ભુલાયેલી માનતાનો ભાર હળવો કરવાની ક્ષમતા પણ દાનમાં છે

22 January, 2023 12:52 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

અદ‍્ભાવના પછીના સ્થાને જો કોઈ દાન આવતું હોય તો એ શિક્ષણ અને અન્નદાન છે તો શાસ્ત્રોમાં આજીવિકા દાનને પણ બહુ મહત્ત્વનું ગણવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

મકરસંક્રાંતિમાં દાન કરવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે, પણ એક બહુ અગત્યની સ્પષ્ટતા કરવાની કે દાન ક્યારેય કોઈ એક દિવસ કે પછી એક સમય માટે મહત્ત્વ નથી ધરાવતું. દાન જરૂરિયાત અને આવશ્યકતા પર આધારિત છે અને એટલે જ દાનનું માહાત્મ્ય ક્યારેય ઘટી ન શકે. ધારો કે તમે અથાગ મહેનત કરતા હો અને એ પછી પણ તમારા પરિશ્રમનું કોઈ પરિણામ ન સાંપડે તો ધારી શકાય કે તમે કોઈ માનતા લીધી હોય અને એ ભૂલી ગયા હો. આવા સમયે પણ દાન ખૂબ જ ઉમદા પરિણામ આપે છે અને ભુલાયેલી એ માનતાને સરભર કરે છે.

દાનવિષયક વાતોમાં મનમાં રહેલા કેટલાક એવા સવાલોની ચર્ચા આજે કરવાની છે જે તમારા ભવિષ્યને વધુ સારો નિખાર આપવાનું કામ કરી શકે છે. એટલે હવે પછીની વાતો વધારે ધ્યાનથી વાંચજો. શક્ય છે કે એ વાતો ક્યાંક ને ક્યાંક તમારા જીવનનાં અટકેલાં કે અટવાયેલાં કામોને આગળ વધારવાનું કામ કરે.

દાન દ્વારા મળેલું પુણ્ય હંમેશાં ખરાબ સમયે જ કામ લાગે?

હા, કારણ કે જીવનનો હિસાબ બહુ સીધો અને સરળ છે. ખરાબ સમયે તમે કોઈને કામ લાગો તો એ સદ્કાર્ય તમને તમારા કપરા એટલે કે ખરાબ સમયમાં ઉપયોગી બને અને તમારા ખરાબ સમયને સરળ કે પછી સહ્ય બનાવે. દાનની એક બીજી પણ ખાસિયત છે. એ તમારા ખરાબ સમયના કાળને ટૂંકો કરવાની ક્ષમતા પણ ધરાવે છે. આ જ કારણે જ્યારે પણ પનોતી ચાલતી હોય છે ત્યારે દાન કરવાનું કહેવામાં આવે છે.

મનોમન કોઈ માનતા લીધી હોય અને પછી સમય જતાં એ ભુલાઈ જતી હોય તો શું કરવું જોઈએ?

ભુલાયેલી માનતાનો ભાર ઉતારવાની ક્ષમતા દાનમાં છે અને એમાં અન્નદાન સવિશેષ છે. ગાયોને ખવડાવવાનું કે પછી ભિક્ષુકને જમાડવાનું કાર્ય ભુલાયેલી માનતાનો ભાર હળવો કરે છે. અહીં એક વાત ખાસ નોંધજો કે ભિક્ષુકને જમાડવાનું કહેવામાં આવ્યું છે એટલે તેને રીતસર બેસાડીને જમાડવાથી અધૂરી રહી ગયેલી માનતાનું વિઘ્ન ટળે છે. જો બેસાડીને જમાડી ન શકાય તો તેને ભરેલું ભાણું કહેવાય એવી દાળ-ભાત-શાક-રોટલી અને મિષ્ટાન્ન સાથેની થાળી આપવી પણ સમાન ગણવામાં આવે છે.

સવાલઃ સદ્ભાવના ઉપરાંતનું શ્રેષ્ઠ દાન કોને ગણવામાં આવે છે?

શાસ્ત્રોમાં દરેક જરૂરિયાત માટે દાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિઘ્નસંતોષીના ત્રાસથી છુટકારો મેળવવા માટે પણ દાન દર્શાવવામાં આવ્યું છે અને હરીફોની કનડગતથી કે પછી પારિવારિક સુખ-શાંતિ માટે પણ દાન દર્શાવવામાં આવ્યું છે તો ગ્રહની નડતરના છુટકારા માટે પણ ચોક્કસ પ્રકારનાં દાન દર્શાવવામાં આવ્યાં છે. જોકે એ બધાં દાનનું એક સ્પેસિફિક પરિણામ હોય છે. સર્વાગી સંપૂર્ણ પરિણામ માટે સદ્ભાવના ઉપરાંત જો કોઈ દાન મહત્ત્વનાં હોય તો અન્ન અને શિક્ષણ દાન છે. આજીવિકા એટલે કે રોજગારને પણ શાસ્ત્રોમાં મહાદાન ગણવામાં આવ્યું છે, જેનો સીધો લાભ આર્થિક ઉપાર્જનમાં થતો હોય છે. તમે જોશો તો તમને દેખાશે કે જેમને ત્યાં વધુ લોકો કામ કરતા હોય છે તેમની આવક પણ સામાન્ય સ્તર કરતાં અનેકગણી વધારે ઝડપથી વધતી રહે છે.

સવાલઃ દાન ક્યારે કરવું જોઈએ?

દરરોજ અને એ થઈ જ શકે છે. અગાઉ કહ્યું છે એમ સદ્ભાવના સૌથી શ્રેષ્ઠ દાન છે અને એ દાન માટે ગજવું ભારે હોવું પણ જરૂરી નથી. વ્યક્તિ જો પ્રયાસ કરે તો દિવસમાં ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ એવી શોધી શકે જેને સધિયારાની જરૂર હોય છે. તેમને સદ્ભાવના સાથે સધિયારો આપવો એ ઉત્તમ દાન છે. આ ઉપરાંત પણ ધારો કે તમે રોજ પાંચ પીપરમીટ કે ચૉકલેટ લઈને નીકળી શકો છો અને એવાં બાળકોને એ આપી શકો છો જેમના માટે એ ચૉકલેટ મહામૂલી છે.

columnists