હૉલીવુડ કરતાં અનેકગણું મોટું માર્કેટ બૉલીવુડ, છતાં ૧૦૦ કરોડ રૂપિયાની ખુશી?

17 December, 2022 01:20 PM IST  |  Mumbai | Manoj Joshi

આપણે મનોરંજનના નામે ફિલ્મ સિવાય ભાગ્યે જ કોઈ એવી બાબતમાં રસ લઈએ છીએ જે તમારા સમયનું વળતર આપે અને એ પછી પણ આપણે ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે તો રાજીના રેડ થઈ જઈએ અને ખુશી-ખુશી એની જાહેરાતો કરીએ. 

પ્રતીકાત્મક તસવીર

આ હકીકત તમારે સમજવી હોય તો સૌથી પહેલાં તમારે તમારા દેશનું પૉપ્યુલેશન જોવું જોઈએ. પૉપ્યુલેશનની બાબતમાં દુનિયામાં બીજા નંબરે આપણે એટલે કે હિન્દુસ્તાન છે અને એ રીતે જોઈએ તો હૉલીવુડ કરતાં પણ મોટું અને રેડીમેડ માર્કેટ આપણી પાસે છે. બીજી વાત, હૉલીવુડ પાસે મનોરંજનના નામે માત્ર ફિલ્મો નથી. એ અલગ-અલગ સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે તો ટ્રાવેલિંગ પણ તેમનો શોખ છે, ઍડ્વેન્ચરમાં પણ માને અને ક્લબ-કલ્ચર પણ ત્યાં જબરદસ્ત વિકસ્યું છે. જ્યારે આપણે, આપણે મનોરંજનના નામે ફિલ્મ સિવાય ભાગ્યે જ કોઈ એવી બાબતમાં રસ લઈએ છીએ જે તમારા સમયનું વળતર આપે અને એ પછી પણ આપણે ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે તો રાજીના રેડ થઈ જઈએ અને ખુશી-ખુશી એની જાહેરાતો કરીએ. 

જરા વિચારો કે આ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબ કેટલા અંશે વાજબી. ખાસ તો ત્યારે જ્યારે ફિલ્મ ૬૦-૭૦ કરોડ રૂપિયામાં બની હોય અને એણે ગ્રોસ બિઝેનસ ૧૦૦ કરોડ રૂપિયાનો કર્યો હોય. આ ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ એ ખરા અર્થમાં મુદ્દલ પાસે પહોંચ્યો ન કહેવાય, પણ આપણે દેખાદેખી કરવામાં અને બીજાની આંખો આંજવાનું જ કામ કરીએ છીએ અને એટલે જ આપણને એ બધાનો પણ આનંદ મળે છે, પણ મારી દૃષ્ટિએ બૉલીવુડ હજી ઘણું પાછળ છે. ખાસ કરીને બિઝનેસની બાબતમાં. જ્યારે આપણી ફિલ્મ ૩૦૦ અને ૪૦૦ કરોડ રૂપિયાના બિઝનેસથી સંતોષ માનશે ત્યારે આપણે સાચા અર્થમાં હૉલીવુડના સ્તરની ફિલ્મ બનાવતા થઈશું અને આપણે ક્વૉલિટીમાં એ લેવલ પર પહોંચીશું. નાના બજેટની ફિલ્મનું સેલિબ્રેશન ૧૦૦ કરોડ રૂપિયા પર હોય તો સમજી શકાય, પણ ખાનબંધુઓ કે પછી કપૂર-કુમારની ફિલ્મોનું બજેટ જ ૧૦૦ કરોડ રૂપિયા ઉપર હોય છે અને કેટલીક ફિલ્મો તો એનાથી પણ આગળ હોય છે, ત્યારે તમે ૧૦૦ કરોડ રૂપિયાના બિઝનેસ પર કેવી રીતે રાસડા લેવા માંડો. સંજય ભણસાલી કે રોહિત શેટ્ટીની ફિલ્મો માટે ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબના ન્યુઝ આવે એ ગેરવાજબી ગણાય, તેમની ફિલ્મ જ ૧૫૦-૨૦૦ કરોડ રૂપિયાની હોય છે. 

મૂળ તો ફિલ્મ અને બિઝનેસ વચ્ચે કોઈ જાતનો તાલમેલ હોય અને એવી સરખામણીઓ થાય એ વાત જ ગેરવાજબી કહેવાય. આ કરોડ-ક્લબ જન્મી ત્યારથી ફિલ્મ અને સિનેમા નહીં, પણ પ્રોજેક્ટનાં સર્જન થવા માંડ્યાં અને પ્રોજેક્ટ બનવા માંડ્યા એમાં જ સિનેમાની ઘોર ખોદાઈ ગઈ. સારું અને તંદુરસ્ત સિનેમા અકબંધ રહે એ જરૂરી છે તો સાથોસાથ એ પણ એટલું જ જરૂરી કે ફિલ્મ બિઝનેસ કરે. જો ફિલ્મ બિઝનેસ કરે તો જ પ્રોડ્યુસર ટકશે અને પ્રોડ્યુસર ટકશે તો જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અકબંધ રહેશે.

અત્યારે કૉર્પોરેટ સેક્ટર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યું છે, પણ એ આવ્યા પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ધોળા દિવસે તારા દેખાય એવી ફી લોકો માગવા માંડ્યા છે. યાદ રાખજો કે લગ્નનો ખર્ચો કન્યાની કેડે અને સસરાના ખિસ્સા પર હોય. જો એ ખર્ચ નીકળવાનો ન હોય તો એ ફિલ્મનો કોઈ અર્થ નથી. ફિલ્મ બનાવવાનું કામ હવે બજેટ સાથે બંધાવું જોઈએ એવું મને લાગે છે અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પણ સૌકોઈ એવું માને છે.

columnists manoj joshi