લગ્ન જો પવિત્ર બંધન મનાય છે તો છૂટાછેડા પણ પવિત્ર મુક્તિ ગણાવા જોઈએ

24 November, 2024 04:45 PM IST  |  Mumbai | Jayesh Chitalia

ભારતીય સમાજમાં ડિવૉર્સ અને બ્રેકઅપ શબ્દ કૉમન થતા જાય છે. લેટેસ્ટ અહેવાલ મુજબ સિનિયર સિટિઝન્સના ડિવૉર્સના કિસ્સા વધવા લાગ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સમાજમાં ડિવૉર્સ અને બ્રેકઅપ શબ્દ કૉમન થતા જાય છે. લેટેસ્ટ અહેવાલ મુજબ સિનિયર સિટિઝન્સના ડિવૉર્સના કિસ્સા વધવા લાગ્યા છે. ૩૦, ૪૦, ૫૦ વર્ષના સહજીવન બાદ પણ પતિ-પત્ની એકબીજાથી છૂટાં પડવા માગે છે. તાજેતરમાં વિશ્વવિખ્યાત સંગીતકાર રહમાન અને તેમની ગુજરાતી-કચ્છી પત્ની સાયરા ૨૯ વરસ બાદ પરસ્પર સહમતીથી છૂટાં પડી રહ્યાં હોવાના સમાચાર ફરતા થયા છે. સમાજ જેમને આદરથી જુએ છે એવા લોકો પણ છૂટા પડી રહ્યા હોય અને તેમના મતભેદો સપાટી પર આવવા લાગે ત્યારે સવાલો-ચર્ચા ઊઠી શકે, પરંતુ આ સવાલો કરતાં એનો સ્વીકાર થવો મહત્ત્વનો છે.

જો આવો સ્વીકાર થાય તો એને સ્વસ્થ, સ્વતંત્ર (સ્વચ્છંદ નહીં) અને પરિપક્વતાની નિશાની માનવી જોઈએ. ઘણાને આ વિધાન વાંચી નવાઈ લાગી શકે, વાસ્તવમાં સમય સાથે સંબંધોમાં પરિવર્તન ઝડપથી આકાર લઈ રહ્યું છે. માત્ર સમાજના ડરથી, લોકો શું કહેશે, શું વિચારશે, સંતાનોનું શું થશે? એવા મુદે અટકી જતા છૂટાછેડા હવે પોતે જ મુક્ત થઈ રહ્યા છે. માત્ર સમાજના ભયથી અનિચ્છાએ સાથે રહેતાં, એકબીજાને કોસતાં, સતત તનાવમાં રહેતાં, જેમની ભીતર પરસ્પર આદર કે લાગણી રહ્યાં નથી એવાં યુગલોનાં લગ્ન ટકી રહે તોય એનો કોઈ અર્થ નથી. આમાં બન્નેનું જીવન ખોરવાય છે. આમ વરસો-સદીઓ સુધી ચાલ્યું, હવે બસ. સ્ત્રીઓ શોષણ, ગુલામી, જુલમ, સહન કરવા હવે તૈયાર નથી અને પુરુષો પણ બંધનોથી પર થવા માગે છે. અહીં આપણે સ્ત્રી કે પુરુષ, કોણ દોષી એ બાબતના ન્યાયાધીશ બનવાથી દૂર રહીએ.

સંયુક્ત પરિવારોનાં વિભાજન તો લાંબા સમયથી ચાલી જ રહ્યાં છે, પરંતુ એ પછી બે વ્યક્તિઓનો કે એકાદ બાળક સાથેનો ન્યુક્લિયર પરિવાર પણ સાથે રહી શકતો નથી. કારણો કંઈ પણ હોય, પરસ્પર મતભેદ અને વિવાદ વધી રહ્યા છે. અલબત્ત, આ ટ્રેન્ડ આખા દેશનો નથી, પરંતુ ચોક્કસ શહેરી સમાજનો ખરો. પણ એ સમય સાથે ફેલાતો જાય છે એ સ્વીકારવું પડે. સ્ત્રીઓ માટે આ નિર્ણય અઘરો-કપરો છે તેમ છતાં સ્ત્રીઓ આ મામલે વધુ સમાધાન માટે તૈયાર નથી. સ્ત્રીઓ આર્થિક અને નિર્ણયની દૃષ્ટિએ સ્વતંત્ર બનવા લાગી છે. આવકાર્ય વાત એ છે કે આવા લોકો પરસ્પર સમજૂતીથી છૂટા પડે છે, તેઓ અદાલતમાં ઝઘડવા જતા નથી. અમને હવે એકબીજા સાથે ફાવતું નથી એવા વિધાન સાથે સહજપણે પતિ-પત્ની છૂટાં પડતાં હોય તો તેમને બદનામ કરવાને બદલે વધાવવાં જોઈએ. લગ્ન પવિત્ર બંધન છે તો છૂટાછેડા પવિત્ર મુક્તિ હોઈ શકે.

સમાજને સાચાં કારણોમાં અને સમજણમાં રસ નથી હોતો, એને કાયમ છૂટાં પડતાં સ્ત્રી-પુરુષ અને તેમના પરિવારોની નિંદા કરવામાં જ દિલચસ્પી રહે છે. હવે સમાજે સહમતીથી છૂટા પડતા લોકોનો સહર્ષ સ્વીકાર કરવાની પરિપક્વતા બતાવવી જોઈએ. વ્યક્તિ સ્વસ્થ અને સ્વતંત્ર બને એનો આવકાર થવો જોઈએ. બદલાતા સમયનો પણ સ્વીકાર કરવો જોઈએ.

relationships columnists life and style jayesh chitalia gujarati mid-day