23 April, 2023 08:09 AM IST | Mumbai | Rashmin Shah
પ્રતિકાત્મક તસવીર
‘મંજૂર... મંજૂર...’ પાકિસ્તાની અફસરને બલદેવે ખાતરી આપી, ‘સબૂર રખ્ખો સા’બ... સબૂર...’
‘કોઈ ચાલાકી નહીં...’
‘કુબૂલ...’
જવાબ આપતી વખતે બલદેવનું ધ્યાન તો બારી પર જ હતું.
બારી પર આવીને બેસી ગયેલા કબૂતરે તેનામાં સકારાત્મકતા જગાડી દીધી હતી. અલબત્ત, તેણે એ પ્રયાસ કરવાનો હતો કે મનમાં જાગેલી સકારત્મકતા કોઈ કાળે ચહેરા પર પ્રસરી ન જાય.
‘કામ થશે... તમે ઇચ્છો છો એ રીતે કામ થશે... મારી જવાબદારી, પણ સાહેબ... મારી દીકરી...’
‘જૈસે કાફિરો કે સામને સેના પહૂંચેગી કિ તુરંત તુમ્હારી બેટી અપને ઘર પહૂંચ જાએગી...’ મેજરે છાવણીમાં લટકતા મક્કા-મદિનાના ફોટો પર હાથ મૂક્યો, ‘ખુદા ગવાહ રહેગા ઇસ લબ્ઝોં કા...’
lll
બલદેવે આપેલી ખાતરી પછી તરત જ તેને બલૂચિસ્તાન પાસેના એક ગામડામાં લઈ જવામાં આવ્યો. રસ્તામાં તેની આંખો પર પટ્ટી બાંધેલી હતી, પણ અધિકારીઓએ એક ભૂલ કરી હતી.
બલદેવના કાન ખુલ્લા હતા અને અત્યારે બલદેવ પોતાના કાનની મદદથી આશાવાદને અકબંધ રાખીને બેઠો હતો.
જીપની ઘાટીસરખી ઘરરાટી વચ્ચે પણ આવતા ફફડાટનો અવાજ તે બરાબર પારખી શકતો હતો. એ આછોસરખો અવાજ જ અત્યારે તેના માટે આશાનો મજબૂત મિનારો હતો. થોડી-થોડી વારે કબૂતરની પાંખનો ફફડાટ સાંભળીને બલદેવ ઉત્સાહને અકબંધ રાખતો હતો અને એ ઉત્સાહને કારણે જ હવે તેણે શારીરિક પીડા સહન કરવી પડતી નહોતી.
lll
બલદેવની આંખો ફાટી ગઈ હતી!
આટલા સૈનિકોને રણના રસ્તે રાજસ્થાન સુધી દોરી જવાનું કામ તેણે કરવાનું હતું. સૈનિકોની જે સંખ્યા હતી, તોપ અને બખ્તર પાર્ટીની જે સંખ્યા હતી એ બધાને જો હારબંધ લઈ જવાના હોય તો ઓછામાં ઓછી વીસ કિલોમીટર લાંબી કતાર થાય અને એ જો રાજસ્થાન પહોંચી જાય તો...
પાકિસ્તાનના બલૂચિસ્તાનના કોઈ અજાણ્યા ગામમાં બેઠેલા બલદેવના આખા શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. હવે તે જલદી અહીંથી નીકળવા માગતો હતો. તેની ઇચ્છા હતી કે વહેલામાં વહેલી તકે તે પોતાના પર ભરોસો રાખીને બેઠેલા કુલદીપસિંહ ચાંદપુરી સુધી આ સમાચાર પહોંચાડે.
‘ક્યા હૂઆ બરખુદાર...’ પાકિસ્તાની અફસરે બલદેવ સામે જોયું, ‘પસીના છૂટ ગયા...’
‘હેંહેંહેંહેં...’ ખોટેખોટું હસીને બલદેવે જવાબ પણ આપી દીધો, ‘પસીના છૂટે ઉન લોગોં કા... મુઝે ક્યા, મૈં તો આપકા...’
ભમરડાના ‘ભ’થી શરૂ થતી ગંદી ગાળ સાથે અફસરે જે જવાબ આપ્યો એ જવાબ બલદેવ બિશ્નોઈના શરીરમાં આગ લગાડી ગયો.
‘તેરે જૈસે (ગાળ) કંઈ રખ્ખે હૈં હમને વહાં...’ અધિકારીએ સૂચના પણ આપી દીધી, ‘કલ સુબહ નિકલના હૈ ઔર જલ્દ સે જલ્દ કાફિરો કે પાસ પહોંચના હૈ...’
અધિકારીએ ત્યાં હાજર રહેલા બીજા પાકિસ્તાની અધિકારીઓ સામે જોઈને તુમાખી છાંટી.
‘જી કરતા હૈ કિ અભી જા કર
ખતમ કર દૂં ઉન હરામઝાદોં કો... ઉસકી મા...’
‘સબૂર સા’બ...’ હિન્દુસ્તાનને અપાતી ગાળ સહન થતી નહોતી, પણ લાચારી હતી એટલે હાથને બદલે જીભથી બલદેવે અધિકારીને બ્રેક મારી, ‘દિમાગ કા ગુસ્સા દિમાગ પર હી રક્ખો, ક્યૂં જબાં ગલત કર રહે હો...’
‘સહી બાત હૈ મિયાં...’ હાજર રહેલા સમકક્ષ એવા અધિકારીએ બિશ્નોઈનો પક્ષ લીધો, ‘અલ્લાહતાલાને ચાહા તો યે સારા ગુસ્સા હમ વહીં, કાફિરો કી ઝમીં પર નિકાલેંગે...’
‘વો ચીખેંગે તબ કલેજે કો ઠંડક પહૂંચેગી...’
બિશ્નોઈએ દસેક મિનિટ એ બકવાસ સાંભળ્યો અને પછી ધીમેકથી અધિકારીની પરવાનગી માગતાં કહી દીધું...
‘કાલે સવારે નીકળવું હોય તો આજની રાત બધા આરામ કરી લે એ જરૂરી છે... રેગિસ્તાન ભલભલાને થકવી દેતું હોય છે.’
‘અબ થકાન તો ઉદયપુર કિ સહેલિયોં કી બાડી મેં હી ઉતારેંગે જનાબ...’
બાપુજીનો બગીચો છે તારા!
દિલમાં તો આ જવાબ આવ્યો હતો; પણ અત્યારે દિલને નહીં, મનને ધ્યાનમાં રાખીને ચાલવાનું હતું એ બિશ્નોઈ જાણતો હતો અને એ પણ જાણતો હતો કે જ્યારે દિલ પર કાબૂ કરવાનો હોય ત્યારે સૌથી વધારે હેરાનગતિ સહન કરવી પડતી હોય છે.
lll
--->O-------------------->
માચીસના નાનાએવા બૉક્સની એક બાજુએ પાકિસ્તાનની કંપનીનું નામ લખ્યું હતું અને બીજી બાજુએ બિશ્નોઈએ આ સાઇન કરી હતી. આ તેણે શોધેલી કે બનાવેલી સાઇન નહોતી. આ સાઇન કુલદીપસિંહ ચાંદપુરીએ જ તેને શીખવી હતી, જેનો એક સંદેશ થતો હતો.
બિશ્નોઈએ કબૂતરના પગે પાતળા એવા ભૂખરા રંગના દોરાથી એ કાગળ બાંધી કબૂતરને હાથમાં લઈને એની ગરદન પર પ્રેમથી હાથ ફેરવ્યો.
‘સબ કુછ તેરે હાથ મેં હૈ...’ બે હાથ ફેલાવીને કબૂતરને આકાશ તરફ ધરતાં બિશ્નોઈએ કબૂતર જાણે કે સાંભળતું હોય એ રીતે એને કહ્યું, ‘કહી રુકના નહીં, જલ્દી સે પહૂંચ જાના...’
જાણે કે બિશ્નોઈને સાંત્વન આપવાનું હોય એમ કબૂતરે બન્ને પાંખ ફફડાવી અને પછી ડાબી તરફ ગરદન કરીને બિશ્નોઈની સામે જોયું. બિશ્નોઈના ચહેરા પર આછુંસરખું સ્મિત હતું, જેમાં પીડા પણ ભારોભાર ભરેલી હતી.
‘જા...’
ફરરર...
કબૂતરે હવામાં પોતાનું સ્થાન લઈ લીધું. આજે એના માટે પણ પરીક્ષા હતી. સાંજ પડતા સુધીમાં પોતાના માળામાં બેસી જતા આ મૂંગા પક્ષીએ આજે અંધકાર વચ્ચે આગળ વધવાનું હતું અને એ પણ જવાબદારી સાથે.
નરી આંખે જોઈ શકાય ત્યાં સુધી કબૂતરને જોવાની કોશિશ બિશ્નોઈએ કરી, પણ માંડ સો કદમ દૂર આકાશમાં કબૂતર આગળ વધ્યું હશે ત્યાં તો એને આકાશ જાણે કે ગળી ગયું હોય એમ એ અદૃશ્ય થઈ ગયું અને બિશ્નોઈ ફરીથી ઘરમાં આવી ગયો.
ભારે થઈ ગયેલી બલદેવની આંખોમાં આંસુ તગતગતાં હતાં.
lll
--->O-------------------->
આ જે સાઇન હતી એ સાઇન પાકિસ્તાની સેનાની સ્ટ્રેન્થ દેખાડવાનું કામ કરતી હતી. આ સિમ્બૉલિક સાઇન હતી જે કોઈના પણ હાથમાં આવે તો નાના બાળકનું ચિતરામણ ગણીને તે એને રદ્દીમાં જવા દે, પણ ભારતીય સેના અને ખાસ તો રાજસ્થાનના લૉન્ગેવાલ સરહદ પર ફરજ બજાવતા કુલદીપસિંહ ચાંદપુરી માટે આ સાઇન વેદ કે
પુરાણ જેવું અને જેટલું જ મહત્ત્વ ધરાવતી હતી.
આ આખી જે સાઇન હતી એ પાકિસ્તાની સેના દર્શાવતી હતી. એમાં સૌથી આગળ કરવામાં આવેલી > ઍરોની સાઇન કહેતી હતી કે પાકિસ્તાની સેનાની સૌથી આગળ તોપપાર્ટી ચાલે છે તો એ પછી કરવામાં આવેલી – સાઇન કહેતી હતી કે તોપપાર્ટીની પાછળ પાયદળ છે. આ જેટલા – હતાં એ તમામ – ની કુલ જે સંખ્યા હતી એટલી લાઇનમાં માત્ર સૈનિકો છે તો એ પછી કરવામાં આવેલા શૂન્યની એટલે કે Oની સાઇન કહેતી હતી કે ત્યાં હૅન્ડ-મિસાઇલ છે અને એ મિસાઇલ-કુમકની પાછળ તરત જ તોપપાર્ટી છે તો સૌથી છેલ્લે ત્રણ લાઇનમાં ફરીથી સેનાના જવાનો છે.
જો સેના સાથે જોડાયેલા કોઈને આ આખી વાત કહેવામાં આવે તો તે ચોક્કસપણે ધ્રૂજી જાય. એક આખા દેશને હરાવવા માટે આ માત્રામાં ફોર્સ મોકલવામાં આવતી હોય છે, જ્યારે પાકિસ્તાને માત્ર રાજસ્થાન સરહદ પર આટલી ફોર્સ મોકલી હતી.
lll
કુલદીપસિંહ ચાંદપુરીને જ્યારે કબૂતર પાસેથી આ ચિઠ્ઠી મળી ત્યારે તે પણ પળવાર માટે મનોમન બૅકફુટ થઈ ગયા હતા, પણ તેમને ખબર હતી કે જ્યાં સુધી દેશની ઍરફોર્સ ફરીથી સધ્ધર નહીં થાય ત્યાં સુધી તેમણે અને તેમની કુમકે પૂરી તાકાત સાથે લૉન્ગેવાલ સરહદ પર અડીખમ રહેવાનું છે. જો એમાં તે ક્યાંય પણ કચાશ દેખાડે તો એનું દુષ્પરિણામ આખા દેશને ભોગવવું પડે અને એ કોઈ હિસાબે ચાંદપુરીને મંજૂર નહોતું.
હવે તો એ હરામીઓ છે અને મારા ૧૧૯ જવાનો છે...
મનોમન જાત સાથે વાત કરતા ચાંદપુરીના દિલે કહ્યું અને બીજી જ ક્ષણે તેમના કાનમાં શહીદ ભગત સિંહના શબ્દો ગુંજવા માંડ્યા હતા...
સરફરોશી કિ તમન્ના અબ હમારે દિલ મેં હૈ,
દેખના હૈ ઝોર કિતના, બાજુ-એ-કાતિલ મેં હૈ...
lll
‘સા’બ, સેનાને લઈને નીકળ્યા પછી એક કામ કર્યું છે...’ માતાજીનો દીવો ઓલવ્યા પછી તરત જ બલદેવે કહ્યું, ‘સેનાના અડધા જવાનોને અવળા રસ્તે વાળ્યા છે...’
‘કૈસે?’
કુલદીપસિંહના ચહેરા પર સવાલ સાથે અચરજ પણ પ્રસરી ગયું હતું.
‘કથા... હમારે રાજસ્થાન મેં કહતે હૈ, જબ જવાબ કામ ન કરે તબ કથા કો કામ પર લગાઓ...’
બલદેવ સિંહ તરત જ મૂળ વાત પર આવી ગયો.
‘મેં તેમને એવું સમજાવ્યું કે આટલા લોકો એક જ દિશાએથી આગળ જાય એના કરતાં બહેતર છે કે બે બાજુએથી રાજસ્થાનમાં દાખલ થાય, જેથી કામ અડધી મહેનતે પૂરું થાય...’
‘બીજી બાજુ કઈ દેખાડી છે...’ ચાંદપુરી મનોમન ખુશ થયા હતા કે બિશ્નોઈએ બુદ્ધિનું કામ કર્યું છે, પણ અત્યારે એ ખુશી કરતાં પણ વધારે મહત્ત્વની એ બીજી દિશા હતી, ‘કઈ તરફ એ સેના આગળ વધે છે?’
‘જો એમ જ આગળ વધતી રહી અને કોઈ તકલીફ આવી નહીં તો એ કાલે સવારે ગુજરાતના બનાસકાંઠા પહોંચે એવું બને પણ...’ બિશ્નોઈએ તરત જ પોતાની વ્યૂહરચના સમજાવી, ‘રણના જે ભાગમાં આગળ વધે છે એ ભાગમાં બવંડર વધારે હોય છે. બને કે સેનાનો એ અડધો હિસ્સો પાછો પાકિસ્તાન પહોંચે...’
‘એવી શક્યતા કેટલી?’
કુલદીપસિંહ ચાંદપુરીના પગમાં નવેસરથી તાકાત આવી ગઈ હતી. તેને સમજાઈ ગયું હતું કે વહેલી તકે બનાસકાંઠા સરહદ પર જાણકારી આપવી જરૂરી છે.
‘વો તો કૈસે મેં...’
‘કોઈ ગલ નહીં બિશ્નોઈ...’ બિશ્નોઈના ખભા પર કુલદીપસિંહે હાથ મૂક્યો, ‘જો હોગા દેખા જાએગા...’
બિશ્નોઈ જવાબ આપે એ પહેલાં કુલદીપસિંહના પગ છાવણી તરફ દોડ્યા અને ગણતરીની સેકન્ડમાં તે વાયરલેસ સેટ પાસે ઊભા હતા. તેણે SOS મેસેજ પણ ડ્રૉપ કરી દીધો હતો અને હવે તે દિલ્હીથી આવનારા જવાબની રાહ જોતા અધ્ધરજીવે વાયરલેસ સેટ સામે જોતા હતા.
lll
‘હલો... લૉન્ગેવાલ પોસ્ટ સ્પીકિંગ...’
પહેલાં દિલ્હી મેસેજ આપવામાં આવ્યો અને એ પછી તરત દિલ્હી હેડ ઑફિસે લીડ લઈને બનાસકાંઠા પોસ્ટ પર મેસેજ આપ્યો, પણ સાથોસાથ તરત જ ચાંદપુરીને તાકીદ પણ કરવામાં આવી કે તે પણ ગુજરાત બૉર્ડર રેન્જ સાથે વાત કરી લે.
ચાંદપુરીના વાયરલેસ મેસેજની જ રાહ જોવાતી હોય એ ઝડપે ગુજરાત પોસ્ટથી ફોન રિસીવ કરવામાં આવ્યો હતો.
‘પાકિસ્તાની સેનાની એક ફોજ તમારા તરફ રવાના થઈ છે...’
‘અમને પણ પગેરુઓના મેસેજ મળ્યા છે...’
‘સેના સાથે તોપ અને હૅન્ડ-મિસાઇલ રેન્જ પણ છે...’
ચાંદપુરી પર અત્યારે બમણું ટેન્શન હતું. મળેલી માહિતીમાં કંઈ કાચું ન કપાઈ જાય એનું ધ્યાન પણ રાખવાનું હતું તો સાથોસાથ પોતાની સરહદ પર આવી રહેલા તોફાનને પણ તેણે ખાળવાનું હતું.
‘અંદાજે પાંચ હજાર સૈનિકો હશે...’
‘લડી લઈશું....’ બનાસકાંઠા સરહદ પર તહેનાત અધિકારીએ જુસ્સા સાથે કહ્યું, ‘મરાઠા રેજિમેન્ટ નજીક છે... વાંધો નહીં આવે.’
‘જય હિન્દ...’ ચાંદપુરીના હૈયે શાતા વળી અને તેણે વાતને ટૂંકી કરતાં કહ્યું, ‘આગે કિ ખુશખબર લૉન્ગેવાલ સુનાએગા...’
lll
‘સાયબ, લાંબીલચક સેના છે...’ રણછોડ પગીએ થોડી વાર પહેલાં જ આવીને સેનાના અધિકારીને કહ્યું હતું, ‘હજી છે પાધરે, કે’તા હો તો ન્યાં જ ઢીમ ઢાળી દઈ...’
‘પગી, જરાક શાંતિ રાખો...’ છેલ્લાં બે વર્ષથી રણછોડ પગીને ઓળખતા સુબ્રમણ્યમ સ્વામીએ ધીમેકથી કહ્યું, ‘ચિકન ઔર દુશ્મન પકે હૂએ અચ્છે લગતે હૈ...’
‘સાયબ, એ જડ જેવાવને પાકવા દેવામાં માલ નથી...’ રણછોડે ધીમેકથી કહ્યું, ‘નીંદામણ ને હરામખોર બેયને ઊગતાં ડામી દયો એમાં જ સાર છે...’
રણછોડની વાત સ્વામીને પૂરેપૂરી તો નહોતી સમજાઈ, પણ તે એટલું સમજી ગયા હતા કે પાકિસ્તાનીઓને ખતમ કરવાની વાત છે.
‘સાયબ, આપણી સેના કરતાં જોરૂકા થઈને આવે છે ઈ લોકો...’ સામેથી જવાબ આવ્યો નહીં એટલે પગીએ કહ્યું, ‘જો કે’તા હો તો સાચકને, ગામમાંથી થોડાક જુવાનિયાવને રાખી લઈ આંયા ભેગા કરીને...’
‘પગી, આ યુદ્ધ છે, ગામનો ઝઘડો નહીં કે બે-ચાર લોકોને બોલાવીએ તો ચાલે...’ સ્વામીએ કહ્યું, ‘એવી રીતે હું સિવિલિયનોનો ઉપયોગ ન કરી શકું. એ લોકોને કંઈ થઈ જાય તો મારે ઉપરના અધિકારીઓને જવાબ દેવો પડે ને...’
‘ખોડિયાર માના સોગન હોં સાયબ...’ હાથમાં કુહાડી સાથે રણછોડ ઊભો થઈ ગયો, ‘જો બધાય શહીદ થઈ જાય ને એ બધાયનાં માબાપ કાંય ક્યે તો તમારું જોડું ને મારું માથું... ગામડાના છીએ, પણ દેશદાઝ શહેરીજનથીયે વેંત ચડે એવી છે...’
lll
મૂળ નામ રણછોડ રબારી, પણ સેના તો તેને રણછોડ પગીના નામે જ ઓળખે છે.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સૂઈ ગામના વતની એવા રણછોડ રબારી રણના એવા તે જાણકાર હતા કે સેના આગળ વધવા માટે અને રણમાં પગેરું મેળવવા માટે તેમનો ઉપયોગ કરતી. ૧૯૬પના યુદ્ધમાં છેક કચ્છ સુધી ઘૂસી આવેલી પાકિસ્તાની સેનાને ઓળખવામાં અને શોધવામાં રણછોડ પગીએ ભારોભાર જહેમત ઉઠાવી હતી. સેના રણછોડ પગીના કામથી એવી તે ખુશ હતી કે રણછોડ પગીને તેણે સેનાનો અર્ધપોશાક આપ્યો હતો, જે તેમણે આખી જિંદગી પહેરવેશ તરીકે રાખ્યો.
દેશમાં કદાચ રણછોડ પગી એકમાત્ર એવી વ્યક્તિ હતી જેણે જીવનપર્યંત ચોરણી પર ખાખી વરદીનું ખમીસ પહેર્યું હતું, જેના પર બહાદુરીનાં અનેક પારિતોષિક હતાં.
lll
સામાન્ય રીતે રણમાં આંટો મારવા જતા રણછોડ પગીને ભારતીય સીમાથી દોઢસો કિલોમીટર દૂર રણમાં પગલાં જોવા મળ્યાં, જેના આધારે તે પગેરું કાઢતાં છેક પાકિસ્તાન સુધી ગયા અને તેમને અંદાજ આવી ગયો કે પાકિસ્તાની સેનાનો એક ભાગ અત્યારે ગુજરાત તરફ વળ્યો છે.
જે રણમાં ચાલવું પણ અઘરું પડે એ રણમાં ચિત્તા જેવી ઝડપ સાથે દોડીને બનાસકાંઠા સરહદ પર પહોંચેલા રણછોડ પગીએ માહિતી આપી કે પાકિસ્તાની કુમક ગુજરાત તરફ આગળ વધે છે. આ જ માહિતી પહેલાં દિલ્હીથી અને એ પછી લૉન્ગેવાલ સરહદ પરથી પણ ગુજરાતને મળી અને ગુજરાત બૉર્ડર પર તહેનાત સેના ડબલ અલર્ટ મોડ પર આવી ગઈ.
વધુ આવતા રવિવારે