18 January, 2023 08:37 AM IST | Mumbai | Rashmin Shah
પેરન્ટિંગ Solutions’ અને સાંઈરામ દવે
પહેલાં હાસ્યકલાકાર, પછી લોકકલાકાર અને એ પછી જીવનમાં અનેક નવા રંગો ઉમેરીને છેલ્લે કેળવણીકાર તરીકે પ્રસ્થાપિત થઈને જબરદસ્ત સફળતા હાંસલ કરનાર સાંઈરામ દવેએ તૈયાર કરેલી ‘પેરન્ટિંગ
Solutions’ની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ કે એમાં બાળકો પર માબાપ કેટલાં હાવી થઈ જાય છે એની વાત કરવામાં આવી છે તો સાથોસાથ માબાપે પોતાનાં બાળકોને પાયાથી સમજવા માટે શું કરવું જોઈએ એના વિશે સરળ શબ્દોમાં વાત કહી છે. સાંઈરામ દવે કહે છે, ‘આપણે એવું ધારીએ એ ખોટું છે કે માબાપને બધું આવડે, પણ સાથોસાથ આ જ વાત માબાપે પણ સમજવી જોઈએ કે એક માબાપ તરીકે તેમની પણ એટલી જ ઉંમર થઈ છે જેટલી તેમના સંતાનની થઈ છે. એટલે કે જેમ-જેમ બાળક મોટું થતું જાય છે એમ-એમ પેરન્ટ્સ પણ મોટા થતા જાય છે. જો કોરી પાટી મનમાં રાખીને બાળકોને તૈયાર કરવામાં આવે તો બાળકનો ઉછેર સર્વોત્તમ રીતે થાય અને હું કહીશ કે બાળકોનો ઉછેર સર્વોત્તમ રીતે થશે તો જ માબાપનું પણ ભવિષ્ય સિક્યૉર રહેશે.’
જૂજ લોકો જાણે છે કે સાંઈરામ દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. ગોંડલની સરકારી સ્કૂલમાં શિક્ષક બનેલા સાંઈરામને હંમેશાં થતું કે બાળકના ઘડતરમાં જેટલી જવાબદારી ગુરુની છે એટલી જ જવાબદારી તેનાં માબાપની પણ છે અને માબાપ એ વાતને ક્યાંક ને ક્યાંક ભૂલી રહ્યાં છે. સાંઈરામ દવે કહે છે, ‘મારો નિયમ છે કે ફરિયાદ નહીં, સૉલ્યુશન સાથે વાત કરવાની અને મને સૉલ્યુશનના ભાગરૂપે જ ‘પેરન્ટિંગ Solutions’નો વિચાર આવ્યો અને મેં એ લખવાનું નક્કી કર્યું.’
આ પણ વાંચો : વિચારો એ જ થવાનું હોય તો નાનું વિચારવું જ શું કામ?
‘પેરન્ટિંગ Solutions’ લખતાં પહેલાં સાંઈરામ હજારો બાળકો અને તેમનાં માબાપને મળ્યાં અને તેમની સાથે થયેલી વાતચીતના આધારે ‘પેરન્ટિંગ Solutions’નો ઢાંચો તૈયાર થયો.
શું કરવું બેસ્ટ પેરન્ટ્સ બનવા? | આ પાયાનો પ્રશ્ન છે અને કમનસીબે આપણે ત્યાં આ પાયો જ દૂર થતો જાય છે. સાંઈરામ કહે છે, ‘એક બાળકનું ઘડતર એટલે ભવિષ્યના એક નાગરિકનું ઘડતર જ લેખાય. ખલીલ જિબ્રાને કહ્યું છે કે બાળકોને તમારો પ્રેમ આપો, વિચારો નહીં અને આપણે ઊલટું કરવા માંડ્યા છીએ. બાળકોને વિચારો જ આપીએ છીએ અને પછી એ વિચારોનો અમલ થાય એ માટે અપેક્ષા રાખતા આપણે થોડા જડ થવા માંડીએ છીએ. પ્રેમની તો વાત જ સાવ બાષ્પીભવન થઈ ગઈ.’
‘પેરન્ટિંગ Solutions’ની સૌથી મોટામાં મોટી ખાસિયત જો કોઈ હોય તો એ કે એમાં ક્યાંય લાંબીલચક વાતો કરવામાં નથી આવી અને ક્યાંય ભારેખમ ભાષણો આપવામાં નથી આવ્યાં. માત્ર એ વાત કરવામાં આવે છે જે સાવ જ સામાન્ય અને પ્રમાણમાં અત્યંત નાની છે, પણ એક બાળકના ઘડતરમાં એનો બહુ મોટો ફાળો છે. પોતાના દરેક બીજા વાક્ય પર લોકોને ખડખડાટ હસાવી દેનારા સાંઈરામ દવે આ વિષય પર ભારોભાર ગંભીરતા ધરાવે છે. સાંઈરામ કહે છે, ‘આપણી શિક્ષણપ્રથાની તમે લાચારી જુઓ. આપણા દેશમાં આર્કિટેક્ટ કે ડૉક્ટર બનવા માટે પાંચ વર્ષનો કોર્સ છે, પણ સારાં માબાપ બનવાની રીત માટે આપણી શિક્ષણપ્રથામાં કોઈ સ્થાન જ નથી અને સમાજ-વ્યવસ્થા એવી થઈ ગઈ છે કે બાળકોને રેસકોર્સમાં ઉતારેલા ઘોડાની જેમ દોડાવવાં એ જ ધ્યેય બની ગયું છે. દરેક બાળક પોતાનામાં એક વિશિષ્ટ સ્કિલ લઈને આવ્યું છે અને એ સ્કિલ માબાપે ઓળખવી પડશે. રસ્તા પર ઑઇલ પેઇન્ટના લાલ-લીલા-પીળા ડબ્બા લઈને બેસી દુકાનોનાં બોર્ડ ચીતરતા પેઇન્ટરની ઇચ્છા પણ એમ. એફ. હુસેન અને અતુલ ડોડિયા જેવા વિખ્યાત પેઇન્ટર બનવાની જ હોય, પણ તેની કમનસીબી કે સાચા સમયે તેને સાચું માર્ગદર્શન મળ્યું નહીં અને તેની જિંદગી ફંટાઈ ગઈ. આપણે બિલાડી અને માછલીના સ્વભાવને ઓળખવો પડશે. બિલાડી જેમ દરિયો તરી ન શકે એમ માછલી ક્યારેય ઝાડ ન ચડી શકે અને ધારો કે આ વાત ન સમજીએ તો એ બેઉનો જીવ જાય. દરેક માબાપે પાયાની આ વાતને પારખવી પડશે અને જો એ પારખશે તો એ બાળક ખરેખર વિશ્વ-નાગરિક બનીને પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ પ્રદાન આપશે.’
સ્ટોરી શૉર્ટકટ
‘પેરન્ટિંગ Solutions’ની મોટામાં મોટી ખાસિયત એ છે કે એને MCQ ફૉર્મેટથી તૈયાર કરવામાં આવી છે. દરેક પેજ પર અમુક પ્રશ્નો છે, જેના જવાબ ‘હા’ અને ‘ના’માં આપવાના છે. આપવામાં આવેલા જવાબોના આધારે સાંઈરામ દવેએ ટિપ્સ આપી છે જેને ફૉલો કરવાની છે. સાંઈરામે આપેલી એ ટિપ્સ પણ ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટથી માંડીને દેશના ખ્યાતનામ શિક્ષણ કેળવણીકારોની મદદથી તૈયાર કરવામાં આવી છે. ‘પેરન્ટિંગ Solutions’ એ પેરન્ટ્સ માટે છે જેમનાં બાળકોની ઉંમર એકથી સાડાત્રણ વર્ષની આસપાસની છે. સાંઈરામના શબ્દોમાં કહીએ તો એવાં માબાપ માટે જેમનાં બાળકો ઍક્ટિવિટી કરતાં થયાં છે. બાળકોની ઍક્ટિવિટી તેમના સ્વભાવ, વર્તણૂક અને તેમની મનોસ્થિતિ દર્શાવતી હોય છે. જો નાની ઉંમરે એ પારખવામાં આવે તો બાળકનો ભવિષ્યનો પાથ સર્વોચ્ચ રીતે શોધી શકાય અને તેનું ફ્યુચર એ દિશામાં કંડારી શકાય.