15 November, 2024 02:40 PM IST | Mumbai | Rajul Bhanushali
વિદ્યા બાલન ડાન્સ કરતાં-કરતાં સ્ટેજ પર પડી ગઈ હતી
‘ભૂલભુલૈયા-3’ના પ્રમોશનની ઇવેન્ટમાં વિદ્યા બાલન ડાન્સ કરતાં-કરતાં સ્ટેજ પર પડી ગઈ, પરંતુ જરાય એમ્બૅરૅસ થયા વગર ચહેરા પર સરસ સ્માઇલ સાથે ડાન્સ કરતાં-કરતાં જ તે ઊભી થઈ ગઈ. આવું કંઈ સેલિબ્રિટીઝ સાથે જ થાય એવું નથી. આપણે પણ ક્યાંક ડિનર કરવા ગયા હોઈએ ને કપડાં પર કશુંક ખાવાનું ઢોળાઈ ગયું હોય, ફૅશનમાં કંઈક ગરબડ થઈ જાય કે પછી જાહેરમાં કંઈક ગરબડ થઈ જાય છે. આજે એવા લોકોને મળીએ જેઓ આવી મોમેન્ટ્સનો સામનો કરી ચૂક્યા છે અને મૂડ બગાડવાને બદલે કૉન્ફિડન્સથી એ મોમેન્ટને સુપેરે સાચવી લેતાં તેમને આવડે છે
સ્ટેજ પર ગરબડ થાય એ વખતે મૂંઝાઈ જઈએ કે એમ્બૅરેસ થઈ જઈએ તો કઈ રીતે ચાલે? : વર્ષા અડાલજા
ગુજરાતી સાહિત્યનાં દિગ્ગજ સાહિત્યકાર વર્ષા અડાલજા રંગભૂમિ સાથે પણ જોડાયેલાં છે. પોતાનો અનુભવ શૅર કરતાં વર્ષાબહેન કહે છે, ‘નાટકમાં ગમેએટલાં રિહર્સલ કરીએ, ક્યારેક એવું થાય કે છેલ્લી ઘડીએ કંઈક ગરબડ થઈ જ જાય. સામે પાંચસો કે સાતસો જેટલા દર્શક બેઠા હોય ત્યારે અચાનક આવી પડતી અવળી ક્ષણો સાચવી લેવી પડે. એક વાર ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નો શો હતો. છેલ્લા સીનમાં એવું હતું કે હેમંતને ગોળી વાગે છે. એ સીન વખતે બૅક સ્ટેજમાંથી બંદૂકના ભડાકાનો અવાજ કરવાનો હતો. થયું એવું કે બંદૂકનો ભડાકો થાય જ નહીં. હું વેઇટ કરી રહી હતી કે ભડાકો થાય ને હું મારા આગળના ડાયલૉગ્સ બોલું. નાટકે જબ્બર પકડ જમાવી હતી. ઑડિયન્સ સ્તબ્ધ હતી. તેજપાલમાં શો હતો. સામે અનેક સેલિબ્રિટીઝ બેઠેલા. એ ક્ષણને સાચવવી અત્યંત જરૂરી હતી. હેમંતના પાત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદી હતા. હું આગળ વધી અને ઉપેન્દ્રને આડી ઊભી રહી. ઑડિયન્સને મારી પીઠ દેખાય એ રીતે. પછી મેં તેને ધક્કો મારીને ઊંધો પાડી દીધો અને તેના શરીર પર પડીને જોર-જોરથી રડવાનો અભિનય કર્યો. સીન એવી રીતે ઊપસાવ્યો કે જાણે હેમંતને કોઈએ છરો મારી દીધો હોય. ઊંધા હોવાને કારણે લોહી દેખાય એ પણ જરૂરી નહોતું. આવી રીતે એ નાટક પૂરું થયું. પૂરું થતાં જ બધા દોડતા આવીને મને ભેટી પડ્યા. એક બહુ મોટો ફિયાસ્કો થતાં-થતાં રહી ગયેલો. આવા સમયે મૂંઝાઈ જઈએ કે એમ્બૅરેસ થઈ જઈએ તો કઈ રીતે ચાલે?’
આવું તો ઘણીબધી વખત થાય એવું કહેતાં વર્ષાબહેન વધુ અનુભવ શૅર કરતાં કહે છે, ‘અમે એક નાટક લઈને નવસારી ગયાં હતાં. ત્યાં લાકડાં ગોઠવીને સ્ટેજ બનાવવામાં આવેલું. મારે દોડતા જઈને પપ્પાની પાછળ પહોંચવાનું હતું અને તેમના ગળામાં હાથ નાખીને ડાયલૉગ બોલવાના હતા. પરંતુ પાટિયાં કદાચ બરાબર ગોઠવાયાં નહોતાં. હું ડગલાં ભરું ને પાટિયું ડગમગવા લાગે. ચૂંચૂંચીચી અવાજ આવવા લાગે. મને એમ લાગ્યું કે જાણે હું અંદર ઊતરી જઈશ. બધા જોતા હતા કે વસુ ઊભી શા માટે છે? ડામાડોળ પાટિયા પરથી ચાલીને ત્યાં સુધી જવાનું અઘરું હતું. હું ત્યાં જ ઊભી રહી ને ડાયલૉગ બદલી નાખ્યો. એ વખતે ચહેરાના હાવભાવ પર પણ નિયંત્રણ રાખવું પડે નહીંતર ઑડિયન્સ ભાંપી લે કે કશીક ગરબડ છે. એક નાટકમાં પપ્પાના વાળ સફેદ કરવાના હતા. મેકઅપ મૅન આવ્યો જ નહીં. પપ્પાએ હાથમાં ટૅલ્કમ પાઉડર લીધો અને વાળમાં લગાવી લીધો. નાટકના એક સીનમાં અમારે પપ્પાના વાળમાં હાથ ફેરવવાનો હતો. મેં જેવો હાથ ફેરવ્યો કે ધુમાડાની જેમ પાવડર ઊડ્યો અને ઓડિયન્સમાં જે હસાહસ થઈ કે પૂછો નહીં. બૅક સીટ પરથી કોઈ બોલ્યું કે વાળમાં હાથ નહીં નાખ. મેં કહ્યું, તું ચૂપ રહે, મને મારા ડાયલૉગ આવડે છે અને ત્યારે માઇક ચાલુ હતું. એ કેવી ક્ષણ હશે વિચારો! પરંતુ આવી નાની-મોટી ગરબડ થાય તો અટક્યા વગર આપણે આપણું કામ ચાલુ રાખવાનું.’
જ્યારે કુરતી કે પાયજામો ઊંધો પહેરીને નીકળી જવાય : ઉષા શાહ
રોજિંદા જીવનમાં પણ ક્યારેક આવી ગરબડ થતી હોય છે. ઉષા શાહ પાર્લા ઈસ્ટમાં રહે છે. તેમની સાથે થોડાક જ દિવસ પહેલાં આવી જ ગરબડ થઈ હતી. ઉષાબહેન કહે છે, ‘મારે મોહનની કચોરી લઈને એક જગ્યાએ પહોંચવાનું હતું. સાથે બીજાં પણ બેત્રણ કામ લીધેલાં. દુકાને હજી પહોંચી ને એક બહેન મારી પાસે આવ્યાં અને મારું ધ્યાન દોર્યું કે તમે કુરતી ઊંધી પહેરી છે. મને બિલકુલ ખયાલ જ નહોતો. પણ હવે શું થઈ શકે? વિચાર્યું કે ઘરે જઈને ડ્રેસ સરખો કરીને પછી બીજાં કામ પતાવું પણ રિક્ષા જલદી મળે નહીં, ઉપરથી આવવા-જવાના એક્સ્ટ્રા પૈસા લાગે તેમ જ સમય કેટલો વેડફાઈ જાય! મેં નક્કી કર્યું કે જેમ છે એમ જ બીજાં કામ પતાવવાં. માર્કેટમાં અન્ય એક બહેને પણ મારું ધ્યાન ખેંચ્યું અને હું સ્માઇલ કરીને આગળ વધી. મેં વર્ષો સુધી ટીચરની જૉબ કરી છે. મને થયું કે કોઈક પેરન્ટ મને આ રીતે ના જોઈ લે. અને એવું થયું પણ! એક વાલી ભટકાઈ ગયા અને તેમણે પણ ઊંધી પહેરેલી કુરતી તરફ ધ્યાન દોર્યું. ત્યાં સુધી હું એકદમ બિન્દાસ થઈ ગઈ હતી. મેં તેમને કહી દીધું કે દર પંદરેક દિવસે એક વખત ઊંધી કુરતી પહેરીને બહાર જવાનું રાખ્યું છે. જે દિવસે ઘણાબધા લોકો જોડે વાત કરવાનું મન થાય એ દિવસે આવું કરું છું. જો મેં કુરતી સીધી જ પહેરી હોત તો તમે મારી પાસે વાત કરવા કદાચ ન ઊભાં રહેત. એ બહેન પણ હસી પડ્યાં. મારે રોજ સવારે યોગ ક્લાસમાં વહેલા જવાનું હોય. ઘણીબધી વખત એવું બન્યું છે કે મેં પાયજામો ઊંધો પહેરી લીધો હોય. શરૂઆતમાં તો બધા મને ટોકતા પણ હવે બધાને ખબર પડી ગઈ છે કે આ બહેનનું આવું જ છે. એટલે હવે કોઈ કહેતું પણ નથી. એક વખત તો પાયજામો પહેરવાનું ભૂલી ગઈ હતી! થયું એવું કે લૉન્ગ ઘેરદાર કુરતી હતી જે મિડી ફ્રૉક જેવી જ લાગે. ટ્યુશન લેતી એ છોકરીના ઘરે પહોંચી ગઈ. છોકરી મને જોયા કરે. પછી જ્યારે ધ્યાન ગયું કે મેં પાયજામો નથી પહેર્યો ત્યારે સમજાયું. કુરતો એટલો લાંબો હતો કે બીજા કોઈને અવળું ન લાગે પણ છોકરીને કદાચ એવું લાગ્યું હશે કે મૅડમ હવે ફ્રૉક પહેરવા લાગ્યાં છે! તેને એ ખબર નહોતી કે મેં જબરી ગરબડ કરી દીધી છે. હું સંકોચાઈ જાઉં કે કંઈક બોલી દઉં તો પછી બધાને ખબર પડી જાય કે આ તો ગરબડ છે. એટલે આપણા રામ વટથી ટ્યુશન લેતાં રહ્યાં. ભલેને મૅડમને લોકો ફૅશનેબલ સમજતા!’
નાટક ચાલતું હતું ને સહકલાકાર સ્ટેજ પર ઊંઘી ગયો : પ્રીતિ જરીવાલા
પાર્લામાં રહેતાં ડૉક્ટર પ્રીતિ જરીવાલા પણ આવી જ કશીક વાત કહે છે. પ્રીતિબહેને અનેક નાટકોમાં કામ કર્યું છે. તેઓ કહે છે, ‘એ વખતે હું ચોથા કે પાંચમા ધોરણમાં હતી. ‘અડધિયો રાક્ષસ અને શહેજાદી’ નાટક હતું. ત્રીજા અંકમાં સીન હતો કે અડધિયા રાક્ષસ અને શહેજાદીને જાદુગર જાદુઈ નગરીમાં લઈ જાય છે. સ્ટેજ પર અંધારું હતું. લાઇટ ઑન થાય એટલે અમારા ડાયલૉગ્સ હતા. લાઇટ ઑન થઈ પરંતુ અડધિયા રાક્ષસનું પાત્ર ભજવતો છોકરો સ્ટેજ પર આવ્યો જ નહોતો! ડાયલૉગ બન્નેના હતા. હું એકલી શું કરું? એ વખતે પણ મને ખબર હતી કે સ્ટેજ છોડીને જતા ન રહેવાય. મેં આવડ્યા એવા ડાયલૉગ બોલ્યા. આ શું થયું? અડધિયો ક્યાંય દેખાતો નથી, હવે શું થશે? અગડમ બગડમ બેત્રણ મિનિટ ચલાવ્યું. પેલો છોકરો બૅક સ્ટેજમાં ઘસઘસાટ ઊંઘી ગયેલો તેને શોધી સ્ટેજ પર મોકલ્યો. એ સ્ટેજ પર આવીને ફરી ઊંઘી ગયો. આવી રીતે એ સીન થયો. મેં આવડ્યા એવા ડાયલૉગ બનાવીને બોલ્યા. ઑડિયન્સને ખબર પણ ન પડી. મૂંઝાયા વગર જેવું આવડ્યુ એવું ચલાવે રાખ્યું એટલે શો સચવાઈ ગયો.’
મારા સન્માન માટે પહેરાવેલો સાફો જ્યારે પડી ગયો : અમિત ધામેલિયા
કાંદિવલીમાં રહેતા અમિત ધામેલિયા સંચાલક છે અને અનેક પ્રકારના કાર્યક્રમનું સંચાલન કરતા હોય છે. ક્યારેક એવું થાય કે કાર્યક્રમમાં કંઈ પ્રૉબ્લેમ થાય તો સંચાલક સાચવી લે પણ સંચાલક સાથે કંઈ ગરબડ થાય તો? વાતનું અનુસંધાન સાંધતાં અમિતભાઈ કહે છે, ‘ચાલુ કાર્યક્રમમાં કંઈક બને તો એ સાચવી લેવું પડે છે. એક વાર થયું એવું કે એક સામાજિક કાર્યક્રમ હતો. હૉલમાં ૧૫૦૦થી ૨૦૦૦ લોકો હાજર હતા. એમાં મોભીઓની સાથે મને પણ પાઘડી પહેરાવવામાં આવી. મોટી સ્ક્રીન પર સ્ટેજ પર જે થઈ રહ્યું હતું એ લાઇવ બતાવી રહ્યા હતા. થયું એવું કે આ દોડાદોડીમાં મારો સાફો પડ્યો અને એ પણ સીધો માઇક પર, અને જોરદાર અવાજ આવ્યો. બીજી જ ઘડીએ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. સાફો નીકળી ગયો એટલે મારા વાળ અસ્તવ્યસ્ત થઈ ગયા અને સાથે-સાથે મૂડ પણ. પરંતુ લાઇવ કાર્યક્રમમાં સાચવી લેવું જરૂરી હતું. મેં કહ્યું કે આ સાફો મારા માથે ફૅવિકોલથી ચીટકાવ્યો હોત તોય પડી જાત. જે મોભીઓ વર્ષના ૩૬૫ દિવસ સમાજ માટે કામ કરે છે તેમના માટે આ સાફો છે. હું બે કલાક માટે આવ્યો તો મને પણ પહેરાવી દીધો, એટલે મને ન જ સ્વીકારેને. મોભીઓના માથે જુઓ કેવો સમૃદ્ધ રીતે ટક્યો છે. આમ બોલતાંની સાથે જ તાળીઓનો ગડગડાટ થઈ ગયો અને મારો અસ્તવ્યસ્ત મૂડ ક્ષણમાં જ પાછો પર્ફેક્ટ થઈ ગયો. એ મારી લાઇફની બેસ્ટ મોમેન્ટ છે.’