25 September, 2024 07:36 AM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
રાતે ગુલશન જીદ કરીને યાકુબચાચાને એ ચાઇનીઝ રેસ્ટોરાં ‘શાંઘાઈ નાઇટ્સ’ પાસે લઈ ગયો. ગુલશને તેનું ઠાઠિયું સ્કૂટર રેસ્ટોરાંની સામેની બાજુની ફુટપાથ પાસે પાર્ક કર્યું અને બન્ને
જણ ત્યાં ઊભા રહીને આખો નઝારો જોતા રહ્યા.
‘આએગી... સાલી વો ઇધરીચ આયેગી...’ ગુલશન બબડ્યો. જોકે આમ ને આમ દોઢ કલાક વીતી ગયો. ચાચા ઊંચાનીચા થઈ રહ્યા હતા છતાં ગુલશન વારંવાર એ જ વાક્ય બોલી રહ્યો હતો, ‘આએગી... વો ઇધરીચ આએગી...’
હકીકતમાં આ ચાઇનીઝ રેસ્ટોરાં એક મોટી ફોરસ્ટાર હોટેલનો જ એક ભાગ હતી. અને રેસ્ટોરાંની બાજુમાં જ હોટેલનું મુખ્ય પ્રવેશદ્વાર હતું. મોંઘી કાર અને ભભકાદાર લોકોની અવરજવર ચાલુ હતી. અચાનક યાકુબચાચાની નજર પડી. તેણે ગુલશનનો ખભો દાબીને ધીમા અવાજે કહ્યું, ‘વો દેખ... વો કૌન હૈ?’
સાચે જ! દૂરથી પેલો ફ્રેન્ચકટ દાઢીવાળો હોટેલ તરફ આવી રહ્યો હતો. ગુલશને યાકુબચાચાનો હાથ પકડ્યો, ‘ચલો ચાચુ, ઇસ કે પીછે-પીછે જાતે હૈં.’
‘પણ અલ્યા, તે આ મોંઘી હોટેલમાં જશે તો?’ ચાચા બોલ્યા, ‘આપણાં કપડાં તો જો, કોઈ આપણને અંદર ઘૂસવા નહીં દે.’
ગુલશને કહ્યું, ‘ફિકર ન કરો... આપણે કહેવાનું કે અહીંની ગટર જામ થઈ ગઈ છે એ સાફ કરવા આવ્યા છીએ!’
ચાચાને ગુલશનની અક્કલ પર હવે જરા માન થયું ખરું. બન્ને જણ દબાતે પગલે એ તરફ ઊપડ્યા. હોટેલના પ્રવેશદ્વાર આગળ પેલો માણસ જરા અટક્યો. તેણે ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢ્યું. લાઇટર વડે સિગારેટ સળગાવી અને ચારે કોર એક સરસરી નજર દોડાવીને તેણે અંદર જવા ડગ માંડ્યાં. જેવો તે પગથિયાં ચડવા માંડ્યો કે તરત જ ગુલશન તેની પાછળ-પાછળ પહોંચી ગયો. યાકુબચાચા જરા પાછળ રહી ગયા. પેલો કાચના ફરતા બારણામાંથી અંદર જતો રહ્યો.
ગુલશને પાછળ ફરીને જોયું, ‘ચાચુ, કહાં રહ ગયે... ચલો...’
યાકુબખાનનો હાથ પકડીને તે પગથિયાં ચડવા જતો હતો ત્યાં જ પેલો માણસ દરવાજામાંથી પાછો બહાર આવ્યો! ચાચા અટકીને ઇશારો કરવા ગયા એમાં ગુલશન પગથિયું ચૂક્યો. તે ઘૂંટણભેર પગથિયાં પર પટકાયો. પણ એ જોતાંની સાથે જ પેલો માણસ ઝડપથી પગથિયાં ઊતરીને ભાગવા માંડ્યો.
ગુલશનને એ જ ઘડીએ ચમકારો થયો, ‘આ માણસ અમને જોઈને ભાગ્યો કેમ?’
બીજી જ ક્ષણે તેણે ઊભો થતાં બૂમ પાડી, ‘અબે રુક જા સાલે! ભાગતા કિધર હૈ? સાલે ખૂની?’
પેલો તો દોડવા જ માંડ્યો! ગુલશનેય છલાંગ મારી બબ્બે પગથિયાં ઊતરતાં તેની પાછળ દોટ મૂકી. પેલો રોડ ક્રૉસ કરીને સામે નાઠો. ગુલશન પણ સરસર ભાગતી કાર વચ્ચેથી વાંકોચૂંકો થતો તેની પાછળ દોડ્યો. ચાચામાં આટલી ઝડપથી દોડવાના હોંશ નહોતા છતાં તેઓ એ તરફ દોડાય એટલી ઝડપે દોડ્યા.
થોડે આગળ જઈ પેલા માણસને ગુલશને પકડી પાડ્યો, ‘અબે મર્ડ૨૨? ભાગતા કિધર હૈ?’ કહેતાં પાછળના ભાગથી તેનું શર્ટ ઝાલી લીધું, પણ આ વખતે પેલો માણસ તો ભાગવાના જ મૂડમાં હતો. તેણે ઝડપથી ઘૂમીને ગુલશનના પેટમાં એક મુક્કો લગાવી દીધો અને પછી હવામાં ઊછળીને ગુલશનના જડબા પર એક લાત ફટકારી દીધી.
ગુલશન સડક પર ફસડાઈ પડ્યો. યાકુબચાચાએ જોયું કે ભાગી રહેલો માણસ એક જાડાસરખા ટાલિયા મોટરસાઇકલ સવાર સાથે ભટકાયો. બીજી જ ક્ષણે ઊભો થઈને એવો ભાગ્યો કે કઈ ઘડીએ તે કઈ ગલીમાં જતો રહ્યો એનો ખ્યાલ પણ ન રહ્યો.
યાકુબચાચાએ ગુલશનને ઊભો કર્યો. ગુલશન કણસ્યો, ‘વો સાલા? મર્ડર કરતા હૈ. ઔર ઉપર સે કિક ભી મારતા હૈ?’
એ ક્ષણે પેલો મોટરસાઇકલવાળો તેમની નજીક બ્રેક મારીને ઊભો રહ્યો. કાળાં ચશ્માં ઉતારીને બન્નેને જોયા અને તરત જ મોટરસાઇકલ મારી મૂકી. યાકુબચાચાએ માંડ-માંડ ગુલશનને બેઠો કરીને સ્કૂટર સુધી પહોંચાડ્યો. પછી પાછળ બેસાડીને તેના ઠાઠિયા જેવા સ્કૂટરની કિક પોતે જ મારી.
lll
‘હોટેલ ગોલ્ડન આશિયાના’ પર પહોંચીને ગુલશન ગરમ પાણીની થેલી વડે પોતાનું લમણું શેકી રહ્યો હતો. યાકુબચાચાએ તેના હાથમાં ગરમાગરમ ચાનો પ્યાલો પકડાવતાં કહ્યું, ‘દેખા ના? અભી યે સબ ઝમેલે મેં પડને કે વાસ્તે મૈં તેરે સાથ નહીં આનેવાલા.’
ગુલશન હજી ગુસ્સામાં હતો, ‘ઉસ કો મૈં છોડુંગા નહીં. ફિ૨ સે કહીં દિખ ગયા ના...’
‘તો ક્યા કરોગે?’ એક બરછટ અવાજ સંભળાયો. બન્નેએ એ દિશામાં જોયું. પેલો જાડિયો ટાલિયો મોટરસાઇકલ સવાર હોટેલ આશિયાના ગોલ્ડન સામે તેનું બાઇક પાર્ક કરીને ઊતરી રહ્યો હતો.
‘તુમ ક્યા જાનતે હો ઉસ આદમી કે બારે મેં?’ તેણે અંદર આવીને પૂછ્યું.
‘કૌન સા આદમી? કૈસા આદમી?’ ગુલશને સામું પૂછ્યું.
‘યે આદમી!’ કહેતાંની સાથે પેલાએ પોતાનો મોબાઇલ આગળ ધર્યો. એમાં પેલા ફ્રેન્ચકટ દાઢીવાળાનો બિલકુલ તાજો જ ફોટો હતો! જેવો તે તેની બાઇક તરફ દોડતો આવ્યો
હશે એ જ વખતે તેણે ઝડપી લીધો હોય એવો.
ગુલશનની આંખો ચાર થઈ ગઈ, ‘કૌન સા મૉડલ હૈ? કિતને મેં લિયા?’
‘મોબાઇલ વેચવાનો નથી ઇડિયટ...’ પેલાએ કહ્યું, ‘મને હવે એ કહો કે આ દાઢીવાળાએ શું કર્યું છે?’
ગુલશન અચાનક ટટ્ટાર થઈ ગયો, ‘તમે પોલીસના માણસ છો?’
‘ના...’ તેણે ગોગલ્સ ઉતારીને પોતાની ટાલ પર હાથ ફેરવતાં કહ્યું, ‘પણ મારે જાણવું છે.’
‘અને અમારે ના કહેવું હોય તો?’ ગુલશને
છાતી કાઢી.
‘જુઓ, મારું નામ કુલભૂષણ ખન્ના છે. મારે જે જાણવું છે એની હું કિંમત ચૂકવવા તૈયાર છું.’ તેણે કાઉન્ટર પર પાંચસોની એક નોટ મૂકી.
ગુલશને નોટ સામે જોયું પણ નહીં, ‘મલમપટ્ટી કે પૈસે દેતા હૈ?’
કુલભૂષણ ખન્નાએ પાંચસોની બીજી બે નોટ મૂકી. ગુલશને કહ્યું, ‘પંદરસો રૂપિયાનો દારૂ તો હું એક રાતમાં પી જાઉં છું.’
કુલભૂષણના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે બીજી પાંચસોની બે નોટો ઉમેરી. ગુલશન બોલ્યો, ‘ચાચુ, ઢાઈ હઝાર મેં યે ભાઈ ઇન્ફર્મેશન ખરીદને નિકલે હૈં. ભાઈ, ઇન કો માલૂમ નહીં, યહાં છોકરી કે સાથ મસ્તી મારને કા રેટ ભી ઇસસે સસ્તા હૈ.’
કુલભૂષણને ગુલશનની ચાંપલાઈ બહુ ગમી નહીં. તેણે નોટોની થપ્પી ઉઠાવી ચાલવા માંડ્યું. બે પગથિયાં ઊતર્યો કે તરત તેને ગુલશનનો અવાજ સંભળાયો, ‘ઉસને મર્ડર કિયા હૈ...’
કુલભૂષણ થંભી ગયો. પાછો આવ્યો. કાઉન્ટર પાસે આવ્યો એટલે ગુલશને તેના શર્ટના કૉલર અધ્ધર ઉલાળતાં કહ્યું, ‘હમારે પાસ પ્રૂફ ભી હૈ!’
કુલભૂષણે ખિસ્સામાંથી એક બંડલ કાઢીને કાઉન્ટર પર મૂક્યું, ‘પાંચ હજાર છે.’
ગુલશને બંડલ ઉપાડીને પાછું તેના જ ખિસ્સામાં ખોસ્યું, ‘હાર્ડ ડિસ્ક પે અખ્ખા મર્ડર હૈ... પાંચ હઝાર મેં તો ટ્રેલર ભી નહીં દેખને કો મિલેગા.’
યાકુબચાચાની તો બોલતી જ બંધ થઈ ગઈ હતી, ‘જે છોકરીનું મર્ડર અહીં રેકૉર્ડ થયું છે તેને આગલી રાતે જ ગુલશને જીવતી જોઈ હતી અને હવે ગુલશન ખુદ જ એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે...’
‘પાંચ લાખ ટેબલ પે રખ્ખો, બાદ મેં બાત કરો.’ ગુલશને હુંકાર કર્યો.
કુલભૂષણ નામનો પેલો માણસ હવે વિચારમાં પડ્યો, પણ ગુલશને તેને એવો બાટલામાં ઉતાર્યો કે છેવટે તે બે લાખ આપવા તૈયાર થયો.
પણ ગુલશનની શરતો કડક હતી. રૂપિયા રોકડા અને અત્યારે જ. કાલે પણ નહીં અને કલાક પછી પણ નહીં. નહીંતર સોદો ભૂલી જાઓ! યાકુબચાચા તો ગુલશનની આખી હોશિયારી જોઈને દંગ થઈ ગયા હતા.
છેવટે કુલભૂષણે મોબાઇલ પર ફોન કરીને પૈસા મગાવ્યા. ગુલશને એ લઈને ચાચાને કહ્યું, ‘તમે પહેલાં આ પૈસાને બરોબર ઠેકાણે લગાવી આવો. પછી જ વિડિયો-શો શરૂ થશે.’
ચાચા પોતાના ઘરે જઈને પૈસા મૂકી આવ્યા. પછી ગુલશને જે રેકૉર્ડિંગની કૉપી કરી લીધી હતી એ બતાવવાનું શરૂ કર્યું.
હજી શરૂઆત જ થઈ ત્યાં તો કુલભૂષણની આંખો ચમકી ઊઠી. તેણે મોબાઇલ કાઢીને ગુલશનને કહ્યું, ‘મૈં જહાં બોલું ઉધર રોકના. મારે મારા મોબાઇલમાં પણ વિડિયો-ક્લિપ ઉતારી લેવી છે.’
‘અચ્છા!’ ગુલશન હસવા લાગ્યો, ‘વો પૉર્નોગ્રાફી ટાઇપ ક્લિપ બનાને કા ક્યા?’
lll
કુલભૂષણ ખન્ના વિડિયો-કૅસેટની કૉપી પોતાના કાળા જાકીટમાં ખોસીને ‘હોટેલ આશિયાના ગોલ્ડન’નાં પગથિયાં ઊતર્યો. તેની મોટરસાઇકલ ઊપડી અને તેની ઘરઘરાટી સંભળાતી બંધ થઈ કે તરત યાકુબચાચા બોલ્યા, ‘અબે ગુલશન, તું તો કહેતો હતો કે પેલી છોકરી જીવતી છે!’
‘છોડો ચાચુ, કદાચ મારી નજર ધોકો ખાઈ ગઈ હશે...’ ગુલશને યાકુબચાચાના ખભે ધબ્બો માર્યો, ‘આમ કે સાથ કામ રખ્ખો, ગુઠલિયોં કી ચિંતા છોડો ચાચુ!’
lll
ગુલશનનો મિજાજ આજે સાતમા આસમાને હતો. પૂરા એક લાખની રોકડી થઈ હતી, એ પણ એક જ રેકૉર્ડિંગ બીજી વાર કોઈ બકરાને વેચી માર્યું એમાં!
આજે તે જલસાના મૂડમાં હતો. રૂપિયાનાં બંડલ પોતાની રૂમમાં લઈ જઈને માળિયામાં પતરાના એક ડબ્બામાં, જેમાં જૂના ખિલ્લા-ખિલ્લી, ઇલેક્ટ્રિકના વાયરનાં ગૂંચળાં, કટાઈ ગયેલાં પક્કડ-પાનાં, તૂટેલી-બગડેલી સ્વિચ વગેરેનો જમેલો હતો એમાં પ્લાસ્ટિકની બે-ત્રણ અલગ-અલગ કોથળીઓમાં વહેંચીને નોટોને સંતાડી દીધી. પછી તે પોતાના ઠાઠિયા સ્કૂટરને કિક મારીને પહોંચ્યો હતો પોતાની ફેવરિટ નૉન-વેજ રેસ્ટોરાં-કમ-બારમાં.
અહીં એક બાજુ ચિકન ટિક્કા, ચિકન મસાલા અને ચિકન બિરયાની પેટમાં દબાવ્યે રાખી અને બીજી બાજુ તે વ્હિસ્કીની બૉટલ ખાલી કરતો રહ્યો. રેસ્ટોરાંમાં મોટા અવાજે વાગી રહેલી મ્યુઝિક-સિસ્ટમમાં ફિલ્મી ગાયનો સાથે તે રાગડા તાણીને ગાતો રહ્યો.
અહીંનું બિલ ચૂકવીને, વેઇટરને પૂરા ૫૦૦ રૂપિયાની નોટ ‘ટિપ’માં આપીને ગુલશન પહોંચ્યો બદનામ ગલીમાં. આખી જિંદગી જેનું નામ તે વારંવાર સાંભળતો હતો એ શબનમબાઈના ‘મહેલ’માં જઈને તેણે નોટોની એક થપ્પી ઉછાળતાં કહ્યું, ‘ઇધર કી બેસ્ટ આઇટમ મંગતી હૈ, દેતી હો?’
જ્યારે ગુલશન શબનમબાઈના ‘મહેલ’નાં પગથિયાં ચડીને ઉપરની સ્પેશ્યલ રૂમમાં પહોંચ્યો ત્યારે તેના પગ લથડિયાં ખાઈ રહ્યા હતા. અંદર ઘૂસતાંની સાથે જ તે બિસ્તર પર ઊંધો પટકાયો અને બીજી મિનિટે તેણે
ઊલટી કરી!
છેવટે ગાળાગાળ અને ઝઘડા પછી તેને બે જણે એ ‘મહેલ’માંથી ટાંગાટોળી કરીને ફુટપાથ પર
ફેંકી દીધો.
ગુલશન એ જ હાલતમાં વહેલી પરોઢ લગી ઊંઘતો રહ્યો. જ્યારે પાંચેક વાગ્યે તેના ખભા પર એક લાત પડી ત્યારે તેની આંખો ખૂલી.
તેણે આંખો ચોળીને જોયું તો પેલો ફ્રેન્ચકટ દાઢીવાળો સામે ઊભો હતો! ગુલશન બોલ્યો, ‘અભી તુમ કો ક્યા મંગતા, સાલા?’
(ક્રમશઃ)