30 December, 2024 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દરેક માનવી સલામત થઈ જવા ઇચ્છે છે. એક જાણીતા ચિંતકે લખ્યું છે, ‘નેવર ડિસાઇડ ફૉર સિક્યૉરિટી, અધરવાઇઝ યુ વિલ ડિસાઇડ રૉન્ગલી. હુ કૅર્સ ફૉર સિક્યૉરિટી ઇફ ધેર ઇઝ લવ.’
અસલામત રહેવાની શીખ આપવા માટેનું આ વાક્ય છે. તમે જ્યારે સલામત રહેવાની ભાવના સાથે કોઈ નિર્ણય લો છો તો એ નિર્ણય ખોટો પડવાનો સંભવ વધારે છે. હંમેશાં પ્રેમની તરફેણમાં આવે એવા નિર્ણય લો. પ્રેમ હોય તો માણસ સુખ વિના પણ જીવી શકે. ધંધામાં પણ વધુ જોખમ લેનાર (ભલે અસલામતી અનુભવતો હોય) વધુ કમાતો હોય છે. ઉપદેશ ઘણો આકરો છે, ખાસ કરીને જગતમાં ઠેર-ઠેર સલામતીના સંસ્કાર અને વાતાવરણ હોય ત્યારે કોઈ અસલામતીમાં રહેવાનું અને પ્રેમ પર ભરોસો રાખવાનું કહે ત્યારે ઝટકો લાગે છે. દુનિયાભરની વીમા કંપનીઓ આ અસલામતીની ભાવનાનો લાભ લઈને, ડર બતાવીને કરોડો રૂપિયાનાં પ્રીમિયમ ઉઘરાવી રહી છે.
ઍલન વૉટ્સના પુસ્તક ‘વિઝડમ ઑફ ઇનસિક્યૉરિટી’માં લખ્યું છે કે આપણે જગતમાં માત્ર સુખના જ ગ્રાહક બની રહેવા માગીએ છીએ, પણ સુખનાં પગથિયાં ચડતાં-ચડતાં દુ:ખની પડછાટ ખાવા પણ તૈયાર રહેવું પડે છે. ભૌતિક સુખ માટે આયુર્વેદમાં લખ્યું છે, ‘તમારા પેટના અગ્નિને સાચવી રાખો, એ અગ્નિને ઠારો નહીં.’ અર્થાત્ ભૂખને પ્રજ્વલિત રહેવા દેવી જોઈએ. ભૂખ હોય એના કરતાં થોડું ઓછું ખાવું જોઈએ. જોકે હવે ભૂખ્યા રહેવામાં કોઈ માનતું નથી.
ભૌતિક સુખોનાં પોટલાં બાંધવાને બદલે દરેક ક્ષણે થોડુંક સુખ જતું કરવાથી એ સુખ દ્વિગુણિત થઈને મળે છે. સ્વાસ્થ્ય સારું હોય તો સંપત્તિ વિના પણ જીવી શકાય છે. એક ટંક ખાવાનું જતું કરવાથી બીજા ટંકે કકડીને ભૂખ લાગે છે.
વધુ સગવડોનું સર્જન સમાજના સુખમાં વધારો કરતાં નથી. બલકે તમામ નવી ચીજોની શોધ સાથે એ ચીજોમાંથી મળતા સંતોષની માત્રા ઘટતી જાય છે. ચાર રોટલી ખાધા પછી પાંચમી અને છઠ્ઠી રોટલીએ સ્વાદની માત્રા ઘટતી જ હોય છે. શરીરને અનુકૂળ ન હોય તો એકાદ ઉપવાસ કરી લેવો. ખાવાનું ન મળ્યું કે ભાવતું ન મળ્યું કે સમયસર ન મળ્યું એવું લાગે તો તપ કરવું (લોકો ઉપવાસને તપ માનતા હોય છે). હસતા મોઢે સહન કરવું એ પણ એક સાધના જ છે.
તમારી પાસે શું છે અને કેટલું છે એના પર નહીં પણ તમે કેટલું માણી શકો છો એના પર તમારા સુખનો આધાર છે.
આપણી પાસે નથી એ સમૃદ્ધિ મેળવવા માટે આપણે વલખાં મારીએ છીએ તો આપણે જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે આવી સમૃદ્ધિ-સગવડો હાંસલ થઈ ગયા પછી પણ આપણને સુખ મળશે ખરું?
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન.એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)