21 December, 2024 04:54 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દરેક ભારતીયને પ્રાઉડ થાય એવો આજનો દિવસ છે. દુનિયાઆખી હવે પછી દર વર્ષે આજના દિવસને એટલે કે ૨૧ ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ઊજવવાની છે. ભારતની ધરોહરમાં આપણા ઋષિ-મુનિઓએ ધ્યાનના પ્રખર અભ્યાસથી માનવસમાજને ઉપયોગી એવી અઢળક ભેટ આપી છે. યુનાઇટેડ નેશન્સ પણ જેને પ્રમોટ કરવામાં ગર્વ અનુભવે છે એવા ધ્યાન અથવા મેડિટેશનમાં શું ખાસ છે? શું કામ આપણા સૌના જીવનમાં દિવસની કમસે કમ ૧૦ મિનિટ ધ્યાનના અભ્યાસ માટે ફાળવવી જોઈએ અને કઈ રીતે આપણા જીવનને ઉન્નતિના પંથે લઈ જવા મનની ચંચળતા દૂર કરીને સ્થિરતા અને શાંતિ સ્થાપવામાં ધ્યાન કાબિલેદાદ બની શકે છે એ જાણવા આખો લેખ વાંચ્યા વિના છૂટકો નથી
ભારતે દુનિયાને આપેલી સર્વશ્રેષ્ઠ ભેટ એટલે યોગ. એ જ યોગની દુનિયાનો ખૂબ કીમતી કહી શકાય એવો હિસ્સો એટલે ધ્યાન. ધ્યાનના લાભ એટલા વ્યાપક છે કે દુનિયા એને વ્યક્તિગત મહત્ત્વ આપ્યા વિના રહી નથી શકી અને એટલે જ આજ સુધી મેડિટેશનના લાભાલાભ પર અઢળક કામ થયું છે. હજારો વર્ષનો ધ્યાનનો વારસો આપણને મળ્યો છે અને એની ધરોહર વધુ દૃઢતા આપે એવી ઘટના એટલે ભારતના સહયોગથી યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બલીમાં એક ઠરાવ પાસ થયો અને સહમતીથી ૨૧ ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે જાહેર કરવામાં આવ્યો. વર્લ્ડ મેડિટેશન ડે શું કામ હોવો જોઈએ એની રજૂઆત વખતે એક બહુ અદ્ભુત વાક્ય હેવામાં આવ્યું હતું જેને કારણે મેડિટેશનનું મહત્ત્વ પણ સમજાય અને એને કરવા માટેની આપણી દૃઢ ઇચ્છાશક્તિ પણ વધે. એ વખતે કહેવાયું કે હાઇએસ્ટ સ્ટૅન્ડર્ડના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને માણવાનો દરેકને અધિકાર છે. યસ, ધ્યાન એ તમારો અધિકાર છે, કારણ કે એ દરેક સ્તરે તમારા સ્વાસ્થ્યને શ્રેષ્ઠતા આપે છે.
આજે પહેલવહેલો વર્લ્ડ મેડિટેશન ડે સેલિબ્રેટ થઈ રહ્યો છે ત્યારે ધ્યાનથી હજીયે અજાણ લોકોને ધ્યાનનો સાચો પરિચય તો કરાવીએ.
શું છે મેડિટેશન?
આમ તો યોગિક દૃષ્ટિએ ધ્યાનની પરિભાષા જુદી છે, પરંતુ અત્યારે જે પ્રચલિત વ્યાખ્યા છે એમાં કહી શકાય કે વર્તમાનમાં રહેવું એ જ મેડિટેશન. જે સમયે જે કરતા હો એમાં એકરૂપ થઈ જવું એ મેડિટેશન. વિચારરહિત અવસ્થા એટલે મેડિટેશન. સામાન્ય રીતે આપણું મન ભૂતકાળ અથવા ભવિષ્યમાં જ મોટા ભાગના સમયે ગોથાં ખાતું હોય છે. ભૂતકાળની કડવી યાદો અથવા ભવિષ્યની ચિંતા મનને વર્તમાનમાં ઉદ્વિગ્ન રાખે છે. ગઈ કાલે શું થયું હતું કે આજે શું થશે એની ચિંતા કરવાને બદલે અત્યારે જે થઈ રહ્યું છે એમાં જ આપણી સંપૂર્ણ એકાગ્રતા કેળવાય તો આપણા મનનાં ઘણાં બધાં દ્વંદ્વનો ખાતમો બોલી શકે છે. માનસિક શાંતિ માટે, વિચારોની સ્પષ્ટતા માટે, શરીરની છૂપી ક્ષમતાઓને બહાર લાવવા માટે ધ્યાન એ યોગની એક મહત્ત્વની પ્રક્રિયા ગણાય છે. અષ્ટાંગ યોગમાં ધ્યાન સાતમા ક્રમે છે. એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા પછી ધ્યાનનો નંબર આવે છે. ઇન્દ્રિયોને બહારની દિશામાંથી અંદર તરફ વાળીને પહેલાં એક ઑબ્જેક્ટ તરફ સ્થિર કરી દીધી હોય અને પછી ધીમે-ધીમે તમારી અંદરની યાત્રા શરૂ થાય. આપણી અંદર રહેલી અનંત શક્તિઓને ઓળખવાની, આપણી અંદર રહેલા અનંત આનંદની અનુભૂતિ કરવાની યાત્રા ધ્યાનથી શરૂ થાય છે. આ જાગૃતિની એવી અવસ્થા હોય છે જેમાં તમે નૉન-જજમેન્ટલ હો છો, નૉન-રીઍક્ટિવ હો છો. મેડિટેશન કરવાનું નથી હોતું, એ તો થઈ જાય છે.
શું કરાય મેડિટેશનમાં?
આજની મૉડર્ન વ્યાખ્યામાં ફોકસ, કૉન્સ્ટ્રેશન સાથે પણ મેડિટેશનને મિક્સ કરવામાં આવે છે. અફકોર્સ ધ્યાનના અભ્યાસમાં પણ એકાગ્રતા મહત્ત્વની છે, પરંતુ ધ્યાનનો અભ્યાસ એકાગ્રતા પર અટકતો નથી. એકાગ્રતાથી શરૂ થાય અને એકાગ્રતા જેમ-જેમ આગળ વધતી જાય એમ-એમ જે સ્થાન, વસ્તુ કે ભાવ પર તમે એકાગ્રતા રાખી રહ્યા હતા એ ઑબ્જેક્ટ વિલીન થઈ જાય. દાખલા તરીકે તમે તમારા શ્વાસ પર મનને એકાગ્ર કરી રહ્યા છો. શ્વાસની ગતિ અથવા શ્વાસના નાક વાટે શરીરની અંદર અને બહાર જવાની યાત્રા પર તમારું પૂરેપૂરું કૉન્સન્ટ્રેશન છે. શરૂઆતમાં આ કરવાનું ખૂબ અઘરું લાગશે, શરૂઆતમાં જેવું આંખ બંધ કરીને કોઈ એક વસ્તુ પર ફોકસ કરશો ત્યારે મનની ભાગદોડ વધશે અને તમારું મન વધારે અશાંત થશે. તમે વધુ ડિસ્ટર્બ ફીલ કરશો અને કંટાળીને આંખ ખોલી દેશો અથવા ધ્યાનના અભ્યાસના આ પહેલા પગથિયેથી જ પાછા વળશો. જોકે આ બધી અશાંતિઓને અવગણીને શિસ્ત સાથે તમે કોઈ એક વસ્તુ, સ્થાન કે ક્રિયા પર એકાગ્રતાને અકબંધ રાખવા માટે પ્રયાસ ચાલુ રાખ્યા તો ધીમે-ધીમે એવું સ્ટેજ આવશે જ્યાં મન અકલ્પનીય રીતે સ્થિર થતું જશે અને સ્થિરતા સાથે જ સ્પષ્ટતા આવશે. તળાવમાં જ્યારે પાણી સ્થિર થઈ જાય એટલે ધીમે-ધીમે કચરો નીચે બેસી જાય અને એ પછી ધીમે-ધીમે બધું જ સ્પષ્ટ દેખાવા માંડે. આ જે સ્ટેટ છે એ મેડિટેટિવ સ્ટેટ છે. આમ જો સાચી રીતે સમજીએ તો મેડિટેશન આપણે કરતા નથી, પણ આપણી એકાગ્રતાનું ઍડ્વાન્સ સ્ટેજ આપણને ધ્યાન-અવસ્થા તરફ લઈ જાય છે. મેડિટેશનના સ્ટેજ સુધી પહોંચવા માટે જેકોઈ ઇન્સ્ટ્રક્શન મળે છે એ ધારણા એટલે કે એકાગ્રતાને વધારે સજાગ કરવા માટેની હોય છે.
કોણ-કોણ કરી શકે છે મેડિટેશન?
આપણે બધા જ. ઘણી વાર આપણે અનાયાસ મેડિટેશનના આ સ્ટેજ સુધી પહોંચ્યા હોઈએ છીએ અને આપણને જાણ પણ નથી હોતી. જ્યારે કોઈ એક કામ કરવામાં ગળાડૂબ થઈ જાઓ ત્યારે મનની એ કામમાં એકાગ્રતા એ સ્તરની હોય કે તમે ભૂત-ભવિષ્ય ભૂલીને એ કામમાં લીન થઈ ગયા હો. એ લીનતા એટલી ગાઢ અને પ્રગાઢ હોય કે તમે જાગ્રત હોવા છતાં, તમારી આસપાસ બની રહેલી ઘટનાઓથી સચેત હોવા છતાં મનની આંટીઘૂંટીઓથી પર થઈ ગયા હો છો. આ અનુભવ એ ધ્યાનનો અનુભવ છે. સામાન્ય રીતે ધ્યાનનો અભ્યાસ દરેક વ્યક્તિ કરી શકે, પરંતુ દરેક જણની એ અભ્યાસ કરવાની રીત જુદી-જુદી હોઈ શકે. જેમ કે કોઈ ડિપ્રેશનનો દરદી હોય અને તેને જો આંખ બંધ કરીને બેસાડવામાં આવે અને કહેવામાં આવે કે ફલાણી જગ્યાએ ધ્યાનને એકાગ્ર કરો તો તે નહીં કરી શકે. ધ્યાનની પદ્ધતિ દરેક વ્યક્તિ માટે સરખી નથી. કોઈકને મંત્રના ઉચ્ચારણ સાથે થતા ધ્યાનના પ્રયોગ ઉપયોગી સાબિત થાય તો કોઈકને ડાયનૅમિક એક્સરસાઇઝના માધ્યમથી કરાતા ધ્યાનની મેથડ કામ આવે. કોઈક આંખ બંધ કરે અને ધ્યાનમાં લીન થાય તો કોઈક જાગૃતિપૂર્ણ અવસ્થામાં ખુલ્લી આંખો સાથે મળતા ઇન્સ્ટ્રક્શન સાથે બહેતર એકાગ્રતા કેળવી શકે. એટલે ધ્યાન બધા માટે છે, પરંતુ એને કરવાની પદ્ધતિ એ વ્યક્તિના સ્વભાવ, શારીરિક અને માનસિક અવસ્થા પર નિર્ભર કરે છે.
૨૧ ડિસેમ્બરે જ શું કામ?
૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાય છે એના એક્ઝૅક્ટ છ મહિના પછી આંતરરાષ્ટ્રીય મેડિટેશન ડેની ઉજવણી થવાની છે. ભારતીય ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ આપણી સંસ્કૃતિમાં આજનો દિવસ ખાસ છે. આજે વર્ષનો સૌથી નાનો દિવસ અને સૌથી લાંબી રાત છે. આવતી કાલથી રાત ટૂંકી અને દિવસ લાંબો થવાનો શરૂ થશે જે ગ્રોથ અને નવા આશાવાદનું પ્રતીક છે. બીજો એક દૃષ્ટિકોણ એવો પણ છે કે આ સમયગાળામાં ખગોળીય દૃષ્ટિએ સૂર્યની સ્થિતિ વિષુવવૃત્તથી દૂર હોય છે જે વ્યક્તિના માનસને એ રીતે પ્રભાવિત કરે છે જેમાં તે આત્મમંથન અને અાધ્યાત્મિક ઉન્નતિની દિશામાં સરળતાથી ગતિ કરી શકે.
આજે શું કામ સાપેક્ષ?
આજે જે સ્તરનું ડિસ્ટ્રૅક્શન વધ્યું છે અને મન વિચલિત થવા માટેનાં ઢગલાબંધ કારણો પ્રસ્તુત છે ત્યારે ધ્યાનના અભ્યાસની આવશ્યકતા વધુ ને વધુ સબળ બનતી જાય છે. મૉડર્ન મેડિકલ સાયન્સ તો માત્ર અનઇન્ટરપ્ટેડ કૉન્સન્ટ્રેશન એટલે કે વિચલિત થયા વિનાની એકાગ્રતાને જ મેડિટેશન માને છે અને આટલી જ માન્યતાના આધારે થયેલા વૈજ્ઞાનિક અભ્યાસના પણ અમાપ લાભ તેમણે સાબિત કર્યા છે. એની સામે આપણી સંસ્કૃતિ અનઇન્ટરપ્ટેડ કૉન્સન્ટ્રેશનને ધારણા કહે છે અને ધારણા પણ જ્યારે લાંબા સમય સુધી અકબંધ રહે અને જે પ્રગટ થાય એને ધ્યાનસ્થ અવસ્થા કહે છે. ધ્યાનની આ અવસ્થા સુધી પહોંચીને જ આપણા ઋષિ-મુનિઓ બ્રહ્માંડનાં અકળ સત્યોને બહાર લાવ્યા. આપણા મોટા ભાગના તમામ પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોમાં ખગોળ, ભૂગોળ, ચિકિત્સાશાસ્ત્રોમાં આ ઉત્કૃષ્ટ ધ્યાન અવસ્થાની જ ફળશ્રુતિ છે.
મેડિટેશનથી થતા લાભ જાણી લો
હાર્વર્ડ હેલ્થનો એક ડેટા કહે છે કે નિયમિત મેડિટેશન પ્રૅક્ટિસથી બ્લડ-પ્રેશર ઓછું થાય, બ્રેઇનમાં ગ્રે મૅટર વધે જે મગજની કાર્યક્ષમતા વધારે, ડિસિઝન-મેકિંગ બહેતર થાય. સેલ્ફ-એસ્ટીમ વધે, કૉન્સન્ટ્રેશન અને ફોકસ વધે, યાદશક્તિ વધે એટલે ઘડપણમાં થતા ડિમેન્શિયા કે ઑલ્ઝાઇમર્સ જેવા રોગોને દૂર ધકેલે, ઇમ્યુન-સિસ્ટમ સુધરે. વિશ્વની જુદી-જુદી યુનિવર્સિટી સંશોધન દ્વારા આ બધું સાબિત કરી ચૂકી છે. ધ્યાન તમારા શરીરના છૂપા હીલિંગ પાવરને જેનાથી તમે પણ અજાણ છો એને જાગ્રત કરે છે. શરીરના પ્રત્યેક કોષને સ્પંદિત કરે છે અને તમે પરિપૂર્ણ જાગૃતિ સુધી પહોંચો છો. ઘણા લોકો માટે મેડિટેશન એટલે વિચારશૂન્ય થવું. જી નહીં, આ તદ્દન ખોટી માન્યતા છે. ધ્યાનની અવસ્થામાં તમે ટ્રાન્સમાં હો છો. એક અપૂર્વ આનંદમય અવસ્થા હોય છે, ત્યાં વિચારો પ્રત્યે કોઈ સંવેદનશીલતા જ નથી હોતી. વિચારો હોય કે વિચારો ન હોય, એનાથી કોઈ ફરક જ નથી પડતો હતો. આજના સમયમાં સ્ટ્રેસ-મૅનેજમેન્ટ માટે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને મેડિટેશનને પર્ફેક્ટ પ્રૅક્ટિસ ગણાવી છે.
કેવી રીતે શરૂ કરશો?
ધ્યાનનો અભ્યાસ એટલે સ્થિરતાનો અભ્યાસ. મનની સ્થિરતા એ ગોલ છે પણ એની શરૂઆત મોટા ભાગના કેસમાં શરીરની સ્થિરતાથી કરો તો પરિણામ જલદી મળે. અફકોર્સ ડિપ્રેશન જેવા માનસિક રોગો ધરાવતા લોકો માટે આ વાત લાગુ નથી પડતી, પરંતુ તન-મનથી સામાન્ય રીતે હેલ્ધી ગણાતી વ્યક્તિએ ધ્યાનની શરૂઆત બેથી ત્રણ મિનિટ હલ્યા વિના રહેવાથી કરવી જોઈએ. ખુરસી કે જમીન પર કરોડરજ્જુ સીધી રહે એ રીતે બેસી જાઓ અને ખુલ્લી આંખે નજરને ભટકાવ્યા વિના કોઈ એક જગ્યાએ એકાગ્ર કરો. જો બંધ આંખે કરવું હોય તો વિપશ્યનામાં આનાપાન તરીકે અને યોગમાં પ્રાણ ધારણા તરીકે ઓળખાતો અભ્યાસ એટલે શ્વાસોના આવાગમન પર ધ્યાન કેન્દ્રિત કરો. કરોડરજ્જુનું સહજ રીતે ટટ્ટાર હોવું જરૂરી છે. આંખો ખુલ્લી હોય કે બંધ, પણ શરૂઆતમાં એવું સેંકડો વાર બનશે કે મન દોડાદોડ કરશે. તમે શ્વાસ પર કૉન્સન્ટ્રેટ કરવાનું નક્કી કર્યું હશે અને મન સવારે ટિફિનમાં શું બનાવું કે આજે ફલાણો આમ કેમ બોલ્યો કે માથું દુખે છે તો શું કરવું જેવા ૧૦,૦૦૦ વિચારોની હારમાળા શરૂ કરશે. તમે થાકી જશો પણ મન એકાગ્ર નહીં થાય. જોકે અહીં થાકવાની છૂટ છે, પણ ભાગવાની કે હારવાની નહીં. તમે હારશો એ તો ચાલશે જ નહીં. ભલે મન ભાગમભાગ કરે, તમે સતત મનને કમાન્ડ આપો અને વારંવાર ખેંચીને તમારે જ્યાં એકાગ્રતા કેળવવાની છે ત્યાં મનને લઈ જાઓ. પાંચ, સાત, પંદર દિવસ પછી મન ધીમું પડશે. તમારી એકાગ્રતાની આવરદા વધતી જશે. પ્રથમ પાંચ સેકન્ડ સખણું નહીં રહેનારું મન ધીમે-ધીમે દસ સેકન્ડ, વીસ સેકન્ડ કે પચાસ સેકન્ડ સ્થિરતા વધારતું જશે. મન તમારું ગુલામ બનીને તમારા ઑર્ડરને માનવાની દિશામાં ગતિમાન થશે. આ અવસ્થામાં જેમ-જેમ ઊંડાણ આવતું જશે એમ-એમ ધ્યાનની દિશામાં તમે વધુ ને વધુ સફળ બનતા જશો. અહીં મહર્ષિ પતંજલિએ કહ્યું છે એ વાતને યાદ રાખવી. તમારે શરૂઆત તમને જેના પર ચિત્તને ચોંટાડવું ગમે એનાથી કરવી. ધારો કે તમને તમારા ઘરની ફૂલદાનીમાં મૂકેલા ફૂલ પર ફોકસ દ્વારા ધ્યાનનો અભ્યાસ શરૂ કરવો હોય તો પણ ચાલે કે પછી તમારા ઘરમાં ચાલતા પંખાની એકધારી ગતિ પર મનને એકાગ્ર કરીને મેડિટેશન શરૂ કરવું હોય તો એ પણ ચાલે. એવો કોઈ નિયમ નથી કે આંખ ખુલ્લી રાખવી કે આંખ બંધ રાખવી કે ભગવાનના જ ફોટોને જોવું કે કોઈ મંત્રનું સ્મરણ કરવું. આપણો એક જ ગોલ છે કે મનના વાનરવેડા ઓછા કરવા અને એ માટે વાનરવેડા કરતા મનની મનગમતી વસ્તુ પાસે પણ એને મૂકીને ત્યાં ચોંટાડવાની કોશિશ કરશો તો એમાંય કાંઈ ખોટું નથી.
તમને ખબર છે?
યુનાઇટેડ નેશન્સના ન્યુ યૉર્કમાં આવેલા હેડક્વૉર્ટરમાં ૧૯૫૨માં મેડિટેશન રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. એક એવી જગ્યા જેને ‘રૂમ ફૉર ક્વાયટ’ તરીકે સિમ્બોલાઇઝ કરવામાં આવ્યો હતો. ક્લાઇમેટ ક્રાઇસિસ, યુદ્ધ અને ટેક્નૉલૉજીની સ્પીડમાં દોડી રહેલા વિશ્વને શાંતિ, એકતા અને પરસ્પર સહાનુભૂતિનો માહોલ સર્જવા માટે મેડિટેશનનો અભ્યાસ જરૂરી છે અને એમાં વર્લ્ડ મેડિટેશન ડે ક્રાન્તિકારી પરિણામ લાવશે એવું યુનાઇટેડ નેશન્સના અગ્રણીઓ માને છે.
એપિલેપ્સીને કારણે શરૂ કર્યું અને હવે જીવનનો હિસ્સો છે: પ્રણવ છેડા, સ્ટુડન્ટ
એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલો અને મુલુંડમાં રહેતો ૨૧ વર્ષનો પ્રણવ છેડા મેડિટેશનને વન ઑફ ધ ગ્રેટેસ્ટ પ્રૅક્ટિસિસ ઑફ યુનિવર્સ માને છે. પ્રણવ કહે છે, ‘મને નહીં, મારા ફ્રેન્ડ્સ અને ફૅમિલીને પૂછો કે મેડિટેશનને કારણે મારામાં શું બદલાવ આવ્યા છે. હું ખરેખર શૉર્ટ-ટેમ્પર્ડ અને હાઇપરઍક્ટિવ હતો. મને એપિલેપ્સીના અટૅક આવતા. ઇમોશનલી અનસ્ટેબલ થઈ જતો. એમાંથી બહાર કાઢવાનું કામ મેડિટેશને કર્યું છે. મારી હેલ્થના બેટરમેન્ટ માટે મને યોગ કરવાનું કહેવામાં આવ્યું હતું. એમાં જ બ્રીધિંગ એક્સરસાઇઝ અને મેડિટેશન શરૂ થયું. આજે દરરોજ રાતે દસ મિનિટ બ્રીધિંગ એક્સરસાઇઝ અને મેડિટેશન કરીને જ સૂવાનો નિયમ છે અને મને મારામાં ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી અકલ્પનીય બેટરમેન્ટ દેખાય છે. હા, એટલું ચોક્કસ કહીશ કે ધ્યાનમાં શરૂઆતમાં તમને આંખ બંધ કરીને દસ સેકન્ડ રહેવામાં પણ તકલીફ પડશે, પણ એ તકલીફોથી તંગ આવીને અભ્યાસ નહીં છોડતા, કન્ટિન્યુ કરજો. તમે જો એ ફેઝ પાસ કરી ગયા તો તમારા જીવનમાં ચોક્કસ ચમત્કાર સર્જાશે. હું આજે ત્રીસથી પાંત્રીસ મિનિટ હલ્યા વિના આંખ મીંચીને શ્વાસ પર ફોકસ રાખીને બેસી શકું છું.’
ઓવરથિન્કિંગની સમસ્યા જાણે કે ગાયબ થઈ ગઈ મારી: દેવાંશી મહેતા, પ્રોજેક્ટ મૅનેજર
ઘાટકોપરમાં રહેતી ૨૯ વર્ષની દેવાંશી મહેતા એક કંપનીમાં પ્રોજેક્ટ મૅનેજર તરીકે સક્રિય છે. કોવિડ સમયે માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બન્સ વધી ગયું હતું ત્યારે મેડિટેશનનો અભ્યાસ શરૂ કરનારી દેવાંશી માટે ધ્યાનનો અભ્યાસ ઈશ્વરે આપેલા આશીર્વાદ સમાન છે. તે કહે છે, ‘મેડિટેશન એક પાવર છે જેને તમે અનુભવથી જ ઓળખી શકો. બહુ નાનપણમાં હું યોગ ક્લાસમાં જતી. ત્યાં જે ગુરુજી હતા તે અમને ક્લાસમાં છેલ્લી દસ મિનિટ ધ્યાનનો અભ્યાસ કરાવતા. ત્યારે જે શીખી એને કોવિડમાં જાતે અમલમાં મૂક્યું. આંખો બંધ કરીને શ્વાસ પર ધ્યાન આપવાનું અને સાથે ઓમનું ઉચ્ચારણ કરવાનું. ધીમે-ધીમે ઓમનો સાઉન્ડ નીચો જતો જાય. ઘણીબધી મેથડમાંથી આ મેથડ મને વધારે ઉપયોગી લાગી છે. મને બહુ જ શાંતિ ફીલ થાય છે મેડિટેશનથી. પહેલાં હું ઝોનઆઉટ થઈ જતી એટલે કે કોઈક કામ કરતી હોઉં અને ખોવાઈ જતી. ઍગ્રેસિવ થઈ જતી. કોઈ મજાક કરે તો પણ ટ્રિગર થઈ જતો ગુસ્સો. અત્યારે જોઉં છું તો છેલ્લાં બે વર્ષમાં મારામાં અઢળક બદલાવ આવ્યો છે. હું વધુ બૅલૅન્સ્ડ થતી જાઉં છું.’
ધ્યાનને કારણે ઍક્સેપ્ટન્સ અને ફર્ગિવનેસ મારામાં વિકસી છે: પ્રિયંકા વાઘેલા, પ્રોફેશનલ
ગોરેગામમાં રહેતી ૩૩ વર્ષની પ્રિયંકા વાઘેલા કંપની સેક્રેટરી તરીકે સક્રિય છે. લગભગ છેલ્લાં દસ વર્ષથી તે મેડિટેશનનો અભ્યાસ કરે છે. મારા જીવનની દિશા અને દશા બન્ને ધ્યાનના અભ્યાસને કારણે બદલાઈ ગઈ છે એવો ઉલ્લેખ કરતાં પ્રિયંકા કહે છે, ‘હું ડિગ્રી કૉલેજના પહેલા વર્ષમાં હતી જ્યારે મારાં મેન્ટર હર્ષા ખંડેલવાલના એક પ્રયોગમાં મને સામેલ કરવામાં આવી હતી. તેમના રિસર્ચનો સબ્જેક્ટ જ એ હતો કે યંગ જનરેશન પર મેડિટેશનની કેવી અસર થાય છે. તમે માનશો નહીં પણ અદ્ભુત અનુભવ હતો. અફકોર્સ, શરૂઆતમાં સમય લાગતો હતો ફોકસ કરવામાં પણ હવે આંખ બંધ કર્યાની દસમી સેકન્ડે માઇન્ડ સ્થિર થઈ જાય છે. મેડિટેશનનો આમ મારો કોઈ ફિક્સ સમય નથી, પણ આખા દિવસમાં દસ મિનિટ હું કાઢી લઉં છું. ધ્યાનના ઘણા પ્રકારો છે અને દરેક પ્રકારના ધ્યાનનો અભ્યાસ મેં કર્યો છે. મંત્રધ્યાન મને મારા માટે પાવરફુલ લાગે છે. શ્વસનની ક્રિયા પછી મનમાં મંત્રજાપ કરવાથી માઇન્ડ સ્થિર થઈ જાય. હું મારી આઇબ્રોની વચ્ચે ફોકસ કરું છું. મારામાં મેન્ટલ ક્લૅરિટી વધી છે. મારો રિસ્પૉન્સ પાવર લાંબો થયો છે. અઢળક શાંતિ સાથે મારામાં ફર્ગિવનેસ અને ઍક્સેપ્ટન્સ જેવા ગુણો કેળવાયા છે. કર્મમાં મારો ભરોસો વધ્યો છે. કોઈક આપણું ખરાબ કરે તો એ કર્મનો દોષ છે અને એમાં રીઍક્ટ કરવાને બદલે સ્થિરતા રાખીને એ સમયને પસાર થઈ જવા દેવાનો. શરૂઆતમાં હું ખરેખર હાઇપરસેન્સિટિવ અને ગુસ્સાવાળી હતી. આજે એ રીતે ધીરજ વધી છે. આપણા રસ્તામાં અડચણ બનનારા અને વગર વાંકે આપણને દંડનારા લોકો પ્રત્યે પણ સમભાવ રાખીને આપણા પ્રયાસો નિષ્ઠાપૂર્વક ચાલુ રાખવાનું આ પરિવર્તન મારામાં મેડિટેશનને કારણે આવ્યું છે.’
બે વર્ષમાં મારામાં અદ્ભુત બદલાવ આવ્યા છે: પવન મેર, માર્કેટિંગ પ્રોફેશનલ
અંધેરીમાં રહેતો અને મલ્ટિનૅશનલ કંપનીમાં પર્ફોર્મન્સ માર્કેટિંગનું કામ કરતો પવન મેર આજ સુધી મેડિટેશનના લાભથી પ્રેરાઈને પોતાના ઘણા મિત્રોને ધ્યાન શરૂ કરવાનું કહી ચૂક્યો છે પણ બહુ ઓછા લોકો તેને ફૉલો કરી શક્યા છે. આજના સમયમાં ધ્યાન કરવું હોય તો ઘણા પર્યાયો છે પણ લોકો સમજતા જ નથી એનો અફસોસ વ્યક્ત કરતાં પવન કહે છે, ‘હું નિયમિત જિમમાં જાઉં છું અને જિમ કલ્ચરમાં માનતા લોકો માટે ધ્યાન આઉટ ઑફ સિલેબસ વાત માનવામાં આવે છે પણ મેં એવું નથી રાખ્યું. દરરોજ સવારે ઊઠીને ફ્રેશ થયા પછી પંદર મિનિટ મેડિટેશન માટે ફાળવવાનો નિયમ મેં બનાવ્યો છે અને એનાથી મને બે વર્ષમાં મારામાં અદ્ભુત ચેન્જિસ જોવા મળ્યા છે. હું ‘હેડસ્પેસ’ નામની ઍપ વાપરું છું અને એમાં ઘણાંબધાં સારાં ગાઇડેડ મેડિટેશન ઉપલબ્ધ છે. આજે જ્યારે ડિસ્ટ્રૅક્શન વચ્ચે જ આખો દિવસ જઈ રહ્યો હોય ત્યારે આ પંદર મિનિટનું ફોકસ મને મેન્ટલ ક્લૅરિટી લાવવામાં, મારા પ્રૉબ્લેમ્સનાં સોલ્યુશન શોધવામાં, જાત પ્રત્યે વધુ અવેર થવામાં ખૂબ મદદ કરે છે. આપણને કલ્પના પણ નથી હોતી કે કેટલા બધા થૉટ્સ કૉન્સ્ટન્ટ આપણા માઇન્ડને ડિસ્ટર્બ કરતા રહે છે. પણ જેવું તમે એને ઑબ્ઝર્વ કરવાનું શરૂ કરો છો એનો પાવર ઘટી જાય છે, એની માત્રા ઘટી જાય છે. તમારો જજમેન્ટ પાવર મેડિટેશનથી વધે છે. તમારો આત્મવિશ્વાસ વધે છે. તમારી પ્રોડક્ટિવિટી વધે છે. ટાસ્કને એકાગ્રતા સાથે પૂરા કરવાની આદત કેળવાય છે. હું બહુ જ જલદી રીઍક્ટ કરી બેસતો હતો અને પેશન્સનું નામોનિશાન મારામાં નહોતું. અત્યારે એવું લાગે છે કે હું બહેતર બન્યો છું. પહેલાં કરતાં વધુ શાંત અને સ્ટેબલ થયો છું. મેડિટેશન ખરેખર અત્યારની ફાસ્ટ પેસ્ડ લાઇફમાં જરૂરી છે, પણ બહુ ઓછા લોકો આ વાત સમજી શક્યા છે. જસ્ટ પંદર મિનિટનો દિવસનો અભ્યાસ પણ જો નિયમિત થાય તો અફલાતૂન પરિણામ આપી શકે છે અને હવે એ ઘરેબેઠાં ફોનમાં એક ક્લિકથી કરી શકાય છે. આનાથી વધારે શું જોઈએ?’
મેડિટેશન કેમ ગમે છે આજની જનરેશનને? -રુચિતા શાહ
આંખ મીંચીને એકાંતમાં સ્થિરતા સાથે બેસવું એ આજે સૌથી અઘરી બાબત છે. પહેલેથી જ ચંચળ એવા આપણા મનની ચંચળતાને સાતમા આસમાન પર લઈ જાય એવા માહોલ વચ્ચે યંગસ્ટર્સને મેડિટેશનનું મૂલ્ય સમજાઈ ગયું છે. વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે અમે યુવાપેઢીના કેટલાક પ્રતિનિધિઓ સાથે આ વિષય પર ચર્ચા કરી ત્યારે શું જાણવા મળ્યું એ વાંચો અહીં