ભણવાના બહાને અમેરિકા જઈને રિલેટિવની મોટેલમાં કામ કરી શકાય?

22 September, 2023 02:25 PM IST  |  Mumbai | Dr. Sudhir Shah

અમેરિકાનું શિક્ષણ વર્લ્ડ બેસ્ટ છે, પણ જો તમારો ભાઈ તેના ભત્રીજાને પોતાના સ્વાર્થ માટે તેની મોટેલમાં કામ કરવા માટે ભણવાના બહાને બોલાવવા ઇચ્છતો હોય તો એવું નહીં કરતા

પ્રતીકાત્મક તસવીર

મારો ભાઈ વર્ષોથી અમેરિકામાં રહે છે. ન્યુ યૉર્કમાં તેની બે મોટેલ છે. તે મારા દીકરાને સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં મોકલવાનું જણાવે છે અને ખાસ ભાર દઈને કહે છે કે મારા દીકરાએ ન્યુ યૉર્કમાં આવેલી યુનિવર્સિટીમાં જ પ્રવેશ મેળવવો જેથી તે તેમના ઘરે રહી શકે અને કૉલેજ પછી તેની મોટેલમાં ધ્યાન આપી શકે. ફ્રન્ટ ડેસ્ક પર કામ કરવાવાળા એમ્પ્લૉઈની ન્યુ યૉર્કમાં ખૂબ જ અછત છે. મારો દીકરો કૉલેજના સમય પછી મોટેલની ફ્રન્ટ ડેસ્ક સંભાળી શકશે. શું અમારે આવું કરવું જોઈએ?

તમારા દીકરાને જો ખરેખર અમેરિકામાં વધુ અભ્યાસ કરવો હોય તો જરૂરથી તેને ત્યાંની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા મોકલો. અમેરિકાનું શિક્ષણ વર્લ્ડ બેસ્ટ છે, પણ જો તમારો ભાઈ તેના ભત્રીજાને પોતાના સ્વાર્થ માટે તેની મોટેલમાં કામ કરવા માટે ભણવાના બહાને બોલાવવા ઇચ્છતો હોય તો એવું નહીં કરતા. મામાની મોટેલમાં કામ કરતાં તમારો દીકરો પકડાશે તો તેને અમેરિકાની બહાર તગડી મૂકવામાં આવશે અને ફરી પાછો તે અમેરિકામાં કોઈ પણ પ્રકારના વિઝા પર પ્રવેશી નહીં શકે. આ કારણસર તેને બીજા દેશના વિઝા મેળવવામાં પણ તકલીફ નડી શકશે.

 

અમેરિકાના સ્ટુડન્ટ વિઝા વિશે થોડી જાણકારી આપોને?

અમેરિકા ભણવા જવું હોય તો સૌપ્રથમ અમેરિકાની સરકારે માન્યતા પામેલી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો જોઈએ. એ માટે અંગ્રેજી ભાષા આવડવી જોઈએ અને એ આવડે છે એ દેખાડી આપવા ટોફેલ કે આઇલ્ટસની પરીક્ષા આપવી જોઈએ. બૅચરલ્સનો કોર્સ કરવા જતા હો તો સેટની પરીક્ષા આપવી જોઈએ અને માસ્ટર્સના કોર્સ માટે જીમેટ કે જીઆરઈની પરીક્ષા આપવી પડે છે. યુનિવર્સિટીમાં અરજી કરતાં ત્યાં શા માટે ભણવા જવું છે એનું કારણ દર્શાવતો નિબંધ યા સ્ટેટસમેન્ટ ઑફ પર્પઝ લખીને આપવાનો રહે છે. સાથે થોડી નામાંકિત વ્યક્તિઓના રેકમેન્ડેશન લેટર પણ આપવા જોઈએ. અમેરિકામાં ભણવા માટે, ત્યાં રહેવા-ખાવા માટે જે ખર્ચો આવે એ કોણ આપશે એ પુરાવાઓ સહિત દેખાડવાનું રહેશે. પાંચ-સાત જુદા-જુદા સ્ટેટમાં આવેલી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે અરજી કરવી જોઈએ. પ્રવેશ મળે ત્યાર બાદ ફૉર્મ ડીએસ-૧૬૦ ઑનલાઇન ભરીને બાયોમૅટ્રિક્સ તેમ જ સ્ટુડન્ટ વિઝાના ઇન્ટરવ્યુની તારીખ મેળવવી જોઈએ. એ પહેલાં સેવિંગ્સ ફી ભરવાની અને વિઝા પ્રોસેસિંગ ફી આપવાની રહે છે. ઇન્ટરવ્યુમાં વિદ્યાર્થીએ ઑફિસરને ખાતરી કરાવી આપવી પડે છે કે તે અમેરિકા ફક્ત ભણવા માટે જ જવા ઇચ્છે છે અને  તેનો ત્યાં કામ કરવાનો કે કાયમ રહેવાનો ઇરાદો નથી, તેની પાસે ખર્ચાના બધા જ પૈસાની યોગ્ય જોગવાઈ છે, તેના સ્વદેશમાં કૌટુંબિક અને નાણાકીય સંબંધો ખૂબ જ સારા છે જે સંબંધો તેને તેનો અભ્યાસ પૂરો થતાં સ્વદેશ પાછો ખેંચી લાવશે. આ સઘળી બાબતો ધ્યાનમાં રાખીને અમેરિકા ભણવા જવા માટે તૈયારી કરવી જોઈએ.

 

લગ્ન પછી ભણવા જાઉં તો ફૅમિલીને સાથે લઈ જઈ શકું?

મારાં લગ્ન મારાં માતા-પિતાએ ખૂબ જ નાની ઉંમરે કરાવ્યાં છે. હવે હું અમેરિકા માસ્ટર્સનો કોર્સ કરવા જવા માગું છું તો શું હું મારી સાથે મારી વાઇફ અને બે વર્ષના દીકરાને લઈ જઈ શકું?

સ્ટુડન્ટ વિઝા પર જનાર વિદ્યાર્થી તેની સાથે અમેરિકામાં રહેવા માટે તેની પત્ની/પતિ અને ૨૧ વર્ષથી નીચેના વયના અવિવાહિત સંતાન માટે ડિપેન્ડન્ટ વિઝાની માગણી કરી શકે છે. આ માગણી કરતાં તેણે દેખાડી આપવાનું રહેશે કે તેની પાસે તેની પત્ની/પતિ અને સંતાનને અમેરિકામાં રાખવા માટે રહેઠાણની જગ્યા અને પૂરતા પૈસા છે. વિદ્યાર્થી જોડે તેની પત્ની/પતિ અને સંતાનો માટે ડિપેન્ડન્ટ એફ-૨ વિઝાની જોગવાઈ જરૂરથી છે, પણ એ મેળવવા થોડા મુશ્કેલ છે. સૌથી અગત્યની વાત એ છે કે બધાએ કૉન્સલર ઑફિસરને ખાતરી કરાવી આપવી પડશે કે તેમનો અમેરિકામાં કાયમ રહેવાનો મુદ્દલ ઇરાદો નથી.

united states of america