તમે ‘રેસ્ટ ઍન્ડ રિપેર’ માટે કેટલો સમય ફાળવો છો?

14 April, 2024 01:07 PM IST  |  Mumbai | Dr. Nimit Oza

આગળ વધવાની મથામણમાં સૌથી મહત્ત્વનું અને જરૂરી કામ મરમ્મતનું છે, રિપેર અને રીસ્ટોરેશનનું છે, જાતના સમારકામનું છે. રોજનું નિર્ધારિત લક્ષ્ય હાંસલ કર્યા પછી ગાળેલી નવરાશની પળોમાં નવપલ્લવિત થવાનું છે અને એ જ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છીએ

પ્રતીકાત્મક તસવીર

ઇતિહાસમાં બની ગયેલો એક બહુ જ જાણીતો પ્રસંગ છે. જે વિસ્તારમાં આજ સુધી કોઈ મનુષ્ય પહોંચી નહોતો શક્યો એવા દક્ષિણ ધ્રુવના હિમાચ્છાદિત, વણખેડાયેલા અને જોખમી ઍન્ટાર્કટિકા પ્રદેશમાં સફર ખેડવા માટે બે અલગ-અલગ રાષ્ટ્રમાંથી બે અલગ-અલગ ટુકડીઓ નીકળી. એક ટુકડી ગ્રેટ બ્રિટનમાંથી રૉબર્ટ સ્કૉટના નેતૃત્વ હેઠળ નીકળી અને બીજી રોઆલ્ડ એમન્ડસનના નેતૃત્વ હેઠળ નૉર્વેથી. દક્ષિણ ધ્રુવની ભયાનક અને જોખમી સફર ખેડવા ૧૯૧૧માં નીકળેલી આ બન્ને ટુકડીઓનું એક જ ધ્યેય હતુંઃ જે જગ્યા પર આજ સુધી કોઈ નથી પહોંચી શક્યું ત્યાં પહોંચીને પોતાનો રાષ્ટ્રધ્વજ લહેરાવવો. અલગ-અલગ સ્થળેથી નીકળેલી આ બન્ને સાહસિક ટુકડીઓ જે ઠંડા પ્રદેશમાં ખેડાણ કરવાની હતી એ સમગ્ર વિસ્તાર બરફથી છવાયેલો હતો. એ પ્રદેશમાં ચાલવાનું શક્ય ન હોવાથી બન્ને ટુકડીઓ સ્કીઇંગ કરીને આગળ વધવાની હતી (સ્કીઇંગ એટલે બૂટ સાથે બાંધવામાં આવતી બે લાંબી અને ચપટી લાકડા કે પ્લાસ્ટિકની પટ્ટી, જેના વડે બરફ પર સરકી શકાય. એ પટ્ટીને સ્કીઝ કહેવાય).

બન્ને ટુકડીઓનો ઉદ્દેશ્ય એકસમાન હોવા છતાં ૧૬૦૦ માઇલની લાંબી સફર કાપવા માટેની બન્નેની વ્યૂહરચના તદ્દન અલગ હતી. પહેલી ટુકડીના આગેવાન એટલે કે રૉબર્ટ સ્કૉટ દરરોજ સવારે પોતાના ટેન્ટની બહાર નીકળતા અને એ દિવસના હવામાન પ્રમાણે આગળ વધવાનો નિર્ણય લેતા. એ દિવસે તેમની ટુકડી કેટલું અંતર કાપશે એનો બધો આધાર ઠંડી, પવન, સૂર્યપ્રકાશ જેવાં બાહ્ય પરિબળો પર રહેતો. જે દિવસે આકાશ સ્વચ્છ હોય અને સૂર્યપ્રકાશ નીકળેલો હોય એવા દિવસે સ્કૉટની ટુકડી એકસાથે પ૦ માઇલનું અંતર કાપી લેતી. વાદળછાયું વાતાવરણ હોય કે ઠંડી વધારે હોય એવા દિવસે ફક્ત ૨૦ માઇલનું અંતર જ કાપતી. અને જે દિવસે ખૂબ પવન, અંધારું કે ઠંડી હોય એવા વિપરીત અને પ્રતિકૂળ વાતાવરણમાં સ્કૉટની ટુકડી ટેન્ટમાં જ રહીને આરામ કરતી. સ્કૉટ પોતાની ટીમને કહેતા કે વાતાવરણ અનુકૂળ ન થાય ત્યાં સુધી રાહ જુઓ અને આરામ કરી લો.

બીજી બાજુ એમન્ડસનની સ્ટ્રૅટેજી તદ્દન અલગ હતી. તેમણે પોતાની ટુકડી માટે એક નિયમ બનાવેલો. હવામાન ગમેતેવું હોય, દરરોજ ૨૦ માઇલનું અંતર ફરજિયાતપણે કાપવાનું. ઠંડી, પવન, હિમવર્ષા કે સૂર્યપ્રકાશ, બહારનું વાતાવરણ જેવું હોય એવું પણ ૨૦ માઇલનું અંતર કપાવું જોઈએ એ તેમણે સેટ કરેલું દરરોજનું લક્ષ્ય હતું. હવે બનતું એવું કે હવામાન જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે એમન્ડસનની ટુકડીને ૨૦ માઇલ કાપતાં નાકે દમ આવી જતો. ખૂબ મુશ્કેલી પડતી. ક્યારેક તો ફક્ત ૨૦ માઇલ કાપવામાં આખો દિવસ નીકળી જતો, પણ એની સામે જ્યારે હવામાન અનુકૂળ હોય એ દિવસે એમન્ડસનની ટુકડી ફક્ત બપોર સુધીમાં ૨૦ માઇલ કાપી નાખતી. એવા દિવસે ટુકડીના સભ્યો એમન્ડસનને વિનંતી કરતા કે આજની કન્ડિશન્સ ફેવરેબલ છે તો આજે થોડું વધારે અંતર કાપી લઈએ. સ્વચ્છ હવામાનનો ફાયદો ઉઠાવીને થોડા વધારે આગળ નીકળી જઈએ જેથી આ હરીફાઈ જીતી શકીએ. એના જવાબમાં સ્પષ્ટ ના પાડીને એમન્ડસન કહેતા, ‘આજનું લક્ષ્ય પૂરું થયું. તમે તમારા ૨૦ માઇલ પૂરા કર્યા. હવે આરામ કરો. Rest and repair your skis.’

એ ઐતિહાસિક અને સાહસિક હરીફાઈનું પરિણામ શું આવેલું એ જાણો છો? ફિનિશિંગ લાઇન પહોંચવામાં થોડા જ માઇલ્સ બાકી હતા ત્યારે સ્કૉટની ટુકડીના તમામ સભ્યો મૃત્યુ પામ્યા. રૉબર્ટ સ્કૉટે પણ પોતાનો જીવ ગુમાવ્યો અને એમન્ડસનની ટીમ ઍન્ટાર્કટિકામાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને સહીસલામત પાછી ફરી.

ઇતિહાસમાં બની ગયેલી આ સત્યઘટનાને ‘20 Mile March’ કહેવાય છે. આ ઘટનાનો ઉલ્લેખ કરીને લેખક જિમ કૉલિન્સ પોતાના પુસ્તક ‘Good to Great’માં લખે છે કે સતત પ્રગતિ કરતા રહેવા માટે શિસ્ત અને સંયમ બન્ને જરૂરી છે. સંજોગો પ્રતિકૂળ હોય ત્યારે જાતને ધક્કો મારી પરાણે આગળ ધપાવવાની શિસ્ત અને અનુકૂળ હોય ત્યારે નિર્ધારિત લક્ષ્ય પૂરું કરીને અટકી આ બન્નેનું કૉમ્બિનેશન એટલે આખીયે ઘટનામાં જે શીખ ઊડીને આંખે વળગે એવી હતી એ આ છે, Rest and repair your skis. આગળ વધવાની મથામણમાં સૌથી મહત્ત્વનું અને જરૂરી કામ મરમ્મતનું છે. રિપેર અને રીસ્ટોરેશનનું છે. જાતના સમારકામનું છે. રોજનું નિર્ધારિત લક્ષ્ય હાંસલ કર્યા પછી ગાળેલી નવરાશની પળોમાં નવપલ્લવિત થવાનું છે.

અબ્રાહમ લિંકનનું એક પ્રખ્યાત વિધાન છે, ‘જો કોઈ વૃક્ષ કાપવા માટે મારી પાસે આઠ કલાક હોય તો એમાંના છ કલાક હું મારી કુહાડીની ધાર કાઢવામાં વિતાવીશ.’ ટૂંકમાં, ઍક્ચ્યુઅલ ટાસ્ક કે કાર્ય પહેલાં એની શારીરિક અને માનસિક તૈયારી મહત્ત્વની છે. એ ઍન્ટાર્કટિકાના બરફ-આચ્છાદિત રસ્તા હોય કે આપણો જીવનપથ, ધીમી અને મક્કમ ગતિ જ આપણને લક્ષ્ય સુધી પહોંચાડે છે; પણ એ માટે દરરોજનો એક વાસ્તવિક અને અચીવેબલ ગોલ સેટ કરવો પડે છે. અને રોજનું એ નિર્ધારિત લક્ષ્ય મેળવી લીધા પછી અટકી જવું જરૂરી છે, કારણ કે થોડા વધારે માઇલ્સ કાપી નાખવાની લાલચ છેવટે Burnout, થાક કે નિષ્ફળતામાં પરિણમે છે.

આપણા શરીર અને મન પર અવિરત લાગતા ઘસારાથી આપણે અજાણ હોઈએ છીએ. જો સમયસર એને ‘રેસ્ટ ઍન્ડ રિપેર’ કરવામાં ન આવે તો અનેકવિધ શારીરિક અને માનસિક બીમારીઓ આપણને ફિનિશિંગ લાઇન પહેલાં જ ધ્વસ્ત કરી શકે છે. ભલે તમે ગમે તેટલી ધીમી ગતિએ આગળ વધતા હો, જો તમે ક્યાંય અટકતા નથી તો નક્કી મંજિલ સુધી પહોંચી જવાના. જીવનના પડકારો વચ્ચે સતત આગળ વધી રહેલા મનને સૌથી વધારે જરૂર વિશ્રામ અને સમારકામની હોય છે. વાતાવરણ અનુકૂળ હોય ત્યારે થોડો સમય કાઢીને જેઓ બળ અને બુદ્ધિને ‘સ્ટ્રૅટેજિક ટાઇમ-આઉટ’ આપી શકે છે, તેઓ ટાર્ગેટ સુધી પહોંચી શકે છે. એ વ્યાવસાયિક હોય કે વ્યક્તિગત, ભૌગોલિક હોય કે શૈક્ષણિક, કોઈ પણ ફિનિશિંગ લાઇન સુધી પહોંચવા માટે જીવતા રહેવું જરૂરી છે. જો કશુંક પામવા માટે આપણે શારીરિક કે માનસિક સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે તો સમજવું કે આ લક્ષ્ય આપણા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

columnists gujarati mid-day health tips