30 April, 2023 07:37 AM IST | Mumbai | Rashmin Shah
1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા
‘સાયબ, લાંબીલચક સેના છે...’ રણછોડ પગીએ થોડી વાર પહેલાં જ આવીને સેનાના અધિકારીને કહ્યું હતું, ‘હજી છે પાધરે, કે’તા હો તો ન્યાં જ ઢીમ ઢાળી દઈ...’
છેલ્લાં બે વર્ષથી રણછોડ પગીને ઓળખતા સુબ્રમણ્યમ સ્વામી તેનો સ્વભાવ જાણતા હતા. પોતાનાં કામ પડતાં મૂકીને પણ તે દેશ અને જવાનોના કામ માટે દોટ મૂકે. રણછોડ પગીની દેશદાઝનો સેનાને સાચો અંદાજ ૧૯૬પના યુદ્ધ સમયે આવ્યો હતો. એ સમયે ચાઇનાએ યુદ્ધનો આરંભ કર્યો કે તરત જ પાકિસ્તાને પણ નાપાક હરકત શરૂ કરી દીધી હતી અને ભારતીય સીમા પર જોર વધારવાનું શરૂ કરી દીધું હતું. અગાઉ કહ્યું હતું એમ પગી ગુજરાતના રણના એકેએક ઢૂંવાને ઓળખે અને ધૂળના એ ઢૂંવાઓ પણ પગીના પગેરુંને સુપેરે જાણે.
પાકિસ્તાની સેનાએ ધીમે-ધીમે હિન્દુસ્તાન તરફ આગળ વધવાનું શરૂ કર્યું ત્યારે રણછોડ પગીએ જ બનાસકાંઠા અને કચ્છની સરહદ પર રહેલા સેનાના જવાનોને માહિતી આપી હતી અને એ સમયે ભારતીય ઍરફોર્સે પાકિસ્તાની સેનાને પીછેહઠ કરાવી હતી. આ વખતે એવો જ ઘાટ ઘડાયો હતો, પણ ફરક માત્ર એટલો હતો કે અત્યારે યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને પાકિસ્તાન ઑલરેડી અનેક ફ્રન્ટ પર લડવા માંડ્યું હતું અને એણે ઍરફોર્સને તો રીતસર પાંગળી કરી દીધી હતી.
lll
‘પગી, એક કામ કરો તમે...’ સુબ્રમણ્યમ સ્વામીએ હક સાથે કહ્યું, ‘એ સેના અહીં પહોંચે એ પહેલાં એને અવળે રસ્તે વાળો... જરૂર પડે તો વચ્ચે રોકો, પણ થોડો સમય આપણને મળી જાય એવું કંઈ કરો...’
‘જે મા ભોમકા...’ રણછોડ પગીએ પગ ઉપાડતાં પહેલાં પાણીની મૂસક ગળામાં નાખી, ‘સવાર લગી આ બાજુ દેખાય નહીં એવું કરી નાખું તમતમારે...’
‘પગી સવાર નહીં...’ સ્વામીએ ટેબલ પર પડેલી અલાર્મ ક્લૉકમાં જોયું, ‘કાલ રાત પહેલાં તેઓ આ બાજુ ફરકવા ન જોઈએ. મરાઠા રેજિમેન્ટ નીકળી ગઈ છે, પણ એને અહીં સુધી પહોંચતાં હજી ઓછામાં ઓછા ૧૪થી ૧૮ કલાક થશે. જો એ પહેલાં તમે કોઈ ખેલ કરીને...’
‘ચિંતા ન’કો સાયબ...’ રણછોડ પગી છાવણીની બહાર નીકળ્યા, ‘વાત વણસી તો બધાયનાં ન્યાં જ ઢીમ ઢાળીને પાછો આવીશ...’
‘પગી, શાંત...’
સુબ્રમણ્યમ સ્વામીના બાકીના શબ્દો રણના ઊડતા પવન સાથે હવામાં લહેરાઈ ગયા અને રણછોડ પગીના કાનનો શૂન્યાવકાશ અકબંધ રહ્યો.
lll
લૉન્ગેવાલ અને બનાસકાંઠામાં આ જે ઘટનાઓ ઘટી એ સમયે માધાપરમાં ટેન્શન યથાવત્ હતું. લોકો શહેર છોડીને ભાગી રહ્યા હતા એવા સમયે માધાપર ગામની મહિલાઓ એકઠી થઈને પહેલાં કલેક્ટર સાથે અને એ પછી કલેક્ટરને પોતાના પક્ષે કરીને ઍરફોર્સ સાથે માથાકૂટમાં ઊતરી હતી.
જાતે રનવે બનાવવાની વાત કોઈ હિસાબે ઍરફોર્સના અધિકારીઓના ગળે ઊતરતી નહોતી અને એટલે જ તેમને કુંદન અને કલેક્ટર ગોપાલસ્વામી દ્વારા કરવામાં આવતો આગ્રહ દુરાગ્રહની ચરમસીમા પર લાગતો હતો.
ઍરફોર્સ ઑફિસર વિજય કર્ણિકે પણ અથાગ પ્રયાસો કર્યા હતા જેથી તે સિવિલિયનને યુદ્ધમાં દાખલ ન કરી બેસે. એમ છતાં કુંદનના જવાબો પછી હવે તેમણે પણ પાછા પગ કરી લીધા હતા.
‘બેસી રહેવા કરતાં તો બહેતર છે કે હાથ-પગ ચલાવીને મહેનત કરીએ અને કોઈ પરિણામ તરફ આગળ વધીએ.’ કુંદનના શબ્દો વિજય કર્ણિકના મન પર ચોંટી ગયા હતા, ‘કાં તો વિજય મળશે સર ને કાં તો... શહીદીનો પરાજય મળશે... ને સાહેબ, પરાજય મળશે તો કદાચ ક્યાંક સરકાર તમને પરમવીર ચક્ર દેશે. એ પરમવીર ચક્ર જે જીતવા માટે મરવું પડે હોં...’
lll
‘સર, વિજય કર્ણિક ફ્રૉમ ભુજ ઍરબેઝ...’
ઑલમોસ્ટ પોણો કલાક પછી કર્ણિકની હૉટલાઇન પર સિનિયર ઑફિસર આવ્યા અને કર્ણિકના આખા શરીરમાં સૂર્યોદય થઈ ગયો. યુદ્ધની આ પરિસ્થિતિ વચ્ચે પસાર થતી એકેએક મિનિટ ભારેખમ હતી.
‘મિશ્રા ઑન ધ લાઇન...’ અધિકારીના અવાજમાં ઉતાવળ હતી, ‘યસ વિજય, વૉટ કૅન આઇ ડૂ ફૉર યુ?’
‘સર, વી આર ગોઇંગ ટુ મેક રનવે...’ વિજય કર્ણિકે થૂંક ગળે ઉતાર્યું અને વાત પૂરી કરી, ‘બાય અવર ઓન વે. અમારી સાથે ગામના લોકો છે જે...’
‘વિજય, કૌન હૈ આપકે સાથ?’
‘વિલેજ કે લોગ, જો... કાફી સાલોં સે...’
વિજય કર્ણિક અટકી ગયા. સામેથી આવતા ખડખડાટ હસવાના અવાજે તેના શબ્દો ચોરી લીધા હતા.
‘આપ... આપ...’ હસવાનું અટકાવતાં મિશ્રાએ કહ્યું, ‘જો બતા રહે હો વો જોક નહીં હૈના, ગાંવ કે લોગ...’
‘હા સર, ગાંવ કે લોગ...’ કર્ણિકે ખુલાસો પણ કર્યો, ‘ઔર યે જોક નહીં હૈ. વો સારે અભી, ભુજ ઍરબેઝ કે બહાર ખડે હૈ ઔર...’
ફરીથી વિજય કર્ણિકે લાંબો પૉઝ લેવો પડ્યો, કારણ કે મિશ્રાનો ખડખડાટ હસવાનો અવાજ તેમને નવેસરથી સંભળાવા માંડ્યો હતો.
‘મુઝે પરમિશન ચાહિએ સર...’ હસવાનું અટક્યું એટલે કર્ણિકે સીધું કહી દીધું, ‘વક્ત ગુઝર રહા હૈ...’
‘ઈવન આઇ ઍમ સેઇંગ સેમ મિસ્ટર કર્ણિક, વક્ત ગુઝર રહા હૈ...’ મિશ્રાએ દૃઢતા સાથે કહ્યું, ‘બેહતર હૈ કિ ઐસે કિસી કામ પર ધ્યાન દો જો પરિવર્તન લાએ...’
‘ઇસી કારન કહતા હૂં સર, પરમિશન દો.’ કર્ણિકે સહેજ લાગણીશીલ થઈને કહ્યું, ‘હમ સબ કામ કે લિએ તૈયાર હૈ...’
‘હમ સબ, મતલબ...’ સવાલ પૂછીને મિશ્રાએ પોતે જ જવાબ આપ્યો, ‘આપ ઔર વો દેહાતી... કર્ણિક, ઑનેસ્ટ્લી સેઇંગ... ડોન્ટ ડૂ સચ જોક.’
મિશ્રા ખડખડાટ હસવા માંડ્યા અને વિજય કર્ણિકે સહેજ દાંત ભીંસ્યા.
‘સર, આપકી યે હસીં કો મૈં પરમિશન માન કે આગે બઢતા હૂં...’ કર્ણિકના અવાજમાં દૃઢતા હતી, ‘જય હિન્દ... ઓવર ઍન્ડ આઉટ...’
વાયરલેસ સેટ કટ થયો અને વિજય કર્ણિકે ઊંડો શ્વાસ લીધો. તેના કાનમાં કુંદનના શબ્દો ગુંજતા હતા...
‘પરમવીર ચક્ર મેળવવા માટે જીવ ગુમાવવો પડે...’
- વાત ખોટી નથી તેની. કાં તો દેશને લાભ થશે અને કાં પરિવાર ગર્વ સાથે પરમવીર ચક્ર માટે આગળ વધશે અને આ પાર્થિવ દેહને એકવીસ તોપની સલામી મળશે.
lll
કોઈની પણ પરવા કર્યા વિના અંધારામાં આગળ વધતા જતા રણછોડ પગી હવાના પ્રવાહ અને તારાઓની દિશાના આધારે રસ્તો નક્કી કરતા હતા.
આ રણપ્રદેશ પગીને એવો તે મોઢે થયેલો હતો કે એમાં ફરતી હવા પણ તેને ખોટા માર્ગે વાળી શકતી નહીં. પાકિસ્તાની સેના બનાસકાંઠા તરફ આગળ વધતી જોઈ ચૂકેલા પગીએ એ જ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું હતું જે દિશામાંથી સેના આવતી હતી. હાથમાં લાકડી અને કમરે પાણી ભરેલી મૂસક બે જ સાધન સાથે આગળ વધતા પગીએ અનુમાન બાંધ્યું હતું કે પાકિસ્તાની સેના રણમાં અડધે પણ હજી નહીં પહોંચી હોય અને તેનું એ અનુમાન સાચું હતું.
પાકિસ્તાની સેનાએ હજી પાકિસ્તાનના હકમાં આવતો રણપ્રદેશ પણ બરાબર પસાર કર્યો નહોતો.
‘સલામ વાલેકુમ...’
સેનાને દૂરથી જ ભાળી ગયેલા રણછોડ પગીએ હાક મારી, પણ હાક મારતાં પહેલાં ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા શર્ટની અંદર છુપાવવાનું તે ભૂલ્યા નહીં.
‘કૌન?’
આગળ વધતી સેના સહેજ થંભી અને એક જવાને હાથમાં રહેલી બંદૂકથી રણછોડ પર નિશાન લીધું.
‘વટેમાર્ગુ છું બાપા...’ રણછોડે બન્ને હાથ ઊંચા કરી દીધા અને તરત જ બોલીમાં સુધારો પણ કર્યો ‘મુસ્તાક અહમદ... સિયાલકોટ મેં બેટે કે ઘર જા રહા હૂં...’
‘કૈસે માને આપકી બાત?’
સવાલના જવાબમાં રણછોડે તરત જ ચોરણીની નાડીની ગાંઠ ખોલવાનું શરૂ કર્યું.
‘દેખ લો સુન્નત. પતા ચલ જાએગા કિ ખુદા સચ બુલવાતા હૈ કિ...’
‘રુકો...’
રણછોડને એવી હરકત કરતાં રોકીને પેલો જવાન અલર્ટ પોઝિશનમાં જ એક સિનિયર ઑફિસર પાસે ગયો. બન્ને વચ્ચે ધીમા અવાજે મસલત થઈ, પણ એ મસલતના શબ્દો રણછોડના કાને હવા લઈને આવતી હતી. હા, રણછોડને એ કુદરતી બક્ષિસ હતી કે તે દૂરના અવાજને પણ પારખી શકતા.
નાનપણથી મળેલી આ બક્ષિસનો લાભ એ દિવસોમાં ભરવાડ અને રબારી સમાજે પુષ્કળ લીધો હતો.
lll
‘ક્યાં ગ્યો રણછોડ?’
ઘરમાં દોડતા આવેલા ગોરધન રબારીએ ફળિયામાંથી જ રાડ પાડી હતી. એ સમયે રણછોડે હજી તો એકડો-બગડો લખવાનું શરૂ કર્યું હતું. દરવાજે અવાજ સાંભળીને તે ઊભો થવા જતો હતો, પણ બાની મોટી થયેલી આંખો જોઈને થાળી પર બેસી રહ્યો. જોકે તેના મનમાં હતું કે ફરી એક વાર રાડ પાડીને કોઈ તેને લઈ જાય. રોટલો, છાશ, ડુંગળી અને મલાઈમાં નાખેલી લસણની ચટણી ખાવાનું આજે તેને મન નહોતું. નિશાળે તેણે કરમદાં પેટ ભરીને ખાઈ લીધાં હતાં.
‘રણછોડ... એ રણ...’ છેક રસોડા સુધી આવી ગયેલા ગોરધન રબારી બહાર જ ઊભા રહી ગયા, ‘બોલ તો ખરી, તું જમવા બેઠો છો...’
ગોરધને હવે રણછોડની બા સામે જોયું.
‘જરીક લેતો જાઉં છું રણછોડને. બે દીથી ભૂરી મળતી નથી. લાગે છે કે રણમાં ક્યાંક આગળ વધી ગઈ છે...’
‘જરીક રોટલો તો ખાઈ લેવા દયો...’ બાએ કહ્યું, પણ બાને કેવી રીતે શાંત પાડવી એ રણછોડ જાણતો હતો. તે સીધો ઊભો થઈ ગયો.
‘બા, ભૂરીએ બે દીથી ખાધું નથી... જરાક વિચાર...’
બાએ રણછોડની થાળી પાછી ખેંચી.
‘જા, પણ જલદી પાછો આવજે...’ રણછોડની પાછળ બહાર નીકળતા ગોરધનભાઈને પણ બાએ કહી દીધું, ‘બે દી હવે ગંગાને દોતા નઈ... પેટ ભરવા દેજો ભૂરીને...’
ભૂરી વાછરડું હતું અને ગંગા એની મા.
ગોરધનભાઈએ તો હોંકારામાં જવાબ પણ આપ્યો, પણ રણછોડના પગ તો સીધા ઘરની બહાર દોડતા થઈ ગયા હતા અને પંદર મિનિટમાં તો તે રણની વચ્ચે પહોંચી ગયો હતો. ગોરધનભાઈ હાંફતાં-હાંફતાં તેની પાછળ આવ્યા.
‘જરાક ધીમો પડ ભઈલા... આમ ને આમ તો હું આંયા રઈ જાઈશ...’
રણ તરફ નજર માંડીને બેઠેલા ગોરધનભાઈને જવાબ મળ્યો નહીં એટલે ગોરધનભાઈએ ધારી લીધું કે રણછોડ કામે લાગી ગયો છે.
‘કાન માંડ જરાક...’
માંડ સાતેક વર્ષના એવા રણછોડે જમણા કાન ફરતે જમણા હાથથી ખોબો બનાવ્યો અને એમાં ઝિલાતા અવાજોને રોક્યા. હવાના સુસવાટા સિવાય કર્ણપટલ પર કશું અથડાતું નહોતું એટલે રણછોડે જમણો કાન ધીમે-ધીમે ગોળ ફેરવવાનું શરૂ કર્યું. ઈશાન ખૂણાથી શરૂ કરેલી એ યાત્રા છેક નૈર્ઋત્ય ખૂણા પર અટકી અને રણછોડની આંખો ઝીણી થઈ.
પહેલાં ઝીણી અને પછી એ જ આંખો મોટી થઈ.
કહેરાતા વાછરડાનો અવાજ રણછોડના કાને અથડાતો હતો.
‘પણે...’
અવાજ આવતો હતો એ દિશામાં હાથ કરીને રણછોડે સીધી દોટ મૂકી અને થાકી ગયેલા ગોરધનભાઈના ચહેરા પર ચમકારો આવી ગયો. રણછોડની પાછળ તેમણે પણ દોટ મૂકી. અલબત્ત, એ દોટમાં રણછોડ જેવી તાકાત નહોતી અને રણછોડથી વધારે અંતર રહી જાય તો તેમને ચિંતા પણ નહોતી. ગોરધનભાઈને ખબર હતી કે અગાઉ આવી જ રીતે રણછોડ રણમાં એકલો પડી ગયો હતો અને એ પછી દોઢ દિવસે ઘરે એવી રીતે આવ્યો હતો જાણે કે ફરવા ગયો હોય. પાણીની તરસ પણ તેના ચહેરા પર ક્યાંય દેખાતી નહોતી.
lll
ભગવાન શ્રીકૃષ્ણને રણછોડનું નામ મળ્યું એ પાછળની વાત જુદી હતી તો રણછોડને મળેલા આ નામ પાછળની વાત પણ સાવ જુદી હતી. ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ છોડીને ભાગવા બદલ રણછોડ નામ આપવામાં આવ્યું હતું, જ્યારે રણછોડ રબારીને રણને પણ પાછળ છોડી દેવાની તેને મળેલી કુનેહને કારણે એ નામ મળ્યું હતું.
રાષ્ટ્રીય સન્માન વખતે ખુદ રણછોડ રબારી કહી ચૂક્યા હતા કે તેમનું જન્મ સમયનું નામ ગોપાલ હતું, પણ પાંચ વર્ષની ઉંમરે તે રણને પાછળ મૂકીને ફરી ઘરે આવી ગયા એ સમયથી બધા તેમને રણછોડ કહેવા માંડ્યા અને એ પછી તેમનું એ જ નામ પડી ગયું. નિશાળમાં બાપાએ પણ રણછોડ જ નામ લખાવ્યું અને પછી તો દરેક સરકારી કાગળ પર ગોપાલને બદલે રણછોડ નામ આવી ગયું અને એ રણછોડ નામ કાયમ માટે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું.
lll
‘પણે...’
અવાજ આવતો હતો એ દિશામાં હાથ કરીને રણછોડે સીધી દોટ મૂકી અને થાકી ગયેલા ગોરધનભાઈના ચહેરા પર ચમકારો આવી ગયો. તેમને પોતાની આંખ કરતાં પણ રણછોડના કાન પર વધારે ભરોસો હતો અને એ ભરોસો સાર્થક પણ પુરવાર થયો.
લગભગ દોઢેક કિલોમીટર દોડ્યા પછી ગોરધનભાઈએ જોયું કે રણછોડ એક જગ્યાએ ભૂરીનું માથું ખોળામાં રાખીને બેઠો છે. ગોરધનભાઈના પગમાં તાકાત આવી ગઈ. તે દોડીને તરત ભૂરી પાસે આવ્યા. પાણી વિના બે દિવસથી તરફડતા એ વાછરડા પાસે આવ્યા અને તેમણે એને તેડી લીધું.
ગામ તરફ આવતાં રસ્તામાં ગોરધનભાઈએ રણછોડને પૂછ્યું...
‘બેટા, તું થાક્યો ગ્યો હોઉં તો તને ખભે...’
‘ના રે, રણથી કોણ થાકે?!’ આરામથી પગ ઉપાડતા રણછોડે કહ્યું, ‘રેતી જો મા’ણાને થકવી દયે તો મા’ણાએ ડૂબી મરવું પડે...’
એ રાતે રણછોડનું ગામ વચ્ચે સન્માન કરવામાં આવ્યું, રોકડો રૂપિયો તેના હાથમાં મુકાયો અને હાજર હતા એ બધાયને પતાસાં ને દૂધનો નાસ્તો કરાવવામાં આવ્યો. રણછોડને રૂપિયામાં રસ નહોતો. રૂપિયો તેણે બાના હાથમાં મૂકી દીધો હતો અને પતાસાં ચાવતાં-ચાવતાં પેટ ભરીને દૂધની તાંસડીઓ પેટમાં ઠાલવી હતી.
lll
‘રુકો...’
રણછોડને એવી હરકત કરતાં રોકીને પેલો જવાન અલર્ટ પોઝિશનમાં જ એક સિનિયર ઑફિસર પાસે ગયો. બન્ને વચ્ચે ધીમા અવાજે મસલત થઈ, પણ એ મસલતના શબ્દો રણછોડના કાને હવા લઈને આવતી હતી. હા, રણછોડને એ કુદરતી બક્ષિસ હતી કે તે દૂરના અવાજને પણ પારખી શકતો.
‘હિન્દુસ્તાની હૈ, પર બન્દા કામ લગ સકતા હૈ જનાબ...’
‘કાફિરો કા ભરોસા કરનારા જાહિઝ નહીં હૈ...’ અધિકારીએ દબાયેલા સ્વરે કહ્યું, ‘કભી ભી ઔકાત પે આ જાતે હૈ...’
‘સા’બ, ઉસ દેશ મેં હૂં, પણ ઇસ્લામ કો ચાહતા હૂં...’ રણછોડે રાડ પાડી, ‘સાથ ઉનકો હી દૂંગા જો મેરે વતન કે સાથ રહેગા...’
રણછોડે જે જવાબ આપ્યો હતો એ સાંભળીને પાકિસ્તાની સેનાને એવો ભ્રમ થયો કે રણછોડ પાકિસ્તાનતરફી બોલી રહ્યો છે, જ્યારે રબારીના મનમાં તો હિન્દુસ્તાન સિવાય કંઈ હતું જ નહીં.
‘જનાબ, સચ મેં બંદા કામ કા હૈ...’
‘લે લો... ઔર બતા દો...’ અધિકારીએ તરત નિર્ણય લીધો, ‘ગદ્દારી કિ તો વાપસ નહીં જાએગા...’
અધિકારીને ક્યાં ખબર હતી કે પાકિસ્તાની સેનામાંથી અઢળકને આ રણછોડ પગી હવે ક્યારેય પાછા જવા દેવાનો નહોતો!
વધુ આવતા રવિવારે