બીજા દેશનું નાગરિકત્વ મેળવીને E2 વીઝા થકી અમેરિકામાં બિઝનેસ કરી શકું?

11 June, 2024 07:26 AM IST  |  Mumbai | Dr. Sudhir Shah

તમે ‘EB5 સ્ટૅન્ડ અલોન પ્રોગ્રામ’ હેઠળ પણ અમેરિકામાં રોકાણ કરીને જાતે બિઝનેસ કરી શકો છો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

‘મારે અમેરિકાના ‘E2’ વીઝા મેળવવા છે. જો હું અમેરિકાએ જે દેશો સાથે ખાસ ‘ટ્રીટી’ના કરાર કર્યા છે એમાંના કોઈ દેશની સિટિઝનશિપ મેળવું તો પછી એ દેશના નાગરિક તરીકે મને અમેરિકાના ‘E2’ વીઝા મળી શકે અને હું અમેરિકા જઈને મારો બિઝનેસ કરી શકું. હમણાં ઇમિગ્રેશનને લગતું એક પ્રદર્શન યોજાયું હતું એમાં આ વાત જાણી. એ પ્રદર્શનમાં યુરોપના અનેક નાના-નાના અને પછાત દેશના સ્ટૉલ હતા. તેમણે મને જણાવ્યું કે જો હું તેમના દેશમાં અમુક હજાર ડૉલર અમુક વર્ષો માટે ઇન્વેસ્ટ કરું તો મને એ દેશની સિટિઝનશિપ તરત આપવામાં આવશે. એ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં બંધાતા નવા અપાર્ટમેન્ટમાં કરવાનું રહે છે. અમુક વર્ષો સુધી હું એ પ્રૉપર્ટી કોઈને વેચી ન શકું કે મારું ઇન્વેસ્ટમેન્ટ પાછું ખેંચી ન શકું. આ ઉપરાંત મારે એ દેશની સિટિઝનશિપ મેળવવાની ફી અને ઍડ્વોકેટની ફી પણ આપવાની રહેશે. એ મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં મને એ દેશમાં મેં પગ પણ મૂક્યો ન હોય તોયે એનું નાગરિકત્વ મળી શકશે. આમ હું એ દેશનું નાગરિકત્વ ઇન્વેસ્ટમેન્ટ કરીને એ દેશમાં દાખલ થયા વગર ચપટી વગાડતાં મેળવી શકું છું. પછી એ દેશના નાગરિક તરીકે અમેરિકામાં બિઝનેસ કરવા માટે ‘E2’ વીઝા મેળવી શકું છું. અમેરિકામાં બિઝનેસ કરવા માટેનો શું આ સરળ રસ્તો નથી?’

આ બિઝનેસમૅનની જેમ અનેક બિઝનેસમેનોને હમણાં-હમણાંથી આવી લોભામણી ઑફર આપવામાં આવે છે. જે ભારતીય બિઝનેસમેનો અમેરિકામાં બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોય તેમને માટે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા હેઠળ આંતરકંપની ટ્રાન્સફરી ‘L1’ વીઝા ઉપલબ્ધ છે. તેમણે ભારતનું નાગરિકત્વ ત્યજી દઈને, અન્ય કોઈ દેશના નાગરિક બનવાની જરૂર નથી. જે દેશમાં તમે પગ પણ મૂક્યો ન હોય અને ફક્ત પૈસા આપીને એ દેશની સિટિઝનશિપ ખરીદી હોય એવા દેશના નાગરિક તરીકે જો તમે ‘E2’ વીઝાની માગણી કરશો તો શક્ય છે કે તમારી એ માગણી નકારાશે. અમેરિકાએ એ દેશ સાથે ખાસ કરારો એ દેશને અને એના વતનીઓને પ્રોત્સાહન આપવા અને ઊંચે લાવવા માટે કર્યા છે, તમારા જેવા પરદેશીઓ જેમણે એ દેશની ધરતી પર પગ પણ મૂક્યો નથી એના લાભ માટે નથી ઘડ્યા. બીજી વાત, તમે જે પ્રૉપર્ટીમાં રોકાણ કરશો અને થોડાં વર્ષો બાદ જ્યારે એ વેચવા જશો ત્યારે કદાચ એનો કોઈ લેવાલ જ તમને નહીં મળે. જો લેવાલ મળશે તો તમે જે કિંમતે એ પ્રૉપર્ટી ખરીદી હશે એનાથી ખૂબ ઓછી કિંમતે એ વેચવી પડશે. આ સર્વે બાબતો લક્ષમાં રાખીને ‘E2’ વીઝાનો વિચાર પડતો મૂકો. તમારા માટે ‘L1’ વીઝા ઉત્તમ છે. તમે ‘EB5 સ્ટૅન્ડ અલોન પ્રોગ્રામ’ હેઠળ પણ અમેરિકામાં રોકાણ કરીને જાતે બિઝનેસ કરી શકો છો.

columnists united states of america gujarati mid-day