફરીથી વધતા દેખાવા લાગ્યા છે. આવા સમયે તમારી બેદરકારી સૌને હેરાન કરી શકે છે જેની ઇમ્યુનિટીમાં હજી ડેવલપમેન્ટ નથી આવ્યું. લાંબી બીમારી ભોગવનાર કે નાનાં  બાળકોને તમે ઇગ્નોર ન કરી શકો. વડીલો લાઇફ-ઇશ્યુઝ ધરાવતા પ્રૉબ્લેમથી પીડિત છે તો બાળકો સુધી હજી વૅક્સિન નથી પહોંચી.

ઍગ્રી, દેશની ૯૦ ટકાથી વધારે પ્રજાને વૅક્સિનના બે ડોઝ મળી ગયા છે અને એ વાત સાથે પણ સહમત કે ૩૦ ટકાથી વધારે લોકોને બૂસ્ટર ડોઝ પણ મળી ગયો છે, પણ સાહેબ, વૅક્સિન એ કોરોનાનો ઇલાજ નથી જ નથી અને કોરોનાની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી એ જરા પણ ભૂલવું ન જોઈએ. કેવી રીતે ભૂલી શકાય કે બાળકો સુધી પણ વૅક્સિન હજી સુધી પહોંચી નથી. આવા સમયે જે બાળકો હજી તો પોલિયોની અને ટિટનસની વૅક્સિન લઈ રહ્યાં છે એ બાળકોની અવસ્થા અને પરિસ્થિતિ તમે વિચારો અને એ વિચારીને તમે એ વિચારો કે કઈ ચીવટ રાખવાથી એ બાળકોને કોરોનાનું આ નવું વેરિઅન્ટ આંબે નહીં.

એક જ રસ્તો છે એ બચ્ચાંઓને અને એ વડીલોને કોરોનાથી દૂર રાખવાનો, સાવચેતી. સાવચેતી સિવાય એક પણ રસ્તો એવો નથી જે આ બન્ને પ્રકારના તમારા સ્વજનોને કોરોનાથી દૂર રાખી શકે. કોરોના આ વખતે કફના ફૉર્મમાં જ જોવા મળશે એવું પણ પુષ્કળ કહેવામાં આવી રહ્યું છે, પણ આ કફ જ્યારે છાતીમાં ઘર કરે છે ત્યારે કેવાં-કેવાં વાહિયાત પરિણામ દેખાડે છે એનું વર્ણન કરવાની આવશ્યકતા મને અત્યારે અહીં દેખાતી નથી અને એ જ કારણે કહેવાનું કે જો મને વર્ણન કરવું ઉચિત ન લાગતું હોય તો તમને તમારી જાત ખુલ્લી રાખીને ફરવું-રખડવું કેવી રીતે ગમી શકે?

હું તો કહીશ કે આ પગલું એ જ લે, જેને પોતાના વડીલોથી માંડીને પોતાનાં બાળકો માટે પ્રેમ ન હોય. જો તમને પ્રેમ હોય, જો તમને તમારા પરિવારના બાળક માટે, વડીલો માટે એટલી જ લાગણી હોય તો પ્લીઝ ચીવટ અને સાવચેતી રાખવાનું આજથી જ શરૂ કરી દેજો. થોડો સમય, પછી તમતમારે ફરજો નિરાંતે.

columnists manoj joshi