25 September, 2022 02:08 PM IST | Mumbai | Chandrakant Sompura
શ્રીરામના નામ સાથેની લાખો ઇંટો દુનિયાભરમાંથી અયોધ્યા આવી હતી, જે દરેકેદરેકનો ઉપયોગ કરવાનું નક્કી થયું હતું. ભાવ એવો કે એ મંદિરમાં જનજનનો સાથ રહ્યો છે.
૧૯૯૨માં બાબરી ધ્વંસ થયા પછી કામની ઝડપ વધી ગઈ અને ૧૯૯૪ સુધીમાં તો ખાસ્સું કામ થયું, કારણ કે એ સમયે ચાર વર્કશૉપ શરૂ કરી દેવામાં આવી હતી, જે ૪માંથી ૩ રાજસ્થાનમાં ચાલતી હતી અને એક અયોધ્યા કાર્યશાળામાં શરૂ કરવામાં આવી હતી.
રામલલ્લા મંદિરની પહેલાં ડિઝાઇન તૈયાર થઈ, જે બધાને ગમી એટલે વિશ્વ હિન્દુ પરિષદે એનું લાકડાનું મૉડલ બનાવવાનું કહ્યું, જે મૉડલ ત્યાર પછી દર ૧૨ વર્ષે પ્રયાગરાજમાં થતા કુંભના મેળામાં સૌકોઈનાં દર્શનાર્થે મૂકવામાં આવ્યું અને એમાં જનાદેશ લેવામાં આવ્યો તો સાથોસાથ સંત સમાજે પણ હર્ષભેર અનુમતિ આપી અને એમ બધી જગ્યાએથી ગ્રીન સિગ્નલ મળતાં કામ આગળ વધ્યું.
એક વાત અહીં કહેવી છે કે અહીં સુધી બધું પેલા પગલાંના આધારે લીધેલા માપ પર નિર્ધારિત હતું અને એના પર જ અમે આગળ વધતા હતા. તમે કહી શકો કે નવી સદીમાં અને આધુનિક વિજ્ઞાનના સમયમાં કદાચ પહેલી વાર એવું બન્યું હશે કે આવું વિશાળ મંદિર ફુટ-સ્ટેપથી લીધેલા માપના આધારે બનવાની દિશામાં આગળ વધતું હતું. જ્યારે માઇક્રો મિલીમીટરનું માપ લેવું પણ સહેલું હોય ત્યાં તમે આ રીતે પગલાં થકી અંદાજિત માપ લઈને ચાલો એ તો કેવું કહેવાય. કોઈને પણ થાય કે એને લીધે અમારી આખી ટીમ ટેન્શનમાં હશે, પણ સાચું કહું તો ના, એવું જરા પણ નહોતું અને એનું કારણ વર્ષોનો અનુભવ અને વડીલો પાસેથી શીખવા મળેલું શિલ્પશાસ્ત્રનું જ્ઞાન. હા, બધેબધો જશ એને જ આપવો પડે.
જ્યારે અંદાજિત માપ મુજબ ચાલવાનું હોય એવા સમયે બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય. એક તો લેવામાં આવતા અંદાજિત માપમાં લાંબો ફરક ન રહેવો જોઈએ એટલે કે તમામ ડગલાંઓ એકસરખા માપનાં જ રહે એની કાળજી રાખવી જોઈએ. બીજું, જે ધ્યાન રાખવું જોઈએ તે એ કે લીધેલા માપને ક્યારેય વધારવું નહીં, એમાં સહેજ ઘટાડો કરવો, પણ અંદાજિત માપમાં ક્યારેય વધારો ન કરવો. કરેલો વધારો સુધારવો અઘરો છે, પણ કરવામાં આવેલા ઘટાડામાં તમે છેલ્લે શિલ્પકળા દ્વારા સુધારો કરી શકો છો અને એવું કામ કરી શકો જેને લીધે તૈયાર થયેલું એ શિલ્પ વધારે સારું દેખાય. જોકે અહીં તો રામલલ્લાના મંદિરની વાત હતી, એ રામમંદિરની વાત જેની સાથે દુનિયાભરના શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી હતી.
આ જ કારણે માપ લેતી વખતે પણ કાળજી રાખી હતી, તો ડિઝાઇન તૈયાર થયા પછી અને એના મૉડલને જનાદેશ મળ્યા પછી પણ વધુ એક વાર એ જ રીતે માપ લઈને અમે તમામ પ્રકારની તકેદારી રાખી, જેથી કોઈ બાબતમાં છટકબારી ન રહે. પરિણામ એ આવ્યું કે આખો મામલો કોર્ટમાં ગયો અને સ્થળ પર પ્રવેશબંધી જાહેર કરી દેવામાં આવી તો પણ રામલલ્લાના મંદિરનું કામ સહજ રીતે ચાલુ કરી શકાયું અને એ કામમાં ગતિ પણ લાવી શકાય.
તમે માનશો નહીં, પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો એ સમય સુધીમાં તો રામલલ્લાના મંદિરનું અંદાજે ૫૦ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું હતું! હા, ૫૦ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું હતું અને એ કામમાં તૈયાર થયેલું બધેબધું જમીન પર રાખવામાં આવ્યું હતું, કારણ કે પરમિશન નહોતી. ગણતરી એવી કરવામાં આવી હતી કે પરમિશન મળ્યા પછી એક જ વર્ષમાં મંદિર ઊભું કરવું. જોકે હવે એવું નથી થવાનું. કારણ કે કોર્ટે આપેલા ચુકાદા મુજબ જગ્યા વિશાળ મળી છે એટલે એ કૅમ્પસમાં ઘણું નવું કામ પણ કરવાનું છે, પણ હા, મંદિરના મૂળભૂત સ્ટ્રક્ચરમાં કોઈ વિશેષ ચેન્જ કરવામાં નથી આવ્યો. જગ્યા મોટી મળવાને કારણે આસપાસ નવું ડેવલપમેન્ટ થશે, પણ પહેલાં તૈયાર થયેલી ડિઝાઇનમાં એવો કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો જેને લીધે મૂળભૂત ડિઝાઇન બદલાય.
ફરી વાત કરીએ, ડિઝાઇન તૈયાર થયા પછીની પ્રક્રિયાની.
૧૯૯૨માં બાબરી ધ્વંસ થઈ એ પછી કામની ઝડપ વધી ગઈ હતી અને ૧૯૯૪ સુધીમાં તો ખાસ્સું કામ થયું, કારણ કે એ સમયે ચાર વર્કશૉપ શરૂ કરી દેવામાં આવી હતી, જે ૪માંથી ૩ રાજસ્થાનમાં ચાલતી હતી અને એક અયોધ્યા કાર્યશાળામાં શરૂ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એ સમયની વાત કરું તો એ સમય સુધી ગ્રાઉન્ડ ફ્લોરનું કામ બિલકુલ પૂરું થઈ ગયું હતું અને પહેલો માળ પણ તૈયાર થવાની તૈયારીમાં હતો. શિખર અને ગુંબજનું કામ આગળ વધતું હતું. હા, પ્લિન્થનું કામ બાકી હતું, પણ એ તો સ્વાભાવિક છે, કારણ કે અમારી પાસે જમીનનો કોઈ એવો ડેટા હતો નહીં જેના આધારે અમે એ કામ કરી શકીએ.