12 March, 2023 12:18 PM IST | Mumbai | Raj Goswami
તામિલનાડુમાં ફેક ન્યુઝનું તાંડવ : પિક્ચર અભી બાકી હૈ
શરૂઆતમાં બંને રાજ્યોનાં તંત્રોને સમજ જ ન પડી કે શું થઈ રહ્યું છે? જોકે સોશ્યલ મીડિયા પર કાર્યરત ફૅક્ટ-ચેકર્સના સમયોચિત અને અથાગ પ્રયાસોથી હુમલાના બધા આવા દાવા ખોટા સાબિત થતા ગયા
ભારતમાં ફેક ન્યુઝનું દૂષણ કેટલી હદે ખતરનાક સ્તરે પહોંચી ગયું છે એનો પરચો ગયા અઠવાડિયે જોવા મળ્યો. સાથે એની પણ સાબિતી મળી કે સરકાર અને પોલીસ ધારે તો કેવી રીતે એ જોખમમાંથી હવા કાઢી શકે છે. મામલો તામિલનાડુ અને બિહારનો હતો.
પહેલી માર્ચે તામિલનાડુના પાટનગર ચેન્નઈમાં દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (ડીએમકે) સરકારના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિનનો જન્મદિવસ હતો. એમાં રાષ્ટ્રીય કક્ષાના અનેક વરિષ્ઠ વિપક્ષી નેતાઓ સામેલ થયા હતા. આ પાર્ટીઓ હંમેશાં રાજકીય સૂચિતાર્થવાળી હોય છે. સ્ટૅલિનનો જલસો પણ બાકાત નહોતો. એક રીતે એ વિપક્ષોને એક મંચ પર ભેગા થવાનો અવસર બની ગયો.
બીજા દિવસે ચેન્નઈ અને દિલ્હીનાં રાજકીય વર્તુળોમાં સ્ટૅલિનનો જન્મદિવસ વિપક્ષોની એકતાનો જન્મદિવસ હોવાની ચર્ચા શરૂ થઈ. એના કલાકોમાં જ સોશ્યલ મીડિયા પર એક સમાચાર વહેતા થયા કે બિહારના મજૂરો પર તામિલનાડુમાં હુમલા શરૂ થયા છે. હુમલાનું કારણ શું? તો એના જવાબમાં ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા પ્રશાંતકુમાર ઉમરાવની એક ટ્વીટ હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે ‘બિહારના ૧૫ લોકોને હિન્દી બોલવા બદલ તામિલનાડુમાં એક રૂમમાં લટકાવી દેવામાં આવ્યા છે. એમાંથી ૧૨નાં દુ:ખદ મોત થયાં છે અને (બિહારના નાયબ મુખ્ય પ્રધાન) તેજસ્વી યાદવ બેશરમ થઈને તામિલનાડુમાં સ્ટૅલિન સાથે બર્થ-ડે ઊજવે છે.’
પાછળથી તામિલનાડુ પોલીસે ઉમરાવની ધરપકડ કરી ત્યારે તેણે દિલ્હી હાઈ કોર્ટ પાસે જામીનની માગણી કરતી અરજીમાં એકરાર કર્યો હતો કે તે પોતે ફેક ન્યુઝનો ભોગ બન્યો છે. અગ્રણી સમાચાર એજન્સીઓ તેમ જ જાણીતા લોકોએ આ સમાચાર કવર કર્યા હતા એ જોયા પછી તેણે લોકોને જાગૃત કરવા આ સમાચાર પ્રકાશિત કર્યા હતા.
ઉમરાવે પાછળથી તેની ટ્વીટ ડિલીટ કરી નાખી હતી. ગોવા સરકાર વતીથી સુપ્રીમ કોર્ટમાં સ્ટૅન્ડિંગ વકીલનું પણ કામ કરતા ઉમરાવે જામીનઅરજીમાં એ પણ એકરાર કર્યો હતો કે ફૅક્ટ-ચેકર્સ તરફથી એ પુરવાર થયું હતું કે તામિલનાડુમાં હિંસાના કથિત વિડિયો બીજી જ જગ્યાના અને બીજી જ ઘટનાના હતા. તેણે કહ્યું હતું કે બિહારી મજૂરોને મારીને લટકાવી દેવામાં આવ્યા છે એ સમાચાર ફેક હતા.
આ કબૂલાત તો છેક સાતમી તારીખે દિલ્હી હાઈ કોર્ટમાં આવી. એ પહેલાં સોશ્યલ મીડિયા પર, હિન્દી ન્યુઝ-ચૅનલો અને સમાચાર માધ્યમો પર ધડાધડ ફોટો, વિડિયો અને સમાચારો વાઇરલ થયા હતા કે તામિલનાડુમાં બિહારીઓ પર હુમલા શરૂ થયા છે. સ્થિતિ કેટલી ગંભીર હતી એનો પુરાવો એ છે કે તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્ટૅલિન અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ફોન પર એકબીજા સાથે વાત કરવી પડી, બંને રાજ્યોના પોલીસવડાઓએ સમાચારોની ખરાઈ કરવી પડી. બિહાર સરકારે તો એક વરિષ્ઠ ડેલિગેશન મોકલવાનું નક્કી કર્યું જેથી સચ્ચાઈ ખબર પડે.
સ્ટૅલિને રાજ્યમાં કામ કરતા બિહારના લોકોને ધરપત આપવા માટે અપીલ કરવી પડી કે આવા કોઈ હુમલા થયા નથી અને લોકો ડરના માર્યા નહીં, પણ હોળીના પ્રસંગને લઈને વતન જઈ રહ્યા છે.
ડીએમકેના પ્રવક્તા મનુ ષણમુગમસુંદરમે આરોપ મૂક્યો કે ‘તામિલનાડુના મુખ્ય પ્રધાન રાષ્ટ્રીય નેતાઓ સાથે એક મંચ પર ઉપસ્થિત હતા એ એક કારણ હતું કે ફેક ન્યુઝની ફૅકટરીઓ સક્રિય થઈ ગઈ.’ ‘સાઉથ ફર્સ્ટ’ નામના ડિજિટલ મીડિયા સાથે વાત કરતાં તામિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ નારાયણ થિરુપથીએ કહ્યું કે તેમનો પક્ષ આવા ફેક ન્યુઝની નિંદા કરે છે - પછી ભલે એ તેમના બિહાર એકમ તરફથી આવ્યા હોય. તેમણે એવો દાવો કર્યો હતો કે ઉત્તર ભારતના મજૂરોમાં દહેશત ફેલાવનારા ફેક ન્યુઝ વાસ્તવમાં તામિલનાડુમાંથી જ શરૂ થયા હતા.
તેમણે કહ્યું કે છેલ્લાં બે વર્ષથી વિધાનસભ્ય ટી. વેલમુરુગન, નામ તામિલરના નેતા સિમન અને દયાનિધિ મારન જેવા ડીએમકેના નેતાઓ અને પ્રધાનો હિન્દીભાષી કામદારોને ‘પાનીપૂરીવાલા’ અને ‘રોટીવાલા’ કહીને અપમાનિત કરી રહ્યા છે. આ લોકો સામે આવી નફરત આ મુદ્દાના મૂળમાં છે.
તામિલનાડુથી બિહારના લોકો પાછા આવી રહ્યા છે એવા સમાચારો ફેલાયા એની સાથે બિહારમાં રાજકારણ પણ ગરમ થઈ ગયું. વિધાનસભામાં સરકારને ઘેરવામાં આવી. બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો. વિપક્ષી નેતાઓએ નીતીશકુમારની સરકાર પર આરોપ મૂક્યો કે સરકાર આ ઘટનાઓને છુપાવવા માગે છે. તામિલનાડુથી પાછા આવતા મજૂરોની આપવીતી પરથી સ્પષ્ટ છે કે ત્યાં તેમની સાથે અન્યાય થયો છે.
સ્ટૅલિને નીતીશકુમાર સાથેની વાતચીતમાં કહ્યું કે પ્રવાસી મજૂરો પર કથિત હુમલાની અફવા ફેલાવનારાઓ ભારતની અખંડિતતા વિરુદ્ધ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બિહારના તમામ કામદારો અમારા કામદારો છે અને તેઓ તામિલનાડુના વિકાસમાં મદદ કરી રહ્યા છે અને હું વિશ્વાસ અપાવું છું કે તેમને કોઈ મુશ્કેલી નહીં થાય.
તામિલનાડુમાં ટેક્સટાઇલ અને એ સંબંધિત અન્ય ઉદ્યોગોમાં ૧૨ લાખ હિન્દીભાષી મજૂરો કામ કરી રહ્યા છે. આ અફવાઓનો લાભ લઈને રાજકારણીઓ તેમની રોટી પકવી રહ્યા છે ત્યારે તિરુપુર અને કોઇમ્બતુર જિલ્લાના ઉદ્યોગમાલિકોને એવી ચિંતા પેઠી છે કે આ મજૂરો જો નાસી ગયા તો કારખાનાં કેવી રીતે ચાલશે.
તામિલનાડુનાં સમાચારપત્રોના જણાવ્યા અનુસાર આ ફેક ન્યુઝ અને એના વિડિયો ઉત્તર ભારતના અમુક નેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા જેથી થોડા સમય સુધી બિહારની આગામી ચૂંટણીઓ માટે ‘માહોલ’ બનાવવામાં આવે.
બે વસ્તુ બની. દસ-પંદર દિવસ સુધી મુખ્ય ધારાના હિન્દી મીડિયા અને સોશ્યલ મીડિયામાં ‘બિહારીઓ પર તામિલનાડુમાં હુમલા’ના સમાચાર એટલા સંગઠિતરૂપે ફેલાયા કે સાચે જ બંને રાજ્યોમાં મોટા પાયે હિંસા ભડકી ઊઠી હોત. શરૂઆતમાં બંને રાજ્યોનાં તંત્રોને સમજ ન પડી કે શું થઈ રહ્યું છે, પરંતુ સોશ્યલ મીડિયા પર કાર્યરત ફૅક્ટ-ચેકર્સના સમયોચિત અને અથાગ પ્રયાસોથી હુમલાના બધા આવા દાવા ખોટા સાબિત થતા ગયા.
એ પછી તામિલનાડુ પોલીસ સફાળી જાગી અને ધડાધડ એફઆઇઆર નોંધવા લાગી. પોલીસે એક અગ્રણી હિન્દી અખબાર, એક અગ્રણી વેબસાઇટ, ઘણા યુટ્યુબર્સ અને ટ્વિટર યુઝર્સ સામે ફેક ન્યુઝ ફેલાવવા બદલ ફરિયાદ નોંધી હતી. એમાં છેલ્લે એવું બન્યું કે ફેક ન્યુઝની હવા નીકળી ગઈ અને એક મોટી દુર્ઘટના બનતાં અટકી ગઈ.
પ્રશ્ન એ છે કે ભારત ફેક ન્યુઝનાં પરિણામોથી ક્યાં સુધી બચતું રહેશે? આમ પણ ફેક ન્યુઝે તો માઝા જ મૂકી છે. ૨૦૨૪ની ચૂંટણી સુધીમાં તો હજી એમાં વધુ જોર આવવાનું છે. તામિલનાડુની ‘ઘટના’ બની ત્યારે જ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતમાં ફેક ન્યુઝના યુગમાં સત્ય શિકાર થઈ ગયું છે અને આપણી અંદર ઇન્સાનિયત પણ પાછળ રહી ગઈ છે. ભારતનું બંધારણ તૈયાર થતું હતું ત્યારે કોઈને ખબર નહોતી કે માનવસમાજ કેવી રીતે વિકસિત થશે. એક જૂઠી વાતને બીજના રૂપમાં જમીનમાં વાવવામાં આવે છે અને પછી એ એક એવી મોટી થિયરીમાં બદલાઈ જાય છે, જેને તર્કના આધારે તોળી ન શકાય.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં બોલતાં સુપ્રીમ કોર્ટના બીજા એક જજ જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટે પણ ફેક ન્યુઝને ખતરનાક ગણાવતાં કહ્યું કે સોશ્યલ મીડિયા પર ફેક ન્યુઝ અને હેટ સ્પીચના પ્રસારને રોકવા માટે કાનૂનની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ‘ઇન્ટરનેટ મીડિયા બેધારી તલવાર છે. એનાથી માહિતીઓનું પ્રસારણ આસાન થઈ ગયું છે, પરંતુ ખોટી માહિતી અને ફેક ન્યુઝમાં થયેલો વધારો બોલવા અને અભિવ્યક્તિની આઝાદી માટે અસાધારણ રીતે પડકાર બની ગયો છે.’
ભારત સરકાર પણ ફેક ન્યુઝ સામે કાનૂન લાવવા પર વિચાર કરી રહી છે. એના માટે એક સંસદીય સમિતિની રચના પણ કરવામાં આવી છે. સમિતિએ સરકારને ફેક ન્યુઝની વ્યાખ્યા તય કરવાનું કહ્યું છે. શું કાનૂનથી આ દૂષણ દૂર થઈ જશે? આ આશંકા બતાવવાનું કારણ એ છે કે ફેક ન્યુઝ મસ્તી કે મનોરંજન નથી, એ એક સંગઠિત નેટવર્ક છે અને રાજકારણ એમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે. રાજકારણમાં જો મૂલ્યો, નૈતિકતા, સિદ્ધાંતો અને માનવપ્રેમ નહીં રહે તો પછી તમામ પ્રકારની ગંદકી સંભવ છે.
ભારતમાં ઇન્ફર્મેશન ક્રાંતિ આવી છે એ સાચું અને સારું છે, પણ રાજકારણમાં જે લગાતાર ગિરાવટ આવી છે એને કારણે સોશ્યલ મીડિયા સામાજિક બદલાવના માધ્યમને બદલે રાજકીય અને વ્યાવસાયિક હિતો સાધવાનું હથિયાર બની ગયું છે. ભારતે ફેક ન્યુઝથી બચવું હશે તો એના રાજકારણ અને જાહેર જીવને શુદ્ધ થવું પડશે.
લાસ્ટ લાઇન
ગલત જ્ઞાનથી સાવધ રહેવા જેવું છે. એ અજ્ઞાન કરતાં વધુ ખતરનાક છે. - જ્યૉર્જ બર્નાર્ડ શૉ