કોઈ વાતમાં અતિશયોક્તિ કરીને આપણે વાસ્તવિકતાને વિકૃત કરી દઈએ છીએ

14 June, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હકીકત તો એ છે કે જ્યારે આપણે વાતોને વગર કારણે મોટી કરીને રજૂ કરીએ છીએ ત્યારે એ આપણા અને સામેવાળાના મનમાં નકામી ગૂંચવણ પેદા કરે છે, અને આપણા સંબંધોમાં તનાવ પેદા થઈ જાય છે

પ્રતીકાત્મક તસવીર

આપણામાંથી એવું કોઈ પણ નથી જે પોતાનું જીવન વાસ્તવલક્ષી થઈને જીવતું હોય. આનું મૂળ કારણ છે આપણી અંદર છુપાયેલી અતિશયોક્તિ કરવાની ખરાબ આદત અથવા તો એમ કહીએ કે દરેક નાની વાતને મોટું રૂપ આપીને પ્રસ્તુત કરવાનું આપણું ખોટું આચરણ. આપણે કોઈ પણ વાતની અંદર મીઠું-મરચું ભભરાવ્યા વગર એને રજૂ કરી શકીએ છીએ? પછી એ ફિલ્મની વાર્તા સંભળાવતી વખતે અથવા તો પોતાની ઉપલબ્ધિઓ વિશે કોઈકને કહેતા ટાણે કે પછી કોઈકના અંગત જીવનનાં રહસ્યોને શૅર કરતી વખતે, આપણે કેટકેટલો પોતાનો મસાલો ભરી-ભરીને સામેવાળાને રસપ્રદ વાર્તા સંભળાવતા હોઈએ છીએ, ખરુંને? કારણ કે તથ્યોને મલ્ટિપ્લાય કરીને એને બઢાવી-ચઢાવીને પ્રસ્તુત કરવાનું સરળ છે અને એમાં મોટા ભાગના લોકો નિપુણ છે, પરંતુ તથ્યોને ખેંચી-ખેંચીને લાંબા કરવામાં એવું તે શું પ્રલોભન છે? શું વાસ્તવિકતા એટલી રસપ્રદ નથી કે આપણે એને લાંબી ખેંચવામાં પોતાનો તેમ જ અન્યોનો સમય બરબાદ કરીએ છીએ? કે પછી પોતાની વાતને ઘણા લોકો સુધી પહોંચાડવાની આ કોઈ નવી યુક્તિ છે? હકીકત તો એ છે કે જ્યારે આપણે વાતોને વગર કારણે મોટી કરીને રજૂ કરીએ છીએ ત્યારે એ આપણા અને સામેવાળાના મનમાં નકામી ગૂંચવણ પેદા કરે છે, અને આપણા સંબંધોમાં તનાવ પેદા થઈ જાય છે. આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે પણ આપણે કોઈ વાતમાં અતિશયોક્તિ કરીએ છીએ ત્યારે વાસ્તવિકતાને વિકૃત કરી દેતા હોઈએ છીએ અને આપણા આ કર્મને લોકો છેતરપિંડીના રૂપે જોવા માંડે છે જેના ફળસ્વરૂપે પછી આપણા જીવનમાં અવિશ્વાસ પેદા થઈ જાય છે જે અંતે આપણને બધાની નફરતના પાત્ર બનાવી દે છે. એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે ‘એક જૂઠાણું છુપાવવા માટે ૧૦૦ જૂઠાણાં બોલવા પડે છે’.

આ ગંભીર આદત છે જેને અમુક લોકો નિર્દોષ તેમ જ હાનિરહિત માને છે. આનો ઉપચાર કરવાની સરળ પદ્ધતિ કઈ? શું વર્ષોથી પડેલો અતિશયોક્તિ કરવાનો સંસ્કાર એટલી સરળતાથી નીકળી શકે ખરો? અનુભવ એમ કહે છે કે ક્યારેક લોકોને હસાવવા ખાતર અથવા તંગ વાતાવરણને થોડું હળવું કરવા માટે અતિશયોક્તિ કરવી ઠીક છે, પરંતુ હદની બહાર જઈને આ પ્રવૃત્તિ કરવી એ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. એક વાત યાદ રાખો કે આપણે પોતાની દરેક વાતને સિદ્ધ કરવા માટે એને બઢાવી-ચઢાવીને રજૂ કરવાની કંઈ જરૂર નથી. એના બદલે આપણે વાસ્તવવાદી બનવાનો અભ્યાસ કરવો જોઈએ. તો આજથી પ્રામાણિક અને ભરોસાપાત્ર બનવા ઉપર જોર આપો. આપ બધાના સન્માનના પાત્ર બની જશો. 

 

- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી (રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.)

columnists