16 February, 2023 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ માઉથ પેઇન્ટિંગ આર્ટ એક્ઝિબિશન ચૂકવા જેવું નથી
શીર્ષકમાં માઉથ પેઇન્ટિંગ વાંચીને નવાઈ લાગી હોય તો સ્પષ્ટતા કરી લઈએ કે હા, આ એવું એક્ઝિબિશન છે જેમાં મુકાયેલાં તમામ પેઇન્ટિંગ્સ માટે કોઈએ હાથમાં પીંછી પકડી નથી. મોંમાં પીંછી પકડીને દોરેલાં આ ચિત્રો થકી દિલની વાત અભિવ્યક્ત કરનારા કલાકારો પણ મૂઠી ઊંચેરા છે. આર્મી, નેવી, ઍરફોર્સ અને સહાયક સુરક્ષાદળોમાં કામ કરતી વખતે હાદસાનો શિકાર બનતાં પૅરાપ્લેજિક બનેલા જુવાનો આ એક્ઝિબિશનના હીરો છે. ભરજુવાનીમાં હાથમાં રાઇફલ પકડીને દેશની સુરક્ષા કરવા જતાં ઇન્જરીને કારણે હાથ અને પગ બન્ને જેમના પૅરૅલિસિસ ગ્રસ્ત થઈ ગયા હોય એવા જવાનોને તેમની જિંદગીના અલગ પહેલુને ઓળખવાનો અને અભિવ્યક્ત કરવાનો મોકો આપ્યો છે માઉથ ઍન્ડ ફૂટ આર્ટિસ્ટ અસોસિએશને. બાર કલાકારોએ આ લોકોને કળાજગતમાં આગળ વધવાની તાલીમ આપી અને તેમને જીવનનો આ નવો નજરિયો જોતા કર્યા છે. મૃદુલ ઘોષ, સુદામ બિસોકી, શંકર શ્રીરામ બાળે, ધનકુમાર લામા, પ્રશાંત વસંત કાંબળે, ભીમકુમાર કાર્કી એમ છ કલાકારોએ તૈયાર કરેલાં પેઇન્ટિંગ્સનું રોટરી ક્લબે એક એક્ઝિબિશન ગોઠવ્યું છે, નામ છે આર્ટ ફાઇલ્સ.
વ્હીલ ચૅરમાં બેઠા-બેઠા માત્ર મોંમાં પીંછી લઈને કૅન્વસ પર આટલી બારીકી સાથેનું નિરૂપણ તેઓ કરી શક્યા એની પાછળ પણ ઘણા સમયની તાલીમ લાગેલી છે. ચિત્ર પ્રદર્શની તો આપણે ઘણી જોઈ છે, પણ આ એવા કલાકારોની અભિવ્યક્તિ છે જે અવશ્ય જોવી જોઈએ.
ક્યારે? : ૨૦ ફેબ્રુઆરી સુધી
ક્યાં? : નેહરુ આર્ટ ગૅલરી, વરલી
સમયઃ ૧૧થી ૬