11 June, 2023 03:51 PM IST | Mumbai | Chandrakant Sompura
જો સ્કેચ બનાવવાનું કામ છેલ્લી સદીમાં થયું હોય એવું તમે માનતા હો તો તમે બહુ મોટી ભૂલ કરો છો. મહારાણી અહલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ કરાવતાં પહેલાં એના સ્કેચ બનાવ્યા હતા અને તૈયાર થયેલા એ સ્કેચ પરથી તેમણે મંદિરની ડિઝાઇન નક્કી કરી હતી.
આપણે વાત કરીએ છીએ મહારાણી અહલ્યાબાઈ અને તેમણે દેશનાં મંદિરો માટે આપેલા પોતાના યોગદાનની. મહારાણી અહલ્યાબાઈને શિવજી પર નાનપણથી અખૂટ શ્રદ્ધા અને એ શ્રદ્ધાના જોરે જ તેમણે પોતાના જીવનની અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો પણ સફળતાપૂર્વક કર્યો. નાનાં-મોટાં મંદિરોને સહાય કરવા માટે મહારાણીના મહેલ અને તિજોરીના દરવાજા હંમેશાં ખુલ્લા રહેતા. જોકે આ વાત છે તેમના રાજ્યમાં આવતાં મંદિરોની. મહારાણીની સેવાભાવ વૃત્તિ રાજ્યમાંથી બહાર નીકળી એક સપના સાથે.
બન્યું એમાં એવું કે એક વખત મહારાણીને સપનું આવ્યું કે કાશી વિશ્વનાથ મંદિર જીર્ણોદ્ધાર માગે છે અને તેમની ઊંઘ ઊડી ગઈ. તેમણે તપાસ કરાવી તો ખબર પડી કે વારાણસીના એ કાશી વિશ્વનાથ મંદિર માટે કોઈ આગળ આવ્યું નથી અને મુસ્લિમ આક્રમણ પછી મંદિરની અવસ્થા એ જ છે જે એ સમયે થઈ હતી - જર્જરિત અને બિસમાર. તમને જાણીને નવાઈ લાગશે, પણ એ વર્ષોમાં કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે મહારાણીએ કુલ વીસ સમિતિ બનાવી હતી અને એ વીસેવીસ સમિતિનાં કામ જુદાં-જુદાં હતાં. પહેલી સમિતિ એ વાતની તપાસ કરવા ગઈ હતી કે કાશી વિશ્વનાથ મંદિરની અવસ્થા કેવી છે તો બીજી સમિતિએ એ વાતની તપાસ કરી કે મંદિરના જીર્ણોદ્ધાર માટે કેટલા ખર્ચની આવશ્યકતા છે. બધી સમિતિઓની તો વાત અત્યારે કરવી યોગ્ય નથી, પણ સૌથી છેલ્લી એટલે કે જે વીસમી સમિતિ હતી એના કામની વાત કરીએ.
વીસમી સમિતિનું કામ હતું કે જે કામ થઈ રહ્યું છે એ કામ આવતાં ૧૦૦ વર્ષ સુધીનો સમય ખેંચી શકશે કે નહીં એની ચકાસણી કરવાનું. જરા વિચાર કરો કે આજના સમયમાં આપણે ત્યાં એ પણ જોવામાં નથી આવતું કે ઓવરબ્રિજ કે ફ્લાયઓવર દસ વર્ષ ટકશે કે નહીં. એની સામે એક સમય હતો કે આપણા જ દેશનાં એક મહારાણી પોતે જે કામ સેવાભાવ સાથે કરતાં હતાં એ કામ પણ સો વર્ષ ટકશે કે નહીં એની ચકાસણી કરાવતાં હતાં! આ નિષ્ઠા અને શ્રદ્ધાનું પરિણામ હતું.
કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ થયું અને એ આગળ વધતું રહ્યું. એ કામ વિશે વાત કરતાં પહેલાં એક ખાસ વાત કહેવાની કે આજે આપણે જે કાશી વિશ્વનાથ મંદિર જોઈએ છીએ એ મહારાણી અહલ્યાબાઈ દ્વારા તૈયાર કરવામાં આવેલું મંદિર છે! હા, નાનાં-મોટાં કામો મંદિરમાં થયાં છે, પણ એ સિવાયનું તમામ બાંધકામ મહારાણી દ્વારા કરાવવામાં આવ્યું એ છે. હમણાં જ આ બાબતમાં થોડો ઇશ્યુ પણ કોર્ટમાં ઊભો થયો હતો કે એ બાંધકામને અકબંધ રાખવું જોઈએ કે પછી નવા પરિસરનું પ્લાનિંગ કરીને આગળ વધવું જોઈએ. જોકે એ આખી વાતે વિવાદનું એક નવું જ રૂપ લીધું છે એટલે આપણે એ ટૉપિક બાજુ પર મૂકીને આગળ વધીએ અને મહારાણી દ્વારા કરવામાં આવેલાં કામ પર ફોકસ કરીએ.
મહારાણી અહલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિર માટે એક ચોક્કસ બજેટ ફાળવ્યું હતું, પણ જેમ-જેમ કામ આગળ વધતું ગયું એમ-એમ ખબર પડવા લાગી કે એ બજેટ કામ નહીં લાગે. સામા પક્ષે મહારાણીની આસ્થા પણ એટલી જ પ્રબળ હતી. તેમણે બજેટ ભૂલીને કાશી વિશ્વનાથ મંદિર માટે તિજોરી ખુલ્લી મૂકી દીધી. જોકે કામ એટલું હતું કે ખુલ્લી મુકાયેલી તિજોરીથી પણ કોઈ ખાસ મોટો ફરક પડ્યો નહીં એટલે ફરી એક વખત આર્થિક પ્રશ્ન આવીને ઊભો રહ્યો.
મહારાણી માટે બહુ મોટો પ્રશ્ન એ આવ્યો કે હવે કરવું શું?
કાશી વિશ્વનાથ મંદિરનું કામ અટકાવવું કે પછી એ કામને આગળ વધારવા ઇન્દોરની રાજગાદી પર દેવું વધારવું?
મહારાણીના મનમાં એક વાત તો સ્પષ્ટ હતી કે તેઓ કોઈ હિસાબે, કોઈ કાળે અને કોઈ કારણસર મંદિરના જીર્ણોદ્ધરનું કામ અટકાવશે નહીં તો સાથોસાથ એ પણ ક્લિયર હતું કે તે બ્રિટિશ સલ્તનત પાસે હાથ લંબાવીને ઇન્દોરની રાજગાદી ગીરવી પણ નહીં મૂકે.
હવે કરવું શું?
જવાબદારીને અગ્રિમ સ્થાન પર રાખવી કે પછી શ્રદ્ધાને આગળ ધપાવવી?
આ સવાલનો જવાબ શોધવામાં પણ મહારાણીને બીજા કોઈએ નહીં, મહાદેવે જ મદદ કરી અને મહાદેવે એવો રસ્તો ચીંધ્યો કે અહલ્યાબાઈએ આખા દેશમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બોલબાલા ઊભી કરી દીધી. કયો હતો એ રસ્તો અને કેવી રીતે જીર્ણોદ્ધારનું કામ આગળ વધ્યું એ વાત હવે કરીશું આપણે આવતા રવિવારે.