હું સમંદર સમ ઉછાળા જોઉં છું

08 January, 2023 02:11 PM IST  |  Mumbai | Hiten Anandpara

શાસકોની અણઆવડત અને સૈન્યના બેફામ ખર્ચાને કારણે પાકિસ્તાન દેવાળું ફૂંકે તો નવાઈ નહીં

પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષની શરૂઆતથી જ ચડ-ઊતર દેખાવા લાગી છે. આર્થિક સ્તરે ભારતના આંકડા સંતોષજનક છે, પણ વિશ્વના ઘણા દેશોનું તંત્ર ખોરવાશે એવો ભય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. શાસકોની અણઆવડત અને સૈન્યના બેફામ ખર્ચાને કારણે પાકિસ્તાન દેવાળું ફૂંકે તો નવાઈ નહીં. આપણો પાડોશી દેશ પોતે સખણો જીવતો નથી અને કાશ્મીર સખણું ન ચાલે એ માટે સતત હાડકાં હોમ્યા કરે છે. અશરફ ડબાવાલા પરિવર્તન ઝંખે છે...

જૂના રિવાજની છે ઘણી આવૃત્તિ નવી
હું વાટ જોઉં છું એ પ્રથા આવતી નથી
તું પાનાં સૌ ઇતિહાસનાં ફેરવીને જો
રાજા છવાયા છે ને પ્રજા આવતી નથી

એક સારો રાજવી રાજ્યની શકલ બદલી શકે અને એક ખરાબ રાજવી રાજ્યને બરબાદ કરી શકે. દૂરંદેશી અને કારભાર ચલાવવાની આવડત કોઈ પણ તંત્ર માટે આવશ્યક છે. નિર્ણાયકતા, સંકલ્પ અને અમલીકરણનું મિશ્રણ ઘોળાય ત્યારે પરિણામ સામે આવે. અન્યથા પ્રજાએ દાયકાઓ સુધી મૂળભૂત અને માળખાકીય સુવિધાઓ માટે રાહ જોવી પડે. ડૉ. રશીદ મીરની પ્રતીક્ષામાં વિષાદ અને આશા બંને વર્તાય છે...

એટલે બારી બહાર જોઉં છું
ખાલી ખાલી બધું છે ભીતરમાં
રાહ જોઉં છું હુંય કલ્કિની
કોણ જોવા ગયું છે દ્વાપરમાં?

આપણે જિંદગીના વિવિધ તબક્કે રાહ જોતા જ હોઈએ છીએ. સારી નોકરી મળે, સારો જીવનસંગાથી મળે, સારું ઘર મળે વગેરે માટે રાહ જોવી જ પડે. સારા ઘર માટે તો લોકો અડધી-પોણી જિંદગી સુધી રાહ જુએ ત્યારે મેળ પડે તો પડે. જિંદગીની પાઠશાળા આપણને ઘણું બધું શીખવાડતી જાય. ઘણી વાર આપણી મહેનત અને નિષ્ઠામાં કોઈ ચૂક ન હોય છતાં પરિણામ પર આપણો કોઈ અંકુશ ન હોય. મધ્યમવર્ગી વિષાદ બહુ લંબાય તો એ દર્દની શ્રીમંતાઈ ભેટમાં ધરે. ગિરીશ પોપટ ગુમાન વિષમ સંજોગોમાં પણ ટકી રહેતી જિજીવિષાનું કારણ તપાસે છે...

જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે
હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે
ખબર નહીં કે કઈ માટીની ઇચ્છાઓ બનેલી છે
મરે છે તરફડી કાયમ છતાં એ રોજ જન્મે છે

ઇચ્છાઓ પાસે નચાવવાની આવડત હોય છે. હવામાંથી જન્મતી હોય એમ ક્યારેક અચાનક આવીને આપણે અચંબિત કરી મૂકે. વિવેક કાણે સહજ નાચ-નચૈયા પરંપરાને આલેખે છે...

કશુંક સામ્ય તો છે સાચે-સાચ કઠપૂતળી
તને હું જોઉં અને જોઉં કાચ કઠપૂતળી
આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી
નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી

ઇચ્છાઓ આપણા દોરે નાચતી નથી, આપણે એના દોરે નાચીએ છીએ. ગમતું મળે નહીં અને અણગમતું આલિંગન આપ્યા કરે ત્યારે એમાં પારાવાર ગૂંગળામણ થાય. પ્રેમ વગરનો સંબંધ ખુશ્બૂ વગરના ફૂલ જેવો લાગે. મિલન કુમાર એવી એક સ્મૃતિને વાગોળે છે...  

ઘણાં વર્ષેય મેહંદી કોઈની જોઉં ને યાદ આવે
ત્યાં મારા નામનું હોવું, ન હોવું ક્યાંય હિસ્સામાં
ઘણાં વર્ષેય આજે મહેફિલો અકળાવનારી છે
ને રાતો કેટલી રોશન હતી કાળા દુપટ્ટામાં

હવે મહેફિલો ખરેખર અકળાવનારી છે, કારણ કે મહેફિલો થતી જ નથી. ઘરમેળે યોજાતી બેઠકો, ચર્ચાઓ, મહેફિલો છૂમંતર થઈ ગઈ છે. આપણો ભવ્ય સાહિત્યિક વારસો તિજોરીમાં બંધ થઈને પડ્યો છે. કોઈને આ લૉકરનું ઍગ્રીમેન્ટ રિન્યુ કરવામાં રસ નથી. કેટલાકને તો ખબર પણ નથી કે આપણી પાસે આવું લૉકર છે. આપણી આંખો નજીકનું વાંચી નહીં શકે અને દૂરનું જોઈ નહીં શકે તો અંતે નુકસાન વારસાને જ થવાનું છે. ગુલામ અબ્બાસ નાશાદ વેધક પ્રશ્ન પૂછે છે...

મારી ભલાઈ દિલથી કરી છે તો એ બતાવ 
મારી આ જન્મ-કુંડળી ફાડી શક્યો છે શું?
ખુદને અરીસે જોઉં તો ભીંતો પૂછ્યા કરે 
ભાલે લખાયેલું કશું વાંચી શક્યો છે શું?

લાસ્ટ લાઇન

વૃક્ષને ભરતાં ઉચાળા જોઉં છું
સીમમાં જ્યારે ઉનાળા જોઉં છું
એ ચબૂતરાને થયાં વર્ષો ઘણાં
હું અતીતપંખીના માળા જોઉં છું
મેં પ્રતિમા કોતરી, અચરજ થયું
આંખમાં તેનાં કૂંડાળાં જોઉં છું
રસ પડે તો નભ તરફ જોયા કરો
હું તો નક્ષત્રો નિરાળાં જોઉં છું
વાવ દિલની સાવ ખાલી તે છતાં
હું સમંદર સમ ઉછાળા જોઉં છું
તું ઝરૂખે શાંત ઊભી હોય ત્યાં
ઓઢણીના ચેનચાળા જોઉં છું
કઈ નવાજૂની થશે બ્રહ્માંડમાં
કાગને સાચે રૂપાળા જોઉં છું
એસ. એસ. રાહી
ગઝલસંગ્રહ : માવજત

columnists hiten anandpara