દે તાળીઃ તાળી એક જ હોય પણ એના પ્રકાર કેટલા છે

14 December, 2023 03:30 PM IST  |  Mumbai | JD Majethia

રાજી થઈને વગાડવામાં આવતી તાળી, બે મિત્રો મળે ત્યારે એકબીજાને અપાતી તાળી, ઘરે બાળકનો જન્મ થાય અને નાન્યતર જાતિના લોકો ઘરે આવીને વગાડે એ તાળી અને એવી તો કેટકેટલી તાળીઓ!

ઈશ્વરે તમારા શરીરમાં જ સંગીત મૂકી દીધું છે. તમારી પાસે એક પણ પ્રકારનું વાજિંત્ર ન હોય અને એ પછી પણ તમને સંગીત જોઈતું હોય તો આ તાળી ઇન્સ્ટ્રુમેન્ટનું કામ કરે. એવું નથી કે આ તાળી એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ભગવાને તમને આપ્યું હોય. હજી એક બીજું ઇન્સ્ટ્રુમેન્ટ પણ ભગવાને આપ્યું છે, જે છે વ્હિસલ એટલે કે સીટી.

આપણે વાત કરતા હતા ધોળ-ભજનની અને ગયા ગુરુવારે મેં તમને કહ્યું એમ, હું અમારા સમાજના ધોળ-ભજનમાં ગયો. મને બહુ મજા આવી. ધોળ-ભજન દરમ્યાન એવું આનંદમય ને અલૌકિક વાતાવરણ ઊભું થાય કે એમ જ થાય કે બસ, જીવન આમ જ ચાલ્યા કરે અને આપણે ભજન કર્યા કરીએ. ધોળ આવડતાં ન હોય તોય એ ઝીલતાં, એની સાથે તાળીઓ વગાડતાં એમાં તમે ભળી જાઓ. જે તાલમાં બધી તાળીઓ પડતી હોય એ રિધમ બની જાય. તમે પણ જ્યારે ભજનમાં જાઓ ત્યારે ત્યાં જઈને આ વાત નોટિસ કરજો, તમને ખબર પડશે કે હું શું કહેવા માગું છું ને જે કહેવા માગું છું ત્યાંથી જ મારી વાતની શરૂઆત થાય છે.

તાળી. ધોળ-ભજન દરમ્યાન મને સમજાયું કે બે હાથે વાગતી તાળીમાં કેટલો કર્ણપ્રિય અવાજ છે અને એ કેવું સંગીતમય વાતાવરણ ઊભું કરી શકે. આ તાળી વગાડતાં-વગાડતાં તમારામાં એક લય અને તાલ સેટ થઈ જાય છે અને બધાની સાથે એ ઝીલતાં-ઝીલતાં તમારી અંદર ખાસ વિશેષ પ્રકારની ઉષ્મા જન્માવી દે છે. આ તાળી કમાલ કરે એવી હોય છે. ખરેખર, આ તાળી કમાલની કરામત છે કુદરતની. કોણે શોધી હશે આ તાળી, ક્યાંથી શોધાઈ હશે આ તાળી અને કેવા સંજોગોમાં એ પહેલી વાર વાગી હશે. હું તો માનું છું કે ખરેખર એના પર સંશોધન થવું જોઈએ.

આ જે તાળી છે એ ભજનમાં સંગીત બની જાય છે તો કલાકારો માટે આ તાળી ઑક્સિજનનું કામ કરે છે. સ્ટેજ પર કોઈ સારી વાત આવે કે પછી કોઈ કલાકાર સારો અભિનય કરે અને તાળી વાગે ત્યારે સ્ટેજ પર પાત્રમાં ઓતપ્રોત થઈ ગયેલા કલાકારને પ્રોત્સાહન મળે છે. નાટક પૂરું થાય અને કર્ટન કૉલ આવે ત્યારે છેલ્લે કલાકારને સ્ટેજ પર બોલાવવામાં આવે અને એ જે તાળીઓ પડે એ તાળીઓના આધારે કલાકાર મનોમન સમજી જાય કે પોતે કેવું કામ કર્યું છે. ખરેખર, એ જે તાળીઓ હોય છે એ કલાકારનું મહત્ત્વ વધારવાનું કામ પણ કરતી હોય છે અને ઘણી વાર તો આ તાળીઓ કલાકારનું કવર એટલે કે પૈસા વધારવાનું કામ પણ કરે તો ઘણી વાર આ તાળીઓ કલાકારને નવું કામ અપાવવામાં પણ મદદ કરી જાય. ઘણી વાર તો કલાકારો તાળીના પ્રતિસાદથી ઑડિયન્સ કેવું છે એ પણ નક્કી કરતા હોય છે તો ઘણી વાર તાળીઓના આધારે કયા ઍક્ટરને વધારે ફુટેજ મળે છે એ પણ નક્કી કરતા હોય છે. તાળીઓ ગજબની હોય છે.

તાળીઓથી ક્રિકેટ સ્ટેડિયમમાં આપણે પ્લેયર કે પછી તેના પર્ફોર્મન્સને વધાવતા હોઈએ છીએ તો ઘણી વાર તાળીઓ દ્વારા અવૉર્ડ શોમાં આપણે કોઈના કામને બિરદાવી લેતા હોઈ છીએ. તાળીઓથી ફિલ્મના સીનને પણ વધાવવામાં આવે અને તાળીઓથી હીરોની એન્ટ્રીને પણ આવકારવામાં આવે તો ઘણી વાર તાળીઓનું જુદું રીઍક્શન પણ હોય. હિન્દી ફિલ્મમાં વિલન કોઈનાં ખોટાં કામ કે નકામી વાતને ઉતારી પાડવા માટે પણ તાળી પાડે છે તો રાજામહારાજાનો સમય હતો ત્યારે રાજા તાળી પાડીને તેના અંગત મદદનીશ કે પછી મહેલના નોકરચાકરને બોલાવવાનું કામ પણ કરતા. રાજાની તાળી પડે કે તરત તેનો હજૂરિયો હાજર થઈ જાય. વિચાર કરો કે રાજાની તાળીનો એ જાદુ કેવો હશે કે આજુબાજુમાં ગમે એટલો અવાજ આવતો હોય તો પણ દાસને એ સંભળાઈ જ જાય અને એ આવી જ જાય.

તાળીની વિવિધતા જુઓ.

ઘરે બાળક આવે ત્યારે કોઈ જાતની જાહેરાત વિના તરત ઘરે પહોંચી જનારા નાન્યતર જાતિના લોકોના આગમનની ખબર તમને તેમની તાળીથી જ પડે અને તમે જો જો, તેમની તાળીનો અવાજ પણ સાવ જુદો જ હોય. હવે તો આ નાન્યતર જાતિના લોકો ટ્રાફિક સિગ્નલ પર પણ ઊભા રહે છે, તમે તાળીનો અવાજ સાંભળજો. હવા ચીરતો એ અવાજનો પડઘો એવો તે પડે કે તમારું ધ્યાન એ બાજુએ ખેંચાયા વિના રહે જ નહીં. આ એક તાળીનો અવાજ બધા કરતાં સાવ જુદો હોય, તમે એની નકલ કરવાની કોશિશ કરો તો પણ એવું બને કે એકાદ-બે તાળી પાડો ત્યાં તો તમને હાથમાં દુખવા માંડે. નાન્યતર જાતિના લોકોની આ જે તાળી છે એ રબર સ્ટૅમ્પ જેવી બની ગઈ છે. એ અવાજ જ્યારે પણ સંભળાય ત્યારે તમને સીધા આંખ સામે એ જ લોકો આવી જાય.

તાળીની વાત ચાલે છે ત્યારે આજકાલ યંગસ્ટર્સમાં તાળી આપવાની એક જુદી જ સ્ટાઇલ ઊભી થઈ ગઈ છે. એક હાથ ઉપર કરે એટલે બીજો આવીને એ હાથ પર હાથ ફટકારે, જેને આ યંગસ્ટર્સ હાઈ ફાઇવ કહે છે, પણ છે તો તાળી જ. એવી તાળી જેમાં બે વ્યક્તિનો હાથ એક અવાજ ઊભો કરે છે.

આ જે તાળી છે એનો બીજો પણ એક ઉપયોગ યાદ આવ્યો. જ્યારે તમે કોઈને સાંભળવા ગયા હો અને પેલો માઇક પર બોલનારો લાંબું-લાંબું-લાંબું ખેંચ્યા જ કરે ત્યારે પણ આ તાળી કામ લાગે છે. અકારણ, વચ્ચે ગમે ત્યાં લોકો તાળી પાડવા માંડે અને એવું એકાદબે વખત બને કે તરત બોલનારાને પણ ખબર પડી જાય કે તેને શું કહેવાનો પ્રયાસ સામે બેઠેલું ઑડિયન્સ કરે છે. આ સિગ્નલને સમજીને એ ભાઈ પોતાની વાત ટૂંકાવી દે અને માઇક બીજાના હાથમાં સોંપી દે. અહીં આ તાળી બોરિંગ વાતને ટૂંકાવવાનું કામ કરે છે. તમને થશે કે આ તાળી તો કેટલા પ્રકારની, પણ તમને એક તાળી વિશે વાત કરવાનું તો હજી બાકી છે. હિન્દુસ્તાનની સૌથી મોટી તાળી, ગરબાની તાળી.

જે તાળીના આધારે આખો દેશ ઝૂમતો હોય અને દુનિયાનો એકમાત્ર લૉન્ગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ ઊજવતો હોય એ તાળીને કેવી રીતે ભૂલી શકાય! ગરબામાં એકસરખા તાલમાં વાગતી તાળી અને એ તાળીના આધારે ઝૂમતા લોકો. તમે જો ગરબાના મેદાનમાં ગયા હો તો વાગતા મ્યુઝિક વચ્ચે પણ તમને તાળીનો અવાજ આવ્યા વિના રહે નહીં. એ જે તાળી છે એ તાળીમાં આરાધના પણ છે અને એ તાળીમાં શ્રદ્ધા પણ છે. તમે જુઓ, ઈશ્વરે કેવું કામ કર્યું છે. તેણે તમારા શરીરમાં જ સંગીત મૂકી દીધું છે. તમારી પાસે એક પણ પ્રકારનું વાજિંત્ર ન હોય અને એ પછી પણ તમને સંગીત જોઈતું હોય તો આ તાળી ઇન્સ્ટ્રુમેન્ટનું કામ કરે. એવું નથી કે આ તાળી એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ભગવાને તમને આપ્યું હોય. હજી એક બીજું ઇન્સ્ટ્રુમેન્ટ પણ ભગવાને આપ્યું છે.

વ્હિસલ, સીટી.

મોઢામાં ફૂંક ભરી હોઠને એવી રીતે વાળવાના કે અંદરથી બહાર આવતી હવા સુરીલા સંગીતની જેમ બહાર આવે અને પક્ષીઓના મધુર અને મીઠા અવાજ જેવો અવાજ બની જાય. વ્હિસલના આધારે ગીતો પણ કેટલાં સરસ વાગે અને ઘણા લોકો એ વગાડતા પણ હોય છે. કૉલેજના દિવસોમાં મેં પણ વગાડ્યા છે. સીટી મારીને કોઈને બોલાવવાનું પણ કામ થાય અને આ સીટીનો દુરુપયોગ પણ થાય. હા, વ્હિસલનો દુરુપયોગ પણ કરવામાં આવે જ છે, જે છે છોકરીની છેડતી કરવામાં આવે. સરસ છોકરી જતી હોય ત્યારે એને છેડવા માટે મવાલી કે પછી એના જેવા લોકો રસ્તાના એક ખૂણે ઊભા રહીને સીટી મારે અને એ સીટી જો કોઈના ધ્યાનમાં આવી જાય અને એ કોઈનાથી ડરતો ન હોય તો સીટી મારનારા પાસે જઈને તાળી મારી દે, પણ એ તાળીમાં એક એનો હાથ હોય અને સામે પેલા મવાલીનો ગાલ હોય!

એ સમયે પણ અવાજ તાળી જેવો જ આવે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia