મોંઘી સ્કૂલોનું ઘેલું કેટલું મોંઘું પડે છે માતા-પિતાને?

16 December, 2024 04:54 PM IST  |  Mumbai | Jigisha Jain

દરેક માતા-પિતાને એવું હોય છે કે બાળકને શ્રેષ્ઠ સ્કૂલમાં ઍડ્‍મિશન મળે. એના માટે તે ઘણી મહેનત કરીને પૈસો એકઠો કરીને પોતાની હેસિયતથી ઘણી ઉપરની સ્કૂલ પસંદ કરે છે.

હિન્દી મીડ્યમ ફિલ્મનું દ્રશ્ય

દરેક માતા-પિતાને એવું હોય છે કે બાળકને શ્રેષ્ઠ સ્કૂલમાં ઍડ્‍મિશન મળે. એના માટે તે ઘણી મહેનત કરીને પૈસો એકઠો કરીને પોતાની હેસિયતથી ઘણી ઉપરની સ્કૂલ પસંદ કરે છે, પરંતુ લાંબા ગાળે એનાથી ઘણું નુકસાન થાય છે. બાળક સાથે ભણતાં પૈસાદાર બાળકો સાથે થતી સતત સરખામણીમાં બાળક આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે એટલું જ નહીં, બાળક અને માતા-પિતા વચ્ચેનું અંતર પણ વધતું જાય છે. આજે સમજીએ કે બાળકની સ્કૂલ પસંદ કરતી વખતે બજેટ વિશે ધ્યાન રાખવું કેટલું જરૂરી છે

મારા બધા ફ્રેન્ડ્સ વેકેશનમાં ઇન્ડિયાની બહાર ફરવા જવાના છે. સાહિલ UK, રૉની દુબઈ અને નીલ સિંગાપોર. આપણે કેમ ઇન્ડિયાની બહાર ફરવા ન જઈ શકીએ? વેકેશનમાં આપણે હરી-ફરીને નાનાને ઘેર નવસારી જઈએ છીએ. આપણે કેમ આટલા ગરીબ છીએ?

 મમ્મી, મારા બધા ફ્રેન્ડ્સ મોટી-મોટી બર્થ-ડે પાર્ટીઝ કરે છે. આપણે હંમેશાં મારા બર્થ-ડે પર બધાને ઘરે બોલાવીએ છીએ. મારા ફ્રેન્ડ્સ મોઢા પર તો કશું કહેતા નથી પણ મને શરમ આવે છે એટલે હું આ વર્ષે તેમને ઘરે નાનકડી પાર્ટી આપી મારી રેપ્યુટેશન ખરાબ નથી કરવા માગતો. પાર્ટી કરવી હોય તો ગેમ ઝોનમાં કરીશું, બાકી નહીં.

 પપ્પા, તમે આ ખટારા ગાડી વેચીને એક નવી મર્સિડીઝ લઈ લો તો સારું. જો ન લેવાના હો તો મને આ ગાડીમાં સ્કૂલ મૂકવા ન આવો, હું સ્કૂલ-બસમાં જતો રહીશ. આ જૂની ગાડીના નામે મારા દોસ્ત મને ખૂબ ચીડવે છે.

આ તકલીફો એવાં બાળકોની છે જે એવી સ્કૂલોમાં ભણે છે જ્યાં તેમનાથી ઘણા વધુ ધનવાન ઘરોમાંથી આવતાં બાળકો ભણે છે. સમાજમાં દરેક પાસે સરખું ધન હોવું શક્ય જ નથી કે બધાને એકસરખી રીતે એજ્યુકેશન આપી શકાય. આ આદર્શવાદ મહાભારત સમયમાં પણ ચાલ્યો નહીં કારણ કે ગુરુ દ્રોણે તો એકલવ્યને સીધી ના પાડી દીધેલી કે તને હું નહીં ભણાવું, કારણ કે તું રાજકુમાર નથી. જોકે રાઇટ ટુ એજ્યુકેશનને લીધે આજે કોઈ સ્કૂલમાં કોઈ એકલવ્યને ભણવા માટે ના નહીં પાડી શકાય એ નિયમ હવે લાગુ પડ્યો છે, પરંતુ આજે એ વિચારવાનું છે કે એકલવ્ય જ્યારે કૌરવો અને પાંડવો સાથે ભણવા લાગે ત્યારે શું તકલીફો ઊભી થાય છે.

એક ગરીબ તેનો વર્તમાન બગાડીને પણ તેના ભવિષ્યનો મદાર જેના પર છે એ બાળકને ભણાવવા ઇચ્છે છે.  મિડલ ક્લાસ માતા-પિતાને એમ હોય છે કે આ ભણશે તો જીવનમાં કંઈક ઉકાળશે. અપર મિડલ ક્લાસ માતા-પિતાને એમ હોય છે કે અમે મહેનતથી આટલે પહોંચ્યાં પણ અમારા જેટલી સ્ટ્રગલ બાળકને ન કરવી પડે એટલે તેને પહેલેથી બેસ્ટ એજ્યુકેશન જ આપીએ. રિચ ક્લાસ માતા-પિતાને લાગે છે કે અમે એટલા પૈસા કમાયા છીએ કે બાળકને બધું જ બેસ્ટ આપી શકીએ. આમ સમાજમાં દરેક માતા-પિતા એવાં છે જેને પોતાના બાળકને શ્રેષ્ઠ સ્કૂલમાં જ ભણાવવું હોય છે, પરંતુ અહીં સૌથી મોટી અને જરૂરી બાબત છે ફી. પોતાની હેસિયત ન હોય એ છતાં બાળક માટે થઈને માતા-પિતા લોન લઈને કે ઉધારી કરીને કે કોઈ પણ રીતે બાળકને સારામાં સારી સ્કૂલમાં મૂકે છે.

બજેટ વિશે વિચારવું જરૂરી
આ વિશે સ્પષ્ટ વાત કરતાં કૉન્શિયસ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘જ્યારે બાળકને સ્કૂલમાં મૂકવાનું હોય છે ત્યારે સૌથી પહેલાં એક બજેટ નક્કી કરો જે ૧૨ વર્ષનું બજેટ ગણાશે. તમે અત્યારે મહિને એક લાખ બાળક પર સ્પેન્ડ કરી શકો છો એટલે તેને મોંઘી સ્કૂલમાં બેસાડશો અને ૪ વર્ષ પછી નહીં કરી શકો તો ઉઠાડી લેશો? એવું ન થઈ શકે. ભણવાનું બજેટ એવું હોવું જોઈએ જેના માટે તમારે ઉધારી ન કરવી પડે કે લોન ન જ લેવી પડે. સ્કૂલની ફી તમારા પર બર્ડન ન જ બને એનું ધ્યાન રાખવું જરૂરી છે. આપણે બધા જ જાણીએ છીએ કે સારી સ્કૂલોને કારણે કોઈ મહાન નથી બનતું. જે બાળકોનો આત્મવિશ્વાસ સારો છે, જેમની ટૅલન્ટને વિકસવાનો માર્ગ મળ્યો છે, જેમને ખરેખર જીવનમાં કંઈક કરવું છે એ જ બાળકો આગળ વધ્યાં છે. બાળકની સ્કૂલ પછી જો તમારી પાસે પૈસા વધે છે તો તેની સ્કિલ્સ ડેવલપ કરવામાં, જુદી-જુદી વસ્તુઓ શીખવામાં આ પૈસા વાપરવા વધુ હિતાવહ છે.’

કેવા પ્રૉબ્લેમ્સ નડી શકે?
જો તમારું બાળક કોઈ હાઇ-ફાઇ સ્કૂલમાં ભણે છે તો પ્રૅક્ટિકલી કેવા પ્રૉબ્લેમ્સ નડી શકે છે? પૈસાનું મહત્ત્વ નાની ઉંમરથી બાળકના મનમાં ઘુસાડવાની જરૂર ન હોવા છતાં એ ઘૂસી જાય છે. દરેક વસ્તુમાં સરખામણી, દરેક દુન્યવી બાબતને તે મહત્ત્વ આપતું થઈ જાય છે. ક્લાસનાં ૪૦માંથી ૩૦ બાળકો પાસે બ્રૅન્ડેડ વૉટર-બૉટલ હોય ત્યારે તેને પોતાની લોકલ શૉપથી ૨૦૦ રૂપિયામાં ખરીદેલી બૉટલથી પ્રૉબ્લેમ થવા લાગે છે. આ રીતે તેની અંદર હીનભાવના જન્મે છે, તેનો આત્મવિશ્વાસ તૂટે છે. આ સિવાય તેને લાગે છે કે મારા પપ્પા એટલું નથી કમાઈ રહ્યા એટલે પિતા માટે ફરિયાદ જન્મે છે. કોઈ બીજાનાં માતા-પિતા તેને વધુ સારાં લાગવા લાગે છે. પોતાના જીવનમાં બધું જ હોવા છતાં અભાવ સતત મહેસૂસ થાય છે અને એનું કારણ તેને તેનાં માતા-પિતા લાગે છે. પેઢીનું જે અંતર છે એ વધુ ઊંડું બને છે.’

તમે હીનતા અનુભવશો તો બાળકમાં આવશે
એ વાત સમજી શકાય છે કે આપણા લેવલ બહારની સ્કૂલમાં આપણું બાળક અને આપણે હેરાન થઈ શકીએ છીએ પણ બીજી હકીકત એ પણ છે કે દરેક સ્કૂલમાં કરોડપતિ ઘરોનાં બાળકો હોય જ છે. ૪૦માંથી ૩૦ નહીં તો ૧૦ હોય અને તમારા બાળકનું એ પરમ મિત્ર બની ગયું તો સરખામણી આવે વખતે તેની સાથે પણ થવાની જ છે. તો ત્યારે તેના પર થતી અસરનું શું કરીશું? એ વિશે વાત કરતાં ક્યુરિયસ પેરન્ટ્સના પ્રણેતા અને કઈ રીતે સ્કૂલ પસંદ કરવી એ બાબતે એક કોર્સ ચલાવતા હરપ્રીત સિંહ કહે છે, ‘તમે બાળકને કોઈ પણ સ્કૂલમાં મૂકો, તમારા બાળકને તમારી હેસિયતની જાણ તો તમારે કરવી જ પડે. દર છ મહિને કપડાં ખરીદવાં છે એ આપણા બજેટમાં છે, પણ બ્રૅન્ડેડ નહીં આવે એ આપણી લિમિટ છે આવું બાળકને પણ સમજાવવું જરૂરી છે. બીજી અત્યંત મહત્ત્વની વાત એ છે કે જ્યારે બાળક કહે છે કે તેના મિત્રના પપ્પા પાસે લેટેસ્ટ કારનું નવું મૉડલ છે અને આપણી પાસે તો દસ વર્ષ જૂની ગાડી છે તો આ વાતથી તમે કેટલા અસરગ્રસ્ત થાઓ છો? જો તમે પણ આ વાતને તમારી ખુદની ફેલ્યર ગણો છો તો બાળક ગણશે જ. જો તમે તેને કહેશો કે હા, હું જે કામ કરું છું એમાં આટલા રૂપિયા મળતા નથી પણ મને મારા કામથી ખૂબ ખુશી મળે છે અને ગાડીથી મને ફરક પડતો નથી તો બાળકને પણ નહીં પડે. પરંતુ તમને ફરક પડશે તો તેને વધુ પડશે. સાથે-સાથે તમે તેને એ પણ કહી શકો છો કે બેટા, તને એ ગાડી ગમતી હોય તો તું મહેનત કર, મોટો થઈને જ્યારે તું ખૂબ કમાઈશ ત્યારે આપણે એ લઈ લઈશું.’

માતા-પિતાની અંદર જે નાનપ હોય છે એ જ બાળકની અંદર હીનભાવ લાવે છે
નાનાં બાળકોને મોટી કે હાઇ-ફાઇ સ્કૂલોનું ઘેલું નથી હોતું, માતા-પિતાને હોય છે એમ જણાવતાં જાણીતા હાસ્યકલાકાર અને શિક્ષણવિદ સાંઈરામ દવે કહે છે, ‘માતા-પિતા બાળકની સ્કૂલ સાથે પોતાનું સ્ટેટસ જોડતાં થઈ ગયાં છે. પોતાના સોશ્યલ સર્કલમાં મારું બાળક તો ફલાણી સ્કૂલમાં ભણે છે એમ કહીને પોરસાવા માટે માતા-પિતાને આવી સ્કૂલો જોઈતી હોય છે, બાળક વિશે તેઓ વિચારતાં નથી. મારા મતે તો બાળકને એક-એક દિવસ જુદી-જુદી સ્કૂલમાં લઈ જવાય અને ત્યાં દિવસ પસાર કરીને પછી તેને જ્યાં મજા આવે એ સ્કૂલમાં તેને બેસાડાય, પણ આવા નિયમો આપણે ત્યાં બનતા નથી કારણ કે બાળક વોટ-બૅન્કમાં આવતું નથી. બીજી વાત એ કે તમે મધ્યમવર્ગીય છો એ વાતની તમારી અંદર નાનપ કેમ છે? તમારી અંદરની નાનપ જ બાળકની અંદર હીનભાવ લાવે છે. વળી બાળકને માગે એ નથી આપવાનું, તેને જરૂર છે એ આપવાનું છે. તેને ખુશ રહેતાં શીખવો, વસ્તુઓથી ઉપરછલ્લી ખુશી ખરીદો નહીં. તમારા ઘરના વાતાવરણની બહાર સ્કૂલમાં પણ તેને સ્નેહભરેલું, મોકળાશથી યુક્ત વાતાવરણ મળે, તેને જીવનના સાચા પાઠ શીખવા મળે એ જોવું જરૂરી છે; નહીં કે હાઇ-ફાઇ સુવિધાઓથી ગ્રસ્ત એક માળખું, જેમાં તે અને તેનો વિકાસ ગૂંગળાઈ જાય.’

Education hindi medium mumbai life and style columnists Jigisha Jain gujarati mid-day