22 December, 2024 05:01 PM IST | Mumbai | Dr. Nimit Oza
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
‘બાળપણમાં લાગેલા આઘાતો આપણા ભવિષ્યનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય નક્કી કરે છે.’
અરે, બાપ રે! ધૅટ્સ અ બોલ્ડ સ્ટેટમેન્ટ! આ વાક્ય મેં જ્યારે પહેલી વાર વાંચ્યું ત્યારે હું પણ તમારી જેમ સ્તબ્ધ બની ગયેલો. મેડિકલ સાયન્સમાં આજ સુધી હું જે નથી ભણ્યો એવી કંઈક ‘એલિયન’ ફિલોસૉફીને નકારી કાઢવાના મારી પાસે અઢળક પુરાવાઓ હતા, પણ એની સામે આ વાક્ય પર ગંભીરતાથી વિચારવાનું એક સબળ કારણ પણ હતું. એ અધિકૃત, અનુભવી અને ભરોસાપાત્ર કારણ એટલે ડૉ. ગેબોર મેટે.
ડૉ. ગેબોર મેટે કૅનેડિયન ફિઝિશ્યન છે. તેઓ વર્ષોથી ‘ચાઇલ્ડહુડ ટ્રૉમા ઍન્ડ મેન્ટલ હેલ્થ’ વિષયમાં પ્રૅક્ટિસ કરી રહ્યા છે. તેમના મત પ્રમાણે આજના યુવાનોની મોટા ભાગની સમસ્યાઓનાં મૂળ તેમના બાળપણમાં રહેલાં છે. ડ્રગ્સ, આલ્કોહોલ, સિગારેટ કે તમાકુનું વ્યસન, પૉર્નોગ્રાફી, સોશ્યલ મીડિયા કે વિડિયો ગેમ્સનો અતિરેક, ડિપ્રેશન, બેચેની, ગુસ્સો અને આવું તો કેટલુંય. આપણી દરેક સામાજિક, વ્યક્તિગત અને વ્યાવહારિક સમસ્યાનું એકમાત્ર કારણ આપણા ઉછેર દરમ્યાન રહેલી ‘ઇમોશનલ એજ્યુકેશન’ની ઊણપ છે.
બાળમાનસ પર લાગેલો આઘાત એટલે બાળક પર થયેલો કોઈ શારીરિક અત્યાચાર કે મારપીટ નહીં. ‘ચાઇલ્ડહુડ ટ્રૉમા’નો અર્થ એવો પણ નથી કે બાળક કોઈ હિંસા કે ઉત્પીડનનો સાક્ષી કે ભોગ બન્યું હોય. આઘાતની વ્યાખ્યા ડૉ. ગેબોરના મતે અતિ સૂક્ષ્મ, સંવેદનશીલ અને નવીન છે. બાળપણમાં લાગેલો માનસિક આઘાત એટલે એ દરેક નકારાત્મક લાગણી જે યોગ્ય રીતે અભિવ્યક્ત નથી થઈ. ગુસ્સો, રુદન, દુઃખ કે ઈર્ષા જેવી તમામ લાગણીઓ જેમનું યોગ્ય ‘ઇમોશનલ પ્રોસેસિંગ’ કરવામાં બાળકને વાલીઓ તરફથી જરૂરી મદદ નથી મળી એ બધું જ ચાઇલ્ડહુડ ટ્રૉમા છે. આપણે આપણાં બાળકોને રડતાં, ચીસો પાડતાં, ગુસ્સે થતાં કે દુઃખી થતાં નથી જોઈ શકતાં અને માટે જ્યારે પણ બાળકના મનમાં આવી કોઈ અપ્રિય કે નકારાત્મક લાગણી ઉદ્ભવે છે ત્યારે એને યોગ્ય રીતે ઉત્સર્જિત થવા દેવાને બદલે આપણે એ લાગણીનું દમન કરીએ છીએ.
‘ડાહ્યાં બાળકો રડે નહીં’ અથવા ‘ઉદાસ ન થાય’ જેવી નકારાત્મક લાગણીઓથી દૂર ભાગવાના અભિગમને કારણે બાળક મોટું થયા પછી અભિવ્યક્ત થતાં ડરે છે. પ્રસન્નતા કે આનંદ જેવા માત્ર ‘પૉઝિટિવ ઇમોશન્સ’ જ કુટુંબ અને સમાજમાં સ્વીકાર્ય છે એવી માન્યતા સાથે ઊછરેલું બાળક ધીમે-ધીમે પોતાની ‘નેગેટિવ’ કે ‘ડાર્ક’ સાઇડથી દૂર ભાગતું જાય છે. પીડા, દુ:ખ, અસ્વીકાર કે તિરસ્કાર જેવી સ્થિતિમાં કઈ રીતે રીઍક્ટ કરવું એનાથી તદ્દન અજાણ રહી ગયેલું બાળક જ્યારે પુખ્ત બને છે ત્યારે આવી અસંખ્ય પડકારરૂપ લાગણીઓનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે.
એકલતા, રિજેક્શન, નિષ્ફળતા કે ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓ કઈ રીતે હૅન્ડલ કરવી એની સમજણ જ્યારે બાળકને આપવામાં આવશે ત્યારે આ સમાજના મોટા ભાગના પ્રશ્નો આપમેળે ઊકલી જશે. એક સમાજ તરીકે આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા બાળકના ગણિત કે વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ આવશે એની ચિંતા આપણે કરીએ છીએ ; પરંતુ મોટા થયા પછી આપણું સંતાન હાર્ટ-બ્રેક, ડિપ્રેશન કે વૈવાહિક સંઘર્ષનો સામનો કઈ રીતે કરશે એનો વિચાર સુધ્ધાં કરતા નથી. આ જ કારણથી આપણાં બાળકોને ઔપચારિક શિક્ષણની સાથે-સાથે ઇમોશનલ એજ્યુકેશનની જરૂર છે. કોઈની મદદ વગર છાનું કઈ રીતે રહેવાનું? કોઈ રિજેક્ટ કરે તો ક્યાં જઈને રડવાનું? હતાશા ઘેરી વળે ત્યારે કઈ રીતે અભિવ્યક્ત થવાનું? નબળા વિચારો આવે ત્યારે શું કરવાનું? આ બધી પાયાની સમજણ જ્યારે બાળકને આપવામાં આવશે ત્યારે આપણી કેળવણી સંપૂર્ણ થઈ ગણાશે.
આપણે આપણા દરેક અસ્તિત્વની કોઈ એવી બાજુથી અજાણ હોઈએ છીએ જે બાળપણમાં થયેલા સપ્રેશન અને ડરને કારણે આપણામાં જ ક્યાંક દટાયેલી હોય છે. અવ્યક્ત રહી ગયેલી આવી અસંખ્ય લાગણીઓનો ભાર આપણને દિલ ખોલીને જીવતા અટકાવે છે. કોઈ કાલ્પનિક અજ્ઞાત ડર આપણને રોકી રાખે છે. નેગેટિવ ઇમોશન્સને હૅન્ડલ કરવાની આપણી અણઆવડત આપણને ઊડતા અટકાવે છે.
આપણી સંપૂર્ણ ક્ષમતા સાથે જીવન જીવવા માટે આપણને મુખ્ય બે ઘટકોની જરૂર હોય છે : ભાવનાત્મક લગાવ અને સ્વાભિમાન. આપણી લાગણીઓ, અનુભૂતિઓ અને મનોભાવો પ્રત્યે જો આપણે પ્રામાણિક અને આપણી યાતનાઓનાં મૂળ આપણા બાળપણમાં રહેલાં છે પારદર્શક રહી શકીએ તો આપણે મેળવેલી એ સર્વોચ્ચ ઉપલબ્ધિ છે. ‘વલ્નરેબિલિટી’ કે દુઃખી થવાની શક્યતાથી આપણે દૂર નહીં ભાગી શકીએ, પણ આપણે જે લાગણી અનુભવીએ છીએ એ પૂરા આત્મવિશ્વાસ અને કન્વિક્શન સાથે કોઈ પણ જાતના અપરાધભાવ વગર અભિવ્યક્ત કરી શકીએ તો ખૂલીને જીવી શકીએ.
આપણે દુઃખી, ઉદાસ કે ભયભીત શું કામ છીએ અને એક્ઝૅક્ટ્લી શું અનુભવીએ છીએ એટલી માહિતી પણ જો આપણે યોગ્ય રીતે વ્યક્ત કરી શકીએ તો માનસિક સ્વસ્થતા તરફ જઈ શકીએ. મનના પાંજરામાં પૂરેલી લાગણીઓ સૌથી પહેલાં આપણને બંદી બનાવે છે. કાગળ પર હોય કે પ્રિયજનના કાનમાં, પણ એને મુક્ત રીતે વહેવા દેવી જોઈએ. ખુશ ચહેરો રાખીને દરેક વખતે ‘ફીલિંગ જૉયફુલ’નું સ્ટેટસ રાખવું આપણા દરેક માટે અશક્ય છે. અણગમતી લાગણીઓ સાથેનો આપણો વ્યવહાર જ આપણી ઇમોશનલ હેલ્થ નક્કી કરે છે અને એને હૅન્ડલ કરવાની તાલીમ દરેકને બાળપણમાં જ મળવી જોઈએ.