26 September, 2024 11:24 AM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
વો કૉપી જબ પુલિસ કે હાથ લગેગી તબ તો તૂ જાએગા સીધા જેલ મેં...મર્ડરકેસ મેં!
મુંબઈની બદનામ ગલીની ફુટપાથ પર ગુલશન વહેલી પરોઢ સુધી ઊંઘતો રહ્યો હતો. આગલી રાતે તેણે હદ બહારનું નૉન-વેજ ભોજન ખાધું હતું, હદ બહારનો દારૂ પીધો હતો અને શબનમબાઈના ‘મહેલ’માં રૂપિયાનું બંડલ ફેંકીને ત્યાંની બેસ્ટ આઇટમની માગણી કરી હતી.
પણ ગુલશને રૂમમાં દાખલ
થતાં જ બિસ્તર પર ઊંધા પડીને ઊલટી કરી હતી! એ પછી ગુલશનને બે લાત પડી હતી. ગુલશને તેના પૈસા પાછા માગ્યા તો વધારાની બે લાત અને વધારાના ચાર લાફા પડ્યા હતા.
છેવટે બેફામ ગાળાગાળ અને બૂમાબૂમ કર્યા પછી ગુલશને અડધા રૂપિયા પાછા કઢાવ્યા હતા. એ
પછી પણ ગુલશનની ગંદી જબાન ચૂપ ન રહી એટલે બે હટ્ટાકટ્ટા માણસોએ તેને ઉપાડીને ફુટપાથ પર ફેંકી દીધો હતો.
ગુલશન એ જ હાલતમાં ફુટપાથની ગંદકી વચ્ચે સવારે પાંચ વાગ્યા સુધી ઊંઘતો રહ્યો હતો. પાંચ ને દસે એક વૅન પાસે આવીને ઊભી રહી. એમાંથી એક માણસ ઊતર્યો. તેણે ઊંઘી રહેલા ગુલશનને ખભા પર લાત મારીને જગાડ્યો.
ગુલશને આંખો ચોળીને જોયું તો પેલો ફ્રેન્ચકટ દાઢીવાળો મજબૂત માણસ સામે ઊભો હતો! ગુલશન બોલ્યો, ‘અભી તુમ કો ક્યા મંગતા, સાલા?’
પેલાએ જવાબ આપવાને બદલે પોતાના ચામડાના બૂટ વડે ગુલશનના પેટમાં એક લાત ઠોકી દીધી. ગુલશન ચીસ પાડી ઊઠ્યો.
‘ઇસ કો ઉઠાકર અંદર ડાલો...’ ફ્રેન્ચકટ દાઢીવાળાએ વૅનના ડ્રાઇવરને કહ્યું. ડ્રાઇવરે સળેકડી જેવું પાતળું શરીર ધરાવતા ગુલશનને ઉપાડીને વૅનની પાછલી સીટ પર નાખ્યો.
વૅન ઉપડી...
lll
ગુલશનના ચહેરા પર સાતમી વાર પાણી છંટાયું ત્યારે તેની આંખો ઊઘડી. તેના બન્ને હાથ પાછળની બાજુએ બંધાયેલા હતા, તેના બન્ને પગ એક થાંભલા સાથે બંધાયેલા હતા. ઓરડામાં અંધારું હતું. ફક્ત એક ઝાંખી ટ્યુબલાઇટ થોડી-થોડી વારે ઝોકું ખાઈને ફરી જાગી જતી હતી.
‘યે કૌન સી જગા હૈ?’ ગુલશને પૂછ્યું.
‘ફાઇવસ્ટાર હોટેલ હૈ... તાજ હોટેલ!’
‘અચ્છા?’ ગુલશન બોલ્યો, ‘તો લાઇટ ક્યૂં નંઇ કિયેલા હૈ? બિલ નહીં ભરેલા લગતા! બોલે તો, કંપનીવાલે કાટ ગૈલે લગતે!’
‘જોક મારવાનું બંધ કર હલકટ!’ ફ્રેન્ચકટ દાઢીવાળાએ ગુલશનના ગાલ પર એક તમાચો ઠોકી દીધો.
‘જોક તો તમે મારી રહ્યા છો, બિરાદર! એક છોકરીને હોટેલમાં લાવ્યા. તેને પેપ્સી પીવડાવીને તેનું ગળું ઘોંટી દીધું, પછી તેને ઍમ્બ્યુલન્સમાં સૂવડાવીને લઈ ગયા... ઉપરથી એના સબૂત પણ એંશી હજાર ચૂકવીને લઈ ગયા... હવે તમને બીજું શું જોઈએ છે? બીજી છોકરી? એને માટે કોઈ દલાલને મળો. મારી એ લાઇન નથી.’
‘તારી લાઇન શું છે એની મને ખબર છે.’ દાઢીવાળાએ ગુલશનનું જડબું પકડીને હલાવી નાખ્યું.
‘જુઓ, હું એક ઇલેક્ટ્રિશ્યન છું. આ તમારી તાજ હોટેલમાં કંઈ વાયરિંગની ખરાબી લાગે છે. આ દોરડા છોડો તો હું ચેક કરીને ઠીક કરી દઉં. ચેકિંગનો ચાર્જ પાંચસો રૂપિયા થશે, રિપેરિંગના અલગ.’
‘અબે તેરા રિપેરિંગ તો મૈં કરુંગા!’ દાઢી હવે બરોબરનો ચિડાયો હતો. તેણે ગુલશનના પેટમાં એક મુક્કો મારી દીધો.
ગુલશનના પેટમાં હજી જે કચરો બાકી બચી ગયો હતો એ આ મુક્કો પડ્યા પછી ઊલટી વાટે બહાર નીકળી ગયો હતો છતાં તે હસ્યો.
‘દેખા? અભી તાજ હોટેલ કે સફાઈવાલે કુ બુલાના પડેગા! ઉસ કુ બોલના કિ સાથ મેં મેરે વાસ્તે એક નયા શર્ટ ઔર નયા પૅન્ટ ભી લે આયે!’
‘અબે તેરી તો...’
દાઢીવાળો જેમ-જેમ અકળાઈ રહ્યો હતો એમ ગુલશનને મજા પડી રહી હતી. છેવટે દાઢીવાળો જ પૉઇન્ટ પર આવ્યો.
‘અભી મઝાક બહોત હો ગયા... અબ સચ બતા, વો રેકૉર્ડિંગ કા કૉપી અભી ભી તેરે પાસ હૈ ના.’
‘હૈ!’ ગુલશને નફ્ફટાઈથી કહ્યું, ‘તો ક્યા કરેગા તૂ? મેરે કુ મારેગા? માર... મગર ઉસ સે તુઝે ક્યા મિલેગા? વો કૉપી જબ પુલિસ કે હાથ લગેગી તબ તો, તૂ જાએગા સીધા જેલ મેં...મર્ડરકેસ મેં!’
‘પુલિસ મુઝે કુછ નહીં કર સકતી, ક્યોંકિ...’
‘ક્યોંકિ વો લડકી ઝિંદા હૈ!’ ગુલશને તેનું તીર છોડી દીધું.
દાઢીવાળો બે ક્ષણ માટે ચોંકી ગયો, પછી બોલ્યો, ‘તને શી રીતે ખબર પડી?’
‘ખબર તો બધી જ રાખવી પડેને?’ ગુલશન હસવા લાગ્યો, ‘એટલે જ તો અહીં આવ્યો ત્યારનો કહું છું કે જોક તો તું મારી રહ્યો છે! સાલી, જે છોકરીનું તેં મર્ડર જ નથી કર્યું. ઊલટું તેની સાથે તું ચાઇનીઝ રેસ્ટોરાંમાં જલસાથી જમવા જાય છે, તેને બાઇક પર ફેરવે છે, તો સાલી, તેના મર્ડરની સાબિતી માટે તું અમને એંશી હજાર શા માટે આપી ગયો?’
‘ધૅટ ઇઝ નન ઑફ યૉર બિઝનેસ.’
‘હિન્દી મેં બોલ ભાઈ, અપુન કો ઇંગ્લિસ મેં વાંધા હૈ.’
‘મેં તને એંશી હજાર શા માટે આપ્યા એ જાણીને તારે શું કરવું છે?’
‘ઠીક હૈ, મત બતાઓ?’ ગુલશને ખભા ઉલાળ્યા, ‘પણ પોલીસને જ્યારે આ સેમ સવાલ થશે ત્યારે એ લોકો બી આખા મામલામાં ડિટ્ટેલમાં ઊતરીને ડાઉટ તો લેશેને?’
‘એટલે? તેં પોલીસને કહી દીધું છે?’
‘ના, પણ સાલા, તું આ જ રીતે મારી મરમ્મત કરતો રહીશ તો કહી જ દેવું પડશે.’
‘એને માટે તારે અહીંથી જીવતા બહાર જવું પડશેને?’
હવે ગુલશન ગભરાયો. તેણે કહ્યું, ‘ઠીક છે, મને મારી નાખો. પણ તારા સિવાય એક માણસ જે મને બે લાખ રૂપિયા આપીને એ આખા વિડિયોની કૉપી પેનડ્રાઇવમાં લઈ ગયો છે તે તો છુટ્ટો ફરે છેને?’
હવે દાઢીવાળો ગભરાયો, ‘અચ્છા? કોણ હતો એ?’
‘આ બધા દોરડા છોડો તો કહું...’ ગુલશને કહ્યું.
દાઢીવાળાએ એકાદ મિનિટ માટે વિચાર કર્યો. પછી તે ગુલશનના દોરડા છોડવા લાગ્યો. પહેલાં પગના અને પછી જ્યારે હાથના દોરડા છૂટી ગયા ત્યારે ગુલશન હાથ-પગ ખંખેરીને માથું ખંજવાળતાં બોલ્યો,
‘સાલું, એ માણસનું નામ હમણાં સુધી મને યાદ હતું, પણ હમણાં જ ભૂલી ગયો!’
પછી એ હથેળી ખંજવાળતો, ચહેરા પર ખંધું સ્મિત ફરકાવતો ઊભો રહ્યો.
દાઢીવાળાએ દાંત કચકચાવીને મુઠ્ઠી ઉગામી. છેક ગુલશનના ચહેરા સુધી લાવ્યા પછી મુઠ્ઠી ઢીલી કરતાં તે બોલ્યો,
‘હજી કેટલા જોઈએ છે?’
ગુલશન હસ્યો. બાજુમાં પડેલી લાકડાની ખુરસી ખેંચીને એના પર બેસતાં તે બોલ્યો, ‘પહલે યે તુમ્હારે તાજ હોટેલ મેં ઑર્ડર કર કે દો ગ્લાસ જૂસ મંગાઓ.’
‘એની જરૂર નહીં પડે.’
અંધારા ઓરડામાં દરવાજો ખૂલવાના અવાજ પછી એક સ્ત્રીનો અવાજ સંભળાયો. બે આકાર નજીક આવ્યા. ટ્યુબલાઇટના અજવાળામાં ગુલશને જોયું તો એક ચહેરો પેલી યુવતીનો હતો, જેનું આ દાઢીવાળાએ ‘મર્ડર’ કર્યું હતું, પણ બીજો ચહેરો જોઈને ગુલશન ચોંકી ગયો!
તે યાકુબચાચા હતા!
યુવતીએ યાકુબચાચાની પીઠ પર એક ગન ધરી રાખી હતી. તે બોલી, ‘યાકુબચાચાની હોટેલ પરથી આખું કમ્પ્યુટર જ મેં ઉઠાવી લીધું છે. યાકુબચાચાએ પેલા શખ્સનું નામ પણ આપી દીધું છે. હવે કોઈ સોદો કરવાની જરૂર નથી.’
ગુલશને તીખી નજરથી યાકુબ ખાન સામે ગુસ્સો કાઢ્યો. યાકુબ ખાન નીચું જોઈ ગયા, તે બોલ્યા, ‘અબ તો હમેં છોડ દો?’
દાઢીવાળાએ તેના બે માણસોને ઇશારો કર્યો. એ લોકો ગુલશન અને યાકુબચાચાને બહાર લઈ ગયા.
અહીં ભરબપોરનો તડકો તપી રહ્યો હતો. ગુલશને બે હાથ ગરદન પાછળ મૂકીને કમર સીધી કરતાં પેલા બે જણને કહ્યું, ‘યાર, કમસે કમ ટૅક્સી કે પૈસે તો દે દો? વાપસ કૈસે જાયેંગે?’
પેલા લઠ્ઠાઓએ કશું બોલ્યા વિના એક ટૅક્સી ઊભી રખાવીને બન્નેને બેસાડી દીધા. ગુલશન બોલ્યો, ‘હેં હેં... કોઈ બાત નહીં, વહાં પહૂંચ કર પૈસે દે દેંગે.’ પછી ટૅક્સીવાળાને કહ્યું, ‘ભૈયા ગ્રાન્ટ રોડ.’
ટૅક્સી ઊપડી એ પછી યાકુબચાચાએ કહ્યું, ‘તેરે કુ બહોત માર પડી લગતી હૈ.’
‘સબ વસૂલ કરુંગા...’ ગુલશને આંખ મીંચકારીને કહ્યું, ‘વો વિડિયો કી દો ઔર કૉપી હૈ મેરે પાસ!’
lll
હોટેલમાં આવતાંની સાથે જ ગુલશને પહેલું કામ પેલી રૂમમાં ફિટ કરેલો કૅમેરા ચેક કરવાનું કર્યું. કૅમેરા સલામત હતો.
નીચે આવીને તેણે જોયું કે કમ્પ્યુટરની સ્ક્રીન હજી અહીં જ હતી. માત્ર પ્રોસેસર નહોતું. યાકુબચાચા અકળાયેલા હતા.
તે બોલ્યા,
‘ગુલશન, અભી યે ધંધા મેરે
કો નહીં મંગતા. લફડા કુછ ઝ્યાદા હો ગયા.’
‘કોઈ ઝ્યાદા નહીં હુઆ, ચાચુ!’ ગુલશને યાકુબચાચાનો ખભો થાબડતાં કહ્યું ‘કૅમેરા પંદરાસૌ કા હૈ, ઔર યે કમ્પ્યુટર મૈં સેકન્ડહૅન્ડ લાયા થા, સિર્ફ તીસ હઝાર મેં. અભી ભી અપુન લોગ પ્રૉફિટ મેં હૈં... મગર...’
ગુલશન હવે પેલા દાઢીવાળાએ જે લાતો, લાફા અને મુક્કા માર્યા હતા એનો બદલો લેવાના મૂડમાં હતો.
lll
ગુલશને પોલીસ-સ્ટેશનથી થોડે દૂર પોતાનું ઠાઠિયું સ્કૂટર પાર્ક કર્યું. પછી આજુબાજુ નજર નાખીને તે પોલીસ-સ્ટેશન તરફ આગળ વધ્યો. અહીં નૉર્મલ ચહલપહલ હતી. એક કીટલી લઈને ચાવાળો છોકરો હાથમાં લોખંડના સળિયાવાળી ટ્રે લઈને અંદર દાખલ થયો.
ગુલશને પણ તેની પાછળ-પાછળ એન્ટ્રી લઈ લીધી. પેલો છોકરો ટેબલે-ટેબલે ચાના ગ્લાસ મૂકતો અંદર જઈ ફરી રહ્યો હતો. ગુલશન ધીમે રહીને એક ટેબલ પાસે ગયો. જઈને કહ્યું,
‘એક સૉલિડ ઇન્ફર્મેશન દેને કા હૈ.’
‘કાય કા?’ પોલીસે ચશ્માંની ઉપરથી જોયું. ‘ડ્રગ્સ કા? યા ફાલતુ ચરસ કા?’
‘નહીં, મર્ડર કા.’ ગુલશને સિરિયસ ડાચું રાખીને ઉમેર્યું, ‘મગર હમ સાહબ કો હી બોલેગા, ડાયરેક્ટ.’
‘ઠીક હૈ? બૈઠો, અંદર કોઈ હૈ.’
ગુલશન લાકડાના એક બાંકડા પર જઈને બેઠો. દસેક મિનિટ પછી ઇન્સ્પેક્ટરસાહેબની કૅબિનનાં પડખાં ખૂલ્યાં. અંદરથી જે માણસ નીકળ્યો તેને જોઈને ગુલશન દંગ રહી ગયો!
‘અરે સાલા, યે ટકલુ ઇધર ક્યા કર રૈલા હૈ?’
જે ટાલિયા માણસે, એટલે કે જે પોતાને કુલભૂષણ ખન્ના કહેતો હતો અને જેણે પૂરા બે લાખ રોકડા આપીને પેલા ‘મર્ડર’નું રેકૉર્ડિંગ ખરીદ્યું હતું એ અહીં પોલીસ-સ્ટેશનમાં શું કરી રહ્યો હતો?
(ક્રમશઃ)