આપણી પારંપરિક જ્ઞાનપદ્ધતિ છે એટલા જ ખાતર એને નકારી કાઢવાની?

24 January, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગર્ભાવસ્થા દરમિયાન મા અને બાળકનાં આરોગ્ય, એ અવસ્થામાં દાખવાતી બેકાળજીનાં પરિણામો અને ‘ગર્ભસંસ્કાર’ના કેટલાક નિયમો  ઇત્યાદિ વિશે વાર્તાલાપમાં જાણકારી અપાશે.

પ્રતીકાત્મક તસવીર

ગયા ગુરુવારે મુંબઈની નામાંકિત શિક્ષણસંસ્થા IIT મુંબઈના કૅમ્પસમાં ગર્ભવિજ્ઞાન વિષય પર એક વાર્તાલાપ યોજાવાનો હતો. જેમાં ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા ‘સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ’ના એક આયુર્વેદિક નિષ્ણાત સારી, સ્વસ્થ સંતતિ પેદા કરવા માટેના નિયમો સમજાવવાના હતા. આ વિશેના મેઇલમાં જણાવાયું હતું કે વાર્તાલાપમાં ગર્ભસ્થ બાળકની બાહ્ય તેમ જ આંતરિક લાક્ષણિકતા પર અસર કરતાં પરિબળો, ગર્ભાવસ્થા દરમિયાન મા અને બાળકનાં આરોગ્ય, એ અવસ્થામાં દાખવાતી બેકાળજીનાં પરિણામો અને ‘ગર્ભસંસ્કાર’ના કેટલાક નિયમો  ઇત્યાદિ વિશે વાર્તાલાપમાં જાણકારી અપાશે.

આ ઈ-મેઇલ વાંચીને કેટલાક વિદ્યાર્થીઓને હાડોહાડ લાગી આવ્યું કે IIT જેવી વિજ્ઞાન આધારિત ઉચ્ચ એન્જિનિયરિંગ શિક્ષણસંસ્થામાં આવા સ્યુડોસાયન્સને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો ન યોજવા જોઈએ. અને પછી તો અખબારો અને સોશ્યલ મીડિયા - બધેય  એ સૂચિત વાર્તાલાપ વિશે જાગેલા વિવાદના અહેવાલો ધડાધડ છપાવા લાગ્યા. પરંતુ કાર્યક્રમનો એક પણ અહેવાલ નજરે નથી ચડ્યો!

મિત્રો, તમે શું માનો છો? વાર્તાલાપનો વિષય ભવિષ્યમાં પેરન્ટ્સ બનવા માગતા હોય એવા યુવાઓ માટે ઉપયોગી થઈ શકે એવો છેને? તો આની સામે વિરોધ શા માટે? અને જે વિજ્ઞાનનો હવાલો આપીને આ પારંપરિક જ્ઞાનનો વિરોધ કરાય છે એ પણ ખૂંચ્યું. કેમ કે વિજ્ઞાન તો જાણવા, ચકાસવા અને તરાશવાનું હિમાયતી. તો અહીં જાણવાનો જ વિરોધ શા માટે? એ આપણી પારંપરિક  જ્ઞાનપદ્ધતિ છે એટલા જ ખાતર એને નકારી કાઢવાની? આધુનિક વિજ્ઞાનની જેમ અભ્યાસ, તપાસ અને પ્રયોગોની સરાણે ચડાવી એની વૈજ્ઞાનિક ઢબે તપાસ કે ચકાસણી કરી જ શકાયને! 
આ વિશે અમેરિકામાં વર્ષો સુધી ઍલોપૅથિક પદ્ધતિનાં તબીબી સંશોધનમાં સક્રિય રહેલાં  અને  આયુર્વેદના  અભ્યાસી  એવા એક ગોલ્ડમેડલિસ્ટ ડૉક્ટર-સંશોધક સાથે વાત થઈ ત્યારે તેમણે અમેરિકાના કૅન્સસ  રાજ્યના ટોપેકા શહેરના ડૉક્ટર દંપતી એલ્મર અને એલિસ ગ્રીનની વાત કરી. સાઇકિએટ્રિક એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ક્ષેત્રમાં કામ કરતા મેનિન્જર રિસર્ચ ફાઉન્ડેશનના એ બન્ને દૃષ્ટિવંત સંશોધકોએ એક ભારતીય યોગીના જીવતેજીવ પોતાનું હૃદય બંધ કરવાના અને શરીરના તાપમાનને સ્વેચ્છાએ નિયંત્રિત કરવાના અખતરા પોતાની પ્રયોગશાળામાં કરાવ્યા હતા. એને યંત્ર પર વૈજ્ઞાનિક પદ્ધતિએ નોંધ્યા હતા. એનો અભ્યાસ કરી આધુનિક વિજ્ઞાન અને પારંપરિક જ્ઞાનનો સુમેળ સાધી તેમણે માનવીય ચેતનાની ક્ષમતા વિશે ઇનોવેટિવ સંશોધનો કર્યાં હતાં. કાશ, ભારતીય તજજ્ઞો, વ્યવસાયીઓ અને વિદ્યાર્થીઓ પણ આવી મોકળાશ કેળવી શકે!

- તરુ મેઘાણી કજારિયા

(પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે)

columnists gujarati mid-day exclusive iit bombay