૧૧ વર્ષ પછી જ ઘરે પાછો આવીશ એવી ભીષ્મપ્રતિજ્ઞા લઈને એનર્જી સ્વરાજ યાત્રા પર નીકળી પડ્યા છે મુંબઈના આ પ્રોફેસર

14 July, 2024 01:48 PM IST  |  Mumbai | Aashutosh Desai

આ પ્રોફેસરને કોઈક સોલર ગાંધી કહે છે તો કોઈક સોલર મૅન ઑફ ઇન્ડિયા કહે છે

ચેતનસિંહ સોલંકી

કુદરતી સંસાધનોનો સમજીવિચારીને ઉપયોગ કરવો જોઈએ એ મંત્રનો ભેખ ધારણ કરીને ૨૦૨૦થી સોલર પાવરથી ચાલતી બસમાં ભારતભ્રમણ કરી રહેલા ચેતનસિંહ સોલંકીએ સેંકડો ગામમાં સૌરઊર્જાથી સંચાલિત ફાનસનો ઉજાસ ફેલાવ્યો છે અને તેઓ લોકોને પર્યાવરણ બાબતે સંવેદનશીલ થવા ઝંઝોળવાનું કામ કરી રહ્યા છે. કોઈ સિસ્ટમના બદલાવ માટે વિરોધ-પ્રદર્શનો નહીં પણ વ્યક્તિગત સંવેદના જગાવીને જન-જનને જગાડવા દેશભ્રમણ કરી રહેલા આ પ્રોફેસરને કોઈક સોલર ગાંધી કહે છે તો કોઈક સોલર મૅન ઑફ ઇન્ડિયા કહે છે

ક્યારેક કદાચ તમને માર્ગમાં જો ક્યાંક ભૂરા રંગની બસ દેખાય જેના પર લખ્યું હોય ‘એનર્જી સ્વરાજ યાત્રા’ તો સમજી જજો કે નક્કી એ બસ ‘સોલર મૅન ઑફ ઇન્ડિયા’ની જ હોવાની અને તેઓ જાતે જ બસ ચલાવતા હશે તથા છેલ્લાં કેટલાંક વર્ષોથી એમાં જ રહેતા પણ હશે. આટલું વાંચતાં જો વાત ઇન્ટરેસ્ટિંગ લાગી હોય તો ધારણા મૂકી શકો કે જેમની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છે તેમનું કામ, તેમની નેમ અને તેમની જિંદગી કેટલી ઇન્ટરેસ્ટિંગ હશે.

પ્રોફેસર ચેતનસિંહ સોલંકી - આ એ વ્યક્તિનું નામ છે જેમને હવે ભારતવાસીઓ સોલર મૅન ઑફ ઇન્ડિયાના નવા નામથી વધુ સારી રીતે ઓળખે છે. છત પર કુલ ૮ સોલર પૅનલ્સ લાગી હોય એવી બસનું ડિઝાઇનિંગ પણ જાતે જ કરીને સાધુવાદ સાથે ભારતભ્રમણ પર નીકળી પડેલા આ પ્રોફેસરસાહેબ આમ અમસ્તા જ પ્રવાસ ખેડવા માટે નથી નીકળ્યા. તેઓ ઘરપરિવાર છોડીને નીકળી પડ્યા છે એક સામાજિક જાગૃતિ ફેલાવવાના આશય સાથે. ‘એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન’ની આ બસ એટલે ચાર પૈડાં પર ફરતું એક આખેઆખું ઘર છે એમ કહો તો ચાલે, જે ભારતના સોલર ગાંધીનું ઘર છે અને એ બસમાં વપરાતી તમામ ચીજો સોલર પાવર એનર્જી દ્વારા ચાલે છે.

કોણ છે પ્રોફેસર ચેતન સોલંકી

મધ્ય પ્રદેશના બરવાની ડિસ્ટ્રિક્ટમાં મોટા થયેલા ચેતન સોલંકીએ તેમની માસ્ટર્સની ડિગ્રી IIT-બૉમ્બેથી મેળવી. તેમના ભણતરના સમયથી જ તેમને સોલર એનર્જી પ્રોડક્શનની આખી ટેક્નિક્સ અને પ્રોસેસમાં ખૂબ જિજ્ઞાસા જાગી હતી. સમયાંતરે આ જિજ્ઞાસા રસના વિષયમાં પરિવર્તિત થઈ અને રસના વિષયને જ ત્યાર બાદ તેમણે પોતાના ભણતરનો વિષય પણ બનાવ્યો. સોલર એનર્જી જેવા વિષય સાથે PhD કરવા માટે તેઓ યુરોપ ગયા. ૨૦૦૪માં ભણતર પૂરું કરી તેઓ ભારત પાછા ફર્યા અને પોતે જ્યાં ભણ્યા હતા ત્યાં IIT-બૉમ્બેમાં જ તેઓ વિદ્યાર્થીઓને ભણાવવાના આશય સાથે ટીચિંગ જેવા નોબલ પ્રોફેશનમાં જોડાઈ ગયા.

કહેવાય છેને કે દરેક વ્યક્તિનો જન્મ કોઈક ને કોઈક ઉદ્દેશ માટે જ થયો હોય છે. પ્રોફેસર ચેતન સોલંકીને પણ મનમાં ક્યાંક સતત એવું લાગ્યા કરતું હતું કે તેઓ જે કરી રહ્યા છે એટલો મર્યાદિત ઉદ્દેશ તેમના જીવનનો નથી જ નથી. એ વિચારો તેમને લઈ ગયા ફરી એ શહેર સુધી જ્યાંથી તેઓ મુંબઈ જેવા મહાનગરમાં આવ્યા હતા, મધ્ય પ્રદેશનું બરવાની શહેર. તેમણે મધ્ય પ્રદેશના એક અંતરિયાળ ગામમાં એવી એક પ્રાથમિક શાળા શરૂ કરી જે સંપૂર્ણ સોલર એનર્જી પર ચાલે. ત્યાર બાદ તેમણે થાક્યા વિનાની બીજી સફરનો આરંભ કર્યો અને શરૂ થઈ ગામડે-ગામડે ફરીને ગ્રામવાસીઓને સોલર એનર્જીનું મહત્ત્વ અને ફાયદા સમજાવવાની સફર. એટલું જ નહીં, તેમણે સોલર એનર્જીથી ચાલતાં ફાનસ બનાવતાં પણ લોકોને શીખવાડ્યું અને આ સકારાત્મક પરિશ્રમનું પરિણામ શું આવ્યું? માત્ર ૧૧ મહિનામાં પ્રોફેસર સોલંકીએ સોલર એનર્જીથી ચાલતાં ૧૦ લાખ ફાનસ બનાવ્યાં અને લોકોને આપ્યાં.

કહેવાય છે કે વિચારો કર્મનું લક્ષ્ય આપે અને કર્મ જ ફરી નવા વિચારો આપે. એ જ રીતે પ્રાથમિક શાળાથી શરૂ કરેલી જે સફર પ્રોફેસરસાહેબને સોલર ફાનસ બનાવવા સુધી લઈ ગઈ હતી એ હવે ફરી એક નવો વિચાર રોપી રહી હતી. ચેતન સોલંકીએ નક્કી કર્યું કે તેઓ સોલર એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ વિશે લોકોમાં અવેરનેસ ફેલાવશે અને એ પણ કોઈ એક-બે કે ત્રણ વ્યક્તિ કે ગામડામાં નહીં, આખા ભારતના ખૂણે-ખૂણે વસતા લોકો સુધી તેમની વાત પહોંચાડવા તેઓ આ ભગીરથ કાર્યની શરૂઆત કરશે. અને વિચાર જન્મ્યો એક સોલર પૅનલ્સથી ચાલતી મૉડિફાઇડ બસ બનાવવાનો. જે વાસ્તવમાં બસ નહીં પણ હરતું-ફરતું એક ઘર જ સમજી લો. આ નિર્ણયની સાથે જ બીજો એક નિર્ણય એવો પણ લેવાયો કે તેઓ આ સફર દરમ્યાન એક દિવસ પણ પોતાના ઘરે નહીં જાય.

પ્રોફેસર અને એનર્જી સ્વરાજ બસ

વિચારોના હુજૂમે સર્જેલાં તોફાનોને કારણે પ્રોફેસરે નિર્ણય લઈ લીધો કે આખા દેશમાં ફરીને જન-જન સુધી આ જાગૃતિ ફેલાવવી છે અને તેમની સહયાત્રી બની ‘એનર્જી સ્વરાજ બસ’. નિર્ણય લેવાઈ ગયા બાદ તેમણે તાતા કંપનીની એક બસને પોતાની રીતે ડિઝાઇન અને મૉડિફાય કરી; જેમાં રસોડાથી લઈને સ્ટડીરૂમ, બેડરૂમ, લાઇબ્રેરી, ઑફિસ, નાનકડું મંદિર અને ગાર્ડન સહિત બધું જ બનાવવામાં આવ્યું. મધ્ય પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તેમની બસને ભોપાલ શહેરથી લીલી ઝંડી દેખાડીને ભારતભ્રમણ માટે રવાના તો કરી પણ એ પહેલાં આ સોલર મૅન ઑફ ઇન્ડિયાને તેમણે મધ્ય પ્રદેશના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર પણ બનાવ્યા. તારીખ હતી ૨૦૨૦ની ૨૦ નવેમ્બર. 

અત્યાર સુધીમાં ૧૩૦૦+ દિવસની કરી ચૂકેલા પ્રોફેસર અને તેમની બસને આ દિવસો દરમ્યાન અનેક પ્રકારના અનુભવોમાંથી પસાર થવું પડ્યું. ભાતભાતના લોકો સાથે તો મળવાનું થયું જ પરંતુ સાથે જ તેમણે દેશના અલગ-અલગ વિસ્તારોમાં જોયું કે કેટલીયે જમીન બંજર થઈને ઉત્પાદન વિનાની પડી છે, તો ક્યાંક આવેલી રેલ અને ભૂસ્ખલનને લીધે લોકોએ તારાજી વેઠવી પડી રહી છે. ક્યાંક પાણીમાં તરતાં બરબાદ થઈ ચૂકેલાં ઘરો છે તો ક્યાંક હિમવર્ષાના અતિરેકનો સામનો કરી રહેલા લોકો છે. ગંગાજી અને યમુનાજીનું શુદ્ધ કાચ જેવું નિર્મળ જળ પણ જોયું અને એ જ નદીઓના કિનારે ઊભા પણ ન રહી શકાય એવું દૂષિત થયેલું જળ પણ જોયું. દરિયાના વહેણને કારણે ફેલાયેલી તારાજી પણ જોઈ તો ક્યાંક ઊંડે ચાલી ગયેલો દરિયો પણ જોયો. ક્યાંક કૉન્ક્રીટના રસ્તા હતા તો ક્યાંક કાચા માર્ગ. સપાટ મેદાન થઈ રહેલાં જંગલો અને ઇન્ડસ્ટ્રી જે ધુમાડો અને પ્રદૂષણ ઓકી રહી છે એને કારણે ખવાઈ રહેલું આકાશ પણ જોયું.

ચેતનસિંહ સોલંકીએ ‘એનર્જી સ્વરાજ યાત્રા’ માટે ‘એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન’ અંતર્ગત મૉડિફાય કરેલી આ બસ જુઓ. ૧૧ વર્ષ માટે આ જ ચેતન સોલંકીનું ઘર છે. આ બસમાં વપરાતી તમામ ચીજો સોલર પાવર એનર્જી દ્વારા ચાલે છે.

વાતાવરણ બદલાઈ રહ્યું છે

આ બધા જ ચડાવ-ઉતાર વિશે તેઓ મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં દિલમાં ભરેલું દર્દ ઠાલવતા હોય છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહેલું કે ‘માત્ર પાંચ વર્ષ અને ૧૦૦ જેટલા દિવસોમાં જ પૃથ્વીનું તાપમાન ૧.૩ ડિગ્રી જેટલું વધી ગયું છે અને આ સદી પૂર્ણ થતા સુધીમાં સમગ્ર પૃથ્વીનું તાપમાન ૩ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલું વધી ચૂક્યું હશે એવી ગણતરી મુકાઈ રહી છે. હાલમાં તો માત્ર ૧.૩ ડિગ્રી જ વધ્યું છે ત્યારે પરિસ્થિતિ જુઓ. દુબઈમાં અણધાર્યો વિનાશકારી વરસાદ વરસે છે. ચેન્નઈ અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં પાણીની અછત અને ભૂસ્ખલન જેવા અનેક બનાવો બને છે. જો આપણે હમણાંથી ચેતીશું નહીં અને નક્કર પગલાં નહીં લઈએ તો ભવિષ્યમાં આપણાં બાળકો માટે આપણે એક મોટો શ્રાપ મૂકીને જઈશું. વિચાર કર્યો છે કદી કે શા કારણસર આવું બની રહ્યું છે? ફૅક્ટરીઝ અને એમના પ્રદૂષણને કારણે? વાહનો અને ઍર-કન્ડિશનર, ફ્રિજ જેવાં આધુનિક સાધનોને કારણે કે સરકારને કારણે? વાસ્તવમાં સેકન્ડમાં ટિશ્યુપેપર કે પાણીની પ્લાસ્ટિકની બૉટલ્સ વાપરીને ફેંકી દેતાં આપણે ક્યારેય એ વિચાર્યું જ નથી કે આ કંપાવી નાખનારો વિનાશકારી બદલાવ આપણે જાતે જ સર્જી રહ્યા છીએ.’

સોલર-સફરમાં તેઓ હજારો લોકોના સંપર્કમાં આવ્યા છે. તેમની સોલર-બસ અને સફર વિશે વાત કરવા આવતી દરેક વ્યક્તિને તેઓ સવાલ પૂછે છે, ‘ખરેખર આ આપણી સ્માર્ટનેસ અને આધુનિક જીવન છે કે આપણી મૂર્ખતા છે? વિશ્વમાં એવું કયું પ્રાણી હશે જે પોતે જ પોતાને નુકસાન પહોંચાડી રહ્યું હશે?’

શું કરી રહ્યા છીએ?

પ્રોફેસર સોલંકીએ સુપ્રીમ કોર્ટ અને યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સની વાત કહેતાં કેટલાંક ઉદાહરણ ટાંકીને કેટલીક વાતો જાહેર કરી હતી જે આપણને અવાચક કરી દે એવી છે. તેઓ જણાવે છે, ‘મોટા ભાગના લોકોને ક્લાઇમેટ ચેન્જની અવળી અસરનાં પરિણામ કેવાં ગંભીર હશે એનો અંદાજ જ નથી. બંગલાદેશના દરિયાકિનારાનાં ગામડાંઓથી હજારો લોકો દર વર્ષે હિજરત કરી રહ્યા છે, કારણ કે સમુદ્રની જળસપાટી ઉત્તરોત્તર વધતી જઈ રહી છે. હાલની જ વાત કરીએ તો આપણા ભારતના ઓડિશા રાજ્યનું આખું એક ગામ જોતજોતાંમાં દેશના નકશામાંથી જ ગાયબ થઈ ગયું છે. યુરોપમાં કુલ ૬૦,૦૦૦ જેટલા લોકો હમણાં સુધીમાં હીટવેવને કારણે મૃત્યુ પામી ચૂક્યા છે. યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સ દ્વારા હમણાં કહેવામાં આવ્યું હતું કે સ્વિટ્ઝરલૅન્ડ આ બાબતે જરૂરી પગલાં લેવામાં બેદરકારી દાખવી રહ્યું છે અને અમને ખાતરી છે કે બીજા યુરોપીય દેશો અમેરિકા અને ભારત પણ આ બાબતે ગંભીરતા નથી દેખાડી રહ્યા. મને ખુશી છે કે સુપ્રીમ કોર્ટે હમણાં થોડા સમય પહેલાં જ ક્લાઇમેટ ચેન્જ વિશે ચિંતા દેખાડી હતી અને સ્વીકાર્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની અવળી અસર દેશમાં જોવા મળી રહી છે.’

૨૦૨૩ની બીજી ઑક્ટોબરે દિલ્હીની માઉન્ટ અબુ સ્કૂલનાં બાળકો માટે યોજાયેલી ‘સોલર ઍમ્બૅસૅડર વર્કશૉપ’ દરમ્યાન એનર્જી કન્ઝમ્પ્શનમાં નિયંત્રણના મેસેજ સાથે સોલર લૅમ્પ્સ બનાવવાની ટ્રેઇનિંગ સમયની તસવીર. 

વિચાર, ચિંતન, નિર્ણય, પગલાં

IIT-બૉમ્બેના પ્રોફેસરની એક રાતે ઊંઘ ઊડી ગઈ. કેટલાક વિચારોએ તેમના દિમાગનો કબજો લઈ લીધો અને શરૂ થયું મનોમંથન. વિચારોની એ શૃંખલા, કાર્બન ઇમિશન, વિશ્વનું વધતું જતું તાપમાન અને આવનાર ભવિષ્ય વગેરે અનેક બાબતે પ્રશ્નો સર્જી રહી હતી અને આખરે એક દિવસ તેમણે અત્યંત કઠોર નિર્ણય લઈ લીધો, ૧૧ વર્ષ સુધી ઘરે નહીં જવાનો નિર્ણય. શા માટે? કારણ કે સોલર ગાંધી તરીકે ઓળખાતા આ માણસે આખા દેશમાં ફરીને લોકોને કાર્બન ઇમિશનના ગેરલાભ અને સોલર એનર્જીના લાભ વિશે જાગ્રત કરવા હતા, પણ શું આ નિર્ણય વાંચવામાં જેટલો સરળ લાગે એટલો ખરેખર સરળ હતો? આજે છે અને રહેશે? અગિયાર વર્ષ સુધી ઘરથી દૂર રહીને એનર્જી સ્વરાજ યાત્રા પર નીકળી પડવું સહેલું તો નથી જ.

કુદરત અને પર્યાવરણ માટે મારી આ જન્મની તપસ્યા છે આવું કહેતા આ પ્રોફેસરસાહેબે પોતાની અંગત જિંદગી અને નોકરીને પણ પ્રાધાન્ય નથી આપ્યું. હાલ તેઓ અનપેઇડ લીવ પર રહીને ભારતભ્રમણ કરી રહ્યા છે. ૨૦૨૦થી શરૂ થયેલી તેમની આ યાત્રા ૨૦૩૦ સુધી ચાલવાની છે અને તેમની આ સફરમાં તેઓ અનેક સ્થળોએ પબ્લિક મીટિંગ અને ટૉક-શો કરતા રહે છે. હાલની પરિસ્થિતિની જ વાત કરીએ તો આ સોલર ગાંધી હમણાં સુધીમાં લગભગ ૯૦૦થી વધુ ટૉક-શો અને પબ્લિક મીટિંગ્સ કરી ચૂક્યા છે.

સફર મેં ધૂપ તો હોગી...

સોલર બસમાં રહેતા અને એમાં જ ફરતા ચેતન સોલંકી ભારતભ્રમણ કરતા જાય છે. વચ્ચે-વચ્ચે હૉલ્ટ લઈને સ્થાનિક લોકોને મળે છે. તેમને માટે કૅમ્પ અને લેક્ચર્સ અરેન્જ કરીને જાગૃતિ ફેલાવે છે. એ દરમ્યાન તેમને કોઈકે પોતાના ઘરમાં રહેવાની કે મંદિરમાં રહેવાની ઑફર પણ કરી છે, પણ તેમને માટે તેમની બસ જ તેમનું ઘર છે. તેમનું કહેવું એટલું જ છે કે હું કોઈને પણ કાંઈક ટેક્નિકલ સૉલ્યુશન આપવાની કે કોઈ સરકારી યોજનાનો વિરોધ કે સમર્થન કરવાની વાત ક્યારેય કરતો નથી. તેમનો આશય માત્ર એટલો જ છે કે વ્યક્તિ જાતે પોતાના જીવનમાં કેટલાક નાના નાના બદલાવ કરીને કઈ રીતે વાતાવરણને મદદરૂપ થઈ શકે.

મહાત્મા ગાંધી પણ તેમના જીવન દરમ્યાન જે કહેતા રહ્યા એ જ સંદેશો ફેલાવતા આ સોલર મૅન ઑફ ઇન્ડિયાનું કહેવું છે કે ‘વિશ્વની દરેક ચીજ એના મર્યાદિત ઉપયોગ માટે બની છે. પૃથ્વીથી લઈને પાણીનો સ્રોત, જમીન, એમાં ઉપલબ્ધ ખનિજો, અરે, આપણી જિંદગીની ઉંમર સુધ્ધાં બધું મર્યાદિત છે. એનો ઉપયોગ પણ એની મર્યાદા અનુસાર જ થવો જોઈએ. અર્થાત્ વ્યક્તિગત વપરાશ કે વ્યક્તિગત જરૂરિયાત પણ દરેકે મર્યાદિત કરવી પડશે, જે કુદરતનો નિયમ છે. જો આ નિયમથી દૂર જઈશું કે એની અવગણના કરીશું તો એનાં ગંભીર પરિણામ મારે જ ભોગવવાં પડશે. બસ, આપણે આટલું સમજી શકીએ અને જવાબદાર બનીએ તો પણ મોટો બદલાવ લાવી શકીએ. રેસ્ટોરાં કે ઑફિસમાં બેઠાં-બેઠાં ટિશ્યુ બૉક્સમાંથી બેધડક ટિશ્યુઓ ખેંચીને બીજી જ સેકન્ડે એને કચરાટોપલીમાં નાખી દેતાં આપણે એક વાર પણ એવો વિચાર નથી કરતા કે આ ટિશ્યુ માટે દરરોજ કેટલાં ઝાડ કપાતાં હશે.’

‘એનર્જી સ્વરાજ યાત્રા’ દરમ્યાન ચેતનસિંહ સોલંકીએ કાનપુર પ્લોગર્સ ફાઉન્ડેશન સાથે મળીને ગંગા ઘાટની ક્લીનિંગ ડ્રાઇવમાં ભાગ લીધો હતો એ સમયની તસવીર.

રિન્કલ્સ અચ્છે હૈં: દર સોમવારે પહેરો ઇસ્ત્રી કર્યા વગરનાં કપડાં

દેશના ખૂણે-ખૂણે કલાઇમેટ ચેન્જ કેટલું મોટું કસોટીરૂપ પુરવાર થઈ શકે એ માટે તેઓ જાગૃતિ ફેલાવે છે અને એ પણ માત્ર ભાષણો અને પ્રેઝન્ટેશન કરીને નહીં. પહેલાં પોતાની જિંદગીને એ અનુસાર ઢાળી એ પ્રમાણે જીવવાનું શરૂ કર્યા બાદ. પ્રોફેસર પોતાની પહેલ માટે એટલા જાગ્રત અને આગ્રહી બન્યા કે તેમણે પોતાની દીકરીનાં લગ્ન માટેની એક શરત પણ હમણાંથી નક્કી કરી રાખી છે. તેઓ કહે છે, ‘મારી દીકરીનાં લગ્નમાં હું એવા જ મહેમાનોને આમંત્રણ આપીશ અને આવકારીશ જેઓ ઇસ્ત્રી કર્યા વિનાનાં કપડાં પહેરીને આવશે.’

હમણાં થોડા દિવસ પહેલાં તેમની એક હાકલને કારણે પ્રોફેસર સોલંકી ખૂબ લાઇમલાઇટમાં આવ્યા. તેમણે દેશની સામાન્ય જનતા સામે એક હાકલ નાખી એટલું જ નહીં, તેમણે દેશના વડા પ્રધાનને પણ તેમના આ ઉદ્દેશમાં જોડાવાનું આહ્‍વાન કર્યું. સોલંકીસાહેબે કહ્યું કે અઠવાડિયામાં એક દિવસ આપણે બધા ‘રિન્કલ્ડ ક્લોથ્સ’ પહેરવાનો નિયમ રાખીએ. અર્થાત્ કરચલીવાળાં, ઇસ્ત્રી નહીં કરેલાં કપડાં. આ પહેલને ‘રિન્કલ્સ અચ્છે હૈં’ નામ આપ્યું છે. તેમનું કહેવું છે કે દેશની દરેક સામાન્ય વ્યક્તિ, પછી એ ગરીબમાં ગરીબ પણ કેમ ન હોય, આપણે બધા રોજેરોજ અલગ-અલગ રીતે એનર્જીનો ઉપયોગ કરીએ છીએ; દા.ત. વીજળી, વાહનો વગેરે રૂપે. સામાન્ય રીતે આપણને કપડાં ઇસ્ત્રી કરતી વખતે પાંચથી સાત મિનિટ લાગે છે અને એ દરમ્યાન આપણે ૦.૨ યુનિટ જેટલી ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ. હવે મોટા ભાગની વીજળી આપણા સુધી કોલસા દ્વારા ઉત્પાદિત થઈને પહોંચે છે. અર્થાત્ કપડાને એક વાર ઇસ્ત્રી કરતી વખતે આપણે અંદાજે ૨૦૦ ગ્રામ જેટલો કાર્બન વાતાવરણમાં ઠાલવીએ છીએ. જો એક દિવસ ઇસ્ત્રી વગરનાં કપડાં પહેરવાનો આપણે નિયમ બનાવીએ તો કમસે કમ એટલો કાર્બન તો વાતાવરણમાં ઠલવાતો આપણે રોકી શકીએ. આ વિચારે તેમણે દેશના વડા પ્રધાનને પણ હાકલ કરી કે દર સોમવારે ઇસ્ત્રી વિનાનાં કપડાં આપણે પહેરીએ. તમે નહીં માનો, હમણાં આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં અંદાજે ૩૪૦ ઑર્ગેનાઇઝેશન્સ અને સાડાછ લાખ જેટલા લોકો પ્રોફેસરની આ હાકલથી પ્રેરાઈને ઇસ્ત્રી વિનાના કપડાં પહેરવાનો નિર્ણય કરી ચૂક્યા છે.

સોલર એનર્જી પ્રોડક્શનના પણ અઢળક ગેરફાયદા છે એનું શું?

કોલસાથી ઉત્પન્ન થતી વીજળી કે વાહન, ઇન્ડસ્ટ્રી વગેરેથી ફેલાતા પ્રદૂષણની વાત ચોમેર થાય છે પણ સોલર એનર્જી પ્રોડક્શન માટે વપરાતાં સાધન-સરંજામ પણ કુદરતી સંપાદન ઉપયોગ વિના તો નથી જ બની શકતાં. સોલર એનર્જીના નિર્માણની હિમાયત કરતા પ્રોફેસર ચેતન એના ફાયદાની સાથે બીજા પાસાથી પણ જાગ્રત છે અને એનો સ્વીકાર કરતાં કહે છે, ‘સાચી સોલર એનર્જી પ્રોડ્યુસ કરવા માટે પણ આપણે કુદરતી સંશાધનોનો આશરો તો લેવો જ પડે છે. સોલર પૅનલ્સ બનાવવામાં સિલિકૉન, કૉપર વાયર્સ અને બીજા રિસોર્સિસ વપરાય જ છે. આથી જ હું સોલર એનર્જીનો પણ અસીમિત ઉપયોગ કરવા વિશે કહેતો નથી. મેં મારા જીવનમાં AMG પ્રિન્સિપલ સ્વીકાર્યો છે; અર્થાત્ ‘અવૉઇડ, મિનિમાઇઝ, જનરેટ!’  ભારતઆખામાં ફરીને હું એ વિશે જ જાહેરાત કરી રહ્યો છું. લોકોને સમજાવી રહ્યો છું કે AMG પ્રિન્સિપલ આપણે દરેક વ્યક્તિએ અંગત જીવનમાં સ્વીકારવો પડશે. જો આપણે AMG વિશે નહીં સમજીશું તો નજીકના ભવિષ્યમાં OMG એટલે કે ઓહ માય ગૉડ કહેવાનો વારો આવશે અને ત્યારે કદાચ ખૂબ મોડું થઈ ચૂક્યું હશે.’

columnists gujarati mid-day environment