27 September, 2024 04:19 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
‘સાલા... યે ટકલુ ઇધર ક્યા કર રૈલા હૈ?’
જેવો એ ટાલિયો કૅબિનની બહાર નીકળ્યો કે તરત ગુલશન આડું જોઈ ગયો. પછી ટેબલ પર પડેલા ગ્લાસની ચા મોઢે માંડીને ઘૂંટડે-ઘૂંટડે પીવા લાગ્યો. જોકે એના કાન પોલીસ-સ્ટેશનની બહાર ચોંટેલા હતા.
બહારથી એક મોટરસાઇકલ સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો કે તરત ગુલશન ઊભો થઈને બહાર નીકળી ગયો. પોલીસ-સ્ટેશનથી થોડે દૂર તેણે પોતાનું જે ઠાઠિયું સ્કૂટર પાર્ક કર્યું હતું ત્યાં સુધી તે રીતસર દોડીને પહોંચ્યો અને બે કિક મારીને સ્કૂટરને ગોળ ફેરવ્યું.
પેલા ટાલિયાનું બાઇક આગળ જઈ રહ્યું હતું. ગુલશન તેનો પીછો કરવા લાગ્યો. આગળના ચાર રસ્તે બાઇક ડાબી તરફ વળ્યું. ગુલશને પણ લેફ્ટ ટર્ન માર્યો. વધુ એક ચાર રસ્તા. વધુ એક લેફ્ટ ટર્ન... ગુલશન પાછળ ને પાછળ... હવે પછીના ચાર રસ્તે ગુલશને જોયું કે સિગ્નલ રેડ થવામાં માત્ર ૨૦ સેકન્ડ બાકી હતી, પરંતુ વાહનોના જમેલામાં તે પોતાના ઠાઠિયા સ્કૂટરને આગળ ઘુસાડી શક્યો નહીં. એમાં સિગ્નલ રેડ થઈ ગયું. ગુલશને જોયું કે બાઇક રાઇટ સાઇડે વળ્યું હતું.
હવે સિગ્નલ એકસામટી ૧૯૦ સેકન્ડ બતાવી રહ્યું હતું... ગુલશને દાંત ભીંસ્યા, ‘સાલો, આટલી વારમાં તો છટકી જશે...’
છેવટે જ્યારે સિગ્નલ ખૂલ્યું ત્યારે ગુલશને ધાર્યું હતું એવું જ થયું, પેલી બાઇક કે પેલી ટાલ એ બેમાંથી એકેય દેખાયાં નહીં. ગુલશને થોડે આગળ જઈને સ્કૂટરને બ્રેક મારીને ઊભું રાખ્યું, ‘સાલો, છટકી ગયો... પણ બેટમજી જશે ક્યાં?’
ત્યાં તો તેના ખભે ટપલી પડી. પાછળ ફરીને જુએ છે તો પેલો બેઠી દડીનો, જાડોસરખો ટાલિયો કુલભૂષણ ખન્ના.
‘મને શોધતો હતોને? આવ, અહીં બેસીને ચા પીએ.’
કુલભૂષણ તેને નજીકની રેસ્ટોરાંમાં લઈ ગયો. બે ચાનો ઑર્ડર આપ્યા પછી તે બોલ્યો, ‘શું વાત છે, તને તારા ઘરાકમાં બહુ રસ પડી ગયો છે?’
‘ઘરાકમાં નહીં, પેલી વિડિયો-ક્લિપમાં...’ ગુલશન બોલ્યો, ‘બૉસ, એમાં એવું તે શું છે કે તમે એના બે લાખ રૂપિયા આપી દીધા?’
‘સીધી વાત છે, એમાં એક મર્ડર રેકૉર્ડ થયેલું છે.’
‘મતલબ કે જે માણસે પેલી છોકરીનું મર્ડર કર્યું છે તેને તમે બ્લૅકમેઇલ કરશો, એમ?’
‘ના, તેને પોલીસના હવાલે કરીશ. જે કામથી તું પોલીસ-સ્ટેશન ગયો હતો એ જ કામથી હું પણ ત્યાં જ હતો. મેં તને ત્યાં જોઈ લીધો હતો.’
‘ઓકે, પણ... ‘ ગુલશને આમતેમ જોઈને ધીમા અવાજે કહ્યું, ‘એ છોકરી તો જીવતી છે!
‘ખબર છે.’ કુલભૂષણ શાંતિથી બોલ્યો, ‘મને એ પણ ખબર છે કે પેલા દાઢીવાળા પાસેથી તેં ૮૦ હજાર રૂપિયા કઢાવ્યા છે અને એ પણ ખબર છે કે દાઢીવાળાએ તને પકડીને બહુ માર માર્યો છે,
કારણ કે હજી તારી પાસે એ વિડિયોની કૉપીઓ છે અને તમારું પેલું કમ્પ્યુટર કબજે કરીને અત્યાર સુધીમાં એને તોડી પણ નાખ્યું હશે.’
ગુલશન ઢીલો થઈ ગયો,
‘બૉસ, તમે તો બહુ પહોંચેલી માયા લાગો છો.’
‘છું જ...’ કુલભૂષણ હસ્યો.
‘તો તમે મને શરણે લઈ લો બૉસ!’ ગુલશને રીતસર ટેબલ પર માથું નમાવીને બે હાથ જોડીને લાંબા કરી દીધા.
કુલભૂષણે તેના માથે હાથ ફેરવતાં કહ્યું, ‘તો બે દિવસ શાંતિ રાખજે.’
lll
બરાબર ત્રણ દિવસ પછી કુલભૂષણ ખન્ના ‘એક્ઝિમ એક્સપોર્ટ્સ’ નામની એક શાનદાર ઑફિસમાં દાખલ થયો.
‘મિસ્ટર મજમુદારને મળવું છે...’ તેણે રિસેપ્શનિસ્ટને કહ્યું.
‘અપૉઇન્ટમેન્ટ લીધી છે?’
‘ના, તેમને કહો કે બહુ અગત્યનું કામ છે. મિસ્ટર કુલભૂષણ ખન્નાને તમે અત્યારે નહીં મળો તો પછીથી બહુ મોટું નુકસાન થશે.’
રિસેપ્શનિસ્ટ બે ઘડી કુલભૂષણ સામે જોતી રહી. પછી અંદર ફોન જોડીને કહ્યું, ‘સર, કોઈ મિસ્ટર કુલભૂષણ ખન્ના કહે છે કે જો તમે તેમને અત્યારે નહીં મળો તો પછીથી નુકસાન થશે.’
ફોન ‘સ્પીકર મોડ’ પર હતો. સામેથી અવાજ સંભળાયો, ‘સૉરી, હમણાં કોઈને મળી શકાશે નહીં. તેમને બે દિવસ પછીનો ટાઇમ આપો.’
‘બે દિવસ?’ કુલભૂષણે કહ્યું, ‘તેમને કહો કે બે દિવસમાં ચાંદની અમાસમાં ફેરવાઈ જશે.’
‘ચાંદની?’ સ્પીકર ફોનમાંથી મજમુદારનો અવાજ સહેજ થડક્યો, પણ બીજી જ ક્ષણે તે બોલ્યા, ‘હું કોઈ ચાંદનીને ઓળખતો નથી. એ માણસને કહો કે બે દિવસ પછી પણ મને મળવાની જરૂર નથી.’
‘ઓકે?’ કુલભૂષણે ખભા ઉલાળ્યા અને ચાલતી પકડી લીધી.
lll
મોડી સાંજે જ્યારે મિસ્ટર મજમુદાર લિફ્ટ દ્વારા બેઝમેન્ટમાં પહોંચ્યા ત્યારે તેમની ‘હૉન્ડા સિટી’ કાર પાસે કુલભૂષણ ખન્ના ઊભો હતો.
‘વૉટ ઇઝ ધિસ નૉન-સેન્સ?’ મજમુદાર બગડ્યા, ‘આ શું માંડ્યું છે?’
‘ખાસ કશું નહીં?’ કુલભૂષણે પોતાનો મોબાઇલ કાઢીને તેમની સામે ધર્યો, ‘બસ એક રંગીન વિડિયો-ક્લિપ બતાવવી હતી.’
મોબાઇલની સ્ક્રીન પર જે દૃશ્ય દેખાયું એ જોતાં જ મજમુદારના પગ ઢીલા થઈ ગયા.
‘આપણે કા૨માં બેસીને વાત કરીશું?’ કુલભૂષણે કાર તરફ ઇશારો કરતાં મોબાઇલ બંધ કર્યો.
મજમુદારના ચહેરા પર પરસેવો બાઝી ગયો હતો. માંડ-માંડ ચાવી ભરાવીને તેમણે કારનો દરવાજો ખોલ્યો. કુલભૂષણે અંદર બેસતાંની સાથે જ કહ્યું, ‘એસી ઑન કરો એટલે જરા તમારો પરસેવો દૂર થાય...’
એસી ઑન કર્યા પછીયે મજમુદારનો ચહેરો પરસેવાથી તગતગી રહ્યો હતો. કુલભૂષણે શાંતિથી ફરી મોબાઇલની સ્ક્રીન તેમની તરફ ધરીને સ્વિચ દબાવી. ‘જરા ધ્યાનથી જુઓ... આ ચાંદની જ છેને? અને તેનું ગળું જે માણસ દબાવી રહ્યો છે તે માઇકલ જ છેને?’
ત્રીસ સેકન્ડમાં તો વિડિયો-ક્લિપ પૂરી થઈ ગઈ. મજમુદાર હજી પણ કંઈ બોલી શકે એવી હાલતમાં નહોતા એટલે કુલભૂષણ ખન્નાએ જ વાતની શરૂઆત કરવી પડી.
‘તમે જોયું છે, આખો વિડિયો જોયો છે, ખરુંને? ચાંદની અને માઇકલ એક મામૂલી હોટેલની રૂમમાં પ્રવેશે છે. પેપ્સી પીધા પછી બન્ને વચ્ચે ઝઘડો થાય છે અને તરત જ માઇકલ ચાંદનીને મારવા માંડે છે. પછી અચાનક તે ચાંદનીને ધક્કો મારીને પલંગ પર ગબડાવી દે છે અને તેની છાતી પર ચડી બેસે છે. પોતાના મજબૂત હાથ વડે તે ચાંદનીનું ગળું દબાવવા માંડે છે. ચાંદની તરફડે છે. તેના પગ ઊછળી રહ્યા છે, પણ માઇકલની પકડ મજબૂત છે. આખરે ચાંદની તરફડીને શાંત થઈ જાય છે... બરાબર? ધી એન્ડ?’
મજમુદાર હજી પણ કંઈ બોલી શકતા નહોતા. કુલભૂષણે શાંતિથી તેમના ખભે હાથ મૂકતાં કહ્યું, ‘માઇકલને ચાંદનીના મર્ડરની સોપારી માટે તમે કેટલા રૂપિયા આપ્યા હતા? પાંચ લાખ? સાત લાખ? અને મર્ડરના પાકા પ્રૂફ માટે વધારાના કેટલા આપ્યા હતા? બીજા બેચાર લાખ? પણ એ જ વિડિયોની આખેઆખી કૉપી મારી પાસે પણ છે, હવે બોલો, શું કરીશું?’
મજમુદાર માંડ-માંડ બોલ્યા, ‘તમારી પાસે આ ક્યાંથી આવી?’
‘મહેનત કરવી પડે છે મજમુદારસાહેબ, ઘણી મહેનત કરવી પડે છે. આ ચાંદની નામની છોકરી તમારી કંપનીના મહેમાનો માટેના અપાર્ટમેન્ટ પર આવતી-જતી હોય, તેના આવવા-જવાના સમય દરમ્યાન તમે પણ ત્યાં દેખાયા હોય તો પછી અચાનક તે દેખાતી બંધ થઈ જાય એટલે અમારે શું સમજવાનું? ચાંદની ગઈ ક્યાં? પણ પછી માઇકલ જેવો અન્ડરવર્લ્ડનો માણસ તમારી ઑફિસના બેચાર આંટા મારી જાય એટલે બધી જ ગડ બેસી જાય કે સાહેબ, પેલી ચાંદની સાથેનો સંબંધ હવે વણસી ગયો છે. એ કમજાત છોકરી તેની ઔકાત પર આવી ગઈ છે અને હવે તમને બ્લૅકમેઇલ કરી રહી છે. તમને થાય છે કે ક્યાંક મારી વાઇફ આગળ મારો ભાંડો ન ફોડી નાંખે. એટલે તમે તેને પતાવવાની સોપારી માઇકલને આપો છો. તેણે મર્ડરનું પ્રૂફ પણ તમને આપી દીધું. તમને શાંતિ થઈ ગઈ કે હાશ, બલા ટળી... પણ સાહેબ, મારા જેવા ચાલીસ-પિસ્તાળીસ વર્ષના કાકાઓ આ બધું મર્ડર-શર્ડર ક્યાંથી કરી શકે? એટલે અમારે મર્ડર કરનારાઓની ખબર રાખવી પડે છે.’
કુલભૂષણ ખન્નાએ એક અચ્છા બિઝનેસમૅનની અદાથી મજમુદારસાહેબ પાસેથી પાંચ લાખ ઓકાવ્યા.
lll
આખી ઘટનાના એકાદ અઠવાડિયા પછી મરીનલાઇન્સ પાસેની એક બાર-કમ-રેસ્ટોરાંમાં બેસીને જ્યારે માઇકલ બિયરની ચૂસકીઓ લઈ રહ્યો હતો ત્યારે કુલભૂષણ ખન્ના તેની સામે આવીને બેસી ગયો અને માત્ર એટલું જ બોલ્યો, ‘માઇકલ, મને ખબર છે કે ચાંદની જીવતી છે.’
માઇકલે તેની સામે જોયું પણ નહીં. કુલભૂષણ ખન્નાએ બીજું એક વાક્ય કહ્યું, ‘મને એ પણ ખબર છે કે ચાંદની તારી ગર્લફ્રેન્ડ છે.’
માઇકલે હવે તેની સામે જોયું. કુલભૂષણે કહ્યું, ‘જ્યારે મિસ્ટર મજમુદારે તને એક છોકરીને ખતમ કરવાની સોપારી આપી ત્યારે તને ખબર નહોતી કે એ છોકરી ચાંદની જ છે, પણ જ્યારે તને તેનો ફોટો આપવામાં આવ્યો ત્યારે તારા મગજમાં આખો પ્લાન ઊભો થયો. તને એ પણ ક્યાંકથી ખબર પડી કે ગ્રાન્ટ રોડ પાસેની એક ખખડી ગયેલી હોટેલમાં યાકુબચાચાએ ગુલશન પાસે એક સેકન્ડહૅન્ડ સર્વેલન્સ કૅમેરા ફિટ કરાવડાવ્યો છે એટલે પહેલા જ દિવસે તું ત્યાં ચાંદનીને લઈને પહોંચી ગયો અને પછી જાણે ભૂલથી ઝડપાઈ ગયો હોય એ રીતે માત્ર ૮૦ હજારમાં એ કૅસેટનો સોદો કર્યો.’ માઇકલ તેની સામે જોઈને હસ્યો, ‘તો?’
‘તો એમ કે હવે આ જ પ્લાન બીજા શહેરમાં, બીજા કરોડપતિ સાથે ચાલુ રાખવો પડશે, નહીંતર...’
‘નહીંતર તું શું કરી લઈશ?’ માઇકલ હસ્યો, ‘મેં કોઈનું મર્ડર કર્યું જ નથી... પછી? જાજા, તારાથી થાય એ કરી લેજે...’ માઇકલ હસવા લાગ્યો.
‘તું જાણતો નથી કે હું શું કરી શકું એમ છું. કારણ કે હું સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં હતો અને લાંચ લેતાં પકડાઈ જવાને કારણે સસ્પેન્ડ થયો હતો.’
કુલભૂષણ ખન્નાએ પોતાની ટાલ પર હાથ ફેરવતાં કહ્યું, ‘પણ ડિપાર્ટમેન્ટમાં મારી સાથે જે દોસ્તો હતા તેમાંના કોઈ જ સસ્પેન્ડ થયા નથી.’
માઇકલના ચહેરા પર હાસ્ય થીજી ગયું. કુલભૂષણ કહી રહ્યો હતો, ‘વિચારી લે, પોલીસવાળાઓ જોડે પંગો લેવા કરતાં હાથ મિલાવવામાં વધારે ફાયદો છે...’
(સમાપ્ત)