24 September, 2024 07:33 AM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
ઇલેક્ટ્રિશિયન ગુલશને આપેલા આઇડિયા મુજબ યાકુબ ખાને પોતાની હોટેલ આશિયાનામાં CCTVની સિસ્ટમ તો બેસાડી હતી, પણ પહેલા જ મુહૂર્તમાં એમાં એક ખૂનનું રેકૉર્ડિંગ થઈ રહ્યું હતું...
એક ફ્રેન્ચકટ દાઢીવાળા માણસે પોતાની સાથે લાવેલી એક ખૂબસૂરત યુવતીનું ગળું દબાવીને તેને મારી નાખી હતી! હવે આગળ શું થશે?
ગુલશન અને યાકુબ ખાન પેલી રૂમમાં શું હિલચાલ ચાલી રહી છે એ ધ્યાનથી જોવા લાગ્યા. પેલા માણસે યુવતીને પલંગમાં સરખી રીતે સુવડાવીને તેના પર ચાદર ઓઢાડી. પછી તેણે આખી રૂમમાં બરાબર નિરીક્ષણ કર્યું અને દરવાજો ખોલીને બહાર નીકળ્યો.
તરત જ યાકુબચાચા કાઉન્ટર પર આવીને ગોઠવાઈ ગયા. પેલો માણસ કાઉન્ટર પાસે આવ્યો, ‘દેખો, મેરી... મેરી...’
‘વાઇફ.’ ગુલશને ચાચાની પાછળથી ટહુકો કર્યો.
‘હાં, મેરી વાઇફ...’ તે જરા નર્વસ થઈને બોલ્યો, ‘તેની તબિયત જરા બગડી લાગે છે. હું અહીંથી એક
ફોન કરી શકું? મારા મોબાઇલમાં બૅલૅન્સ નથી.’
‘કોને ફોન કરવો છે?’
‘એક હૉસ્પિટલમાં...’ પેલાએ કહ્યું, ‘અહીં નજીક જ છે. ડૉક્ટર મારા ઓળખીતા છે. તરત જ ઍમ્બ્યુલન્સ મોકલી આપશે.’
યાકુબ ખાને ગુલશન તરફ જોયું. ગુલશને ઇશારાથી હા પાડી. યાકુબ ખાને લૅન્ડલાઇન ફોન આગળ ખસેડ્યો.
પેલા માણસે ફોન કર્યો એની દસમી મિનિટે ખરેખર ઍમ્બ્યુલન્સ આવી પહોંચી. અંદરથી ઊતરેલા બે માણસો સ્ટ્રેચર લઈને હોટેલમાં આવ્યા અને પેલી યુવતીને એમાં સૂવડાવીને ઍમ્બ્યુલન્સમાં ચડાવી દીધી.
લાલ ટી-શર્ટવાળા પેલા માણસે બીજા ૧૦૦૦ રૂપિયા યાકુબના હાથમાં પકડાવતાં કહ્યું, ‘શુક્રિયા... પ્લીઝ, કોઈને વાત ન કરતા, કારણ કે તે મારી પત્ની નથી.’
‘ઠીક હૈ, ઠીક હૈ...’ ગુલશને
ઠાંસ મારી.
ઍમ્બ્યુલન્સ ઊપડી.
યાકુબચાચા હજી વિચારમાં હતા ત્યાં ગુલશનનું ખખડધજ સ્કૂટર સ્ટાર્ટ થવાનો અવાજ સંભળાયો, ‘અબે તૂ કહાં જા રહા હૈ?’
‘ઉનકે પીછે!’ ગુલશને સ્કૂટર ભગાવતાં કહ્યું, ‘પતા લગાના પડેગા ના? સાલા રહતા કિધર હૈ?’
lll
પૂરા એક કલાકે ગુલશન ધોયેલા મૂળાની જેમ પાછો આવ્યો.
‘ક્યા હુઆ?’ ચાચાએ પૂછ્યું.
‘મેરે સ્કૂટર મેં પેટ્રોલ ખતમ હો ગયા!’ સ્કૂટરને સ્ટૅન્ડ પર ચડાવતાં ગુલશને જોરથી લાત મારી. પછી પોતાનો જ પગ પકડીને ચીસ પાડતાં બોલ્યો, ‘સાલા? મૈં પેટ્રોલ પમ્પ ઢૂંઢું કિ ઉન કે પીછે દૌડું?’
ધૂંવાંપૂવાં થઈ રહેલા ગુલશનને યાકુબ ખાને ફ્રિજમાંથી કાઢેલી ઠંડી બિઅરની બૉટલ પકડાવી એટલે બેચાર ઘૂંટ માર્યા પછી તેનો ગુસ્સો ઠંડો પડ્યો. ‘મગર મૈં છોડૂંગા નહીં. ઉન કો ઢૂંઢ કે રહૂંગા! સાલા? ઐસે ફોગટ મેં મર્ડર કર કે નિકલ જાતા હૈ?’
lll
ચાર-ચાર દિવસ સુધી ગુલશન તેનો ઇલેક્ટ્રિશ્યનનો ધંધો તડકે મૂકીને પોતાનું ઠાઠિયું સ્કૂટર લઈને ભટકતો રહ્યો, પણ કાંઈ હાથ ન લાગ્યું. ન તો પેલો શીતળાના ડાઘવાળો ફ્રેન્ચકટ દાઢી કે ન તો પેલા બે ઍમ્બ્યુલન્સવાળા.
યાકુબચાચા તો એટલા ડઘાઈ ગયા હતા કે તેમણે પેલા છૂપા કૅમેરાવાળી રૂમ જ બંધ કરાવી દીધી હતી. પોતાની કૅબિનમાં બેસવાને બદલે આખો દિવસ કાઉન્ટર પર જ બેસી રહેતા હતા. ચાચાના પણ ચાર દહાડા બહુ ખરાબ ગયા હતા.
પાંચમા દિવસે જે સવાર ઊગી એ સાવ ધૂંધળી હતી. હવામાં ઘેરું ધુમ્મસ હતું. યાકુબચાચાએ આખી રાત કાઉન્ટર પર બેસીને ઝોકાં ખાધાં હતાં, પણ એકેય ઘરાક ફરક્યો નહોતો. છેવટે સવારે કંટાળીને છોકરાને કાઉન્ટર પર બેસાડીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા, પણ હજી ગલીની બહાર જ નીકળ્યા ત્યાં તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ!
સામે પાનના ગલ્લા પાસે જ પેલો ફ્રેન્ચકટ દાઢીવાળો ઊભો-ઊભો સિગારેટ ફૂંકી રહ્યો હતો!
ચાચા એકદમ સાવધ થઈ ગયા. પછી દબાતા પગલે પાછળથી જઈને અચાનક તેની ફેંટ પકડી લીધી, ‘સાલે ખૂની? મર્ડર કિયા હૈ તૂને, મર્ડર!’
પેલો એકદમ ગભરાઈ ગયો, ‘ક્યા હૈ, કયા હૈ?’ કરતો તે ચાચાનો હાથ છોડાવવા લાગ્યો, પણ ચાચાએ બન્ને હાથ વડે તેને મજબૂતીથી પકડી લીધો. પેલો માણસ કદાવર હતો, પણ ચાચાએ તેને એવો વિચિત્ર રીતે પકડ્યો હતો કે જોર કરવા જતાં બન્ને જણ ફુટપાથની પાળી પરથી ગબડી પડ્યા. નસીબજોગ એ જ વખતે ગુલશન પોતાના હાથમાં પતરાનું ડબલું લઈને કુદરતી હાજતે જવા નીકળ્યો હતો. તે તો એ જોતાં જ ડાઘિયા કૂતરાની જેમ દોડતો ધસી આવ્યો અને પેલાના માથામાં ડબલા વડે જ બે-ચાર ફટકારી દીધી!
‘અબે સાલે? તૂ ક્યા સમઝતા હૈ? ઍમ્બ્યુલન્સ મેં બૈઠ ગયા તો ક્યા મેરે સ્કૂટર સે પીછા છૂડા લેગા?’
પેલો બન્ને બાજુથી ઝડપાઈ ગયો, પણ તે હોશિયાર નીકળ્યો. આજુબાજુથી ભીડ ભેગી થાય એ પહેલાં જ તે ધીમેકથી હોઠ ફફડાવીને બોલી ગયો, ‘અંદર ચલો, વહીં માંડવલી કરેંગે.’
ગુલશન સતર્ક થઈ ગયો. જાણે કાંઈ જ બન્યું નથી અને બહુ વખતે જૂનો દોસ્ત મળી ગયો હોય એવો દેખાવ કરતાં તેણે પેલાના ખભે ફરતો હાથ વીંટાળી દીધો અને અંદરની ગલીમાં લઈ ગયો.
‘હોટેલ ગોલ્ડન આશિયાના’ની કૅબિનમાં દાખલ થતાં જ ગુલશને દરવાજો અંદરથી બંધ કરી દીધો. પછી સામે ગોઠવેલું ટીવી અને રેકૉર્ડર બતાવતાં કહ્યું, ‘જાનતા હૈ યે ક્યા હૈ? યે તેરે મર્ડર કા પ્રૂફ હૈ!’
યાકુબ ખાને પેલાને આખું રેકૉર્ડિંગ ટીવીમાં ચલાવીને બતાવ્યું. તરત જ તે સતર્ક થઈ ગયો, ‘આ તો... આ તો છૂપા કૅમેરાથી શૂટ કરેલું છે.’
‘એ છે જ ને?’ ગુલશને કહ્યું, ‘હવે બોલ, કેટલા ઢીલા કરીશ? પાંચ લાખથી એક રૂપિયો ઓછો નહીં લઉં સમજ્યો?’
પેલો થોડી વાર કંઈ ન બોલ્યો. પછી પોતાની દાઢીમાં આંગળાં ફેરવતાં કહેવા લાગ્યો, ‘અચ્છા... એટલે આ રેકૉર્ડિંગ તમે પોલીસને બતાવશો એમ?’
‘હા.’
‘અને તમે શું માનો છો, પોલીસ મને અંદર કરી દેશે? ના, પહેલાં તમને બન્નેને અંદર કરશે! કારણ કે આ રીતે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) ગોઠવીને ગ્રાહકની ફિલમ ઉતારવાના ધંધામાં તમે કેટલાં વર્ષ માટે ફિટ થઈ જશો ખબર છે? પૂરાં ૮ વર્ષ માટે! અને રહી વાત મારી, તો મારા મૂરખ દોસ્તો, મારી પહોંચ બહુ લાંબી છે. હું તો જામીન પર બે જ દિવસમાં છૂટી જઈશ અને ડફોળો, તમને હજી ખબર નથી કે ખૂન જેવા સિરિયસ ગુનામાં હજી આપણા દેશની કોર્ટો આવા ભલતાસલતા ગુપ્ત રેકૉર્ડિંગને પુરાવા ગણતી જ નથી!’
‘એટલે તું કહેવા શું માગે છે?’
‘જુઓ, હું તમને વધુમાં વધુ પચાસ હજાર આપી શકું છું. લેવા હોય તો લો, નહીંતર તમારી મરજી. મને અંદર કરવા જતાં તમે અંદર થઈ જશો, વિચારી લો.’
‘પચાસ
હજાર નહીં, બે લાખ...’ ગુલશને ફૂંફાડો માર્યો.
‘ચાલો સાઠ હજાર.’
‘દોઢ લાખથી એક રૂપિયો કમ નહીં.’
‘એંશી હજાર, એનાથી એક રૂપિયો વધારે નહીં.’
‘મંજૂર છે...’ યાકુબચાચાએ તરત જ હા પાડી દીધી, ‘પણ જ્યાં સુધી રૂપિયા નહીં મળે ત્યાં સુધી અમે તને અહીંથી જવા નહીં દઈએ.’
‘ઓકે?’ પેલાએ પોતાના મોબાઇલથી કોઈ સાથે વાત કરી અને પાંચ જ મિનિટમાં એક માણસ મોટરસાઇકલ પર આવી ગયો. તેની પાસે એક પૅકેટમાં પૂરા એંશી હજાર હતા.
હાર્ડ ડિસ્ક પોતાના ખિસ્સામાં મૂકતાં પેલો માણસ બોલ્યો, ‘આની બીજી કોઈ કૉપી તો નથીને? હશે તો તમે પહેલાં જેલમાં જશો.’
‘તમે બેફિકર રહો...’ યાકુબચાચાએ રૂપિયાનાં બંડલ ટેબલના ડ્રૉઅરમાં સંતાડતાં કહ્યું.
પેલો જતો રહ્યો એ પછી ગુલશને પગ પછાડતાં બળાપો કાઢ્યો, ‘ક્યા ચાચા? બહોત સસ્તે મેં બિક ગયે!’
‘સસ્તે મેં બિકે નહીં, સસ્તે મેં જાન છૂટી.’ ચાચાએ બંડલમાંથી ચાલીસ હજારની થપ્પી ગુલશનને આપતાં કહ્યું, ‘આજે ને આજે આ કૅમેરાનાં ડબલાં હટાવી નાખ. મારે આ બબાલ ન જોઈએ.’
પણ ગુલશન હસ્યો, ‘ચાચુ... આજ તો યે કામ નહીં હોગા, ક્યોં કિ આજ તો હમ જલસા કરેંગે જલસા...’ નોટોનાં બંડલને ચૂમતાં તે બહાર નીકળી ગયો.
lll
એ રાતે બરોબર બે વાગ્યાના સુમારે યાકુબચાચાના ઘરનાં બારણાં જોરજોરથી ખખડવા લાગ્યાં. આંખો ચોળતાં ચાચાએ દરવાજો ખોલ્યો કે તરત ગુલશન લથડિયું ખાતો અંદર ધસી આવ્યો.
પછી તરત જ દરવાજો અંદરથી બંધ કરતાં બોલી ઊઠ્યો, ‘ચાચુ, ગજબ હો ગયા! જીસ છોકરી કુ ઉસને માર ડાલા થા ઉસી કો મૈંને ઝિંદા દેખા... માં કસમ!’
યાકુબચાચા પહેલાં તો ચોંકી ગયા, પણ પછી ગુલશનના ચકળવકળ થઈ રહેલા ડોળા અને તેના મોઢામાંથી આવી રહેલી શરાબની વાસને કારણે ચાચા પાછા હોશમાં આવી ગયા.
તેમણે ગુલશનના ખભે હાથ થપથપાવતાં કહ્યું, ‘ચલ બેટે, અભી તેરે કો ભોત ચડ ગઈ હૈ... તૂ ઘર જાકે સો જા. સુબહ બાત કરેંગે.’
‘અરે નહીં ચાચુ!’ ગુલશન હજી લથડિયાં ખાઈ રહ્યો હતો, ‘વો ઝિંદા હૈ! મૈંને અપની સગી આંખોં સે ઉસકુ દેખા! સાથ મેં વો સાલા ફ્રેન્ચ દાઢીવાલા ભી થા.’
‘ક્યા?’
‘હાં, વો દોનોં સાથ મેં થે!’ ગુલશન છાતી ઠોકતાં બોલ્યો, ‘ચાચુ, મૈં ઝૂઠ નહીં બોલતા... તુમ ચલો અપુન કે સાથ. મૈં તુમ કો દિખાતા હૂં!’
પણ ચાચુના બે હાથ પકડીને ગુલશન તેમને ઢસડવા ગયો ત્યાં જ તે લૂડકી ગયો. ફર્શ પર પડતાંની સાથે જ તે ઢગલો થઈ ગયો. યાકુબચાચાએ તેને જગાડવાના બહુ પ્રયાસ કર્યા, પણ તે જાગ્યો જ નહીં.
બીજા દિવસે છેક બપોરે ગુલશને આંખ ખોલી, પણ તેની રેકૉર્ડ તો ત્યાં જ ફસાયેલી હતી, ‘ચાચુ, વો લડકી ઝિંદા હૈ!’
હવે યાકુબચાચાને પણ ગુલશનની વાતમાં કંઈક દમ હશે એમ લાગ્યું, પણ એ બને જ શી રીતે? તેમણે સગી આંખે પોતાની હોટેલ ‘આશિયાના ગોલ્ડ’ની રૂમમાં એ બન્ને જણને જતાં જોયેલાં અને પછી ગુલશને ગોઠવેલા છૂપા કૅમેરા વડે રૂમની અંદરનું આખું દૃશ્ય CCTVમાં જોયું હતું. પેલા ફ્રેન્ચ દાઢીવાળા માણસે તેની સાથેની ખૂબસૂરત જવાન છોકરીનું ગળું ઘોંટીને તેને મારી નાખી હતી અને પછી ઍમ્બ્યુલન્સ બોલાવીને પોતે જ તેને લઈ ગયો હતો.
એટલું જ નહીં, આખી વાત બહાર ન પડી જાય એ માટે ખુદ એ ફ્રેન્ચ દાઢીવાળો માણસ આખી વિડિયો કૅસેટના પૂરા ૮૦ હજા૨ ચૂકવીને કૅસેટ લઈ ગયો હતો. સાલું, જેણે ૮૦ હજાર ખર્ચ્યા હોય એ માણસ એ જ છોકરી સાથે જોવા મળે? અને જો એ છોકરી ખરેખર જીવતી હોય તો એ માણસ અહીં આવીને અમારી બોચી કેમ નથી ઝાલતો કે ‘લાવો મારા રૂપિયા પાછા?’
યાકુબચાચાને વિચાર કરતાં લાગ્યું કે ગુલશને વધારે પડતો દારૂ પીધો હશે એમાં જ કંઈ નજરચૂક થઈ હશે. પણ ગુલશન એની વાત પર અડગ હતો, ‘યાકુબચાચા, તુમ ચલો. મૈંને ઉસે વો મહંગીવાલી ચાઇનીઝ રેસ્ટોરાં મેં દેખા થા. મૈં તો કહતા હૂં આજ ભી વો વહીં પર આયેગી.’
અહીં તો સાવ નવો જ ખેલ
થવાનો હતો.
(ક્રમશઃ)