જેનું કોઈ સૉફ્ટવેર જ નથી એ સર્ટિફિકેટ અમારે લાવવું કેવી રીતે?

06 October, 2024 03:38 PM IST  |  Mumbai | Chandrakant Sompura

અયોધ્યાનું રામ મંદિર ધરતીકંપ પ્રતિરોધક છે એ પુરવાર કરવાનું આવ્યું ત્યારે અમારે માટે બહુ મોટું કન્ફ‍્યુઝન ઊભું થયું

રામ મંદિર આઠ રિક્ટર સ્કેલનો ધરતીકંપ પણ સહન કરી શકે છે, પણ એ માપી શકાય એવું કોઈ સૉફ્ટવેર બન્યું નથી એટલે અમારે માટે આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું એ બહુ મૂંઝવણનું કામ હતું.

અયોધ્યાના રામ મંદિરની સર્જનયાત્રા પર તો લાંબું પુસ્તક લખી શકાય. સદીઓથી એ મંદિર માટે લોકો આશા રાખીને બેઠા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સિનિયર-જુનિયર સાથીઓએ તો આખું જીવન આ મંદિરના નિર્માણ માટે આપી દીધું એવું કહેવું સહેજ પણ વધારે નહીં કહેવાય. નેવુંના દસકાથી અમે પણ એ મંદિરના નિર્માણકાર્યમાં લાગ્યા હતા. જોકે પછી કોર્ટકેસને કારણે અમારું કામ અટક્યું, પણ બીજા અનેક મહાનુભાવો તો એ કામમાં લાગેલા જ હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અમારું કામ શરૂ થયું અને એ કામ પણ એ ઝડપ સાથે શરૂ થયું જેની કોઈએ કલ્પના ન કરી હોય.

અયોધ્યાનું રામ મંદિર અમે ડિઝાઇન કર્યું છે અને મોટા ભાગે સામાન્ય લોકો એવું માનતા હોય કે ડિઝાઇન એટલે કાગળ પર મંદિર ચીતરી આપ્યું હોય, પણ એવું નથી. અમે જે મંદિર બનાવીએ છીએ એના બાહ્ય રૂપનો ચિતાર તો ઊભો કરીએ જ છીએ, જેનાથી એ દેખાશે કેવું એનું તારણ નીકળે, પણ એની સાથોસાથ એ મંદિરના આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર ડિઝાઇનર પણ અમે જ હોઈએ છીએ એટલે રામ મંદિરનું કામ આવ્યું ત્યારે અમારે અનેકગણી ફોર્સ સાથે કામે લાગવું પડ્યું. એટલું નક્કી હતું કે કોઈ પણ રીતે ત્રણ વર્ષમાં અમારે મંદિર તૈયાર કરવાનું અને જેને માટે જેટલો પણ મૅન-પાવર વાપરવો હોય એ વાપરવાની છૂટ, પણ ડેડલાઇનમાં કોઈ ફરક આવવો ન જોઈએ. ભગવાન શ્રીરામના આશીર્વાદથી બધાં કામ સરસ રીતે આગળ વધતાં હતાં એવામાં એક કામ એવું આવ્યું જેને કારણે અમે બહુ મોટી વિટંબણામાં ફસાયા.

રામ મંદિર અર્થક્વેક-પ્રૂફ છે એ અમારે સર્ટિફાઇડ કરાવવાનું હતું. આપણે બધા જાણીએ છીએ કે ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપ પછી ઑલમોસ્ટ આખા દેશમાં હવે એવું બની ગયું છે કે ધરતીકંપ પ્રતિરોધક બિલ્ડિંગ જ બનવાં જોઈએ, પણ મંદિરમાં આ પ્રશ્ન આવતો નહોતો એટલે અમે એ પછી જે મંદિરો બનાવ્યાં એમાં આ પ્રકારના સર્ટિફિકેટની કોઈ જરૂરિયાત ઊભી થઈ નહીં, પણ રામ મંદિરના કેસમાં વાત જુદી હતી. વિશ્વનું સૌથી મોટું મંદિર, સદીઓથી જે રામલલાના મંદિરની રાહ જોવાતી હતી એ મંદિર અને સાથોસાથ ઉત્તર પ્રદેશ અને ભારત સરકાર એમ બન્ને સરકારનું પણ આ મંદિર સાથે સીધું ઇન્વૉલ્વમેન્ટ. સહેજ પણ કાચું કપાય એવું તો સ્વીકારી જ ન શકાય, પણ મોટી મૂંઝવણની વાત એ હતી કે પથ્થરથી બનતું મંદિર કેટલા રિક્ટર સ્કેલનો ભૂકંપ સહન કરી શકે એ માટેની કોઈ ટેક્નૉલૉજી હજી સુધી શોધાઈ નથી કે પછી એને માટેનું કોઈ સૉફ્ટવેર આ દુનિયામાં અવેલેબલ નથી!

હા, આ ફૅક્ટ છે, કારણ કે પથ્થરની ઇમારત બને એ વિચાર જ ભારતીય પરંપરાનો છે અને આપણે તો ગણતરમાં માનીએ અને આજ સુધી આપણે જોયું પણ છે કે સિમેન્ટ-કૉન્ક્રીટની મહાકાય ઇમારત ભૂકંપમાં ધ્વંશ થઈ હોય, પણ પથ્થરના મહેલ, મંદિર કે ઇમારતને આઠ-આઠ રિક્ટર સ્કેલના ધરતીકંપ પણ નુકસાન નથી પહોંચાડી શક્યા. આવેલી એ કન્ફ્યુઝનવાળી સિચુએશનમાં અમે શું કર્યું અને એનો રસ્તો કેવી રીતે કાઢ્યો એ વાતો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ સ્થળસંકોચને કારણે એ ચર્ચા આપણે હવે આવતા રવિવાર પર રાખીએ.

columnists ayodhya ram mandir