24 November, 2024 03:13 PM IST | Mumbai | Jigisha Jain
વાઇફના કૅન્સર સામેના યુદ્ધમાં નવજોત સિંહ સિધુ સતત પડખે રહ્યા હતા.
નવજોત સિંહ સિધુએ તાજેતરમાં આવો દાવો કર્યો છે. તેમનાં પત્નીને ચોથા સ્ટેજનું કૅન્સર હતું અને ડૉક્ટરે બચવાના ચાન્સ માત્ર ૩ ટકા છે એવું કહેલું. આવી કપરી પરિસ્થિતિ પછી યુનિક ડાયટની મદદથી માત્ર ૪૫ દિવસમાં જ નવજોત કૌર ક્લિનિકલી સંપૂર્ણપણે કૅન્સરમુક્ત છે એવી જાહેરાત તેમણે કરી છે. જોકે આ સાંભળીને કૅન્સરના દરદીઓ આ ડાયટ શરૂ કરી દેવાની પેરવીમાં હોય તો વિવિધ નિષ્ણાતો પાસેથી જાણીએ સિધુના દાવામાં કેટલું તથ્ય છે. કૅન્સર જેવા કૉમ્પ્લેક્સ રોગના ઇલાજમાં ડાયટ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે એની ના નહીં, પણ એ જ ઇલાજ બની શકે છે એ વાત સંપૂર્ણ સાચી નથી
ગયા એપ્રિલમાં દોઢ-પોણાબે વર્ષ પહેલાં નવજોત સિંહ સિધુ જેલમાં હતા એ સમયે તેમનાં પત્ની નવજોત કૌર જેમને પ્રેમથી તેઓ નોની બોલાવે છે તેમને બ્રેસ્ટ-કૅન્સર થયું હતું જે ચોથા સ્ટેજ પર હતું. કૅન્સર એ હદે ફેલાઈ ચૂક્યું હતું કે એક અંગમાંથી બીજાં અંગોમાં કૅન્સર ફેલાવા લાગ્યું હતું અને સ્કિન પર પણ પહોંચી ગયું હતું જેની ઍલોપથી ટ્રીટમેન્ટ ચાલી જ રહી હતી. સામાન્ય રીતે ચોથા સ્ટેજનું કૅન્સર હોય તો વ્યક્તિનું સંપૂર્ણપણે કૅન્સરમુક્ત બનવું મુશ્કેલ હોય છે, પરંતુ નવજોત કૌર એટલે કે નોની સંપૂર્ણપણે કૅન્સરમુક્ત બન્યાં હતાં. આ ન્યુઝ મીડિયા સાથે શૅર કરવા નવજોત સિંહ સિધુએ એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી હતી. ડૉક્ટરોએ તો પત્નીના બચવાના ચાન્સ માત્ર ૩ ટકા છે એવું કહેલું. એમાંથી કૅન્સરમુક્ત થવાની સફર વિશે શૅર કરતી વખતે તેમણે ખૂબ ઉત્સાહથી ડાયટે કેટલો મેજર ફાળો આપ્યો એની વાત કરી હતી. જોકે સોશ્યલ મીડિયામાં જે રીતે વાત ફરી રહી છે એમાં જાણે તેમનાં પત્નીની થયેલી સર્જરી, તેમની ટ્રીટમેન્ટ એ બધું જ સારી રીતે પાર પડ્યું એ પાછળ મોટો ફાળો તેમણે ફૉલો કરેલી ડાયટનો હતો એમ તેમણે જણાવ્યું હતું.
સિધુ જ્યારે તેમનાં પત્ની સાથે એક ટીવી-શોમાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે નોનીને આઇસક્રીમ ખૂબ ભાવતો. પહેલાં તે ટબનાં ટબ આઇસક્રીમ ખાતાં; રાત્રે કુરકુરે અને પૅકેટ ફૂડ્સ, ફરસાણ ખાતાં એ બધાંનો તેમણે સાવ ત્યાગ કરી દીધો. આ એક મોટું તપ હતું જે તેમણે આદર્યું હતું અને એ તપનું ફળ તેમને મળ્યું હતું. આ વાત દુનિયા સુધી ફેલાવવા ઇચ્છતા નવજોત સિધુએ કહ્યું હતું કે લોકોમાં આશ અને વિશ્વાસ જગાવવા માટે હું આ વાત કરી રહ્યો છું.
શી હતી તેમની ડાયટ?
તેમણે ડાયટમાં શું ફેરફાર કર્યા હતા એ વાત કરતાં નવજોત સિંહ સિધુએ જણાવ્યું હતું કે સૌથી મોટો બદલાવ તેઓ જે લાવ્યાં હતાં એ સમયનો હતો. તેમનાં પત્ની સાંજે ૬-૬.૩૦ વાગ્યે જમી લેતાં અને પછી સીધો સવારે ૧૦ વાગ્યે તેમનો દિવસ શરૂ થતો. તેમનાં પત્ની સવારે ૧૦ વાગ્યે હૂંફાળા પાણી સાથે લીંબુ, કાચી હળદર, એક લસણ અને ઍપલ સાઇડર વિનેગર લેતાં હતાં. એ સિવાય લીમડાનાં પાનનો રસ અને સફેદ પેઠાનો રસ લેતાં હતાં. એની સાથે બેરીઝે ઘણો ફાયદો કર્યો. તેઓ બ્લુબેરીઝ ખાતાં હતાં. જેઓ બ્લુબેરીઝ ન લઈ શકે તેમના માટે ઑપ્શનમાં દાડમ, આમળાં કે શેતૂર ખાવાનું કહ્યું હતું. આ સિવાય અલગ-અલગ પ્રકારના નટ્સ જેમાં અખરોટ કે બ્રાઝિલિયન નટ્સ પણ સામેલ છે એવા ચાર જુદા-જુદા પ્રકારના નટ્સ તેઓ ખાતાં. બીટ, ગાજર અને આમળાંનો જૂસ પીતાં. શું લેતાં એ જેટલું મહત્ત્વનું છે એટલું જ એ પણ મહત્ત્વનું છે કે શું બિલકુલ તેમણે બંધ કર્યું હતું. એમાં દૂધ અને દૂધની બીજી પ્રોડક્ટ્સ, ઘઉં, મેંદો, ખાંડ, ચા જેવા રોજિંદા જીવનમાં લેવાતા ખાદ્ય પદાર્થો સદંતર બંધ કર્યા હતા. આ સિવાય કોઈ પણ પ્રકારનાં એરેટેડ ડ્રિન્ક્સ, સમોસા, જલેબી જેવા હાઈ કૅલરીયુક્ત પદાર્થો, રિફાઇન્ડ ઑઇલ પણ બંધ કર્યાં હતાં. રાઇસ કે રોટલી તેમને સાંજે ખાવામાં આપતા નહોતા. સાંજે જમવામાં કિન્હવા આપવામાં આવતું. આમ ઇન્ટરમિટન્ટ ડાયટિંગથી ખાસ્સો ફરક પડ્યો.’
ખોરાકનું મહત્ત્વ
ખોટા ખોરાકથી જો કૅન્સર થતું હોય તો એની જગ્યાએ સાચો ખોરાક લેવાથી કૅન્સરના કોષો પર સારી અસર થઈ જ શકેને? આ લૉજિક જોકે દરેક કૅન્સરની સારવારમાં સાચું નથી પડતું. કૅન્સરના કોષોને ભૂખ્યા રાખવાથી એ નબળા પડે છે એ વાતને હવે તો મૉડર્ન સાયન્સના રિસર્ચમાં સપોર્ટ મળવા લાગ્યો છે. સતત મળતા ગ્લુકોઝને કારણે કૅન્સરના કોષો વધુ વકરે છે એવો દાવો કરવામાં આવે છે. ખાનપાનની સાચી શૈલી વિકસાવવાની સાથે જો ફાસ્ટિંગ કરવામાં આવે તો અનેક રોગોમાં એનાં સારાં પરિણામો મળતાં હોવાનું સાબિત થયું છે. આ વાતને સરળ શબ્દોમાં સમજાવતાં ‘ન્યુ ડાયટ સિસ્ટમ’ના પ્રણેતા અને અમરેલીમાં રહેતા બી. વી. ચૌહાણ કહે છે, ‘ખાઈ-ખાઈને ખોડિયાં ખતમ કર્યાં, બીમારીઓના નામે ડૉક્ટરનાં ઘર ભર્યાં, છતાંય રિબાઈ-રિબાઈને મર્યા એવી હાલત છે આજના લોકોની. ઢોરનેય ખબર પડે છે કે એણે શું ખાવું અને શું નહીં, પણ માણસ નામના પ્રાણીને ખબર નથી પડતી એને કારણે જ આ રોગો આવે છે. યુ આર વૉટ યુ ઈટ. તમે એ જ છો જે તમે ખાઓ છો. મારા મતે જો વ્યક્તિ પોતાના ખોરાકનું ધ્યાન રાખે તો તેને કૅન્સર આવે જ નહીં. કૅન્સર જ નહીં, કોઈ પણ બીમારી ન આવે. ખોરાક આપણને નીરોગી રાખવા માટે જ છે, પરંતુ સાચો ખોરાક ન ખાધો તો રોગો આવવાના જ છે. કૅન્સર માટે પણ એ એટલું જ સાચું છે, પરંતુ જ્યારે વ્યક્તિ માંદી પડે ત્યારે તેણે જે ખોટું કર્યું છે એ સુધારવું જરૂરી છે. ખાસ કરીને આ સમયે લંઘન દ્વારા શરીરની શુદ્ધિ કરવી જરૂરી છે. આ વર્ષો જૂની તકનીક છે જે ઘણી ઉપયોગી છે. એમાં જલદી સૂવું, જલદી ઊઠવું, હવા અને તડકાનું સેવન કરવું, વ્યાયામ, યોગ, પ્રાણાયામ અને પાચક ઔષધિનું સેવન કરવાનું હોય છે. જોકે કૅન્સર જેવા રોગની સારવાર જાણકાર વ્યક્તિની દેખરેખ હેઠળ થાય એ જરૂરી છે.’
લાઇફ-સ્ટાઇલમાં બદલાવ મહત્ત્વનો
લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવીને કૅન્સરના દરદીઓનો ઇલાજ કરતા લાઇફકોચ મિકી મહેતા કૅન્સરના ઇલાજમાં ખોરાકના મહત્ત્વ વિશે કહે છે, ‘સારા સ્વાસ્થ્ય માટે શ્વાસ પછી ખોરાકનું મહત્ત્વ આવે છે. જો કૅન્સરની વાત કરીએ તો કૅન્સરના કોષોને વધવા માટે કે જીવવા માટે જે ખોરાકની જરૂર છે એને બંધ કરીને આપણે કૅન્સરને માત આપી શકીએ છીએ. એ માટે ખાંડ, તેલ, પ્રોસેસ્ડ ફૂડ, પૅકેજ્ડ ફૂડ, બહારનો ખોરાક બધું બંધ કરવું જરૂરી છે. ખાસ કરીને ઍનિમલ પ્રોટીન પણ બંધ કરવું ખૂબ જ જરૂરી છે. અમે જોયું છે કે કૅન્સરના જે દરદીઓ દૂધ કે દૂધની બનાવટો, નૉન-વેજ ખાદ્ય પદાર્થો છોડે છે તેમનામાં ઘણાં સારાં પરિણામો જોવા મળે છે. આ ઉપરાંત રીજનલ અને સીઝનલ ખોરાક જ તેમણે ખાવો જોઈએ. ફળ તેમને મદદરૂપ છે. ખોરાકની સાથે-સાથે બીજી બાબતો પણ એટલી જ મહત્ત્વની છે. જેમ કે મન અને શરીરનું ઇક્વિલિબ્રિયમ જાળવવા માટે પ્રાણાયામ મહત્ત્વના છે. એની સાથે પ્રાર્થનાઓ, જપ-તપ, હસવું, ગાવું, નાચવું, ખુશ રહેવું, શ્રદ્ધા રાખવી, આશા ન છોડવી, કુદરત સાથે એકાત્મતા જાળવવી, ખુલ્લી હવાનો આનંદ લેવો આ બધું પણ એટલું જ જરૂરી છે.’
ખોરાક કરશે મદદ
કૅન્સરના કેટલાક દરદીઓ એવા હોય છે જેઓ ખોરાક પ્રત્યે બિલકુલ જ ધ્યાન આપતા નથી. તેમને એવું છે કે ઇલાજ જ બધું છે અને કેટલાક લોકો એટલા ભોળા હોય છે જે સમજે છે કે ખોરાક પર મદાર રાખીને કૅન્સરનો ઇલાજ શક્ય છે. આ બન્ને અવસ્થા યોગ્ય નથી એ સ્પષ્ટ રીતે સમજાવતાં મિકી મહેતા કહે છે, ‘ખોરાક સારો હોય તો બીમારી ન આવે. આમ એ પ્રિવેન્શન માટે ઉપયોગી છે, પરંતુ જો બીમારી આવે તો બધો મદાર ખોરાક પર ન રાખી શકાય. ઇલાજ તો જરૂરી જ છે, પરંતુ કૅન્સરના ઇલાજમાં જો તમે સાથે ડાયટ પણ કરો તો એ ઇલાજનાં પરિણામો વધુ સારાં આવશે. આમ કોઈ એક ડાયટથી કૅન્સર સામે લડવામાં મદદ મળે, પણ એનો અર્થ એ નથી કે એ ડાયટને કારણે જ તમે ઠીક થયા છો. એમ ન કહી શકાય. આ પ્રકારની ડાયટ તમને ઇલાજની સાઇડ-ઇફેક્ટ્સ સામે ટકી રહેવાની શક્તિ આપશે, એ ઇલાજને સફળ બનાવવામાં મદદરૂપ થશે. આ માટે દરદીને સમજાવવો પડે છે. તેના હિતની વાત તે સમજે અને એ મુજબ ફૉલો કરે તો નક્કી રિઝલ્ટ પૉઝિટિવ આવે.’
સપ્લિમેન્ટ્સની જરૂરિયાત
કૅન્સરના દરદીઓ માટે વન સ્ટૉપ સૉલ્યુશન આપતું એક સ્ટાર્ટ-અપ ઝેન ઑન્કો (zenonco.io)નાં ટીમ-લીડર અને ઑન્કો-ન્યુટ્રિશનિસ્ટ પલ્લવી સુબ્બન્ના કહે છે, ‘સમજવાનું એ છે કે જે વ્યક્તિ જ્યારે બીમાર પડે છે ત્યારે તેની પાચનશક્તિ નબળી પડે છે. પાચન નબળું પડ્યા પછી તમે તેને ગમે એટલો પોષણયુક્ત ખોરાક આપો એ પોષણ તેને પૂરું પડતું નથી. બીજું એ કે ખોરાક પચી તો જાય, પણ એનું ઍબ્સૉર્બશન થતું નથી. વળી કૅન્સરના મોટા ભાગના દરદીઓ ઇલાજ દરમ્યાન ખાઈ નથી શકતા. ખોરાક તેમને ભાવતો નથી, કારણ કે સ્વાદેન્દ્રિય ખરાબ થઈ જતી હોય છે. એ સમયે જો તેઓ ખાય નહીં તો વધુ નબળા પડે છે. આ બધા પ્રૉબ્લેમના સૉલ્યુશન સ્વરૂપે આ દરદીઓએ સપ્લિમેન્ટ્સ લેવાં જરૂરી છે. જેમ કે કૅન્સરના દરદીઓનો મસલ-લૉસ ખૂબ થાય છે જેની ભરપાઈ કરવા પ્રોટીન લેવું જરૂરી છે. સામાન્ય વ્યક્તિએ તેના વજન પ્રમાણે દર કિલોગ્રામે ૦.૮ ગ્રામ પ્રોટીન લેવું જોઈએ, પણ કૅન્સરના દરદીઓને અમે ૧.૨થી ૧.૮ ગ્રામ પ્રોટીન રેકમેન્ડ કરીએ છીએ જેને કારણે શરીરનો લૉસ ભરપાઈ થઈ શકે. કૅન્સરના દરદીઓને કર્ક્યુમિન ઘણું મદદરૂપ થાય છે. એ ઍન્ટિ-ઇન્ફ્લમેટરી છે. ઘણા લોકોને કાચી હળદર વધુ પ્રમાણમાં લે તો કબજિયાત થઈ જાય છે એટલે અમે સપ્લિમેન્ટ ફૉર્મમાં આપીએ છીએ જેનું પાચન અને ઍબ્સૉર્બશન સરળ હોય છે. વળી કૅન્સરના દરેક દરદીની સપ્લિમેન્ટની જરૂરિયાત અલગ હોય છે. જેમ કે કિડનીના કૅન્સરના દરદીને જે સપ્લિમેન્ટ અપાય એ બ્લડ-કૅન્સરના દરદીને ન અપાય એટલું જ નહીં, દરદી જો બ્લડ-થિનર પર હોય તો તેને ઓમેગા-થ્રી સપ્લિમેન્ટ ન અપાય. જેવો દરદી કૅન્સરના ઇલાજમાંથી મુક્ત થાય અને નૉર્મલ ફૂડ ખાવા લાગે ત્યારે એ સપ્લિમેન્ટ બંધ કરી શકાય છે.’
પ્રૅક્ટિકલ પ્રૉબ્લેમ્સ
જ્યારે કૅન્સર થાય ત્યારે વ્યક્તિ થોડી હતાશ કે દુખી થઈ જતી હોય છે. એ સિવાય જુદા-જુદા ડૉક્ટરો, તેમના ઇલાજ, અલગ-અલગ દવાઓની સાઇડ-ઇફેક્ટ્સ, બદલાયેલું જીવન આ બધું તેને ખૂબ હેરાન કરતું હોય છે. આ પરિસ્થિતિમાં જો તેને એમ કહેવામાં આવે કે જીવનભર તમે જે દૂધ, છાશ, દહીં લીધાં છે એ ન ખાઓ; ચા છોડી દો; તમને ભાવે કે ન ભાવે જુદા-જુદા જૂસ પીઓ એમ ન કહેવાય. અચાનક કૅન્સર આવ્યા પછી જે લાઇફ ૩૬૦ ડિગ્રી ઊંધી થઈ ગઈ છે એમાં ખોરાક પણ મનગમતો ન મળે અને આ ખવાય ને આ ન ખવાય ચાલુ થઈ જાય તો ઘણા કેસમાં એ દરદીની માનસિકતા પર ઊંધી અસર પણ કરતું હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. ઉર્વી પટેલ કહે છે, ‘એ વાત સાચી કે ઘરના મેમ્બરને એમ હોય કે દરદી જલદી ઠીક થઈ જાય, પણ તેના પર કોઈ પણ પાબંધી લાદી ન દો. હકીકતમાં બંધન રોગ લાવે છે અને આઝાદી સ્વાસ્થ્ય. દરદીને સમજાવી શકાય કે આ ખાવાથી આ ફાયદો થશે. દરદીની ખુદની મરજી આમાં મહત્ત્વની છે. જો તેને આ બંધનો મનથી મંજૂર હોય તો વાંધો નથી, પણ જો પરાણે લાદવામાં આવશે તો કૅન્સરમાં ફાયદાને બદલે નુકસાન વધુ થશે એ પણ ધ્યાન રાખવું.’
ખોરાક આપણને નીરોગી રાખવા માટે જ છે, પરંતુ સાચો ખોરાક ન ખાધો તો રોગો આવવાના જ છે. કૅન્સર માટે પણ એ એટલું જ સાચું છે, પરંતુ જ્યારે વ્યક્તિ માંદી પડે ત્યારે તેણે જે ખોટું કર્યું છે એ સુધારવું જરૂરી છે. ખાસ કરીને આ સમયે લંઘન દ્વારા શરીરની શુદ્ધિ કરવી જરૂરી છે. આ વર્ષો જૂની તકનીક છે જે ઘણી ઉપયોગી છે.
-બી.વી.ચૌહાણ
બીજી સારવારનો પણ ફાળો છે
બે દિવસ પહેલાં નવજોત સિંહ સિધુએ પત્નીના કૅન્સરમુક્ત થવા માટે ડાયટને અતિ મહત્ત્વનું પરિમાણ ગણાવતાં ક્યાંક એવો સંદેશો લોકોને મળતો હતો કે જાણે ડાયટ અને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી જ નવજોત કૌરનું કૅન્સર સારું થઈ ગયું. એને પગલે અનેક કૅન્સરનિષ્ણાતોએ સોશ્યલ મીડિયા પર આ બાબતે ટકોર પણ કરી. જોકે કૅન્સર જેવો હઠીલો વ્યાધિ એમ જ ડાયટથી સારો થઈ જાય છે એવો દાવો ક્યાંક લોકોને ગેરમાર્ગે ન દોરે એ માટે થઈને મુંબઈની તાતા હૉસ્પિટલના નિષ્ણાતોએ પણ એક સર્ક્યુલર બહાર પાડીને જાહેર કર્યું કે ‘હળદર ખાવાથી, શુગર ન લેવાથી કે ભૂખ્યા રહેવાથી કૅન્સરના કોષો નાશ પામે છે એ વાતનો પુરાવો આપતો હોય એવો કોઈ સચોટ અભ્યાસ અત્યાર સુધીમાં થયો નથી. જ્યાં સુધી આ બાબતે ક્લિનિકલ ડેટા ન મળે ત્યાં સુધી અમે પબ્લિકને વિનંતી કરીએ છીએ કે સાબિત ન થઈ હોય એવી કોઈ રેમેડીઝને ઍન્ટિ-કૅન્સર માની ન લે.’
આ સ્પષ્ટતા પછી નવજોત સિંહ સિધુએ પણ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘કૅન્સર સામેના આ જંગમાં સર્જરી, કીમોથેરપી, હૉર્મોનલ અને ટ્રાર્ગેટેડ થેરપીની સાથે સ્ટ્રિક્ટ ડાયટપ્લાન ફૉલો કરવાથી કૅન્સર સામેનો ફાઇનલ જંગ જિતાયો. આ બધું જ ભેગું મળીને ઇમ્યુનો થેરપી બની રહ્યું હતું. મારી વાઇફને ગાર્ડિયન ઑન્કોલૉજિસ્ટ ડૉ. રૂપિન્દરના કયા ડાયટપ્લાનથી ફાયદો થયો એની વિગતો ટૂંક સમયમાં જ બધા સાથે શૅર કરીશ.’
કોઈ પણ ડાયટ તમારા કૅન્સરને ક્યૉર કરી નાખશે એવું ધારી લેતાં પહેલાં આટલી વાતો ધ્યાનમાં રાખજો
સવાલ એ છે કે કૅન્સર જેવો કૉમ્પ્લેક્સ રોગ કોઈ પણ પ્રકારની ડાયટથી ઠીક થઈ શકે? કોઈ જૂસ કૅન્સરના સેલને ખતમ કરી શકે? કૅન્સર પર સર્જરી, કીમો, રેડિયેશન, ઇમ્યુન થેરપી, હૉર્મોન થેરપી જેવી અઢળક નવી-નવી મેડિકલ ટેક્નિક આવી રહી છે. ઑન્કોલૉજીની દુનિયામાં કૅન્સર ઘણી મોટી ચૅલેન્જ છે. શું એ કશું ખાવા-પીવાથી કે કશું નહીં ખાવા-પીવાથી સૉલ્વ થઈ શકે? નવજોત સિંહ સિધુએ જે ડાયટ વિશે વાત કરી ફક્ત એ જ ઇલાજ તેમનાં પત્નીનો ચાલ્યો નહોતો. તેમણે સર્જરી, કીમો વગેરે લીધાં જ હતાં. બે વર્ષ લાંબા ઇલાજમાં તેઓ ફક્ત ડાયટ પર નહીં, પરંતુ પ્રૉપર ઍલોપેથીના ઇલાજ પર હતાં. કોઈ પણ કૅન્સરનો રોગ અને દરદી કઈ રીતે ઠીક થાય અને એ કઈ બાબતો પર આધાર રાખે એ વિશે વાત કરતાં હોમિયોપૅથ અને છેલ્લાં ૧૦ વર્ષથી કૅન્સરના દરદીઓ સાથે કામ કરતાં અધર સૉન્ગ ક્લિનિક, અંધેરીનાં ડૉ. ઉર્વી પટેલ કહે છે, ‘કૅન્સર અતિ કૉમ્પ્લેક્સ રોગ છે એટલે એનો ઇલાજ પણ કૉમ્પ્લેક્સ છે. મલ્ટિ-ફૅક્ટોરિયલ પરિબળો એના પર કામ કરતાં હોય છે. વળી દરેક દરદીએ કૅન્સર એક જુદો રોગ છે. બે સ્ત્રીઓને બ્રેસ્ટ-કૅન્સર હોય એટલે તે બન્નેની બીમારી સરખી નથી થઈ જતી. બાયોપ્સી થાય અને એમાં બન્નેને એક જ પ્રકારના કૅન્સરના કોષો હોય તો પણ એ બીમારી અલગ જ છે. કોઈના પર જિનેટિક કારણો હાવી થાય છે તો કોઈના પર તેની સ્મોકિંગ જેવી ખોટી આદતો. કોઈનાં વર્ષો જૂનાં કોઈ ઇમોશન્સ અંદર ધરબાઈ ગયાં હોય એ કારણે તેને કૅન્સર થાય છે કે કોઈ તેના મનમાં કોઈ પીડાને પોષી રહ્યું હોય છે એટલે તેને કૅન્સર થાય છે. કોઈ ક્યારેક રેડિયેશનનો ભોગ બન્યું હોય તો કોઈને વર્ષોથી ખવાતું કેમિકલ અને પેસ્ટિસાઇડ્સ અસર કરી ગયાં હોય અને મોટા ભાગનાં લોકોને બધાં જ કારણો ભેગાં થઈ ગયાં હોય છે એટલે કૅન્સર થયું હોય છે. આમ આ રોગ દરેક વ્યક્તિમાં અલગ જોવા મળે છે.’
હવે વાત આવી કે ઠીક કોણ થાય છે? તો એમાં પણ ઘણાબધા મુદ્દાઓ છે જે મહત્ત્વના છે. એ વિશે વાત કરતાં ઉર્વી પટેલ કહે છે, ‘વ્યક્તિને ઠીક થવામાં એનું યોગ્ય સમયે થયેલું નિદાન; સાચો ઇલાજ; એ ઇલાજ કરનાર ડૉક્ટરની આવડત અને અનુભવ; તેનું શારીરિક જ નહીં, માનસિક રીતે પણ થતું હીલિંગ; તેને કઈ વસ્તુને કારણે કૅન્સર થયું છે એ મૂળની શોધ અને એનું નિવારણ; તેનું આત્મબળ, તેની જિજીવિષા, તેના પરિવાર દ્વારા મળતો સપોર્ટ, તેની ઇલાજ પર શ્રદ્ધા આ બધું ખૂબ જ મહત્ત્વનું છે. આ બધા વચ્ચે એ સમયે વ્યક્તિએ કઈ લાઇફ-સ્ટાઇલ અપનાવી છે એનું મહત્ત્વ પણ છે, કારણ કે એ લાઇફ-સ્ટાઇલ તેના સંપૂર્ણ હીલિંગને સપોર્ટ કરે છે જેમાં ડાયટ, એક્સરસાઇઝ, મેડિટેશન, પ્રાણાયામ આ બધાનો રોલ છે. એ પછી પણ આમાંથી કઈ વસ્તુ કોના પર કઈ રીતે અને કેટલી કામ કરશે એ કહેવું તો મુશ્કેલ જ છે, પણ ઇલાજમાં દરેક દરદી શક્ય હોય એટલી બધી જ કોશિશ કરી લેવા ઇચ્છે છે જે એક રીતે સાચો અપ્રોચ છે.’
સમજવાનું એ છે કે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેની પાચનશક્તિ નબળી પડે છે. પાચન નબળું પડ્યા પછી તમે તેને ગમે એટલો પોષણયુક્ત ખોરાક આપો એ પોષણ તેને પૂરું પડતું નથી. બીજું એ કે ખોરાક પચી તો જાય, પણ એનું ઍબ્સૉર્બશન થતું નથી. એ સમયે જો તેઓ ખાય નહીં તો વધુ નબળા પડે છે.
- પલ્લવી સુબ્બન્ના
પ્રોફેશનલ હેલ્પ જરૂરી
નવજોત સિંહ સિધુએ શૅર કરેલા અનુભવ પરથી એ સમજી શકાય કે કોઈ ચોકક્સ પ્રકારની ડાયટથી તેમને ઘણો ફાયદો થયો છે, પણ એ જ ડાયટ આંખ બંધ કરીને અપનાવી શકાય નહીં. કૅન્સર નામ એક છે, રોગ અલગ-અલગ છે એમ સ્પષ્ટ કરતાં મિકી મહેતા કહે છે, ‘કૅન્સર માટે તમે ઑન્કોલૉજિસ્ટ, હોમિયોપથી, આયુર્વેદના નિષ્ણાત એ બધા પાસે જાઓ છો એ જ રીતે લાઇફ-સ્ટાઇલના બદલાવ માટે પણ તમને એક્સપર્ટની જરૂર પડશે. શું ખાવું, શું ન ખાવું, શું કરવું, શેનાથી હીલિંગ થશે આ બધું ફક્ત કોઈ બીજી વ્યક્તિના અનુભવ કે કોઈ ફૉર્વર્ડ કરેલા વિડિયો પરથી સમજીને ચાલુ ન કરી દેવાય. આ રીતે નુકસાન વધુ થશે. ડાયટ કે લાઇફ-સ્ટાઇલમાં બદલાવ જેવી બાબતો દરેક વ્યક્તિ માટે સરખી નથી હોતી એ સમજવું જરૂરી છે. આમ પ્રોફેશનલ હેલ્પ વગર કશું શરૂ ન કરી દેવું.’