દેશમાં જ્ઞાતિવાદ વકરી રહ્યો છે અને યુવાનોમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ વધી રહ્યું છે

05 September, 2024 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દુ રાજકારણીના ઘરમાં મુસ્લિમ કે અન્ય ધર્મની પુત્રવધૂના દાખલા જગજાહેર છે. એ જ રીતે અન્ય ધર્મના રાજકારણીઓના ઘરમાં પણ

પ્રતીકાત્મક તસવીર

એક આશ્ચર્યની વાતના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. આજે દેશના યુવા વર્ગમાં આંતરજ્ઞાતીય લગ્નનું પ્રમાણ વધી રહ્યું છે અને સામે છેડે દેશમાં જ્ઞાતિવાદ વકરી રહ્યો છે. જ્ઞાતિવાદના વાડા અદૃશ્ય થવા જોઈએ ધીમે-ધીમે, એને બદલે વધુ ને વધુ ગાઢા થતા જાય છે. દરેકેદરેક રાજકીય પક્ષ, એક પણ અપવાદ સિવાય, જ્ઞાતિવાદને ધ્યાનમાં રાખ્યા સિવાય ચૂંટણીમાં ઉમેદવાર ઊભા નથી કરતા. કહેવાનું તાત્પર્ય કે ચૂંટણી જ્ઞાતિલક્ષી બની ગઈ છે. સીટ્સ વધવી જોઈએ, ભલે પછી દેશનું જે થવાનું હોય એ થાય; પણ યુવાવર્ગ જાત, પાત અને ધર્મને વ્યક્તિગત બાબત માને છે, જે એક આવકારદાયક ટ્રેન્ડ છે. રૂઢિચુસ્ત કુટુંબોમાં પણ લગ્નની બાબતમાં યુવાવર્ગના વિચારો સારા એવા ફ્રી હોય છે. તેમના વર્તનમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ અમારી પર્સનલ મેટર છે, તમારે તમારા વિચારો અમારા પર ઠોપવા નહીં. અને મા-બાપો પણ ધીમે-ધીમે તેમના સ્વતંત્ર વિચારોને મને કે કમને પણ સ્વીકારતાં થયાં છે. ઘર ભાંગી જાય અને કુટુંબ તૂટી જાય એના કરતાં સંતાનોની ઇચ્છા સ્વીકારવા તૈયાર થઈ જાય છે. અને એટલું જ ખાલી કહે કે ‘ભાણે ખપતી લાવજે.’ આનો અર્થ વાચકો સમજી ગયા જ હશે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે માતા-પિતા પણ આંતરજ્ઞાતીય લગ્નોને આડકતરી રીતે સંમતિ આપે જ છે.    

શિક્ષણનું પ્રમાણ ઘણું સુધર્યું છે એટલે પુત્ર-પુત્રી બન્ને સારી જગ્યાએ નોકરી કરતાં હોય એ હવે સામાન્ય બાબત છે. કૉર્પોરેટ કલ્ચરમાં તેઓ ક્યાં અને શું ખાય-પીવે છે એના પર ક્યાં કોઈ કન્ટ્રોલ રાખી શકવાનું? આખરે તો ઘરના કલ્ચર પર જ બધું આધારિત છે. ઉચ્ચ અભ્યાસ માટે કે સારી જૉબ માટે ઘરથી દૂર; ગામ, શહેર કે દેશથી દૂર પણ જવું પડે એ સૌ સ્વીકારે જ છે. ત્યાં તો ઘરના સંસ્કારો જ આખરે તેમને નક્કી કરવા પ્રેરશે કે શું ખાવું ને શું ન ખાવું? કોની સાથે ઊઠવું-બેસવું અને કોની સાથે નહીં? મિત્રતામાં લક્ષ્મણરેખા પોતે જ દોરવી પડે છે.

રાજકારણીઓનાં સંતાનો પણ પરદેશમાં ભણતાં હોય છે, લગ્ન કરતાં હોય છે. ત્યારે જાતિ-ધર્મને ગણતાં નથી, એ તો તેમના સમાચારો છાપાંમાં આવતા હોય છે એ પરથી આપણે સૌ જાણીએ છીએ. હિન્દુ રાજકારણીના ઘરમાં મુસ્લિમ કે અન્ય ધર્મની પુત્રવધૂના દાખલા જગજાહેર છે. એ જ રીતે અન્ય ધર્મના રાજકારણીઓના ઘરમાં પણ. તો આ લોકો ઘરમાં અને ઘરની બહાર જુદાં મહોરાં કેમ રાખે છે?  દેશનું ભવિષ્ય જે યુવાવર્ગના હાથમાં છે તેમના વિચારો પ્રગતિશીલ છે, સંકુચિત નથી તો તમે શા માટે જાત-પાત, ધર્મ, જ્ઞાતિવાદને મુદ્દો બનાવીને દેશને અધોગતિની દિશામાં લઈ જવા માગો છો?

 

- યોગેશ શાહ (યોગેશ શાહ ખડાયતા જ્ઞાતિની સૌપ્રથમ સ્થપાયેલી ૧૧૨ વર્ષ જૂની શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના પ્રમુખ છે.)

columnists