ગણિત તમને ગમે કે ન ગમે, ભારતીય તરીકે આપણને ગણિત પર ગૌરવ કેમ હોવું જોઈએ?

22 December, 2024 12:06 PM IST  |  Mumbai | Aashutosh Desai

શૂન્યની વાત હોય કે દશાંશપદ્ધતિની, બીજગણિતની વાત હોય કે રેખાગણિતની; જેના વિના હાલની કોઈ ટેક્નૉલૉજી શોધવી અસંભવ હતી એવા શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાન્તોના જનક ભારતીય વિદ્વાનો હતા.

ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજને આપેલા અદ્વિતીય યોગદાનને કારણે તેમના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે.

શૂન્યની વાત હોય કે દશાંશપદ્ધતિની, બીજગણિતની વાત હોય કે રેખાગણિતની; જેના વિના હાલની કોઈ ટેક્નૉલૉજી શોધવી અસંભવ હતી એવા શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાન્તોના જનક ભારતીય વિદ્વાનો હતા. આજે રાષ્ટ્રીય ગણિત દિવસ છે ત્યારે જાણીએ કે ભારત અને વિશ્વને આ વિદ્વાનોએ કેવી અણમોલ ભેટો આપી છે જેને કારણે આપણા અસ્તિત્વને લગતી કંઈકેટલીયે વ્યાખ્યાઓ અને સમજ બદલાઈ ગઈ છે

આજનો દિવસ એટલે ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ – National Mathematics Day! આજનો દિવસ એ વ્યક્તિને સમર્પિત છે જેને આખું વિશ્વ ‘Man who knew Infinity’ તરીકે ઓળખે છે. એક એવો મહારથી જેણે ‘ભારતનું નામ રોશન કર્યું.’ એટલું જ માત્ર કહીશું તો તેમનું અપમાન થયું અથવા અધૂરપભર્યું નિવેદન ગણાશે. કારણ કે તેમણે તો ભારત અને વિશ્વને એવી-એવી અને એટલીબધી ભેટો આપી છે જેને કારણે કંઈકેટલીય વ્યાખ્યાઓ, જાણકારી અને સમજ બદલાઈ ગઈ છે એટલું જ નહીં, તેમના એ યોગદાનને લીધે કેટલીય નવી વ્યાખ્યાઓ, સમજ અને જાણકારી ફેલાઈ છે એવા મહાન ભારતીય એટલે શ્રીનિવાસ રામાનુજન.

ભારતનો સવાયો પનોતો પુત્ર

સવાયા અને પનોતા પુત્ર જેવાં વિશેષણો આવા રામાનુજન જેવી વ્યક્તિ માટે જ બન્યાં છે. ૧૮૮૭ની ૨૨ ડિસેમ્બરે તામિલનાડુમાં જન્મેલા શ્રીનિવાસ રામાનુજનના પિતા એટલે શ્રીનિવાસ આયંગર જેઓ એક કપડાની દુકાનમાં અકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા અને તેમનાં માતાજી કોમલ તમલ ગૃહિણી હતાં. તેમના ઘરે એક મહાન ગણિતજ્ઞ દીકરો જન્મ્યો. માતા-પિતાએ જ્યારે તેનું નામ રામાનુજન રાખ્યું ત્યારે કદાચ તેમણે સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે આ નામ પર એક દિવસ ભારત જ નહીં, આખું વિશ્વ ગૌરવ કરશે.

૧૮૮૭માં જન્મેલો આ છોકરો જ્યારે ૩૧ વર્ષનો થયો ત્યારે તેણે એક જબરદસ્ત અને અણધાર્યું કાર્ય કરી દેખાડ્યું. ૧૯૧૮માં રામાનુજને ગણિતનાં ૧૨૦ નવાં સૂત્રો લખ્યાં અને એની સાથે એ સૂત્રોની રચના અને તર્ક સહિતનાં રિસર્ચપેપર તૈયાર કરીને તેમણે અંગ્રેજ પ્રોફેસર જી. એચ. હાર્ડીને પ્રસ્તુત કર્યાં. પ્રોફેસર હાર્ડીએ રામાનુજનનાં બધાં રિસર્ચપેપર્સ શાંતિથી સ્ટડી કર્યાં, સમજ્યાં અને ત્યાર બાદ તેઓ રામાનુજનની બુદ્ધિપ્રતિભા અને આ સૂત્રોના સર્જનથી એટલા પ્રભાવિત થયા કે તેમણે રામાનુજનને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં મહેમાન તરીકે બોલાવ્યા એટલું જ નહીં, ૧૯૧૮ના ઑક્ટોબરમાં ટ્રિનિટી કૉલેજની મેમ્બરશિપ પણ રામાનુજનને ઑફર કરવામાં આવી.

૧૯૧૮ સુધી રામાનુજન એવા પહેલા ભારતીય સ્કૉલર હતા જેમને ન માત્ર કૅમ્બ્રિજ યુનિવર્સિટીનું આમંત્રણ મળ્યું હતું બલકે ટ્રિનિટી કૉલેજની મેમ્બરશિપ પણ મળી હોય. એ વાતને હજી તો બે જ વર્ષ થયાં હશે ત્યાં ૩૩ વર્ષની ઉંમર સુધીમાં તો રામાનુજને ગણિતક્ષેત્રે એટલુંબધું કામ કર્યું અને પોતાના જ્ઞાન દ્વારા ગણિતને એટલાં બધાં નવાં સૂત્રો (ફૉર્મ્યુલા), સાબિતીઓ અને ગણતરીની નવી પદ્ધતિઓ આપી કે વિશ્વભરમાં તેઓ ‘ગ્રેટ મૅથેમૅટિશ્યન’ તરીકે જાણીતા થઈ ગયા. આવા મહાન ભારતીય સ્કૉલરની યાદમાં, તેમની ગૌરવગાથાને યાદ કરવા માટે, તેમના ગણિતના વિષયમાં વિશ્વમાં સવિશેષ યોગદાન માટે બાવીસમી ડિસેમ્બર તેમના જન્મદિવસને ભારત ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ તરીકે ઊજવાય છે.

આજે વિદ્યાર્થીઓ જે ઇન્ફિનિટી સિરીઝ ભણે છે એ રામાનુજન દ્વારા સર્જિત છે. એ સિવાય ન્યુમરિકલ થિયરીઝ અને ગણિતનાં એવાં અનેક ઍનૅલિસિસ તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન રચ્યાં અને સરજ્યાં જે તેમના પહેલાંના સમયકાળ સુધી અનસૉલ્વ્ડ અને અસર્જિત ગણાતાં હતાં. ૨૦૧૨થી ભારત સરકારે નિર્ણય કર્યો કે આજના દિવસને દેશ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઊજવશે અને ત્યારથી રામાનુજનજીની સ્મૃતિમાં ઋણસ્વીકાર તરીકે આ દિવસ ઊજવાય છે.

ગણિત એક વિષય નહીં, જિંદગી

મિત્રો ગણિત એક એવો વિષય છે જે મહત્તમ લોકો માટે ‘કાળા અક્ષર ભેંસ બરાબર’ જેવો ગણાય. આપણે સામાન્ય ગણિતની નહીં પણ બીજગણિત (એલ્જિબ્રા) કે ભૂમિતિ (જ્યોમેટ્રી) જેવા વિષયની વાત કરી રહ્યા છીએ. એવા કંઈકેટલાય વિદ્યાર્થીઓ આજે પણ હશે જેમને ગણિત ભણવાનો સમય આવે ત્યારે પેટમાં જાણે પતંગિયાં ઊડવા માંડે. પણ શું ખરેખર આપણે એ જાણીએ છીએ કે ગણિત માત્ર એક ભણતરનો વિષય કે ગણતરી નથી. ગણિત એક એવો વિષય છે જે આપણી રોજિંદી જિંદગી સાથે વણાયેલો છે. દિવસ-રાત ચાલતા રહેતા આ અવિરત ચક્રથી લઈને દરિયાની ઓટ અને ભરતી, જિંદગીમાં સફળતા અને નિષ્ફળતા જેવી અનેક બાબતો છે જે ગણિત કે ગણિતના ચોક્કસ નિયમો સાથે સંકળાયેલી બાબતો છે.

એક ખૂબ જાણીતા ગણિતજ્ઞએ કહ્યું હતું કે ‘ગણિત એક એવો વિષય છે જે આ સાચા વિશ્વથી પણ આગળ જઈ શકે છે, પરંતુ આ વિશ્વ ગણિતથી આગળ જઈ શકતું નથી! એ ગણિત જ છે જે આખા વિશ્વ પર રાજ કરી રહ્યું છે.’ અભણ વ્યક્તિ પણ પોતાની રોજિંદી આંકડિયા ગણતરીઓ આંગળીના વેઢા દ્વારા કરતી હોય છે. ગણિત આટલી હદ સુધી આપણી જિંદગી સાથે ઓતપ્રોત છે. સવારે જાગતાંની સાથે ઈશ્વરસ્મરણ કરવું જોઈએ એ વાત સાચી, પરંતુ આજકાલ તો આપણું જાગવું પણ પરતંત્ર થઈ ચૂક્યું છે. અલાર્મ વિના આપણે હવે જાગી પણ શકતા નથી. તો પછી એ અલાર્મ, ઘડિયાળ, એના ટક-ટક કરતા કાંટાઓ એ બધા કયા સિદ્ધાંત પર કામ કરે છે? ગણિતના. અર્થાત્ આપણા દિવસની શરૂઆત થાય ત્યારથી ગણિત આપણી સાથે જોડાયેલું છે એ છેક સૂવા જઈએ ત્યાં સુધી. નવો દિવસ ઊગે એટલે આજે કઈ તારીખ, કયો વાર, કઈ સાલ એ બધું ગણિત નહીં તો બીજું શું છે?

ટેસ્ટી રસોઈ બનાવવા માટે મસાલાના પ્રમાણથી લઈને કેટલા સમય માટે અને કેટલું ગરમ કરવું એ પણ એક ગણિત જ છે. કહેવાય છે કે એક મજેદાર દિવસની શરૂઆત માટે સવારમાં એક મજેદાર ચા મળી જાય કે ટેસ્ટફુલ કૉફી મળી જાય તો મજા પડી જાય. તો મજેદાર ચા કે ટેસ્ટફુલ કૉફી બનાવવા માટે દૂધ, ચા-કૉફી, પાણી એ બધાંનું પ્રમાણ જેને આપણે રેશિયો કહીએ છીએ એ નથી તો બીજું શું છે? તમે કોઈ પણ રેસિપી જોશો તો એમાં પણ પ્રમાણ આપ્યું હશે. ૧૦૦ ગ્રામ ખાંડ, ૫૦૦ ગ્રામ લોટ, એક ચમચી લીંબુનો રસ વગેરે. આ પણ તો ગણિત જ છેને? એટલું જ શું કામ, ‘ગોલ્ડન રેશિયો’ એ એક એવું પ્રમાણ છે જેના વિશે વિશ્વમાં કોઈક જ એવું હશે જેને ખબર નહીં હોય.દિવસ-રાતની ગણતરીથી લઈને દરિયામાં ભરતી અને ઓટ, અરે, આપણા શરીરની હાઇટ અને પગની લંબાઈ સામે ધડની લંબાઈ, ગરદન કે મોઢાના આકારથી લઈને આંગળીઓના વેઢાઓની હાઇટ સુધ્ધાં આ ગોલ્ડન રેશિયો પર જ આધારિત છે, જેને કેટલાક લોકો ફિબોનાચી અથવા ફિબોનાકી રેશિયો તરીકે ઓળખે છે. આ પણ તો ગણિત જ છેને. ગણિત વિષય આપણને ભણવામાં કે સમજવામાં અઘરો લાગે છે, પરંતુ રોજિંદી જિંદગીમાં એ આપણી સાથે એવો વણાઈ ગયો છે કે એનો સરળતાથી ઉપયોગ કરતી વેળા આપણને એ ખ્યાલ પણ નથી હોતો કે આ એ જ ગણિતનો હિસ્સો છે કે આ એ જ ગણિત છે જેને એક વિષય તરીકે સમજવામાં આપણને તકલીફ પડતી હોય છે.

જાગ્યા, ચા પીધી, હવે કામે જવાના સમયે આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા હોઈએ ત્યારે પણ સમય, અંતર, વળાંક વગેરે બધાની જ ગણતરી એ ગણિતનો જ હિસ્સો છેને? કામ કરીએ તો કમાણી મળે અથવા પગાર મળે એ બધાની ગણતરી ડેબિટ-ક્રેડિટ, બૅન્ક અકાઉન્ટ, બૅલૅન્સ-ચેક બધું કહેતાં બધું જ ગણિત પર આધારિત છે.

આર્યભટ્ટ

વિશ્વ સામે ભારતની ગણિતની મહાનતા

આખા વિશ્વમાં આજે ગણિત ભણવામાં અને ભણાવવામાં આવે છે. આખું વિશ્વ આજથી થોડાં વર્ષ પહેલાં ભારતને બળદગાડા અને સાપ પકડનારા લોકોના દેશ તરીકે ગણાવતું રહ્યું, પણ આપણે ક્યારેય તેમને સામો જવાબ નથી આપ્યો કે દલીલો નથી કરી, કારણ કે આપણે બોલવામાં નહીં, કરી દેખાડવામાં માનનારા લોકો છીએ. જે રીતે વિશ્વભરના લોકોને એ વિશે ખબર નથી કે આખા વિશ્વમાં ગણિત જેવા વિષયમાં સૌથી વધુ યોગદાન, સૌથી વધુ ઇન્વેન્શન, સૌથી વધુ ઍડ્વાન્સમેન્ટ અને સૌથી વધુ અભ્યાસ જો કોઈ દેશે કર્યો હોય તો એ છે ભારત.

વિશ્વના લોકો જ્યારે ગણિત શું છે એ વિશે જાણતા કે સમજતા નહોતા ત્યારે આપણા ભારતીયો ગણિતની એકથી એક અઘરી ફૉર્મ્યુલા અને ગણતરીઓનો ઉપયોગ કરતા હતા. ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં જરા ઊંડાણથી ડોકિયું કરશો તો સમજાશે કે એવા કેટલાય ઋષિ-મુનિઓ અને તજ્જ્ઞો હતા જેમણે ગણિત નામના વિષયમાં જબરદસ્ત શોધખોળ કરી દેખાડી હતી. એટલું જ નહીં, વિશ્વ માટે અઘરી જણાતી એવી અનેક ગણતરીઓ, સૂત્રો, સિદ્ધાંતો વગેરે ભારતમાં અને ભારતીયો દ્વારા રચાયાં છે. બસ, ફરક માત્ર એટલો છે કે જો કોઈ ક્ષેત્રમાં આટલું જ કામ કોઈ બીજા દેશમાં થયું હોત તો એ દેશની પ્રજા આખા વિશ્વને બરાડી-બરાડીને કહેતી હોત, એ દેશની પ્રજાને એ માટે અત્યંત ગૌરવ હોત, અને આપણે? ગૌરવ કે કૉલર ઊંચો કરીને કહેવાની વાત તો જવા દો, આપણને પોતાને જ એ વિશે પૂરેપૂરી માહિતી નથી.

જો કોઈ તમને એમ પૂછે કે પૃથ્વીથી સૂરજ સુધીનું અંતર કેટલું છે? એ વિશ્વને ખબર પડી એનાં વર્ષો પહેલાં આપણા ઋષિ-મુનિઓએ કહી દીધું હતું તો મહદંશના લોકો એ વાતને હસી કાઢશે. કહેશે શક્ય જ નથી. ત્યારે તેમને કહેવું પડે કે ‘હનુમાન ચાલીસા’નું સ્મરણ કરતી વેળા જે અત્યંત સહજતાથી આપણે બોલી જઈએ છીએને, ‘જુગ સહસ્ર જોજન પર ભાનુ!’ અર્થાત્ યુગ - ૧૨ હજાર વર્ષ, સહસ્ર - હજાર, યોજન - ૮ માઇલ્સ - એ બધાનો ગુણાંક એટલે ૯૬૦ લાખ માઇલ, જેને તમે કિલોમીટરમાં કન્વર્ટ કરો તો ૧૫૩૬ લાખ કિલોમીટર થાય છે! જે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર બતાવે છે. હવે વિચાર કરો કે હનુમાન ચાલીસાની રચના ભારતના મહાન સંત તુલસીદાસજી દ્વારા કરવામાં આવી હતી જે ૧૫મી સદીનો સમય હતો. તુલસીદાસજીએ આટલી સહજતાથી પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર કહી દીધું હતું જે હમણાં થોડાં વર્ષ પહેલાં મહામહેનતથી અને અત્યંત આધુનિક યંત્રોની મદદથી સાયન્ટિસ્ટ્સ શોધી શક્યા હતા અને કહ્યું કે પૃથ્વીથી સૂર્યનું અંતર અંદાજે ૧૫૨ મિલ્યન કિલોમીટર જેટલું છે. આ છે ભારતનો વારસો. આ છે ભારતનું ગણિત ક્ષેત્રે યોગદાન.

બ્રહ્મગુપ્ત

ભારતની શોધને વિશ્વએ સ્વીકારી

આમ તો આ યાદી ખૂબ લાંબી બને, જેમાંનાં કેટલાંય ઇન્વેન્શન અને રચના તો એવાં હશે જે ભારતમાંથી જ લેવામાં આવ્યાં હોવા છતાં વિશ્વ સ્વીકારશે નહીં. કેટલીય શોધ એવી પણ હશે જે ભારતમાંથી ચોરીને લઈ જવામાં આવી હોવા છતાં ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નહીં હોય. ખેર, તોય માત્ર કેટલીક એવી શોધો કે રચનાઓ ગણાવીએ જે વિશે વિશ્વભરના તમામ દેશો ભારતને જન્મદાતા તરીકે સ્વીકારે છે. તો સૌથી પહેલાં ગણિતનો પાયો જેના પર રચાયો છે એ એટલે કે ‘શૂન્ય’ જેની શોધ ભારતના મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી. ગણિતથી લઈને જ્યોતિષશાસ્ત્ર, ખગોળવિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, સમુદ્રશાસ્ત્ર અને ભૂગોળ જેવાં તમામ શાસ્ત્રો અને એની ગણતરી એટલે કે ગણિત ‘શૂન્ય’ પર આધારિત છે અને એ શૂન્ય ભારતના આર્યભટ્ટે શોધ્યું હતું. જો શૂન્ય ન હોત તો ગણતરી ન હોત અને ગણતરી ન હોત તો ગણિત જ ન હોત.

ત્યાર બાદ એલ્જિબ્રા અર્થાત્ બીજગણિત. ભારતીય સંસ્કૃતિમાં પારંપરિક ગણિત જેને ‘ગણિતમ’ કહેવામાં આવતું હતું એ સમયકાળ દરમ્યાનનાં શાસ્ત્રો ઉથલાવશો તો જાણવા મળશે કે વિશ્વમાં હજી જ્યારે ‘એલ્જિબ્રા’ની ગણતરી કે સિદ્ધાંત તો છોડો, એલ્જિબ્રા શબ્દ પણ શોધાયો નહોતો ત્યારે આપણાં શાસ્ત્રોમાં એલ્જિબ્રાની ગણતરીઓ અને સિદ્ધાંતો ‘બીજગણિતમ’ તરીકે રચાઈ ચૂક્યાં હતાં અને ઉપયોગમાં લેવાતાં હતાં. ‘ટ્રિગોનોમેટ્રી’ - અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ આ શબ્દ બોલે છે. આપણે ગુજરાતી માધ્યમવાળા ભણ્યા હતા ત્યારે આપણે એને ભૂમિતિ કે ત્રિકોણમિતિ તરીકે ઓળખતા હતા, યાદ છે? વિશ્વભરમાં એવી ખોટી જાણકારી છે કે ટ્રિગોનોમેટ્રી મૂળ ગ્રીક પિરિયડમાં શોધાઈ અને રચાઈ હતી. ત્યાર બાદ એનું આધુનિક સ્વરૂપ મૉડર્ન ટ્રિગોનોમેટ્રી તરીકે જાણીતું થયું. જ્યારે વાસ્તવમાં ટ્રિગોનોમેટ્રી અને એના સિદ્ધાંતોની શોધ અને રચના બીજે ક્યાંય નહીં, પણ ભારતમાં જ થઈ હતી અને એ પણ આર્યભટ્ટના સમયકાળ દરમ્યાન જ.

દશાંશ પદ્ધતિ

ડિસિમલ સિસ્ટમ તો ખબર છેને? હા બસ એ જ, ૧.૫/૧.૭૫માં આ જે વચ્ચે બિંદુ આવે છે એ જ. આ ડિસિમલ સિસ્ટમ પણ વિશ્વને ભારતે આપેલી ભેટ છે. આર્યભટ્ટની સાથોસાથ બ્રહ્મગુપ્ત અને મહાવીર જેવા તજ્જ્ઞોનાં નામ સાંભળ્યાં છે ક્યારેય? નહીંને? અચ્છા તો ભાસ્કર દ્વિતીય કે સંગમગ્રના માધવ કે નીલકંઠ સોમયાજી જેવાં કોઈ નામ? ૪૦૦મી શતાબ્દીથી લઈને ૧૬૦૦ ઈસા પૂર્વ દરમ્યાન આ બધા મહાન ગણિતજ્ઞો થઈ ગયા જેમણે ગણિતક્ષેત્રે ભારતના અમૂલ્ય યોગદાનમાં અત્યંત મહત્ત્વનો ફાળો આપ્યો હતો. દ્વિઘાતન સમીકરણોથી લઈને ડિસિમલ કૅલ્ક્યુલેશન્સ ભારતના આ ઐતિહાસિક સમયકાળ દરમ્યાન અસ્તિત્વમાં આવ્યાં હતાં. આપણે ઉપર વાત કરી ગોલ્ડન રેશિયોની. યાદ છેને? જી હા, ફિબોનાકી નંબર્સ. આ એક એવા આંકડાઓની શૃંખલા છે જેમાં વર્તમાન આંકડામાં એ પહેલાં લખાયેલા આંકડાને ઉમેરવામાં આવે તો ફિબોનાકી નંબર મળે છે જેને આપણે ગોલ્ડન નંબર્સ પણ કહીએ છીએ. કોઈ ખ્યાલ છે ખરો કે આ પહેલી વાર કોણે અને ક્યારે શોધ્યું હતું? ફિબોનાકી નામ ભૂલી જાઓ... એ આપવામાં આવેલી જુઠ્ઠી ક્રેડિટ છે. એની શોધ થઈ હતી ભારતમાં. સૌથી પહેલી વાર એ વિરહંકા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા. ત્યાર બાદ ગોપાલ અને હેમચંદ્રે એને વધુ વિસ્તારથી સમજ્યા અને વિકસાવ્યા અને પિંગલા દ્વારા આલેખિત કરવામાં આવ્યા.

લંબાઈનો એકમ ભારતમાં શોધાયો. ઇન્ડ્સવૅલી સિવિલાઇઝેશન ખબર છેને? કહેવાય છે કે માપપટ્ટી જેને આપણે ફુટપટ્ટી પણ કહીએ છીએ એનો પહેલી વાર ઉપયોગ ઇન્ડ્સવૅલી સિવિલાઇઝેશનના સમયમાં એટલે કે 1500 BCEમાં થયો હતો. એ સમયના લોકોને લંબાઈ, સમય અને પ્રમાણ જેવા આયામોનું ખૂબ સટિક જ્ઞાન હતું. વજન અને માપણીનું એકસરખું પ્રમાણ અને યુનિફૉર્મિટી પણ એ સમયના લોકો દ્વારા જ લાવવામાં આવી હતી. એ જ રીતે મૌર્ય સમયમાં વજન અને માપણીની સિસ્ટમ ડેવલપ થઈ અને સાથે જ જમીનમાપણીના પણ આયામ શોધાયા. જ્યોમેટ્રી - આ શબ્દ તો આપણને બધાને જ ખબર છે, ખરુંને? જેને શુદ્ધ ગુજરાતીમાં રેખાગણિત કહેવામાં આવે છે. આ રેખાગણિત એટલે કે જ્યોમેટ્રી પણ વિશ્વને ભારતે આપેલી ભેટ છે. ભારતીય ઇતિહાસમાં કે ભારતીય શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ સૂલ્વસૂત્રો તરીકે છે. આપણા દેશનાં અનેક પૌરાણિક મંદિરો અને મહેલોના બાંધકામમાં સૂલ્વસૂત્રોનો ઉપયોગ થયો છે અને એ અનુસાર આજે પણ ઍડ્વાન્સ આર્કિટેક્ચર ગણાય એવાં અનેક ઐતિહાસિક બાંધકામો વર્ષો પહેલાં થયાં છે.

પૃથ્વી પર આજે દિવસ-રાત, મહિનો, વર્ષ ગણવાની પદ્ધતિ પણ ગણિત વિના શક્ય નથી. પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે એનું અંતર ખગોળશાસ્ત્રીઓએ કન્ફર્મ કર્યું એનાં સેંકડો વર્ષ પહેલાં આપણાં શાસ્ત્રોમાં હનુમાન ચાલીસામાં કહેવાયું હતું

બાયનરી કોડ્સ ખબર છેને? હવે વૈશ્વિક કક્ષાએ હમણાં સુધી એવી ખોટી માહિતી કે માન્યતા પ્રચલિત રહી કે બાયનરી કોડ્સ ૧૬૯૫ની સાલમાં એક જર્મન મૅથૅમૅટિશ્યન ગૉટફ્રેઇડ લેબનીઝે શોધ્યા હતા. એ તો સારું થયું કે હમણાં થોડાં વર્ષ પહેલાં જ પુરાવા મળ્યા કે સેકન્ડ સેન્ચુરી AD દરમ્યાન અર્થાત્ લેબનીઝના સમયથી લગભગ ૧૫૦૦ વર્ષ પહેલાં ભારતમાં બાયનરી કોડ્સનો ઉપયોગ થતો હતો અને ઇન્ફિનિટી સિરીઝ તો ખરી જ, જેમની સ્મૃતિમાં અને ઋણસ્વીકાર તરીકે આપણે આજનો દિવસ ઊજવીએ છીએ.

 ગણિત અને ગણિતજ્ઞ ક્ષેત્રે ભારતનું યોગદાન એટલું વિશાળ છે કે જો બધી માહિતીઓ લખવા બેસીએ તો કદાચ એક વિશાળ ગ્રંથની રચના થઈ શકે, પરંતુ એટલી બધી વાતો નહીં કરીએ તો પણ ગાગરમાં સાગર જેવું કહી શકાય કે આજે રામાનુજનજીના યોગદાન માટે પણ ભારત ‘રાષ્ટ્રીય ગણિત દિવસ’ને યાદ નહીં રાખે અને નહીં ઊજવે તો કદાચ આપણે એને જ લાયક પ્રજા છીએ જેના દરેક યોગદાન માટે વિશ્વ તેને ભુલાવી દે અને તેનું બધું અમૂલ્ય સાહિત્ય ચોરી જઈને પોતાને નામે ચડાવી દે.

આપણે મહાન હતા અને મહાન છીએ એ વાત તો ઊંચા અવાજે કૉલર ઊંચો કરીને કહો, વિશ્વને ગૌરવભેર જણાવો, કારણ કે પહેલાંનો સમય અલગ હતો, હવે સમય બદલાઈ ચૂક્યો છે. હવે માત્ર કરવાનો નહીં, પરંતુ કરીને કહેવાનો માર્કેટિંગનો જમાનો છે. તો જ મહાન હતા, મહાન છીએ અને મહાન રહી શકીશું. નહીં તો ઇતિહાસના પાનામાં ક્યાંક એવા ખોવાઈ જઈશું કે શોધ્યાય નહીં જડીએ.

columnists gujarati mid-day mumbai technology news